વિશેષના પેટા વિભાગ ઘુમેશ્વરમાં વાત કરવી છે લાલ કિલ્લાની. દેશમાં બે લાલ કિલ્લા છે. એક દિલ્હી, જ્યાંથી દર વર્ષે 15મી ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી દેશની જનતાને સંબોધન કરે છે. બીજો કિલ્લો આગ્રામાં છે. આગ્રાનો કિલ્લો પણ લાલ કિલ્લા તરીકે જ ઓળખાય છે. પરંતુ અહીં વાત છે જૂની દિલ્હીમાં આવેલા લાલ કિલ્લાની.
મારી બે વખતની દિલ્હી મુલાકાતમાં બન્ને વખત આ લાલ કિલ્લાની લટાર મારવાનું થયું. દેશની ધરોહર સમાન આ લાલ કિલ્લાને નિહાળવા, માણવા અને જાણવા દરરોજ હજારો મુલાકાતીઓ આવે છે. આ મુલાકાતીઓની જેમ અમે પણ ગત વર્ષે માર્ચ મહિનામાં પહોંચી ગયા હતા દિલ્હી.
આમ તો આ અમારી લગ્ન પછીની પ્રથમ ટૂર હતી. જેને આપણે હનીમૂન ટૂર કહીએ છીએ. પરંતુ ટૂરમાં સાથે રહેલા અમે ચારેય લોકો પત્રકાર હોવાથી જે સ્થળે ગયા હોય તેની એક એક વસ્તુને જોઈ લેવાને આદત વશ તો હોઈએ જ!
અમદાવાદથી દિલ્હી ટ્રેન મારફતે પહોંચ્યા બાદ ગુજરાતીઓ માટે રોકાવાનું સસ્તું અને સારું સ્થળ એટલે ગુજરાતી સમાજ. ત્યાં પહોંચી ફ્રેશ થઈ, મેં અને મિત્ર પ્રતિકે નક્કી કર્યું કે હજુ મનાલીની બસ સાંજે 7-30 વાગ્યે છે, તો ક્યાંક ચક્કર મારીએ. નજીકનું સ્થળ હતું લાલ કિલ્લો. ગુજરાતી સમાજથી થોડું ચાલી રીક્ષા પકડીને લાલ કિલ્લાએ પહોંચ્યા. લાલ કિલ્લાની સામે ફોટો પાડવા માટેનો વ્યૂ સુંદર આવે છે. હવે તો કોઈ જગ્યાએ જઈએ તો ફોટો પાડ્યા વિના ચાલતું જ નથી !
ત્યારબાદ ટિકિટ બારીએ લાઈન હોવાથી ઓનલાઈન ટિકિટના રૂપિયા ચૂકવીને અંદર પ્રવેશ કર્યો. લાલ કિલ્લાએ તમે જાવ એટલે મુખ્ય ગેટ પર રાષ્ટ્રધ્વજ ફરકતો દેખાય, આ ગેટને ‘લાહોરી ગેટ’ કહેવામાં આવે છે.
લાલ કિલ્લાની અંદર પ્રવેશ કરો એટલે શરૂઆતમાં જ એક શોપિંગ માર્કેટ આવે. જ્યાં હેન્ડીક્રાફ્ટ, પૂજા-પાઠ અને મહિલાઓ માટેની વિવિધ વસ્તુઓ મળે. અમે આ દુકાનો પાર કરી આગળ વધ્યા. અહીંથી શરૂ થાય સાચી સફર.
અંદર શું શું છે ?
2.4 કિલોમીટર લાંબી લાલ પથ્થરથી બનેલી દિવાલની અંદર, નક્કાર ખાના, નૌબત ખાના, દિવાન-એ-આમ. મુમતાઝ મહેલ, રંગ મહેલ, ખાસ મહેલ, દિવાન-એ-ખાસ, મોતી મસ્જિદ, હીરા મહેલ, વગેરે ઇમારતો નિહાળતા ગયા અને આગળ વધતા ગયા.
17મી સદીમાં બનેલી આ તમામ ઇમારતોને તમે જુઓ તો તે સમયની અદભૂત કલા-કારીગરીના દર્શન થાય. પથ્થરોની ગોઠવણી અને કોતરણી જોઈને અમે અચરજ પામી ગયા. એક એક ઇમારતને નજીકથી નિહાળતા ગયા.
મુલાકાતીઓને ઇતિહાસથી અવગત કરવા દરેક ઇમારતનો ઇતિહાસ પથ્થરની કોતરણી કરીને લખેલો છે. અંદર એટલું બધું નિહાળવાલાયક હતું કે અમે ચાલી ચાલીને થાકી ગયા. જેથી થોડીવાર માટે બગીચામાં ધામા નાખ્યા.
ઇતિહાસ સાચવીને બેઠો છે લાલ કિલ્લો
લાલ કિલ્લાની અંદર આવેલા વિવિધ સંગ્રહાલયની વાત કરીએ તો, નૌબત ખાનામાં 1919માં યુદ્ધ સ્મારક સંગ્રહાલય, વિશ્વ યુદ્ધમાં વપરાયેલા શસ્ત્રોને પ્રદર્શિત કરીને બનાવાયું છે. મુઘલકાળ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા સામાનને પ્રદર્શિત કરતું સંગ્રહાલય મુમતાઝ મહેલમાં બનાવાયું છે. 1995માં સ્વાધિનતા સંગ્રામ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરાયું જેમાં ભારતની આઝાદીની ઝલક નિહાળવા મળશે. તો સલીમગઢના કિલ્લામાં સ્થાપિત સ્વતંત્ર સેનાની સ્મારક ભારતીય સેનાના જવાનોને સમર્પિત છે.
લાલ કિલ્લા પર આક્રમણ
અમે જેમ જેમ લાલ કિલ્લાના ઇતિહાસને જાણી રહ્યા હતા તેમ તેમ અહીં બનેલી અઘટિત ઘટનાઓથી પણ અવગત થયા. કોહિનુર હીરા વિષે સૌએ સાંભળ્યું હશે, લાલ કિલ્લાની અંદર રહેલા દિવાન-એ-ખાસમાં તખ્ત-એ-તાવુઝ હતો. જેમાં પ્રસિદ્ધ કોહિનુર હીરાને રાખવામાં આવ્યો હતો. પરંતુ 1739માં નાદિર શાહે તેને લૂંટી લીધો. નાદિર શાહે લૂંટેલા એ હિરાની વાત પણ ટૂંક સમયમાં ચાબુકમાં આવશે.
ઇમારતોની છતમાં સોના અને ચાંદીથી નકશીકામ કરાયું હતું તેને પણ વર્ષો પછી ઓગાળીને લૂંટી લેવામાં આવી અને 1911માં લાકડાની છતથી મઢી દેવામાં આવી. લાલ કિલ્લાને અનેક વખત લૂંટવામાં આવ્યો અને ઘણી વખત આક્રમણ કરાયું.
1857માં અંગ્રેજોએ કિલ્લા પર કબજો જમાવી દીધો. પછી કિલ્લાની અંદર રહેલી ઘણી ઇમારતોને ધ્વંસ કરી દેવામાં આવેલી. ત્યારબાદ 1947માં ભારતીય સેનાએ લાલ કિલ્લા પર કબજો મેળવી લીધો. અંતે લાલ કિલ્લાના સંરક્ષણ અને જતન માટે 2003માં ભારતીય પુરાતત્વ વિભાગને સંચાલન સોંપી દેવામાં આવ્યું.
શાહજહાં માટે સ્વર્ગ સમાન હતો લાલ કિલ્લો
મુઘલ સમ્રાટ શાહજહાંએ લાલ કિલ્લાનું બાંધકામ કરાવ્યું હતું. લાલ રેતિયા પથ્થર અને માર્બલથી બનેલો આ કિલ્લો શાહજહાંના દિલની ખુબ નજીક હતો. શાહજહાં માટે આ જગ્યા સ્વર્ગ સમાન હતી. અહીં ફારસી કવિ આમિર ખુસરોએ લખેલી કેટલીક પંક્તિઓ અલંકૃત કરેલી છે. જેનો ગુજરાતીમાં ભાવાર્થ થાય છે, ‘જો ધરતી પર ક્યાંય સ્વર્ગ છે તો તે અહીં છે… અહીં છે…. અહીં છે.’
2007માં લાલ કિલ્લાનો સમાવેશ વર્લ્ડ હેરિટેજ સ્થળોની યાદીમાં કરવામાં આવ્યો. આ કિલ્લો 200 વર્ષ સુધી મુગલોના નિવાસ સ્થાન તરીકે રહી ચુક્યો છે. દિલ્હી જાવ તો આ સ્થળની મુલાકાત લેવાનું ભૂલવું ન જોઈએ. અમારી આશરે અઢી કલાકની આ મુલાકાત પૈસા વસુલ રહી. થાકીને નીકળ્યા પરંતુ ઘણું જાણીને બહાર નીકળ્યા.