12 એપ્રિલ 2018. દિલ્હીથી ત્રિવેન્દ્રમ ફ્લાઈટ જતી હતી. હું પણ એ ફ્લાઈટમાં ગોઠવાઈ ગયો. મેં જોયું મારી ચાર સીટ આગળ શશી થરૂર બેઠા હતા. ખૂબ જ વિનમ્ર માણસ. લોકો એમની સીટ પાસે જઈ તેમને શુભરાત્રી કહેતા હતા અને જવાબમાં શશી થરૂર પણ તેમને કોઈ હિચકિચાહટ વિના શુભરાત્રી કહી રહ્યા હતા. અલબત્ત અંગ્રેજીમાં Good Evening. હું પણ તેમની પાસે ગયો અને શુભરાત્રી કહ્યું. શશી થરૂર મારી સામે હસ્યા અને કહ્યું, ‘Good Evening’
પછી અમે બધા બેસી ગયા. લેપટોપ અને મોબાઈલમાં જીવ પરોવવા લાગ્યા. હું મારા મોબાઈલમાં ફિલ્મ જોવા લાગ્યો. મારી સીટ એવા ઠેકાણે હતી કે જ્યાંથી શશી થરૂરનો ખભ્ભો અને તેઓ શું હરકત કરી રહ્યા છે તે સ્પષ્ટ દેખાતું હતું.
બધા મોબાઈલની સ્ક્રિનને જોવા લાગ્યા અને શશી થરૂરે તેમની પાસે રહેલા ચાર ન્યૂઝપેપર કાઢ્યા. વાંચવામાં ઊંડા ઉતરી ગયા. એ ચારે છાપા વાંચ્યા પછી તેઓ ટોઈલેટ ગયા. પાછા આવ્યા અને પોતાની બેગ ખોલી. મને એમ કે શશી થરૂર હવે હાથ લૂંછવા માટેનું કંઈક રૂમાલ જેવું કાઢશે અથવા તો વાંચેલા ન્યૂઝ પેપરને તેઓ બેગમાં ફરી મુકી દેશે. ત્યાં હું શું જોઉં છું.
શશી થરૂરે અંદરથી ફરી કેટલાક અંગ્રેજી ન્યૂઝપેપર કાઢ્યા. આખી ફ્લાઈટમાં તેઓ એક સેકન્ડ જેટલા સમયનો પણ વ્યય કર્યા વિના છાપું વાંચતા રહ્યાં. આ સમગ્ર ઘટના નવી દિલ્હીના જીતીન કુમાર સાથે બનેલી છે.
સમજે? સમજે? સમજે કી નહીં ? શશી થરૂરના અંગ્રેજી શબ્દભંડોળ પાછળનું કારણ તેમનું વાંચન છે. અસ્થમા બાળપણથી હેરાન કરતો હોવાના કારણે તેઓ બીજા બાળકોની સાથે રમી ન શકતા. સમય પસાર કરવાનું હાથવગુ સાધન ફક્ત રિડીંગ હતું. જે આજે પણ ચાલે છે.
બે કલાક સુધી બીજાઓએ શું કર્યું ? ફ્લાઈટમાં સમયનો પૂરતો દુરઉપયોગ કર્યો અને શશીએ શું કર્યું ? સમયનો પુરતો સદઉપયોગ કર્યો. આખી ફ્લાઈટના તમામ લોકોની બે કલાક વેડફાઈ ગઈ. શશીના અંગ્રેજીને સાંભળીને આપણે તેમની મજાક ઉડાવીએ છીએ. મીમ્સ બનાવીએ છીએ. લોકશાહી છે. આવું કરવાનો દરેકને અધિકાર છે. પણ શશી જે રીતે વાંચે છે શબ્દભંડોળ એકઠું કરે છે તેના પરથી પણ પ્રેરણા મેળવવી જોઈએ.
રાજકારણના સમાચારોથી ખદબદતા છાપાઓ શશીના નિવેદનો વિશે લખ્યા કરશે. તેમના પર અર્થઘટનો કર્યા કરશે, પણ એ કેટલું વાંચે છે ? કેવી રીતે લખે છે ? આની કોઈએ દરકાર લીધી ? કોઈએ લેખ લખ્યો ?
હિન્દીની બે ચાર વેબસાઈટો તેના વાંચકવર્ગને શીખવાડવાનું કામ કરે છે. બાકીની તમામ વેબસાઈટો અને ખાસ તો ચેનલો પાંચ લોકોને એકઠા કરી તમારા મગજમાં ખોટા અર્થઘટનો નાખ્યા રાખે છે. જેની જરૂર જ નથી. રવિશ કુમારની વાત માનો, ‘TV દેખના બંધ કરે.’
તેઓ જ્યાંથી સાંસદ છે તે થિરૂવનંતપુરમની એક શાળામાં એમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. કોઈ વિદ્યાર્થીએ તેમને હંમેશની જેમ શબ્દભંડોળ અંગે પૂછ્યું અને રહસ્ય પરથી પડદો હટાવતા થરૂરે કહ્યું, ‘માત્ર વાંચો. લોકો વિચારતા હોય છે કે હું ડિક્ષનરી ઉઘાડ્યા રાખું છું. આખો દિવસ ડિક્ષનરી જ મારા હાથમાં હોય છે. સત્ય એ છે કે હું જ્વલ્લે જ અંગ્રેજી શબ્દકોશનો ઉપયોગ કરું છું.’
My reply to a student who asked me to give him a new word in view of my reputation as a fount of exotic vocabulary: pic.twitter.com/I6mr9DOX6m
— Shashi Tharoor (@ShashiTharoor) November 11, 2019
શશી થરૂર એ જૂની વાતોને યાદ કરતાં કહે છે કે, ‘હું એવા ભારતમાં પેદા થયો છું જ્યાં મારી પાસે કોમ્પ્યુટર નહોતું, મોબાઈલ, પ્લેસ્ટેશન, જેવી કોઈ સગવડ ન હતી. મારા માટે વાંચવા સિવાય કોઈ વિકલ્પ નહોતો અને હું જે આજે છું, એ તે ભારતના કારણે છું.’
નાનપણમાં અસ્થમાની બીમારીથી પીડાતા શશી થરૂર પોતાના કાકાના ઘરે રહેતા હતા ત્યારે તેમણે વાંચનને જ પોતાના જીવન સાથે બાળ-રમતની જેમ વણી લીધું. રિડર્સ ડાઈજેસ્ટનો તેમાં મોટો ફાળો. શશી થરૂરનું બીજું મોડેલ તમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનમાં મળશે. પ્રોફેસરનું નામ છે તુષાર ચંદારાણા. એમણે પણ પોતાના સારા અંગ્રેજી પાછળ રિડર્સ ડાઈજેસ્ટનો મોટો હાથ હોવાનું સ્વીકારેલું છે.
તેમના પિતા ચંદ્રા થરૂરનો તેમના જીવન પર ખાસ્સો પ્રભાવ રહી ચૂક્યો છે. નવું શીખવા માટેનો એમના જીવનમાં જે ઉત્સાહ આવ્યો છે એ પિતાના કારણે જ આવ્યો છે. આ વાતને યાદ કરતાં થરૂર કહે છે, ‘તેઓ મારી બહેન સાથે મને પણ નવ અંગ્રેજીના શબ્દો આપતા અને તેમાંથી સ્પેલિંગ બનાવવાનું કહેતા હતા.’
તેઓ જ્યારે પણ પરિવાર સાથે કારમાં લાંબી મુસાફરી કરતાં ત્યારે એક વ્યક્તિએ પાંચ શબ્દો અનુમાન કરવાના, બીજો વ્યક્તિ વીસ પ્રયત્નમાં જવાબ શોધવાની કોશિષ કરે. વીસ પ્રયત્નોમાં એ શબ્દની કેટલો નજીક આવી શકે છે તે જોવાનું રહેતું હતું.
શશી થરૂરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘હું મોટાભાગે અઘરા શબ્દોનો પ્રયોગ નથી કરતો. મુશ્કેલ શબ્દોનો ઉપયોગ કરું અને સામેની વ્યક્તિ સમજી ન શકે તો પછી થઈ રહ્યું ? કોમ્યુનિકેશન-પ્રત્યાયનનો મૂળ હેતુ એ છે કે તમારી વાત નખશીખ સામેના વ્યક્તિને સમજમાં આવવી જોઈએ. હું ભાગ્યે જ હાર્ડકોર શબ્દોનો પ્રયોગ કરું છું.’
અંગ્રેજીનું આટલું શબ્દભંડોળ હોય, તો માણસમાં ક્યાંક અંગ્રેજીનો શિક્ષક બને તેવી ઈચ્છા હોવાનું લાગ્યા વિના ન રહે. તેની જગ્યાએ શશી કોઈ દિવસ અંગ્રેજીના શિક્ષક બનવા જ નહોતા માગતા. તેમને બસ ભાષા અને શબ્દો સાથે પ્રેમ હતો. એમણે તો એમ પણ નથી કહ્યું કે હું ભાષાનો ખૂબ મોટો રખેવાડ છું.
શશી થરૂર એ મલ્ટિટાસ્કિંગના માણસ છે. લેખન અને રાજકારણ બેઉમાં એક સરખી રીતે પગ જમાવી ચૂક્યા છે. તેમનું માનવું છે કે, લેખન એમાંય જો તમે નવલકથા પર કામ કરી રહ્યા છો તો તમને ખાસ્સો સમય લાગશે. બીજું એ જ નવલકથામાંથી પૈસા કમાતા પણ તમને ઘણો સમય લાગશે. માટે તમારે બીજું કામ કરવું રહ્યું. દરેક લેખક લેખક હોવા સિવાય પૈસા કમાવવા માટે બીજું કામ કરતો હોય છે.
શશીના નોન ફિક્શન પુસ્તકોનો અભ્યાસ કર્યા પછી લાગે છે કે જે તે પુસ્તકોમાં સંશોધનનું ખૂબ મહત્વ રહેલું છે. તમારે નવલકથા લખવા માટે ખૂબ દૂર પ્રવાસ કરવાની જરૂર નથી. આજુબાજુ નજર નાખો તો તમને સારો એવો વિષય મળી જ જશે.
થરૂરના જીવન પરથી એ વાત પણ શીખવા મળે છે કે લાંબા ગાળે લોકો કોઈ એક કામની પસંદગી કરી જીવન પસાર કરી નાખતા હોય છે. જો તમારામાં કોઈ કામ કરવાની ધગશ હશે. તમને રસ હશે તો સ્પષ્ટ છે કે લાંબાગાળા સુધી તમે બેઉં કામ કરી શકશો. આજે શશી થરૂર લેખન અને રાજકારણ આ બંન્ને સાથે સંકળાયેલા છે.