હે ગોવા બાપા સાંભળ્યું એક ધારાસભ્યને યુવાનોએ ભેગા થઈ ભગાડી દીધો છે ?
હે ચાબુક સોશિયલ મીડિયા પર તે જગદીશ ભગતનો વીડિયો જોયો હશે. જેમાં તે નેતા નેતા કૈસા નેતા કરીને કાર્યકર્તાઓને ભગાડતો જોવા મળે છે. હવે આવું રિપીટ બની ગયું. વાત છે બિહારની વિધાનસભાની ચૂંટણી દરમ્યાન પોતાનો પ્રચાર કરવા ગયેલા જેડીયુના ધારાસભ્ય સત્યદેવ કુશવાહાની.
18 ઓક્ટોબરે તેઓ પુરાણ નામના પોતાના મતક્ષેત્રમાં આવતા ગામમાં, વોટ માગવા પહોંચ્યા હતા. વોટ માગવા આવ્યા ત્યાં ગામના યુવાનોએ તેમને ઘેરી લીધા અને ગામમાંથી જ ભગાડી દીધા. તેમના વિકાસ કાર્યોને લઈ સવાલો કરવામાં આવ્યા. લોકોએ આક્રોષ ઠાલવ્યો કે, 10 વર્ષથી તેઓ ધારાસભ્યની ખુરશી પર બેઠા છે, પણ ચૂંટણી સિવાય કોઈ દિવસ આવ્યા નથી. ગામના રસ્તાની સ્થિતિ ખૂબ ખરાબ છે.
‘સડક-2 ફિલ્મ કરતાં પણ ગોવા બાપા?’
હા બેટા ચાબુક, સડક-2 ફિલ્મ કરતાં પણ રોડની સ્થિતિ ખૂબ ખરાબ છે. યુવાનોએ ધારાસભ્યને કડક શબ્દોમાં કહી દીધું, ‘ચાલો અહીંથી નીકળો. અહીંથી નીકળો ચાલો. સારું છે ગામના કેટલાક વૃદ્ધો તમારી સાથે છે નહીંતર તમારું સ્વાગત કંઈક બીજા જ અવતારમાં કરવામાં આવેત.’ હવે એમના તો નીતનવીન વીડિયો પણ વાઈરલ થઈ રહ્યા છે.
મને આજ ખબર પડી ગોવાબાપા કે કોમ્પ્યુટરથી ચૂંટણી થાય
હા ચાબુક. મનેય આજે સમાચાર મળ્યા ત્યારે ખબર પડી. વાત છે આરજેડીના ઉમેદવાર જીતેન્દ્ર રાયની. ટેહડી ડિગ્રી કોલેજમાં સામાન્ય સભા હતી. ખેસારી લાલ યાદવે સભાને સંબોધિત કરી. સંબોધન કરતાં કરતાં બોલ્યા કે, આ વખતે મઢૌરાની જનતાએ જીતેન્દ્ર કુમાર રાયને ધારાસભ્ય નહીં પણ મંત્રી બનાવવા માટે વોટિંગ કરવાનું છે. આ વખતે જીતેન્દ્ર રાયનું મંત્રી પદ પાક્કુ છે. જો આમને મંત્રી ન બનાવ્યા તો તમારી સાથે હું પણ ચક્કાજામ કરીશ. એટલું બધું વોટિંગ કરો કે કોમ્પયુટર બેસી જાય. બીજું કોમ્પ્યુટર લગાવવાની ફરજ પડે.
રાજકારણમાં પત્નીનું કેવું ચાલે ગોવા બાપા ?
તારા લગ્ન નથી થયા ચાબુક એટલે તને ન ખબર પડે. બાકી ઘરવાળીનું નીતિશ કુમાર કહે એમ ચાલે. નીતિશ ભાઈએ આજે મંચ પરથી નિવેદન આપ્યું છે કે, ‘લાલુ પ્રસાદ યાદવ મુખ્યમંત્રી હતા અને જેલમાં ગયા તો તેમની પત્ની રાબડીદેવીને ખુરશી પર બેસાડી દીધી હતી. પણ મહિલાઓનો વિકાસ ક્યાંય થયો નહોતો. પતિ-પત્નીના રાજમાં શું થતું હતું તેની સૌને ખબર છે. પણ જ્યારે અમને કામ કરવાની તક મળી ત્યારે કાનૂન રાજ કાયમ થયું.’
ગોવાબાપા મધ્યપ્રદેશમાં કોંગ્રસ જીતતા જીતતા હારી જશે ?
ચાબુક કમલભાઈનાં નિવેદનથી હાલ વાતાવરણ તો એવું જ લાગી રહ્યું છે. કમલનાથે ઈમરતી દેવી માટે આઈટમ શબ્દનો પ્રયોગ કર્યો અને ભાજપ સહાનુભૂતિ એકઠી કરવા માંડી. હવે સ્થિતિ એવી છે કે કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ છે.
ઈમરતી દેવીએ કમલનાથ સામે આઈટમ શબ્દનો બદલો લેતા એમને કલંકનાથ કહ્યા છે. આખું નિવેદન કંઈક આવું છે ચાબુક, ‘હું એક મહિલા છું. ગરીબ ઘરની છું. મેં ઘરનું કામકાજ કર્યું છે અને પછી રાજનીતિમાં આવી છું. કમલનાથ શું માને છે ? કે મહિલાઓ રાજનીતિ નથી કરી શકતી. જો તેઓ મહિલાઓ માટે આવા શબ્દનો પ્રયોગ કરે છે તો એ કમલનાથ નહીં કલંકનાથ છે. હું જ્યારે એમની પાર્ટીમાં હતી ત્યારે તેમને ભાઈનો દરજ્જો આપતી હતી. હું એમને પગે લાગતી હતી.’
10 લાખ નોકરી એક રાજ્યમાં મળે ?
એક રાજ્યમાં દસ લાખ નોકરી કેવી રીતે મળશે એ તો હું પણ વિચારું છું ચાબુક. તેજસ્વી યાદવે વિદ્યાર્થીઓને તેજસ્વી રીતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાનું કહી દીધું છે. એમણે વાયદો કર્યો છે કે અમારી સરકાર આવશે તો 10 લાખ નોકરીઓ મળશે. બીજી બાજુ જીતન રામ માંઝીને આ નિવેદનથી મજા નથી આવી. એમણે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે, ‘ભાઈ આટલી બધી નોકરી મળે જ નહીં. જો એમની સરકાર બની પણ ગઈ તો એ લોકો અપહરણ ઉદ્યોગમાં નોકરી આપશે. જેમ 2005માં થતું હતું.’
તેજસ્વી યાદવે તો ચાબુક એમ પણ કહ્યું છે કે 15 વર્ષમાં મેળવેલી કોઈ પણ ઉપલબ્ધિ પર નીતિશ ચર્ચા કરવા સામે આવી જાય. આ એક નવી પરંપરા છે. તેજસ્વીએ તો એમ પણ કહ્યું છે કે, નીતિશ નાલંદાથી ચૂંટણી લડશે તો તેજસ્વી પણ નાલંદાથી જ ચૂંટણી લડશે. જેથી હવે નીતિશ જ્યાં જ્યાં થશે ત્યાં ત્યાં તેજસ્વી નામનો તારો તેમની પાછળ પાછળ જશે કે નહીં ?