Team Chabuk- Political Desk: રાજ્યની 6 મહાનગરપાલિકાના પરિણામો આવી ચુક્યા છે. દાવેદારોમાંથી ઉમેદવારો બનેલા નેતાઓ પ્રજાના મતથી કોર્પોરેટર બની ચુક્યા છે. રાજકારણમાં પ્રતિષ્ઠા અને પદ મેળવવા પણ તપ કરવું પડતું હોય છે. પાર્ટીને સમર્પિત રહીને કામ કરવું પડતું હોય છે. ત્યારબાદ જ કોઈ પદ મળતું હોય છે. ટિકિટ વહેંચણી સમયે ટિકિટ ન મળેલા ઘણા એવા નેતાઓને બળાપો ઠાલવતાં આપણે જોયા છે. વર્ષો સુધી પક્ષમાં કાર્ય કરવા છતાં ઘણાને ટિકિટ નથી મળતી હોતી. પરંતું આજે વાત કરવી છે ગુજરાતના નવા ચૂંટાયેલા એવા કેટલાક નેતાઓની જેઓ હજુ અભ્યાસ કરવાની ઉંમરમાં કોર્પોરેટર બની ગયા છે. કેટલાક સત્તામાં બેસશે તો કેટલાક વિપક્ષમાં રહીને અવાજ ઉઠાવશે.
પાયલ સાકરીયા (પટેલ)
સુરતમાં ભાજપ સામે પંજાનું નામોનિશાન નથી રહ્યું પરંતુ આમ આદમી પાર્ટી મજબૂત વિપક્ષ બનીને ઉભરી છે. સુરતમાં કુલ 120 મહાનગરપાલિકાની બેઠકમાંથી ભાજપને 93 બેઠક મળી છે જ્યારે આમ આદમી પાર્ટીને 27 બેઠક મળી છે. સુરતમાં આમ આદમી પાર્ટીના જીતેલા 27 ઉમેદવારોમાં સૌથી ચોંકાવનારું નામ છે પાયલ સાકરીયા (પટેલ).
પાયલની ઉંમર માત્ર 22 વર્ષની જ છે. ચૂંટણી પહેલાં જ પાયલ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીએ સુરતના પુણા પશ્ચિમ વોર્ડ નંબર-16માંથી પાયલ કિશોરભાઈ સાકરીયા (પટેલ)ને ટિકિટ આપી હતી. સુરતના તમામ ઉમેદવારોમાં પાયલ સાકરીયા સૌથી નાની ઉંમરની ઉમેદવાર હતી. પરિણામોમાં આમ આદમી પાર્ટીની જીતની શરૂઆત વોર્ડ નંબર-16ની પેનલથી થઈ હતી. વોર્ડ નંબર-16માંથી પાયલને પણ જંગી મત મળ્યા છે. વોર્ડ નંબર-16માંથી પાયલ સાકરીયાને 23154 મત મળ્યા છે. પાયલ 9669 મતની જંગી લીડથી વિજેતા બન્યા છે.

આટલી નાની ઉંમરે રાજકારણમાં પ્રવેશતાની સાથે જ પાયલ સાકરીયાની જીત થતાં પરિવાર અને સોસાયટીના લોકોમાં પણ આનંદ છવાયો છે. જીત બાદ પાયલ સાકરીયાનું સોસાયટીવાસીઓએ ઢોલના તાલે ભવ્ય સ્વાગત કર્યું હતું. સોસાયટીના લોકોએ પાયલને ફૂલ-હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. પાયલ સાકરીયાએ પણ પોતાના મત વિસ્તારમાં સારા કાર્યો કરીશ તેમ જણાવ્યું હતું.
શ્રીરંગ આયરે
વડોદરામાં પણ ભાજપના શ્રીરંગ આયરેની ભવ્ય જીત થઈ છે. શ્રીરંગ આયરેની ઉંમર પણ 22 વર્ષ 8 મહિનાની છે. 22 વર્ષની ઉંમરે કોર્પોરેટર બનવાની તક મળતાં શ્રીરંગ આયરે પણ ખુશખુશાલ છે. વોર્ડ નંબર-9ના ભાજપના ઉમેદવાર એવા શ્રીરંગ આયરેને પોતાના વોર્ડમાં સૌથી વધુ 27236 મત મળ્યા છે. શ્રીરંગ આયરે 20111 મતની મોટી લીડથી વિજેતા બન્યા છે. તેના પિતા રાજેશ આયરે ચૂંટણી પહેલાં જ RSPમાંથી ભાજપમાં જોડાયા હતા. છેલ્લે સુધી રાજેશ આયરેનું નામ ટિકિટ માટે ફાઈનલ ગણાતુ હતું પરંતુ ભાજપે રાજેશ આયરેના બદલે તેમના પુત્ર શ્રીરંગ આયરેને ટિકિટ આપી હતી. શ્રીરંગ આયરે ભાજપના સૌથી નાની ઉંમરના પુરુષ ઉમેદવાર હતા. તે હાલ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બી.કોમ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જો કે તે પોતાના પિતા સાથે છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં સક્રિય છે. રાજકારણમાં આદર્શ તરીકે શ્રીરંગ આયરે પોતાના પિતા રાજેશ આયરે અને નરેન્દ્ર મોદીને માને છે.

ભૂમિકા રાણા
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિજેતા થયેલા ભાજપના ઉમેદવાર ભૂમિકા રાણાની ઉંમર પણ 22 વર્ષની જ છે. ભૂમિકા રાણા સૌથી નાની ઉંમરના ભાજપના મહિલા ઉમેદવાર હતા. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-7માંથી ભૂમિકા રાણાની જીત થઈ છે. ભૂમિકા રાણાને 18735 મત મળ્યા છે. 10120 મતની લીડથી ભૂમિકા રાણા વિજયી બન્યા છે. ભૂમિકા રાણાએ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે. તેના પિતા નરેશ રાણા છેલ્લા 15 વર્ષથી ભાજપમાં સક્રિય છે.

મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઘણા યુવા ઉમેદવારો મેદાનમાં હતા. નવી આવેલી આમ આદમી પાર્ટીએ પણ યુવા ઉમેદવારોને વધુ ટિકિટ આપી હતી તો ભાજપે પણ 60 વર્ષથી વધુ ઉંમરનાને ટિકિટ ન આપવાનો નિર્ણય લીધો હતો જેથી ભાજપમાં પણ વધુ યુવા ઉમેદવારોને તક મળી હતી. આમ રાજકારણમાં પણ હવે યુવાનોની એન્ટ્રી થઈ રહી છે. જે ઘણી સારી બાબત કહી શકાય.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત