Homeસાહિત્યલા.ઠાની ‘‘કોણ ?’’ નો નાયક એટલે નરેન્દ્ર મોદીના સપનાનો નાયક!

લા.ઠાની ‘‘કોણ ?’’ નો નાયક એટલે નરેન્દ્ર મોદીના સપનાનો નાયક!

વર્ષ છે 2013નું અને સ્થળ છે જૂનાગઢની બહાઉદ્દીન આર્ટ્સ કોલેજની લાઈબ્રેરી. પારઘી સંજય નામનો એક યુવાન મને એક કથા વિશે કહી રહ્યો છે. જે તેમને ગુજરાતી પ્રથમ વર્ષમાં અભ્યાસમાં આવે છે. કથાનું નામ છે ‘કોણ ?’ લાભશંકર ઠાકરની. કથા કહેવાની રસપ્રદ શૈલીથી આકર્ષાય હું પણ પુસ્તક વાંચું છું. જોકે મારે એ કથા ભણવામાં નથી આવવાની. હું તો શાસ્ત્રનો વિદ્યાર્થી છું. શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર…  

આજે પુરા સાત વર્ષ થવા આવશે. હું ફરી એ નવલકથા વાંચું છું. પહેલા શબ્દો વાંચ્યા, પછી શબ્દોમાં રહેલો અર્થ વાંચ્યો. હવે મારે એ કથા વિશે સાંગોપાંગ લખવાનું છે. તે પણ હળવીશૈલીમાં. કૃતિઓના છોતરા ઉડાવતા મને નથી આવડતા, હું કોઈ વિવેચક નથી, હું ગુજરાતીનો પ્રાધ્યાપક પણ નથી.

તો ઉપર હેડિંગ વાંચીને જ આપ વાંચકગણ અહીં પધાર્યા હશો. તેવું અનુમાન હું કરી શકું છું. રાહ ન જોવડાવતા તમને સમસ્યામાંથી છૂટકારો અપાવું. લા.ઠાની કથાનો નાયક આત્મનિર્ભર બનવાની વાતો કરે છે. લા.ઠાની કથાનો નાયક સાધુ બનવાનું કામ કરે છે. આ બંન્ને વસ્તુઓ પ્રધાનમંત્રી સાથે એક સમયે વણાઈ ગયેલી. આત્મનિર્ભર બનવાનું તો એમણે ત્રણેક મહિના પહેલાં જ કહ્યું હતું. મને ખબર નથી પ્રધાનમંત્રીએ આ પુસ્તક વાંચ્યું છે કે નહીં પણ વિનાયકને જોતા એ પ્રધાનમંત્રીનો સપનાનો નાયક હોય તેવું લાગ્યા વિના નથી રહેતું.

વિનાયક યુવાન છે. પત્નીને બીજા પુરૂષની બાઈક પાછળ બેસીને જતા જુએ છે. જોકે એ વાતની તેને પછી ખબર પડે છે કે કેતકીએ કોઈને સાડી આપી હતી. મહિલાઓમાં આમ સાડી વ્યવહાર થતો રહેતો હોય છે એટલો પણ વિનાયક મેચ્યોર નથી. તેના લગ્નને હજુ સાત મહિના જ થયા છે. ગહન વિચારોમાં તે આળોટે છે. એ ખૂદના મગજ અને વાંચક બંન્નેને કષ્ટ આપવાનું કાર્ય કરે છે. ઓફિસે જાય છે અને કેન્ટીનમાં એક દુર્ઘટના બનતા રાજીનામું આપી દે છે. સસરા સાથે ઝઘડો કરી નામપુર નામના ગામમાં ચાલ્યો જાય છે. બળદેવ નામનો તેનો બાળપણનો દોસ્તાર છે, બળદેવનો ભાઈ નિરંજન, બળદેવની પત્ની અંજલી, હરિશંકર ભટ્ટ, આ બધાને ધીમે ધીમે અનુભવ થાય છે કે વિનાયકને પાગલપનના દોહરા પણ પડવા લાગ્યા છે.

બધા વિનાયકને સમજાવે છે પણ તે સમજતો નથી. તેને તો હવે સેક્સ પણ કરવું નથી. હા, પત્નીના સુવાળા શરીર વિશે તે વિચારે છે ખરો. ઘરમાં ખાવા માટે અનાજ નથી. પત્ની કમાવાનું નક્કી કરે છે તો તેને પણ હટીને ના પાડી દે છે. હું કમાઈ લઈશ એમ કહે છે પણ પછી તે કમાવું કે ન કમાવું આના વિચારોમાં રચ્યોપચ્યો રહે છે. અહીં લખાય છે તે તો માત્ર નાયકની બાહ્યરચના છે, નાયકની આંતરિક રચના કેવી છે તે વાંચશો તો હતભ્રત થઈ જશો.

લાઠાને જ્યાં મન પડે ત્યાં એક ને એક શબ્દનો વારંવાર ઊપયોગ ખૂબ કરી નાખે છે. ભ્રાન્તિ શબ્દ પહેલા મને નહોતો સમજાતો હવે લા.ઠાએ એટલી વખત કથાની વચ્ચે ભ્રાન્તિ શબ્દનો ઉપયોગ કર્યો છે કે પછી મને યાદ રહી ગયો અને મારા શબ્દજ્ઞાનમાં વધારો થયો.

લેખક વૈદ્ય પણ છે. જેથી અહીં વિચારવાયુ જેવો શબ્દ પણ આવ્યો છે. વાયુ પેટમાં થાય આવું કહી શકીએ પણ લેખક તે વિશે વિગતવાર કથામાં સમજાવે છે, જ્યારે તેને પૂછાય છે કે, ‘વિચારવાયુ એટલે શું ?’

લેખક લખે છે, ‘માણસ વિચારો જ કર્યા કરે છે. ખાવાનું, પહેરવાનું, ઓઢવાનું ને ઉંઘવાનું કંઈ ભાન ન રહે. મારા એક ફુવા હતા જેમને પાછલી અવસ્થામાં વિચારવાયુ થઈ ગયો હતો. મને તો આગલી અવસ્થામાં જ થઈ ગયો છે.’

નવલકથા એક ખાસ વસ્તુને ઉજાગર કરે છે જેના પર  ઘણાનું ધ્યાન નહીં જાય. બધું ઉલટું થાય છે. નાયક વિનાયકને પત્નીની હાજરીમાં બધા કામ પોતે કરવા છે અને ગામ વિચારે છે કે બૈરૂ હોવા છતાં જુઓ કામ કરે છે. જેમ સ્ત્રીઓ વિશે કેટલુંક એલફેલ વિચારાતું અને બોલાતું હોય છે, તેમ પુરૂષો વિશે પણ બોલાય છે. એકદમ ઉલટું. લોકો શહેરમાં આવતા હોય છે નાયક ગામડામાં જાય છે. સાદુ અને સરળ જીવન જીવવા માટે. જ્યાં હૈયાહોળી ન હોય. 2020માં કોરોનાના કારણે ઘણા શહેરમાંથી ગામડે ન ચાલ્યા ગયા.

મને તો નિરંજનમાં આપણા કવિ અને લેખક નિરંજન ભગત દેખાય ગયા. એ જે રીતે વિનાયકને સવાલો કર્યા કરે છે તેના પરથી એવું પ્રતિત થાય છે કે લાઠાએ આ પાત્ર તેમના પરથી જ તો નથી ઘડ્યું ને ?

લાઠાની કથાઓમાં વાળ અને દાઢીનો ખૂબ મહિમાં રહેલો છે. વિનાયક પણ દાઢી રાખે છે. નિરંજન પણ દાઢી રાખે છે. વાળ છે તો વાળંદ છે. આમ એક હજામ પણ આવે છે. લાંબા વાળ અને દાઢી રાખવા પાછળ કવિતા લખવાનો તો કોઈ ઉદ્દેશ્ય દેખાતો નથી. કમસેકમ પૂર્વાધ વાંચતી વખતે તો કોઈ કવિ કે નવલકથાકાર છે જ નહીં.

વિનાયક જેવો જડબુદ્ધી નાયક મેં મારા જીવનમાં નથી જોયો. નિરંજનને પોતાની પત્ની કેતકી ગમે છે. એવો આક્ષેપ વિનાયક કરે છે. નિરંજન આપો ખોઈ બેસે છે. બે ચાર ખરાબ વેણ બોલે છે. આ પ્રસંગથી પણ નાયકના ચહેરા પર કોઈ શરમના શેરડા નથી પડતા. એ તો હજુ અડીખમ ઉભો છે. જાણે શિક્ષકે તેને ઊભા રહેવાની કડક શિક્ષા કરી હોય. અને જવાબમાં ખાલી એટલું જ બોલે છે.

‘કેવી ક્ષુબ્ધતા !’

વાંચતા વાંચતા મને વિચાર આવે છે કે વિનાયક બાવો બને કે ન બને પણ નક્કી તે સાહિત્યકાર બની જ જવાનો છે.

ફરી વાળ પર આવીએ. વાળ વધારવાથી અને અસ્તવ્યસ્ત કપડાં પહેરવાથી. મૌન રહેવાથી આ જગત તમને મહાત્મા બનાવી દે છે. ઈશ્વર સાથે તમારી તુલના કરવા માંડે છે. આ ઘટનાને બહુવિસ્તૃત કરી પૂર્વાધના અંતમાં લાઠાએ સરસ રીતે પ્રતિપાદિત કર્યું છે. એક ગાંડુ ગામ કેવી રીતે વિચારવાયુયુવક વિનાયક અને તેની સાથે સાથે ચાલતી ગાંડીને અનુક્રમે મુની અને માતાજી બનાવી દે છે. આ કથા અત્યારના સમયમાં લખાઈ હોત તો લાઠા અચૂક લખેત, ‘અને વિનાયકને ફરી એક વખત વિચારવાયુ થઈ ગયો કે દુનિયામાં અંધભક્તોની કમી નથી.’

મને પૂર્વાધની કથામાં જેટલો રસ પડ્યો એટલો ઉતરાર્ધમાં નથી પડતો. બંન્ને વચ્ચે લખાણમાં ત્રીસ વર્ષનો ગાળો રહે છે. લા.ઠાની લીન્ક તૂટી ગઈ છે. એ પૂર્વાધ જેવો સરસ ઉતરાર્ધ નથી કરી શક્યા. તેમણે કથામાં ખૂદને પરોવ્યા છે, તેમની બીમારી છે, કૃતિનો પ્રકાશક છે, કૃતિ પણ છે, તેમના નાટકો પણ છે, રિહર્સલ પણ છે અને ખાસ લાઠાએ ઉતરાર્ધ એક સંવાદ લખવા માટે તો નથી લખ્યોને ?

વિનાયક : ‘હું સારંગપુર ચકલાના દવાખાને ગયો હતો.’

લેખક : ‘ત્યાં તો હવે બંધ કર્યું છે.’ વૈદ્યએ દુકાન બદલી છે તેની વાંચકોને જાહેરાત કરતી નવલકથા!

લાઠા પણ એ વાતથી બખૂબી પરિચિત હોવા જોઈએ કે હું વૈદ્ય છું. અને આવા ગાંડા નાયકને બસ હું જ ઠીક કરી શકું. તેઓ ખાધુ પીધું અને રાજ કીધું જેવો અંત લાવે છે. એ સિવાય તો ઘણી એબ્સર્ડ વાતો સંવાદોમાં ઘુસી ગઈ છે. વિચારવાયુની જેમ ! કોઈ વાર નવલકથા વાંચતા સમયે તમને એક રણકો સંભળાશે. એ રણકો લાઠાના નાટકનો છે. જે નવલકથામાં ઉતરી આવ્યો છે.

લાઠાએ અંતના પ્રકરણોમાં ઘણી ઉતાવળ કરી લાગે છે. અંત આવતા આવતા પ્રકરણો ખૂબ નાના થઈ જાય છે. પૂર્વાધમાં જેટલી મજા આવે તેટલી ઉતરાર્ધમાં નથી આવતી. પૂર્વાધ પછી હવે શું થશે આમ રસ જાગે પણ એ રસનું વિલોપન બીજું પ્રકરણ આવતા આવતા થઈ જાય છે. આજે લાઠા આપણી વચ્ચે નથી. બાકી કોરોનાનો સાચો ઉપાયો એ નવનીત સમર્પણમાં ચોક્કસ લખેત. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments