Homeતાપણુંતમામ મહાનગરપાલિકાનું પરિણામ સ્પષ્ટ, ભાજપ અડીખમ, કોંગ્રેસનો અસ્ત, 'આપ'નો ઉદય

તમામ મહાનગરપાલિકાનું પરિણામ સ્પષ્ટ, ભાજપ અડીખમ, કોંગ્રેસનો અસ્ત, ‘આપ’નો ઉદય

Team Chabuk-Political Desk: બેરોજગારી, મોંઘવારી, પેટ્રોલ-ડીઝલ અને ગેસના વધતા ભાવ જેવા અનેક મુદ્દાને નજર અંદાજ કરીને શહેરી વિસ્તારમાં મતદારોએ ખોબલે ખોબલે ભાજપને મત આપી ફરીથી મહાનગરપાલિકામાં સત્તાનું સુકાન સોંપ્યું છે. ભાજપ પોતાના ચૂંટણી કેમ્પેઈનના સૂત્રની જેમ તમામ મહાનગરપાલિકામાં અડિખમ રહી છે. એક પણ મહાનગરપાલિકા ભાજપે ગુમાવવી પડી નથી. પરિણામ જોતા કહી શકાય કે ગત ચૂંટણી કરતાં વધુ મજબૂતાઈથી ભાજપ સત્તા પર આવી છે. જ્યારે કોંગ્રેસના હાલ ગત ચૂંટણી કરતાં ભુંડા થયા છે. જે બેઠકો હતી તે પણ કોંગ્રેસના હાથમાંથી સરકી ગઈ છે. માત્ર કહેવા પૂરતી બેઠકો પર જ કોંગ્રેસ જીતી શકી છે. તો સુરતમાં આમ આદમી પાર્ટીએ મજબૂત વિપક્ષ બનીને ભાજપ અને કોંગ્રેસ બન્નેને પરસેવો વાળી દીધો છે.

અમદાવાદ

રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકામાં ભાજપને જંગી બહુમતી મળી છે. કુલ 192 બેઠકોમાંથી ભાજપે 165 બેઠક જીતી લીધી છે જ્યારે કોંગ્રેસના ફાળે 16, AIMIM 7 અને અન્યના ફાળે 2 બેઠક ગઈ છે. કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માની પણ હાર થઈ છે. અમદાવાદ મહાનગરપાલિકામાં હાર બાદ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલે પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે.

કુલ બેઠક192
ભાજપ159
કોંગ્રેસ25
AIMIM07
અન્ય01

સુરત

સુરત મહાનગરપાલિકામાં ભાજપની જીત કરતાં આમ આદમી પાર્ટીના ઉદયની વધુ ચર્ચા થઈ રહી છે. સુરત વર્ષોથી ભાજપનો ગઢ ગણાય છે. સાથે જ હાલના ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો પણ સુરત ગઢ માનવામાં આવે છે. આ બધા પરિબળોની વચ્ચે ભાજપની સામે મજબૂત વિપક્ષ બનીને આમ આદમી પાર્ટી ઉભરી આવી છે. સુરત મહાનગરપાલિકાની કૂલ 120 બેઠકમાંથી 93 બેઠક પર ભાજપ જીતી છે જ્યારે 27 બેઠક આમ આદમી પાર્ટી આંચકી ગઈ છે. પ્રથમ વખત ચૂંટણી લડીને આમ આદમી પાર્ટીએ સુરતમાં ભાજપને જે ટક્કર આપી છે તેની ચર્ચા રાજકીય ગલીઓમાં થઈ રહી છે. જ્યારે સુરતમાં કોંગ્રેસના ડાંડિયા ડુલ થઈ ગયા છે. કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નથી. ગત મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને 36 બેઠક મળી હતી.

કુલ બેઠક120
ભાજપ93
આમ આદમી પાર્ટી27
કોંગ્રેસ00

વડોદરા

વડોદરા મહાનગરપાલિકામાં પણ ભાજપે બાજી મારી લીધી છે. કુલ 76 બેઠકોમાંથી 69 બેઠક ભાજપે કબજે કરી લીધી છે જ્યારે કોંગ્રેસના ભાગમાં માત્ર 7 બેઠકો જ આવી છે. વડોદરામાં મેજર અપસેટ એ સર્જાયો છે કે ભાજપના ઉમેદવાર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન સતિષ પટેલની હાર થઈ છે.

કુલ બેઠક76
ભાજપ69
કોંગ્રેસ07

રાજકોટ

આમ તો ભાજપ માટે તમામ મહાનગરપાલિકામાં સારા પરિણામો આવ્યા છે પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉનમાં તો ભાજપનો જય જયકાર થઈ ગયો છે. ગત ચૂંટણીમાં માત્ર ચાર બેઠકથી હારી જનારી કોંગ્રેસને આ ચૂંટણીમાં માત્ર ચાર બેઠક જ મળી છે. વોર્ડ નંબર 15માં કોંગ્રેસના વશરામ સાગઠિયા સહિતની પેનલ વિજેતા બની છે બાકીના તમામ વોર્ડમાં ભાજપના ઉમેદવારોએ બાજી મારી લીધી છે. કોંગ્રેસ શહેર પ્રમુખ અશોક ડાંગર, મહિલા મોરચાના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા જેવા દિગ્ગજ નેતાઓ હારી ગયા છે. હારની જવાબદારી સ્વીકારીને અશોક ડાંગરે પ્રમુખ પદેથી રાજીનામું પણ ધરી દીધું છે.

કુલ બેઠક72
ભાજપ68
કોંગ્રેસ04

જામનગર

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં અચાનક બસપાના દર્શન થયા છે. છેલ્લા ત્રણ ટર્મથી ભાજપનો ગઢ ગણાતા વોર્ડ નંબર-6માં માયાવતીની પાર્ટી બહુજન સમાજવાદી પાર્ટીએ ત્રણ બેઠકો આંચકી લીધી છે. વોર્ડ નંબર-6માં ત્રણ બેઠક બસપાને ફાળે ગઈ છે જ્યારે એક બેઠક ભાજપે જીતી લીધી છે. જામનગર મહાનગરપાલિકાની કૂલ 64 બેઠકમાંથી ભાજપે 50, કોંગ્રેસે 11 અને બસપાએ 3 બેઠક જીતી છે.

કુલ બેઠક64
ભાજપ50
કોંગ્રેસ11
બસપા03

ભાવનગર

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપે અદભુત દેખાવ કર્યો છે. અહીં કૂલ 52 બેઠકમાંથી ભાજપે 44 બેઠક પર જીત મેળવી છે જ્યારે કોંગ્રેસને 8 બેઠક મળી છે.

કુલ બેઠક52
ભાજપ44
કોંગ્રેસ08

આમ તમામ છ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપે વિજય પતાકા લહેરાવી છે. તો કોંગ્રેસને આત્મમંથન કરવા વધુ પાંચ વર્ષનો સમય મળ્યો છે. જ્યારે સુરતમાં 27 બેઠકો મેળવીને આમ આદમી પાર્ટીમાં વધુ જુસ્સો જોવા મળી રહ્યો છે. હવે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી પર સૌનું ધ્યાન કેન્દ્રિત છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments