Team Chabuk : રાજા વિક્રમાદિત્ય જ્ઞાનના ખૂબ મોટા પારખું હતા તથા જ્ઞાનીઓની ખૂબ જ કદર કરતાં હતાં. તેમણે પોતાના દરબારમાં પોતે પસંદ કરીને વિદ્રાનો, પંડિતો, લેખકો અને કલાકારોને જગ્યા આપી હતી. એ તેમના અનુભવ અને જ્ઞાનનું ભરપૂર સન્માન કરતાં હતાં.
એક દિવસ તેઓ વનમાં વિચરણ કરી રહ્યા હતા. એટલામાં એમના કાનમાં બે માણસોની વાત અથડાય. તેમને ખબર પડી ગઈ કે આ બેમાંથી એક જ્યોતિષ છે. આ બેઉંની વાત સાંભળવા તેમણે માથા પર ચંદનનો ટીકો લગાવ્યો અને ગાયબ થઈ ગયા.
જ્યોતિષે તેના મિત્રને કહ્યું, ‘મેં જ્યોતિષ વિદ્યાનું તમામ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. હવે હું તારા ભૂતકાળ અને ભવિષ્યકાળ વિશે તમામ વાતો જણાવી શકું છું.’
જ્યોતિષ વિદ્યાનો પૂરાવો આપવા થનગની રહેલા જ્યોતિષ મિત્રની વાતમાં રસ ન લેતા તેનો મિત્ર કહી રહ્યો હતો, ‘તું મારા ભૂત અને ભવિષ્ય વિશે માહિતગાર હોવાથી જણાવી શકે છો. પણ મારે મારું ભવિષ્ય જાણવાની કોઈ ઉત્કંઠા નથી. સારું તો એ જ છે કે તું તારું જ્ઞાન તારા સુધી જ સિમિત રાખ.’
મિત્રએ અણગમો પ્રગટ કર્યો પણ તેનો જ્યોતિષ મિત્ર ક્યાં રોકાવાનો હતો. એ બોલ્યો, ‘આ જેમ તેમ જમીન પર ઢગલો થયેલા હાડકાને જો છો ? હું આ જાનવરોના હાડકાઓ જોઈને જ બતાવી શકું છું કે આ કયા જાનવરોના હાડકા છે અને તેમની સાથે શું શું થયું હતું ?’
હવે જ્યોતિષ કોઈ જાદુનો ખેલ શરૂ કરવાનો હોય તેમ વાત માંડીને બેઠો, પણ જેને રસ જ ન હોય તેને શું. તેના મિત્રએ ફરી અણગમો દર્શાવ્યો. જ્યોતિષને તો ગમે તે ભોગે પોતાની બેનમૂન વિદ્યાનો પરચો બતાવવો જ હતો. એ વિદ્યા શું કામની જે બતાવી ન શકાય. જ્યોતિષ આસપાસ નજર કરી રહ્યો હતો કે હવે કેવી રીતે તેના મિત્રને પોતાની વાતમાં લેવો અને વિદ્યાનો પરચો બતાવવો. એટલામાં તેની નજર જમીન પર પડેલા પદચિહ્ન પર ગઈ. એ બોલી ઉઠ્યો, ‘આ પદચિહ્ન કોઈ રાજાના છે અને સત્યતાની તપાસ તું પોતે કરી શકે છો. જ્યોતિષ વિદ્યા અનુસાર રાજાના જ પગ હોય છે જેમાં કમળનું ચિન્હ હોય છે. જે અહીં સ્પષ્ટ રૂપથી દેખાઈ રહ્યું છે.’
હવે તો જ્યોતિષનો મિત્ર પણ કંટાળ્યો હતો. થાકીને તેણે નિર્ણય લીધો કે સત્યતાની તપાસ કરી જ લઈએ જેથી પીછો છૂટે. બાકી આ બોલતો જ રહેશે. પદચિહ્નનું અનુસરણ કરતાં કરતાં તેઓ જંગલની અંદર આવી ગયાં. જ્યાં પદચિહ્ન સમાપ્ત થતાં હતાં ત્યાં એક કઠિયારો હતો. એ એક વૃક્ષ કાપી રહ્યો હતો. જ્યોતિષે તેની નજીક જઈ તેના પગ દેખાડવાનું કહ્યું. કઠિયારાએ તેના પગ દેખાડ્યા તો તેનું મગજ ભમી ગયું. કઠિયારાના પગમાં કમળનું ચિહ્ન હતું. જ્યોતિષ તો માની જ નહોતો શકતો કે તેની વિદ્યા ખોટી છે. પ્રમાણ માટે તેણે કઠિયારાને જ પૂછ્યું, ‘તું રાજા જ છો ને ? વેશપલટો કરીને જંગલમાં રખડી રહ્યો છો ને ?’
કઠિયારાએ જવાબ આપ્યો, ‘કોણ રાજા ? કેવો રાજા ? મારો તો જન્મ જ કઠિયારાઓના પરિવારમાં થયો છે. મારું તો આખું ખાનદાન જ આ ધંધા સાથે સંકળાયેલું છે. લાકડા કાપીએ છીએ અને કોઈને મકાન બનાવવા, કોઈને તાપણું કરવા, કે કોઈને હોડી બનાવવા જોઈએ તો આપીએ છીએ. હું અને રાજા ?’ એ ખડખડાટ હસવા લાગ્યો. જ્યોતિષના કાને જ્યારે તેનું અટ્ટહાસ્ય પડ્યું તો તે ક્ષોભિત થઈ ગયો. તેના મિત્રની તરફ મોઢું પણ નહોતો ફેરવી રહ્યો.
પરિસ્થિતિવશ લાકડા કાપવાનું કામ કરતો હશે તેવી જ્યોતિષની માન્યતા પર પાણી ફરી વળ્યું. તેનો વિશ્વાસ તેના જ્ઞાન પરથી ઉઠી ગયો. તેનો મિત્ર પણ તેનો ઉપહાસ કરવા લાગ્યો. જ્યોતિષને ગુસ્સો આવ્યો, ‘ચાલ આપણે મહારાજા વિક્રમાદિત્યના પગને જોઈએ. જો તેમના પગમાં પણ કમળનું ચિહ્ન હશે તો હું માનીશ કે મારી જ્યોતિષ વિદ્યા સાચી નહીંતર મારો જ્યોતિષ વિદ્યા પરથી ભરોસો ઉઠી જશે.’
કઠિયારાને તેના કામ પર છોડી એ વનમાંથી ઉજ્જૈન નગરી તરફ જવા લાગ્યા. ઘણું ચાલ્યા બાદ તેઓ રાજમહેલ પહોંચ્યા. વિક્રમાદિત્ય સાથે મુલાકાત કરવાની વાત કહી.
વિક્રમાદિત્ય સામે આવતા જ જ્યોતિષ ઉત્સાહમાં બોલી ગયો, ‘મહારાજા જરા આપનો પગ બતાવવાનો કષ્ટ કરશો?’
વિક્રમાદિત્યએ પણ મોજડી કાઢી તેને પગ બતાવ્યો. જ્યોતિષ તેમના પગ જોઈ દંગ રહી ગયો. વિક્રમાદિત્યનાં પગ પણ સાધારણ મનુષ્યના પગ જેવા જ હતા. પગમાં આડી અને ઊભી રેખાઓ અંકિત થયેલી હતી. કોઈ કમળનું ચિહ્ન ન હતું. જ્યોતિષને એ જ ક્ષણે જ્યોતિષ વિદ્યા પર જ નહિ પરંતુ જ્યોતિષ શાસ્ત્ર પર જ શંકા ઉપજી. તેણે રાજાને કહ્યું, ‘જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે કમળનું ચિહ્ન જેના પગમાં હોય એ વ્યક્તિ રાજા હોય જ પણ અહીં તો તે બિલકુલ ખોટું સાબિત થઈ રહ્યું છે. જેના પગમાં મેં આ ચિહ્ન જોયું તે કઠિયારો છે. દૂર દૂર સુધી તેનો સંબંધ કોઈ રાજઘર સાથે નથી. તે ખૂદ કહે છે કે મારી તો પેઢીઓની પેઢી આ વ્યવસાય સાથે સંકળાયેલી છે. એ પેટ ભરવા માટે આખો દિવસ કાળી મજૂરી કરે છે અને કોઈ પણ સુખ સુવિધા તેની પાસે નથી. બીજી બાજુ તમે છો. એ કઠિયારાથી વિપરિત. જેના ભાગ્યમાં તમામ વસ્તુઓ છે. તમે ચક્રવર્તી સમ્રાટ છો. તમે મહાન છો. રાજાધિરાજ છો. ને છતાં તમારા ચરણમાં કમળનું ચિહ્ન નથી.’
રાજા તો પોતાનું હાસ્ય રોકી ન શક્યા અને પૂછ્યું, ‘શું તમારો વિશ્વાસ તમારા જ્ઞાન અને વિદ્યા પરથી ઉઠી ગયો છે ?’
જ્યોતિષે જવાબ આપ્યો, ‘બિલકુલ. મને તો હવે ક્ષણવાર પણ વિશ્વાસ નથી.’ આટલું બોલી તેણે રાજા પાસેથી વિદાય લેવા અનુમતિ લીધી અને મિત્ર જે હજુ મરક મરક હસી રહ્યો હતો તેની સામે જોઈ ચાલતી પકડવાનો ઈશારો કર્યો.
એ જતા હતા ત્યાં રાજાએ તેમને રોક્યા. રાજાનો અવાજ પાછળથી કાને પડતા બેઉં રોકાઈ ગયા. રાજાએ એક ચાકુ મંગાવ્યું અને પગની ચામડી ઉતારવા લાગ્યા. જ્યારે ચામડી ઉતરી ગઈ તો અંદરથી કમળનું ચિહ્ન નીકળ્યું.
જ્યોતિષની આંખો ફાટેલી જોઈ રાજાએ કહ્યું, ‘હે જ્યોતિષ મહારાજ તમારા જ્ઞાનમાં કોઈ ઓછપ નથી. પણ તમારું જ્ઞાન ત્યાં સુધી અધૂરું રહેશે જ્યાં સુધી તમે તમારા જ્ઞાનના ડિંગા આખી નગરીમાં હાંકતા રહેશો. એ જ્ઞાન સાચું છે તેની તપાસ કરતાં રહેશો. મેં તમારી વાત સાંભળી લીધી હતી. જંગલમાં જે કઠિયારો તમને મળ્યો તે પણ હું જ હતો. તમારી વિદ્વતાની પરીક્ષા લેવા માટે મેં મારા પગ પર નકલી ચામડી પહેરી લીધી હતી. જેથી કમળની આકૃતિ ઢંકાઈ જાય. કમળની આકૃતિ ન જોઈને આપનો તો આપની વિદ્યા પરથી જ વિશ્વાસ ઉઠી ગયો. આ સારી વાત નથી.’
જ્યોતિષ મહારાજા વિક્રમાદિત્યના પગને એકધારો જોતો રહ્યો.
(ક્રમશ:)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત