Homeતાપણુંશું ભાજપે જીતુ વાઘાણીને કદ પ્રમાણે વેંતરી નાખ્યાં ?

શું ભાજપે જીતુ વાઘાણીને કદ પ્રમાણે વેંતરી નાખ્યાં ?

Team Chabuk-Political Desk: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાત ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપની સ્ટાર પ્રચારકોની યાદીમાં કુલ 20 લોકોનો સમાવેશ કરાયો છે. જેમાં કેન્દ્રીય મંત્રીથી લઈને પૂર્વ ધારાસભ્યને પણ સમાવવામાં આવ્યા છે. સ્ટાર પ્રચારકોની યાદીમાં કેન્દ્રમાંથી એક નામ રાખવામાં આવ્યું છે. જે છે સ્મૃતિ ઈરાનીનું. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક બનીને મતદારોને રિઝવવા નીકળશે. તો આ યાદીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા એવા પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને પણ સ્થાન મળ્યું છે.

ભાજપે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણમેદાનમાં પ્રચાર માટે ફોજ ઉતારી છે. કુલ 20 નેતાઓને સ્ટાર પ્રચારક તરીકે ભાજપે જાહેર કર્યા છે. આ તમામ સ્ટાર પ્રચારકો આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ સરકારના કાર્યો અને એજન્ડા લઈને પક્ષનો પ્રચાર કરશે.

ભાજપના સ્ટાર પ્રચારકો

સ્ટાર પ્રચારકોમાં કોણ કોણ છે તેની જો વાત કરીએ તો, સૌથી પહેલું નામ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું છે. આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય કેબિનેટ મંત્રી સ્મૃતિ ઇરાની, ભાવનગરના સાંસદ અને રાષ્ટ્રીય ભાજપના ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ગુજરાત ભાજપના જનરલ સેક્રેટરી ભીખુ દલસાણીયા, ગુજરાત ભાજપના ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા, રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યના વન મંત્રી ગણપત વસાવા, રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુવરજી બાવળિયા, આઈ.કે. જાડેજા, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદ જશવંતસિંહ ભાભોર, રાજ્યસભા સાંસદ નરહરિ અમીન, શંભુપ્રસાદ ટુંડીયા, ગુજરાત ભાજપ મહિલા મોરચાના પ્રમુખ જ્યોતિબેન પંડ્યા, રાજ્યના પૂર્વ મંત્રી રણછોડ રબારી અને પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના નામનો સમાવેશ કરાયો છે.

કેન્દ્રીય કેબિનેટ મંત્રી સ્મૃતિ ઇરાનીને ભાજપે થોડા સમય પહેલાં યોજાયેલી આઠ બેઠકની પેટાચૂંટણીમાં પણ સ્ટાર પ્રચારક તરીકે મેદાને ઉતાર્યા હતા. જેનો લાભ ભાજપને થતાં ભાજપે આઠેય બેઠકો પોતાના નામે કરી લીધી હતી. ત્યારે ફરી વખત ભાજપ આ જ સ્ટ્રેટેજી અપનાવીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ સ્મૃતિ ઇરાનીને સ્ટાર પ્રચારકની યાદીમાં રાખ્યા છે.

અલ્પેશ ઠાકોરના નામથી આશ્ચર્ય!

કોંગ્રેસમાંથી રાધનપુર બેઠક પરથી 2017માં ચૂંટણી જીતીને ધારાસભ્ય બનેલા અલ્પેશ ઠાકોર હાલ ભાજપમાં છે. પરંતુ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ ફરી ચૂંટણી લડ્યા પરંતુ હારી જતાં અલ્પેશ ઠાકોર ગાયબ થઈ ગયા હતા. ભાજપમાં તેમની સક્રિયતા ઓછી થઈ ગઈ હતી. પરંતું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા ભાજપે ફરી અલ્પેશ ઠાકોરને સક્રિય કરવાનો પ્લાન બનાવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઠાકોર સમાજના પ્રભુત્વ ધરાવતા મત વિસ્તારમાં પ્રચાર માટે ભાજપ અલ્પેશ ઠાકોરને મોકલી શકે છે. રાજકીય નિષ્ણાતોનું માનીએ તો ભાજપથી નારાજ અલ્પેશ ઠાકોરને મનાવવાનો પણ આ પ્રયાસ હોઈ શકે છે.

જીતુ વાઘાણી કપાયા

અલ્પેશ ઠાકોરની જેમ જીતુ વાઘાણી પણ ઘણા સમયથી ગાયબ છે. પ્રદેશ પ્રમુખની ટર્મ પૂર્ણ થયા બાદ ભાજપે સી.આર.પાટીલને ગુજરાત ભાજપની કમાન સોંપી છે. કહેવાઈ રહ્યું છે કે ભાજપે જીતુ વાઘાણીને કદ પ્રમાણે વેંતરી નાખ્યા છે. જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં 2017ની વિધાનસભા ચૂંટણી જીતનાર ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીતુ વાઘાણીને સ્ટાર પ્રચારકોની યાદીમાં પણ સ્થાન નથી આપ્યું. જીતુ વાઘાણીને ભાજપે સાઈડલાઈન કરી દીધા હોવાનો ગણગણાટ પક્ષના કાર્યકરો અને રાજકીય ગલીઓમાં ચાલી રહ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments