Homeતાપણુંકોંગ્રેસના લોકોનો વીણી વીણીને સફાયો કર્યોઃ વિજય રૂપાણી

કોંગ્રેસના લોકોનો વીણી વીણીને સફાયો કર્યોઃ વિજય રૂપાણી

Team Chabuk- Political Desk: મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતમાં પણ ભાજપને સ્પષ્ટ જનાદેશ મળ્યો છે. શહેરો બાદ ગામડાઓમાંથી પણ કોંગ્રેસનો લગભગ જગ્યાએ સફાયો થઈ ગયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલા ભવ્ય વિજય બાદ ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વિજયોત્સવમાં સામેલ થયા હતા. જ્યાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખે મીડિયાને સંબોધન કરતાં ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.

2015માં થયેલું નુકસાન વ્યાજ સાથે પૂરું થયુઃ સી.આર.પાટીલ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજય બદલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મીડિયાને સંબોધતા કહ્યું કે, ‘2015ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને જે નુકસાન થયું હતું તે આ ચૂંટણીમાં વ્યાજ સાથે પૂરું થઈ ગયું છે. 2015ની ચૂંટણીમાં ભાજપને ફક્ત પાંચ જિલ્લા પંચાયત મળી હતી જ્યારે આ ચૂંટણીમાં લગભગ તમામ 31 જિલ્લા પંચાયતોમાં ભાજપ લીડ કરી રહી છે અને તમામ જીતીશું તેવું લાગી રહ્યું છે. આવું જ પરિણામ તાલુકા અને જિલ્લા પંચાયતમાં આવી રહ્યું છે.’

31 જિલ્લા પંચાયત જીતવાનો હતો વિશ્વાસઃ સી.આર.પાટીલ

સી.આર.પાટીલે આગળ કહ્યું કે, ‘ચૂંટણી પ્રચાર દરમિયાન હું પ્રચાર કરી રહ્યો હતો ત્યારથી જ મને લાગી રહ્યું હતું કે તમામ 31 જિલ્લા પંચાયતમાં ભાજપની જીત થશે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી ગુજરાતની તેઓએ માવજત કરી છે. અને ગુજરાતમાં પણ વિજય રૂપાણી અને નીતિન પટેલની સરકારે જે રીતે વિકાસના કામો કર્યા છે તેથી તમામ વર્ગના લોકોને સંતોષ જણાઈ રહ્યા છે. હું તમામ મતદાર ભાઈઓ-બહેનોનો આભાર માનું છું કે તેઓએ ફરીથી ભાજપ પર વિશ્વાસ મૂક્યો.’

શહેરો કરતાં ગામડામાં વધુ સમર્થન મળ્યુઃ વિજય રૂપાણી

વિજયોત્સવમાં મીડિયાને સંબોધતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ‘અગાઉ અટકળો ચાલતી હતી કે શહેરોમાં તો ભાજપ છે પરંતુ ગામડામાં ભાજપને સીટો નહીં મળે પરંતુ શહેરો કરતાં પણ સારું પરિણામ ગામડામાં ભાજપને મળ્યું છે. અમુક જગ્યાએ તો તમામ બેઠકો ભાજપને મળી છે.’

કોંગ્રેસના લોકોનો વીણી વીણીને સફાયો કર્યોઃ વિજય રૂપાણી

મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘કોંગ્રેસના પણ ઘણા દિગ્ગજો હાર્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલ પણ હારી ગયા, છોટુભાઈ વસાવાના દીકરા પણ હારી ગયા છે. એટલે કે કોંગ્રેસના લોકોને વીણી વીણીને જે રીતે સફાયો કર્યો છે તે જ દેખાડે છે કે આ ગુજરાત ભાજપનો ગઢ છે. નરેન્દ્રભાઈનું આ ગુજરાત છે. નરેન્દ્રભાઈએ પણ મોસાળમાં મા પીરસે એમ મદદ કરી છે. લોકોએ પણ મત રૂપે પ્રતિસાદ આપ્યો છે. તેથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હું આભાર માનું છું. ઉપરાંત સી.આર. પાટીલને અભિનંદન આપું છું. લાખો કાર્યકરોનો આભાર માનું છું. ભુતકાળમાં કોઈપણ પાર્ટીને આટલી બધી બેઠકો મળી નથી.’

કોંગ્રસ સત્તા તો શું વિપક્ષ માટે પણ લાયક નથી રહીઃ વિજય રૂપાણી

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ‘વિકાસની રાજનીતિ જ આ ચૂંટણીનો મુદ્દો હતો અને એ જ મુદ્દા ઉપર વિચલીત થયા વગર આગળ વધ્યા હતા. 2022માં ફરી ભાજપની સરકાર બનશે તેનો પાયો નંખાયો છે. અમારી જવાબદારી વધી છે.પ્રજાએ ખૂબ પ્રેમ આપ્યો છે, પ્રજાનો વિશ્વાસ એળે નહીં જાય તેની ખતરી આપું છું. વિજયને વિનમ્રતાથી ઉજવવા કાર્યકરોને અપીલ કરું છું. કોંગ્રેસ સત્તા માટે તો શું વિપક્ષ માટે પણ લાયકાત નથી તેવા પરિણામો આવ્યા છે.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments