Homeવિશેષખેડૂતોએ પદ્ધતિની સાથે સાથે માનસિકતા પણ બદલવી જોઇએ

ખેડૂતોએ પદ્ધતિની સાથે સાથે માનસિકતા પણ બદલવી જોઇએ

વર્તમાન સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ માનવીના જીવનને આસાન કરી દીધું છે. મુશ્કેલમાં મુશ્કેલ કામ આધુનિક મશીનરીથી આસાનીથી કરી શકાય છે. નાની ટાંચણીથી માંડીને મોટા હવાઇ જહાજો સુધીની મશીનરી માણસ માટે આશિર્વાદ સમાન બની ગઇ છે. ભુતકાળમાં જ્યારે બીજા ગામ જવું પણ મુશ્કેલ જણાતું એના સ્થાને આજે વિશ્વના કોઇ પણ ખૂણે પહોંચવું એ સાવ સરળ બની ગયું છે. એ તો બરાબર છે પરંતુ ચંદ્ર જેવા ગ્રહ ઉપર માણસ પહોંચી ગયો છે. અને મંગળ જેવા અન્ય ગ્રહો ઉપર માણસે ખાસ સંશોધન કરતા મશીનો પહોંચાડી દીધા છે. એટલે હવે તો માત્ર પૃથ્વી જ નહીં અન્ય ગ્રહો સાથે પણ સંપર્ક કરવો સરળ બની ગયો છે. આજનું વિજ્ઞાન ખૂબ જ આગળ વધી ગયું છે અને લોકોના રોજીંદા વ્યવહારમાં પણ અતી ઉપયોગી બની ગયું છે.

ખેતી ક્ષેત્રની વાત કરીએ તો પણ વિજ્ઞાન એમાં પણ પાછું રહ્યું નથી. પ્રાચીન ખેતીની સરખામણીમાં આજની ખેતી અને ખેતીની પદ્ધતિ તદ્દન અલગ છે. વર્ષો પહેલાં જે કામ કરવા માટે દિવસોનો સમય લાગતો એ જ કામ આજે કલાકોમાં થઇ જાય છે. આજે હજાર બે હજાર ફૂટ ઉંડેથી પણ પાણી કાઢી શકાય છે. ખેતી માટેના અતિ આધુનિક સાધનો ઉપલબ્ધ છે. જમીનની ખેડથી માંડી બીજની વાવણી, ધરૂ રોપણી, નિંદામણ દૂર કરવાના યંત્રો, પાકની લળણી-કાપણી, તેમજ તેને વ્યવસ્થિત ચોખ્ખા કરવા માટેના થ્રેસર, ગ્રેડર મશીનોએ આજે ખેતીના કામોને એકદમ સરળ કરી દીધા છે.

ખેતીમાં પાણીનો પ્રશ્ન ઉભો થયો તો તેના નિવારણ માટે સ્પ્રીંકલર અને ડ્રીપ ઇરીગેશન આશિર્વાદ સમાન બની ગયા છે. ખેતીમાં પણ ઇલેક્ટ્રીસીટીને પહોંચાડતા જમીનના ઊંડાતળના પાણી ખેંચીને તેનો સિંચાઇ માટે ઉપયોગ કરવો સરળ બની ગયો છે.

ટેકનોલોજીએ મોબાઇલ અને કોમ્પ્યુટર દ્વરા ઇન્ટરનેટના ઉપયોગથી વિશ્વના દરેક વ્યક્તિ એકબીજાની સાથે સંકલન કરી શકે છે. ઇન્ટરનેટના માધ્યમથિ ગ્રાહક અને ઉત્પદક વચ્ચેનો સેતુ સધાય છે. જેનાથી દરેક વ્યક્તિ ઇન્ટરનેશનલ માર્કેટની સાથે જોડાઇને પોતાને ફાયદાકારક નિર્ણયો લઇ શકે છે.

આટલી બધી ઉપયોગી અને અતીઆવશ્યક બાબતો હાથવેંતમાં હોવા છતાં અને ઘણા લોકો તો તેનો ભરપુર ઉપયોગ કરતા હોવા છતાં પણ પોતાની માનસિક સ્થિતિના કારણે તેને લાભ મેળવી શકતાં નથી. જુનીપુરાણી પદ્ધતિઓ ઉપયોગી અને ફાવટ વાળી હશે. પણ વધુ ઉત્પાદક અને વધુ ઉપજાવ પદ્ધતિને અપનાવ્યા વિના છુટકો નથી. ઘણી વાર નવિનતા યોગ્ય પુરવાર થતી નથી. જેનાથી લોકો તેની અનિશ્ચિતતના ભયથી તેને અપનાવતા નથી. પરંતુ જે બાબત કસોટીની એરણ ઉપર ખરી ઉતરી હોય તેને અપનાવવામાં જરા પણ વિલંબ કરવો જોઇએ નહીં.

જુનુ એટલું સોનું એ વાત બરાબર પરંતુ નાવિન્યના નવ ગુણોને પણ એટલું જ મહત્વ આપવું જોઇએ. જુની સારી વસ્તુની સાથે સંકળાઇ રહો પરંતુ નવી અને ઉપયોગી બાબતેને સ્વીકારીને તેનો ફાયદો પણ મેળવવો જોઇએ. લોકોએ જુનાને જ વળગી રહેવાની અને નવાને નહીં અપનાવવાની માનસીકતામાંથી મુક્તિ મેળવવાની તાતી જરૂરીયાત છે. આજના આ અતિ હરિફાઇ યુક્ત બજાર અને જીવનશૈલીની સાથે ચાલવા આધુનિકતાને અપનાવવી જ રહીં. જુની પુરાણી અને બીનઉત્પાદકિય પદ્ધતિઓને પડતી મુકી નવી અને ઉપજાઉ પદ્ધતિને ઉપયોગમાં લેવાની માનસિકતા હવેના ખેડૂતોએ કેળવવી પડશે.  તેનો ઉપયોગ કરવાની આવડત પણ મેળવવી પડશે. અને તો જ તે વિકાસના વહેણની સાથે વહી શકશે. પોતાની રૂઢીગત માનસીકતાને પકડી રહેતા તે ક્યારે ઓવાળે ચડીને સડી જશે એનો ખ્યાલ નહીં રહે માટે નવીનતાને સ્વીકારવાની માનસિકતા કેળવવી જ રહીં.

(ચાબુક માટે આ લેખ કૃષિ પત્રકાર અશોક સરિયાએ લખ્યો છે)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments