Homeસિનેમાવાદ25 વર્ષ પૂર્ણ કરતી DDLJની 25 અજાણી વાતો

25 વર્ષ પૂર્ણ કરતી DDLJની 25 અજાણી વાતો

1) ગીત છે. મહેંદી લગા કે રખના ડોલી સજા કે રખના. લગ્ન પ્રસંગોમાં હવે નથી વાગતું. પહેલા વાગતું. આ ગીત પાછળ એવી સત્યકથા છે કે શ્રીમાન મનીષ મલ્હોત્રાએ કાજોલ માટે લીલા રંગનું શૂટ ડિઝાઈન કર્યું.  આદિત્ય ચોપરાનો બાટલો ફાટી ગયો અને બોલ્યા, ‘પંજાબી પરિવારોમાં છોકરીઓ લાલ, મરૂન અને ગુલાબી કપડાં જ પહેરે છે.’

2) એ જમાનામાં DDLJની કેસેટો ખૂબ વેચાણી હતી. કેસેટના કવરની પાછળના ભાગમાં શાહરૂખ અને કાજોલ પીળા કલરના લહેરાતા ખેતરની વચ્ચે આલિંગન કરીને ઊભા દેખાશે. આ ખેતર પંજાબ કે કોઈ ડેનમાર્કમાં નહીં પણ ગુડગાંવમાં હતું. જ્યાં શૂટ થયું ‘તુજે દેખા તો યે જાના સનમ.’

3) આદિત્ય ચોપરાને રાજ કપૂર અને તેમની ફેમિલી સાથે અપ્રતિમ લગાવ હતો. એમણે હિરો શાહરૂખનું નામ રાખ્યું ‘રાજ’ જે રાજ કપૂરના નામથી પ્રેરિત હતું. જોકે ખૂબ ઓછાને ખબર છે કે ફિલ્મી રાજનું આખું નામ રાજનાથ હતું. આ રાજનાથ ઋષિ કપૂરની 1973માં આવેલી ફિલ્મ બોબીમાં ઋષિનું ફિલ્મી નામ હતું.

4) મંદીરા બેદીને ક્રિકેટમાં કોમેન્ટ્રી કરતાં અને બાદમાં દૂરદર્શન પર આવતી શાંતિ સિરીયલમાં જોનારાઓને કહી દઈએ કે આ મંદિરાની પ્રથમ ફિલ્મ હતી.

5) પ્રથમ રેકોર્ડ થનારા ગીતનું નામ હતું ‘મેરે ખ્વાબો મેં જો આયે.’ ગીત લખનાર આનંદ બક્ષીની પાછળ આદિત્ય ચોપરા આદુ ખાઈ પડી ગયા હતા. એમણે ગીત 24 વખત અલગ અલગ કડીઓમાં લખાવ્યું. જેમાં એક છોકરી પોતાના ભાવી પરણેતર કે આશિક કેવો હશે તેના વિશે કલ્પના કરતી હોય છે. તેના મનમાં જે વિચારોની હેલી સર્જાય છે તે પ્રકારનો હિરો રાજ વિદેશમાં ધમપછાડા કરતો હોય છે.

6) આદિત્ય ચોપરાની ફિલ્મો જોનારાઓને ખ્યાલ હશે. યશરાજની ફિલ્મોમાં અમીરત્વ ભર્યું ભાર્યું હોય છે. આ અમીરત્વના કારણે જ લોટ્રી લાગી ગઈ પરમીત શેઠીને. કાજોલના પતિ બનવાની તક અરમાન કોહલી પાસે હતી. ઓડિશનમાં પરમીત એટલા સરસ કપડાં પહેરીને આવ્યો કે આદિત્યને આ રોલ માટે બીજો કોઈ પરફેક્ટ હિરો લાગ્યો જ નહીં. પરમીતનું ફિલ્મમાં નામ કુલજીત છે.

7)  શાહરૂખ ખાન ફિલ્મમાં જે સરસ મજાની જેકેટ પહેરે છે તેની કિંમત 400 ડોલર હતી. કેલિફોર્નિયાના બેકર્સફિલ્ડનાં હાર્લે-ડેવિડસનના શો રૂમમાંથી આ જેકેટ ખરીદવામાં આવી હતી. ખરીદનારનું નામ ઉદય ચોપરા. આ લેધર જેકેટ જેવી ડુપ્લિકેટ કોઈ પાસે હોય તો એ ખૂદને રાજ જ સમજતા અને જેકેટ પહેરવાથી છોકરીઓ પટી જવાની અફવાઓ પણ ફેલાયેલી હતી.

8) આદિત્ય પ્રથમ ફિલ્મમાં ત્રણ પ્રેમી જોડીઓની વાત કરવા માગતા હતા. જે શક્ય ન બની. એ શક્ય બની 2000ની સાલમાં જ્યારે શાહરૂખ ખાનની જ સાથે આદિત્યએ ‘મહોબતે’ ફિલ્મ કરી.

9) ખૂબ મહેનત કર્યા પછી આખરે અનુપમ ખેરના પત્ની કિરણ ખેરે શિર્ષક ફાઈનલ કર્યું. દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે આ શિર્ષક આપનારા તેઓ જ છે. ક્રેડિટ સીનમાં પણ તેમનું નામ આવે છે. 1974માં રિલીઝ થયેલી ફિલ્મ ચોર મચાયે શોરમાં શશી કપૂર એક ગીત પર ડાન્સ કરે છે, લે જાયેંગે લે જાયેંગે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે. ફિલ્મમાં આ ગીત અંતાક્ષરીમાં પણ ગવાય છે અને 1980માં આ નામેરી ફિલ્મ પણ બની ચૂકી હતી. આ ફિલ્મ રાજેન્દ્ર સિંહ ‘અતિશી’ એ ડાયરેક્ટ કરી હતી. ફિલ્મમાં બીના બેનર્જી, દેશ ગૌતમ અને તારીક શાહ જેવા કલાકારો હતા.

10) આ ફિલ્મ શાહરૂખના ખાતામાં કોઈ દિવસ આવવાની જ નહોતી. શાહરૂખ પાસે આદિત્ય કુલ ચાર વખત ગયા હતા. શાહરૂખે ફિલ્મ કરવાની ના પાડી દીધી. જો છેલ્લી વખત ગયા હોત અને તો પણ શાહરૂખ ન માન્યો હોત તો આદિત્ય એ ફાઈનલ કરીને રાખ્યું હતું કે શાહરૂખની જગ્યાએ સૈફ અલી ખાનને હિરો તરીકે કાસ્ટ કરી લેવો. બિચારો સૈફ!!

11) એવું પણ કહેવાય છે કે સૌ પ્રથમ રાજનો રોલ સૈફ અલી ખાનને જ આપવામાં આવ્યો હતો પણ તેણે ના પાડી દીધી. પાછળથી આ રોલ એ સમયના સુપરસ્ટાર સલમાન અને આમીરને આપવામાં આવ્યો અને પછી આ રોલ શાહરૂખના ફાળે ગયો. જે હોય તે આ વાત પરથી આદિત્ય પડદો નથી હટાવતા. તેમના મનમાં તો શાહરૂખ જ ઘુમરાતો હતો.

12) અનુપમ ખેરને આદિત્ય સાથે વાંધો પડી ગયેલો. અમરીશ પુરીનો રોલ અનુપમને જોતો હતો. એ રોલ મોટો પણ હતો અને મજબૂત પણ હતો. અનુપમે ફરિયાદ પણ કરી કે તે પુરીને આ રોલ શા માટે આપી દીધો. છેલ્લે આદિત્યની આગળ નમતા ધર્મવીર મલ્હોત્રાનો રોલ જ અનુપમ ખેરને કરવો પડ્યો.

13) આ ફિલ્મથી જ શાહરૂખને કિંગ ઓફ રોમાન્સનું તખલ્લુસ મળ્યું. શાહરૂખને તો આદિત્યએ કહ્યું જ ન હતું કે તે આવી ફિલ્મ બનાવે છે, કારણ કે ફિલ્મનું અંગ્રેજી ટાઈટલ ‘ધ બ્રેવહર્ટ વિલ ટેક ધ બ્રાઈડ’ રાખી દેવામાં આવ્યું હતું અને હિરો હતો ટોમ ક્રૂઝ. છેલ્લે શાહરૂખ પાસે આ ફિલ્મ ગઈ અને શાહરૂખનું આજે જે સ્ટારડમ છે તેમાં સિંહફાળો દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે નો છે.

14)શાહરૂખ આ ફિલ્મ ન કરેત તેની પાછળનું કારણ એ પણ હતું કે એ સમયે શાહરૂખ માત્ર નેગેટિવ રોલ કરતો હતો. ખૂદ શાહરૂખ નેગેટિવ રોલ થકી અમરીશ પુરીને ટક્કર આપી રહ્યો હતો. ડર અને બાઝીગર તેના મોટા ઉદાહરણ છે. એવામાં તાત્કાલિક રોમેન્ટીક ફિલ્મ કરી તે તેની ઈમેજ બદલવા નહોતો માગતો.

15) યશરાજ પ્રોડક્શન વિદેશમાં ખૂબ શૂટિંગ કરે છે. ગીત છે. ‘જરા સા ઝૂમ લુ મેં અરે ના રે ના રે ના.’ આ ગીત પૂર્ણ થયા પછી બીજી સવારે શાહરૂખ કાજોલને કહે છે, ‘હમારે બીચ સબ હો ગયા, હમ કિસી કો મુંહ દિખાને કે લાયક નહીં રહે…’ આ સીનમાં શાહરૂખની છાતી પર લિપ્સટિકના નિશાન હોય છે, જે ખૂદ કાજોલે કર્યા હોય છે.

16) મેરે ખ્વાબો મેં જો આયે ગીતમાં કાજોલ શરીર પર ટુવાલ લપેટીને નાચે છે. કાજોલ આ સીન કરવા જ નહોતી માગતી, કારણ કે એ સમયે આવા સીન કાજોલ નહોતી કરતી. બાદમાં આદિત્યએ કાજોલને સમજાવ્યું કે ગીતના બોલ સરસ છે અને તારો ડાન્સ પણ આના પર સરસ લાગશે. કાજોલ માની ગઈ.

17) ક્લાઈમેક્સના સીનમાં રેલવે સ્ટેશન પાસે આખુ પરિવાર ટોળે વળીને ઊભું હોય છે અને કાજોલ ટ્રેન પાછળ દોડતી હોય છે. ધ્યાનથી જુઓ તો હિમાની શિવપુરા જેણે ફિલ્મમાં કમ્મોનો રોલ પ્લે કર્યો હતો તે ત્યાં હાજર નહોતી, કારણ કે તેના પતિનું નિધન થઈ ગયું હતું.

18) દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ભારતની એવી પ્રથમ ફિલ્મ છે જેની મેકિંગની ડોક્યુમેન્ટ્રી પણ ટીવી પર પ્રસારિત કરવામાં આવી હતી. કરન જોહર અને ઉદય ચોપરાએ એડિટ કરેલી અડધી કલાકની ડોક્યુમેન્ટ્રી એ સમયના Netflix એટલે કે દૂરદર્શન પર દર્શાવવામાં આવી હતી.       

19) હરિયાણામાં તુજે દેખા તો એ જા ના સનમ ગીતના શૂટિંગની મંજૂરી લઈ લેવામાં આવી હતી. પંચાયતે પણ મહોર મારી દીધી હતી. અચાનક શું થયું કે શૂટિંગ સમયે જ લોકો બગડ્યા. શાહરૂખ દિલ્હીથી આવ્યો અને આ લોકોને શાંત કરવા માટે દિલ્હીવાળી હરિયાણવી બોલવાની શરૂઆત કરી દીધી. સમગ્ર મામલો શાંત થઈ ગયો. સારું થયું શાહરૂખ દિલ્હીનો છે.

20) આદિત્ય ચોપરા ફિલ્મમાં એક પણ એક્શન દ્રશ્ય રાખવા નહોતા માગતા, સામે શાહરૂખ ખાને હઠ પકડેલી કે એક્શન તો રાખવી જ જોઈએ. ક્લાઈમેક્સમાં ફાઈટિંગ દ્રશ્ય રાખવામાં આવ્યું. શાહરૂખ આજે પણ માને છે કે એ સીનના કારણે જ ફિલ્મ હિટ ગઈ. શાહરૂખ જ નહીં નાનપણમાં તો હું પણ માનતો હતો અને ગોવાબાપા પણ માનતા હતા.

21) ફિલ્મમાં આદિત્ય મહેંદી લગા કે રખના ગીત યુઝ કરવા નહોતા માગતા. એ ગીત એમણે બીજી ફિલ્મ માટે પસંદ કરીને રાખ્યું હતું. પણ જેવી યશ પ્રોડક્શનની મરજી.

22) 1995ની સાલના સપ્ટેમ્બર મહિનામાં આમિર ખાનની ફિલ્મ રંગીલા રિલીઝ થઈ હતી. એ જ વર્ષે ઓક્ટોબરમાં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે આવી હતી. આમિરને તેની મહેનત પર પૂર્ણ પણે વિશ્વાસ હતો કે એવોર્ડ તેના ખાતમાં જ જશે. એવોર્ડ શાહરૂખને મળી ગયો. આ છેલ્લી વખત હતું, પછી આમિર કોઈ દિવસ એવોર્ડમાં ભાગ લેવા માટે નથી ગયો.

23) ગીત રૂક જા ઓ દિલ દિવાને ફરાહ ખાને કોરિયોગ્રાફ કર્યું હતું. યુરોપમાં તે બીજા ગીતો પણ કોરિયોગ્રાફ કરવા જવાની હતી, પણ ગઈ નહીં. તેને નાના પાટેકર માટે કામ કરવું પડ્યું. જેણે પહેલા જ તેની ડેટ્સ બુક કરી રાખી હતી.

24) એક સીન છે. રાજ પરીક્ષામાં ફેલ જતા અનુપમ ખેર, મલ્હોત્રા કુટુંબના નિષ્ફળ લોકોના નામ લે છે. આ બધા લોકો સાચેક નિષ્ફળ ગયેલા અને અનુપમ ખેર જેટલા પણ લોકોના નામ બોલે છે એ બધા તેમના સગા કાકા હતા. જેઓ ભણવામાં એકદમ ‘ઢ’ હતા.

25) સૂરજ બરજાત્યાએ DDLJ જોઈ પછી તેમણે પોતાની મોટાભાગની ફિલ્મો ડાયરેક્ટ કરતાં પહેલા એક વખત તો DDLJ અચૂક જોઈ જ છે.  

(આ લેખ સિનેમાપ્રેમી યુવક જલજીરાએ લખ્યો છે. જલજીરાભાઈ આખો દિવસ ફિલ્મ જોવાના કારણે દસમાંની પરીક્ષામાં ચાર વખત ફેલ થયેલા. ફિલ્મોનો બાળપણથી જ શોખ. આખો દિવસ ફિલ્મો જ જોયા કરે છે એટલે આ ધંધો એમને સોંપ્યા જેવો. એવું ટીમ ચાબુકને લાગ્યું. હાલ FTIIમાં પ્રવેશ મેળવવાની તૈયારી કરી રહ્યા છે.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments