Homeદે ઘુમા કેદક્ષિણ આફ્રિકાએ વિશ્વકપમાં ભારતને ત્રણ વિકેટથી પરાજય આપ્યો, ભારતનું સેમીફાઈનલમાં પહોંચવાનું સ્વપ્ન...

દક્ષિણ આફ્રિકાએ વિશ્વકપમાં ભારતને ત્રણ વિકેટથી પરાજય આપ્યો, ભારતનું સેમીફાઈનલમાં પહોંચવાનું સ્વપ્ન ચકનાચૂર

Team Chabuk-Sports Desk: ભારતની મહિલા ક્રિકેટ ટીમનું સેમીફાઈલનમાં પહોંચવાનું અને વિશ્વકપ જીતવાનું સ્વપ્ન એક નો બોલે તોડી નાખ્યું છે. આફ્રિકાએ રસાકસી ભર્યાં મેચમાં ઈન્ડિયન ટીમને ત્રણ વિકેટથી માત આપી હતી. જોકે ભારતીય ટીમે આફ્રિકાની મજબૂત ટીમને હંફાવી દેવામાં બાકી નહોતું રાખ્યું. ભારતીય ટીમને અંતિમ બે બોલમાં ત્રણ રન બચાવવાના હતા. પરંતુ દીપ્તિ શર્માની એક બોલને નો બોલ આપવામાં આવી અને મેચનું પાસું પલટી ગયું. જોકે રિપ્લેમાં તે ખૂબ નજીક લાગી રહ્યું હતું, કારણ કે બોલિંગમાં દીપ્તિનો પગ ક્રિઝની બહાર નહોતો પણ હવામાં હતો.

આ નોબોલના કારણે દક્ષિણ આફ્રિકાની ટીમે અંતિમ ઓવરમાં લક્ષ્ય પ્રાપ્તિ કરી લીધી હતી. આ એ જ નો બોલ જ હતી જેના પર દીપ્તિ શર્માએ મિગ્નન ડુ પ્રીઝને હરમનપ્રીતના હાથે કેચ આઉટ કરાવી દીધી હતી. જે ભારત માટે અંતિમ બોલમાં ફાયદેમંદ સાબિત થઈ શકતી હતી. નો બોલ પર મિગ્નન ડુ પ્રીઝે લોંગ ઓન પરથી લાંબો શોટ ફટકારવાનો પ્રયાસ કર્યો હતો. ક્ષેત્રરક્ષણમાં ઉપસ્થિત હરમનપ્રીત કૌરે કેચ ઝડપી લીધા બાદ ઉજવણી શરુ કરી દીધી હતી. જોકે થોડીવારમાં ઉજવણી અટકાવી દેવી પડી કારણ કે બોલ નો બોલ હતી.

આ કેચની વચ્ચે આફ્રિકાના બેટર્સે એક રન પણ દોડી લીધો હતો, જોકે એ રનને અમાન્ય ઠેરવવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં તેને બેટર અને ટીમના ખાતમાં જોડી દેવામાં આવ્યો. સ્ટ્રાઈકને ચેન્જ કરી દેવામાં આવી. બાકીની બે બોલ પર દક્ષિણ આફ્રિકાએ બે રન બનાવી લીધા હતા. ભારતીય ટીમ માટે હરમનરપ્રીત કૌરે એક સમયે હારની નજીક ઊભેલી ભારતીય ટીમની ક્ષેત્રરક્ષણ અને બોલિંગ દ્વારા મેચમાં વાપસી કરાવી હતી. જોકે નો બોલથી ભારતીય ટીમ અને ફેન્સ નિરાશ થઈ ગયા હતા.

મેચની વાત કરીએ તો ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે ક્રાઈસ્ટચર્ચમાં ટૂર્નામેન્ટની લીગ સ્ટેજનો અંતિમ મુકાબલો રમાયો હતો. ભારતીય સુકાની મિતાલી રાજે ટોસ જીતી પ્રથમ બેટીંગનો નિર્ણય લીધો. તેનો આ નિર્ણય શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાની આરંભિક જોડીએ સાચો સાબિત કરી બતાવ્યો હતો. બંનેની વચ્ચે પ્રથમ વિકેટ માટે 91 રનની ભાગીદારી નોંધાઈ હતી.

શેફાલીએ વિશ્વકપમાં પોતાની પ્રથમ અને કરિયરની ત્રીજી હાફ સેન્ચુરી પૂર્ણ કરી હતી. 18 વર્ષીય શેફાલી લાંબો સમય ક્રિઝ પર ટકી નહોતી શકી અને 46 બોલ પર 53 રન બનાવ્યા બાદ દુર્ભાગ્યવશ તે રનઆઉટ થઈ પવેલિયન પરત ફરી હતી. શેફાલીએ ઈનિંગમાં આઠ ચોગ્ગા ફટકાર્યા હતા. શેફાલીના આઉટ થયા બાદ આફ્રિકાના બોલર્સે રાહતનો શ્વાસ લીધો હતો કારણ કે શેફાલી ક્રિઝ પર વિધ્વંસક બેટીંગ કરી રહી હતી. તેના આઉટ થયા બાદ યાસ્તિકા ભાટીયા બે રન બનાવી પવેલિયન ફરી હતી.

સ્મૃતિ મંધાના અને મિતાલી રાજની વચ્ચે ત્રીજી વિકેટ માટે 80 રનની ભાગીદારી થઈ. મંધાનાએ પણ 84 બોલમાં 71 રન ફટકાર્યા. સ્મૃતિના આઉટ થયા બાદ મિતાલી અને હરમનપ્રીત કૌરે મળી ચોથી વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી હતી. મિતાલીએ વિશ્વકપમાં પોતાની અગિયારમી હાફ સેન્ચુરી પૂર્ણ કરી. ભારતીય ટીમ મોટા સ્કોર તરફ જઈ રહી હતી. એક સમયે 43 ઓવરમાં 234 રન થઈ ચૂક્યા હતા. જોકે મિતાલી 68 રન પર આઉટ થયા બાદ ભારતની રન બનાવવાની ઝડપમાં ઘટાડો થયો.

ભારત ડેથ ઓવર્સનો ફાયદો નહોતું ઉઠાવી શક્યું અને 45 બોલમાં 40 રન બનાવ્યા હતા. આ દરમ્યાન ચાર ખેલાડીઓ આઉટ પણ થયા. હરમનપ્રીત પણ 57 બોલમાં 48 રન બનાવી આઉટ થઈ. ભારતીય ટીમે સાત વિકેટના નુકસાન પર 274 રન બનાવ્યા અને દક્ષિણ આફ્રિકાને 275નું લક્ષ્યાંક આપ્યું.

275 રનના લક્ષ્યાંકનો પીછો કરવા માટે ઉતરેલી આફ્રિકાની ટીમની 14 રન પર પ્રથમ વિકેટ પડી. જોકે એ પછી લારા ગુડોલ અને લોરા વોલ્વાર્ડટે મળી બીજી વિકેટ માટે 125 રનની ભાગીદારી કરી હતી. વોલ્વાર્ડટે હાફ સેન્ચુરી પૂર્ણ કરી. બીજી તરફ ગુડોલ 49 રન બનાવી આઉટ થઈ. તેના આઉટ થયા બાદ હરમનપ્રીતે 6 રન પર વોલ્વાઈડને 80 રન પર આઉટ કરી પવેલિયન મોકલી. હરમનપ્રીત અહીં અટકી નહોતી અને સુને લૂસને પણ આઉટ કરી મેચમાં ભારતનું પુનરાગમન કરાવ્યું હતું. જોકે બાદમાં અંતિમ ઓવર્સમાં ભારતના હાથમાંથી મેચ નીકળી ગઈ હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments