કેટલી મઝા આવે. મોબાઈલની સ્ક્રિન પર અભય દેઓલ અને પંકજ કપૂર જેવા બે મજબૂત કલાકારોને જોઈને. કેટલી મઝા આવે જ્યારે પિયુષ મિશ્રા અને રાજેશ શર્મા પણ હોય. JL50 વિશે જો હું એક પણ શબ્દ કહું તો તમારી મઝા મરી જશે. આવી સારી ફિલ્મો બનાવતા જ શું કામે હશે ? જેમાં સસ્પેન્સ હોય, થ્રીલર હોય, અભિનય હોય અને સરવાળે તમારે ધ્યાન રાખીને કિબોર્ડ પર હાથ મુકવાનો કે ક્યાંક લખવામાં સ્પોઈલરીયો રોદો ન આવી જાય.
ટીઝર તો જોયું જ છે. એક પ્લેન છે. 35 વર્ષ પહેલાં ઉડેલું અને હવે પાછું માર્કેટમાં આવ્યું છે. એ પણ ક્રેશ થવા માટે. બે લોકો બચી ગયા છે. જેમની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે છે. હવે કંઈ નહીં બસ… બસ… બસ…
અભય દેઓલને લાંબા સમય પછી હું મારા મોબાઈલમાં જોઉં છું. એ માણસ અભિનયથી તગડો લાગે છે પણ હું તુલનાત્મકતાની કસોટીએ તેને ચડાઉં તો સ્પેશિયલ 26ના મનોજ બાજપેયી અને તલવારના ઈરફાનની તોલે નથી આવતો.
આપણા મગજમાં કેટલાક નામો ચિતરાય ગયા હોય છે. એ રોલમાં આપણે તેમના સિવાય કોઈની પણ કલ્પના નથી કરી શકતા. આ બંન્ને પાત્રોની સામે અભય ઊભો નથી રહી શકતો પણ એ કામ ખૂબ સારું કરે છે. એક તો મીની સિરીઝ છે. એમાં ઉપરથી થોડી અમથી લવ સ્ટોરી નાખેલી છે. સેક્રેડ ગેમ્સમાં પણ સરતાજજીની પ્રેમ કહાની જોઈ ભારતની અડધી પ્રજાને ઉબકા આવતા હતા. તેરે બીના જીયા જાએનાં… શૈલેન્દ્ર વ્યાસે પણ અહીં અભયના પાસ્ટને વચ્ચે વચ્ચે કાસ્ટ કર્યો છે. એક દર્શક તરીકે તે ગમતું નથી. અભયનું પાત્ર તેનાથી દુખી પણ નથી જણાતું. બે ત્રણ દ્રશ્યમાં સોગીયું મોઢું કરી જાય છે. બાકી તેના પર પ્લેનનું જ પ્રેશર છે.
પંકજ કપૂર પાસે હવે નેટફ્લિક્સ અને એમેઝોન ક્યારે એક સરસ સ્ક્રિપ્ટ લઈને જાય છે તેની રાહ જોવાની છે. આમ તો લાંબા સમય સુધી રાહ જોઈ પણ આવી સારી ટેલેન્ટને કરમચંદ અને ઓફિસ ઓફિસમાં કામ કરવું પડ્યું. અને ટેલેન્ટની તાકાત જુઓ. એ બંન્ને સિરીયલ. સિરીયલોનાં ઈતિહાસમાં અવ્વલ નંબરે બિરાજે છે.
પંકજ કપૂર પાસે દર્શક શું અપેક્ષા રાખી રહ્યા છે ? ખ્યાલ છે ? મકબૂલનો જહાંગીર ખાન ઉર્ફ અબ્બાજી. સ્થૂળ શરીર. ઠિંગણું કદ. નશીલી અને પાંપણ ન ફરકાવતી આંખો. ઘોઘરો અવાજ. કાળી અને સફેદ દાઢીનું મિશ્રણ. પેંગ્વિનની જેમ ચાલવું. પેંગ્વિનની જેમ ચાલવાથી યાદ આવ્યું પંકજ કપૂર બેસ્ટ ચોઈસ છે. બેટમેનમાં પેંગ્વિનના વિલન તરીકેની.
પણ JL50માં તમને પંકજ કપૂર એક પ્રોફેસર તરીકે દેખાશે. તેમના પાત્રમાં અતિક્રમ નથી. ડર છે પણ ઉતાવળ નથી. એ ધીમે ધીમે કામ કરે છે. તેમનું પાત્ર બેલેન્સ છે. એ સૂર છે કે અસૂર તેની ખબર નથી પડતી.
એક બંગાળી ગીત અને એક હિન્દી ગીત સરસ છે. એક અભય પર એક પંકજ કપૂર પર. ગીત-સંગીતની વાતો કરીએ એટલે શ્વાસમાં શ્વાસ આવે અને પ્રશ્ન થાય અરે હજુ ગીતો બને છે ?
શબ્દ ઉપર સંગીત પ્રભુત્વ નથી જમાવતું. બંન્ને સમાંતર રહે છે. થેનોસ કહે છે તેમ, ‘પરફેક્ટલી બેલેન્સ.’
દિવાળી સાથે બેસતુ વર્ષ આવે, હોળી સાથે ધૂળેટી આવે, સાતમ સાથે આઠમ આવે તેમ સીબીઆઈના લીડ ઓફિસર સાથે તેનો મિત્ર પણ આવે. આ હવે ચવાઈ ગયેલો વિષય છે. પણ તેની બાદબાકી કરી નાખવામાં આવે તો મઝા પણ ન આવે. સેક્રેડ ગેમ્સ, ધ ફેમિલી મેન, અસૂર, બ્રિધ-1-2 અને હવે આ મિની સિરીઝમાં પણ.
કેરેક્ટર્સ એક્ટિંગ નથી કરી રહ્યાં. એ દર્શકોને ડરાવી રહ્યાં છે. શૈલેન્દ્ર તું શૈલેન્દ્ર નહીં સવા શૈલેન્દ્ર હૈ !! શૈલેન્દ્ર વ્યાસ સિરીઝના ડાયરેક્ટર છે. જીથરા ભાભાની વાર્તા સાંભળેલીને ? એમાં મરી ગયેલો ભાભો પાછો જીવતો થઈ આવે તો ગામ આખામાં રમખાણ મચી જાય. બસ એવા જ બે પાત્રો સાથે છે. અને એ બંન્ને પાત્રોની આંખો દિગ્દર્શક બતાવવા માગે છે. તેની આંખ જુઓ એટલે ડરી જાઓ.
કલકત્તાનું લોકેશન ઘણી વેબસાઈટો કહે છે સરસ છે. પણ નહીં. કહાનીમાં જોયું હતું એ જ કલકત્તા છે. દુર્ગા પૂજાની મૂર્તિઓ બની રહી છે. રોડ છે. એક ફેક્ટરી છે. એરપોર્ટ છે. હાવડા બ્રિજ છે. બસ આટલું આવી ગયું એટલે લખી શકાય કલકત્તા આવી ગયું ?
ચાર એપિસોડની સિરીઝમાં 1984ના કલકત્તાને જ્યારે દર્શાવે તો શું કહેવું ? એકદમ બકવાસ. પંકજ કપૂર, અભય દેઓલ અને રિતિકા આનંદ ચાલીને આવતા હોય છે તો એકાદ સીનને છોડતા એ 1984નું કલકત્તા તો લાગતું જ નથી. તેનાથી સારું કલકત્તા મેરી પ્યારી બિંદુમાં દર્શાવ્યું હતું. ભલે ફ્લોપ હતી.
સિરીઝ ત્રણ કારણથી જોવાની થાય છે. નંબર એક તેની પાવરફુલ સ્ટારકાસ્ટ જે અભિનય થકી એક ક્ષણ માટે પણ તમારું ધ્યાન ભટકવા નથી દેતી. નંબર બે તેની સ્ટોરી. જે ભાગતા ભાગતા પુરી થવા આવી અને તેમાં આટલું ગુઢ રહસ્ય છે તેમાં દર્શક તરીકે ખૂદ લુપ્ત થતા જઈએ. નંબર ત્રણ તેનો સંદેશ.
જ્યારથી સિરીઝ રિલીઝ થઈ છે ત્યારથી કોઈ તેના સંદેશ વિશે વાત નથી કરતાં. સાતમાં ધોરણમાં તમે કે હું ચડ્ડી પહેરી પ્રાથમિક શાળામાં એક નિબંધ બોલતા હતા, ‘‘વિજ્ઞાન શ્રાપ કે અભિશ્રાપ’’ બસ હું અહીં અટકું છું. એક સ્પોઈલર લાગી ગયો તેની માફી સાથે.
(આ લેખ સિનેમાપ્રેમી યુવક જલજીરાએ લખ્યો છે. જલજીરાભાઈ આખો દિવસ ફિલ્મ જોવાના કારણે દસમાંની પરીક્ષામાં ચાર વખત ફેલ થયેલા. ફિલ્મોનો બાળપણથી જ શોખ. આખો દિવસ ફિલ્મો જ જોયા કરે છે એટલે આ ધંધો એમને સોંપ્યા જેવો. એવું ટીમ ચાબુકને લાગ્યું. હાલ FTIIમાં પ્રવેશ મેળવવાની તૈયારી કરી રહ્યા છે.)