Team Chabuk : એક વખત વિક્રમાદિત્ય યજ્ઞની તૈયારી કરી રહ્યા હતા. એ યજ્ઞમાં તેઓ ચંદ્ર દેવને આમંત્રિત કરવા માગતા હતા. ચંદ્રદેવને આમંત્રણ આપવા કોણ જાય તેના મહાનિષ્કર્ષ બાદ મહામંત્રીની પસંદગી કરવામાં આવી. મહામંત્રીને બોલાવી તેમણે ચર્ચા કરી ત્યાં મહામંત્રીના ઘરનો નોકર ત્યાં આવીને ઊભો રહી ગયો. મહામંત્રીએ તેને જોયો ત્યાં જ ખબર પડી ગઈ કે કંઈક ગડબડ છે. નહીંતર નોકરને અહીં સુધી શા માટે લાંબા થવું પડે. મહામંત્રી નોકરની નજીક આવ્યો. નોકર તેમના કાનમાં ગણગણ્યો. નોકરની વાત સાંભળતા જ મહામંત્રીનું મોઢું ઉતરી ગયું અને તેણે તત્ક્ષણ મહારાજને પ્રણામ કરી વિદાય લીધી.
વિક્રમાદિત્યને મહામંત્રીનાં મોઢા પરની વ્યથા દેખાય ગઈ. અચાનક ચાલ્યા જવાથી તેમને કંઈક કષ્ટ હોવાની ભ્રાન્તિ થઈ ગઈ. તેમણે નોકરને પૂછ્યું, ‘સેવક મહામંત્રીનાં જવાનું કારણ શું ?’
મહામંત્રીની વિદાય બાદ ઊભેલા નોકરને તો ખબર જ નહોતી કે વિક્રમાદિત્ય આવો સણસણતો સવાલ પૂછી લેશે. એ તો દ્રિધામાં પડ્યો અને બોલતા પણ તેની જીભ લથડાવા લાગી.
રાજા ઉગ્ર થયા અને પૂછ્યું તો નોકરે કહ્યું, ‘મહારાજ આ સત્યતા તમે જાણશો તો તમારા યજ્ઞમાં વિઘ્ન આવશે. યજ્ઞ નહીં થાય જેથી આપ ન જાણો એ જ આપના માટે ઉચિત છે.’
‘નહીં, મહામંત્રી મારો પરમ સ્વામીભક્ત છે. તેનું કષ્ટ એ મારું કષ્ટ છે. તું જણાવ.’
વિક્રમાદિત્યના હુકમની આગળ નતમસ્તક થતાં નોકરે જણાવ્યું, ‘મહામંત્રીની એક માત્ર પુત્રી છે. લાંબા સમયથી તે બીમાર છે. તેની બીમારીને ઠીક કરવા માટે તેમણે એક એક વૈદ્યને બોલાવ્યા પણ કંઈ ફર્ક પડતો નથી. કોઈ ચિકિત્સા તેની માંદગી દૂર નથી કરી શકતી. દુનિયાની દરેક ઔષધી તેને આપવામાં આવી છે પણ બીમારી છે કે ઠિક થવાનું નામ નથી લઈ રહી. હવે તેની બીમારી એ હદ સુધી ફેલાઈ ચૂકી છે કે ગમે ત્યારે તે મૃત્યુ પામે.’
વિક્રમાદિત્યએ જ્યારે આ સાંભળ્યું ત્યારે વ્યાકુળ થઈ ગયા. તેમણે રાજવૈદ્યને બોલાવ્યો અને પૂછ્યું, ‘રાજવૈદ્ય મહામંત્રીની પુત્રીની ચિકિત્સા કરી કે નહીં?’
રાજવૈદ્યએ કહ્યું, ‘મહારાજા, મહામંત્રીની પુત્રીની બીમારીનું નિવારણ એક માત્ર ખ્વાંગ બુટીથી જ થઈ શકે છે. એ બુટીને શોધીને લાવવામાં તો મહિનાઓ પસાર થઈ જશે. એટલામાં તો મહામંત્રીની પુત્રી પણ મૃત્યુ પામશે.’
રાજવૈદ્યની વાત સાંભળીને મહારાજા વિક્રમાદિત્યએ કહ્યું, ‘તને એ જગ્યાની ખબર છે જ્યાં આ બુટી મળે છે ?’
રાજવૈદ્યએ જવાબ આપ્યો, ‘આ બુટી નીલરત્નગિરીની ઘાટીઓમાંથી પ્રાપ્ત થાય છે, પણ ત્યાં સુધી પહોંચવું ખૂબ જ આકરું છે. રસ્તામાં ભયંકર સર્પ, વીંછી અને હિંસક જાનવરો ભરેલા પડ્યાં છે.’
‘એ બુટીની ઓળખ શું ?’ મહારાજાએ પૂછ્યું.
રાજવૈદ્યએ પુષ્પની માહિતી આપતા જણાવ્યું, ‘આ પુષ્પ અડધું વાદળી અને અડધું પીળું હશે. તેનાં પાંદડા લાજવન્તીના પાંદડાની માફક સ્પર્શ કરવા જતા સંકોચાય જશે.’
વિક્રમે યજ્ઞની વાત ત્યજીને ખ્વાંગ બુટી શોધવાના આકરા કામમાં જવાનો નિર્ણય લીધો. તેમણે બે હાથ જોડી કાલી દ્વારા આપવામાં આવેલા બંને વેતાલનું સ્મરણ કર્યું. વેતાલ તેમને તુરંત જ નીલરત્નગિરીની તરફ લઈ ગયા. પહાડી પર મહારાજાને ઉતારી બંને વેતાલ અદૃશ્ય થઈ ગયા.
પહાડીની ઘાટીઓમાં ચારે બાજુ અંધકારનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાં ગીચ જંગલ હતું. રાજા આગળ વધતા રહ્યા. એકાએક તેમના કાને સિંહની ગર્જના પડી. એ સાવધ થાય એ પહેલા જ સિંહે તેમના પર આક્રમણ કરી દીધું.
રાજાએ વિજળીની માફક સ્ફૂર્તિ દેખાડીને સ્વ બચાવ કરી લીધો. જોકે સિંહે રાજાની ભુજાને ઘાયલ કરી દીધી હતી. સિંહે બીજી વખત રાજા પર ઠેકડો માર્યો તો રાજાએ પોતાની તલવારથી તેને હણી નાખ્યો.
સિંહને મારી રાજા આગળ વધ્યા તો વિષધારી સાપ મળ્યા. વિક્રમાદિત્ય ડર્યા નહિ. પ્રાણઘાતક સાપો પર પથ્થરો ફેંકીને દૂર હડસેલી દીધા.
આગળ વધતા રસ્તામાં તેમને લાગ્યું કે હવામાં તે તરી રહ્યા છે. ધ્યાનથી જોયું તો દૈત્યાકાર અજગર દેખાયો. એ સમજી ગયા કે અજગર તેને પોતાના મોઢાની હવાથી ખેંચી આરોગવા જઈ રહ્યો છે. એ અજગરની તરફ ખેંચાઈ ગયા. તેના પેટમાં પહોંચતા જ તલવારના વારથી અજગરનું પેટ ફાડી નાખ્યું અને બહાર નીકળી ગયા.
સિંહ, સાપ અને અજગરનો મુકાબલો કર્યા પછી વિક્રમાદિત્ય થાકી ગયા હતા. અંધારું થવામાં હતું. રાજાએ નિર્ણય લીધો કે વૃક્ષ પર ચડીને વિશ્રામ કરું.
સવાર પડતાં જ રાજા ખ્વાંગ બુટીની શોધમાં જંગલમાં ભટકવા લાગ્યા. આખો દિવસ રઝળપાટમાં વિત્યો પણ ક્યાંય ખ્વાંગ બુટી ન મળી.
બે દિવસની જહેમત બાદ થાકીને તેમણે કહ્યું, ‘ચંદ્રદેવ મદદ કરેત! તો કેટલું સારું હોત!’
ચંદ્રદેવનું નામ લેતા જ ચમત્કાર થઈ ગયો. ઘાટીમાં દૂધ જેવી સફેદ ચાંદની ફેલાઈ ગઈ. અન્ધકાર ગાયબ થઈ ગયો. તમામ વસ્તુઓ એવી રીતે દેખાવા લાગી જાણે અજવાળું હોય. થોડે આગળ જતા જ રાજવૈદ્યએ કહ્યું હતું એવી એક જાળી દેખાય. તેમાં આકાશી રંગ અને પીળા કલરના ફુલો હતાં.
વિક્રમાદિત્યએ તેની નજીક જઈ પાંદડા અડક્યા તો લાજવંતીની માફક પાંદડા સંકોચાય ગયા. તેમને આશ્ચર્ય ન થયું, કારણ કે રાજવૈદ્યએ તેમને આ વાતથી પહેલાથી જ અવગત કરી દીધા હતા. વિક્રમાદિત્યએ ખ્વાંગ બુટીનો મોટા ભાગ કાપી લીધો. એ માર્ગમાં જઈ રહ્યા હતા ત્યાં ચંદ્રદેવ તેમની સામે પ્રસ્તુત થઈ ગયા. એ સશરીર હાજર હતા. વિક્રમે શ્રદ્ધાપૂર્વક તેમને પ્રણામ કર્યા. ચંદ્રદેવે વિક્રમાદિત્યના હાથમાં અમૃત મૂકતા કહ્યું, ‘હવે તો આ અમૃત જ મહામંત્રીની પુત્રીને પુન:જીવન આપી શકે છે.’
વિક્રમાદિત્યના પરોપકારની ભાવનાથી પ્રભાવિત થઈને દેવ ખૂદ ઉપસ્થિત થયા હતા. જતા જતા ચંદ્રએ તેમને કહ્યું, ‘વિક્રમ જો હું સશરીર તારે ત્યાં યજ્ઞમાં હાજર થઈશ તો દુનિયાના બીજા ભાગોમાં અંધકાર ફેલાય જશે. જેથી તું મારા યજ્ઞમાં ઉપસ્થિત થવાની પ્રાર્થના ન કરતો કે ન તો કોઈને મને આમંત્રણ પાઠવવા મોકલીશ.’
ચંદ્રદેવે વિક્રમને યજ્ઞ સકુશળ પૂર્ણ થવાનાં આશિર્વાદ આપ્યા અને અન્તર્ધ્યાન થઈ ગયા. વિક્રમ ખ્વાંગ બુટી અને અમૃત લઈને ઉજ્જૈન નગરીમાં આવ્યા. તેમણે અમૃતના ટીપાં પીવડાવીને મહામંત્રીની પુત્રીને જીવિત કરી દીધી અને ખ્વાંગ બુટી જનહિત માટે રાખી દીધી. ઉજ્જૈન નગરીમાં ચારેબાજુ વિક્રમાદિત્યનો જય જયકાર થઈ ગયો.
(ક્રમશ:)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત