ઝાલાવાડથી જલજીરા : અલ્હાબાદનું એક વાતાવરણ છે. જે મઝા પોતાના ઘરમાં આવે છે તેવી બહાર નથી આવતી. તમે જોયું હશે કે બોલિવુડમાં એ લોકો સફળ થાય છે જે બોમ્બે બહારના છે, કારણ કે તેમની પાસે બોમ્બે સિવાયની કથાઓ છે. એ બીજા લોકોને જોઈ ચૂક્યા છે. અનુભવી ચૂક્યા છે. તેમની પાસે અનુભૂતિનું નવું મકાન છે, જે બોમ્બેમાં કાયમી વસવાટ કરતાં દિગ્દર્શકો પાસે નથી.
આ કારણે જ એક સમયે આપણી પાસે એક ઢબની ફિલ્મો બનવા લાગી. એક સરખું સિનેમા આવવા લાગ્યું. હિન્દી સિનેમામાં એ લોકો જ વધારે સફળ થયા છે જેમનું જીવન બોમ્બેમાં પસાર નથી થયું. સુપરસ્ટાર બન્યા પછી ક્યાં એ અનુભવો થાય છે યાર !!
મારા પિતા અલ્હાબાદના સુ-વિખ્યાત વકીલ હતા. ખૂબ દયાળુ માણસ. એમણે જીવનમાં કોઈ દિવસ કોઈનું ખોટું ન કર્યું. ઘણી વખત તો ફી પણ ન લેતા. હા વાંચવામાં ઉધઈ જેવા. એક એક પાનું રસપૂર્વક વાંચે.
એક વખત એક ભાઈ તેમની પાસે કોઈ કોર્ટ કેસના કામે આવ્યા. પિતાએ તેમની સાથે એવી રીતે વાત કરી જેવી તેઓ બીજા અસીલ સાથે કોઈ દિવસ નથી કરતાં. બદલામાં પૈસા ન માગ્યા પણ મેં તેમને કહેતા સાંભળ્યા કે, ‘તમારી પાસે પ્રેમચંદજીનું જે પણ સાહિત્ય હોય, જે પણ તે બધું મને આપી દો.’
પેલા પુરુષે એમ જ કર્યું. હાથ મિલાવ્યા અને ચાલ્યો ગયો. મારા પિતાએ કહ્યું ત્યારે મને ખબર પડી કે તે ભારતના વર્ષોવર્ષથી લોકપ્રિય લેખક અને આજે પણ જેમને પછાડનારો સાહિત્યકાર પેદા નથી થયો તેવા પ્રેમચંદજીના પુત્ર અમૃતરાય હતા.
કદાચ આ જોગસંજોગ ગણી શકાય, પણ મારા પાડોશી મહાશ્વેતાદેવી હતા. એ પણ હિન્દીના અગણિત પાઠકોના દિલમાં પોતાની વાર્તાઓથી રાજ કરતા હતા.
હું તેમના ઘરે લાકડા આપવા માટે જતો હતો. આવું સૌભાગ્ય કોને પ્રાપ્ત થાય. પણ આ સૌભાગ્ય મારા લલાટે લખાયું હોય તો તે મારા પિતાના કારણે. બીજું કે મારા માતા સંસ્કૃત વિષયના શિક્ષિકા હતા. એટલે ઘરમાં સાહિત્યનું વાતાવરણ રહેતું હતું. જેની સાથે મારા મોટાભાઈ હિમાંશુ, સિધાશું અને મને પણ કંઇ લેવા દેવા ન હતા.
મારા નામમાં તિગ્માશું છે. તિગ અને માંશુ. જેનો અર્થ થાય છે. સૂર્યના વાંકાચૂકા કિરણો. હું કોઈ દિવસ મૂર્તિપુજામાં નથી માનતો. પુજા પણ નથી કરતો કે મંદિરે દર્શન કરવા પણ નથી જતો.
હા મમ્મીએ કહેલું કે, સૂર્યને જોઈ સવારમાં ગાયત્રી મંત્ર ત્રણ વખત બોલવો. દિવસમાં એક વખત જ્યારે પણ સૂર્યને જોઉં છું ત્યારે ત્રણ વખત મમ્મીની વાતનું પાલન કરી લઉં છું. મને સૂર્ય દેખાય છે તો એ મારા માટે ભગવાન છે. દેખાય છે એ ભગવાન.
હું પહાડી છું. જન્મ્યો ઉતરાખંડમાં. ઉતરાખંડ ત્યારે ઉત્તરપ્રદેશનો જ એક ભાગ હતો. અમે પરિવાર સહિત અલાહબાદ આવી ગયા. મોટાભાઈ હિમાશું ડ્રામા અને સંગીત શીખતા હતા. મેં પણ તેમના રવાડે આ બધું શીખવાનું શરુ કરી દીધું.
મારે કોઈ મોટું સિંગર નહોતું બનવું. એ સમયે હોય છે કે મોટાભાઈ જે કરે તો તેના ડગલે ને પગલે ચાલતા નાનાએ પણ શીખી જવું જોઈએ. મને મારા મોટાભાઈઓ ખૂબ મારતા. મમ્મી તો હાડકા ખોખરા કરી નાખતી હતી.
હું દસમા ધોરણમાં ફેલ થયો. મારા પિતરાઈ ભાઈઓ અને બહેનો વેકેશનમાં મારી મજાક ઉડાવતા હતા. મને ત્યાંથી બહાર ભણવા માટે મોકલવામાં આવ્યો. એ શાળાનો ઈતિહાસ એવો હતો કે અત્યાર સુધી કોઈ વિદ્યાર્થી પાસ નહોતો થયો. હું શુક્રવારે રિલીઝ થતી ફિલ્મો જોતો હતો. એ પણ ત્રણ ત્રણ. પરિણામ આવ્યું ત્યારે હું પાસ થઈ ગયો. અગિયારમું ધોરણ મેં માત્ર છ મહિનામાં પાસ કર્યું હતું.
મને રંજ છે એ વાતનો જ્યારે અગિયારમાં ધોરણમાં એક નાટકમાં અભિનય કરતી વખતે હું સિગરેટ પીતો હતો. અગિયારમાં ધોરણથી જ મને સિગરેટની લત લાગી ગઈ હતી. આજે દારુ પણ પીઉં છું.
સિગરેટ પીતો હતો અને પાછળથી મારા પિતા આવી ગયા. તેમણે મને સિગરેટ પીતા જોયો અને પછી ઉલટા પગે જાણે કંઈ થયું જ નથી એમ કરી ભાગી ગયા. આજે એ ઘટના યાદ કરતી વખતે મારા હ્રદયમાં ચીરો પડી જાય છે. તેઓ સાવ સામાન્ય માણસ હતા.
આ જગતમાં બધુ ક્રમશ: થવું જોઈએ. સ્ટેપ બાય સ્ટેપ. નહીંતર લોકોના મગજ ખરાબ થઈ જાય છે. અલાહબાદથી લખનઉ જવાની મઝા હતી. એવામાં એક ટ્રેન શરુ થઈ અને તેણે બધુ બગાડી નાખ્યું.
અલાહબાદથી-પ્રયાગરાજ જતી એ ટ્રેન બાર કલાકથી ઓછા સમયમાં દિલ્હી પહોંચાડતી હતી. લખનઉ લાંબા થનારા પણ હવે ટ્રેનમાં દિલ્હી જવા લાગ્યા. મારા પિતાના સાથીદારો પણ દિલ્હી સુપ્રીમ કોર્ટ ચાલ્યા ગયા. અહીં અલાહબાદમાં એક ઝાટકે બધું ધુંધળું થઈ ગયું. એ મઝા નહોતી આવી.
હું ત્રણ વર્ષનો રહ્યો હોઈશ. ઈમરજન્સી લાગી. અમને ખબર નહોતી કે ઈમરજન્સી એટલે શું ? પણ મોટાઓ વાતો કરતાં એટલે ખબર પડતી કે નસબંધી કરે છે. અમને નસબંધી વિશે તો ખબર જ નહોતી. અમને એમ કે સામાન જ કાપી નાખશે. અમે તૈયાર હતા કે આવે તો મારીએ પણ કોઈ અમારી વયના છોકરાઓ પાસે આવ્યા જ નહીં. નસબંધીથી યાદ આવે છે કે મારે સંજય ગાંધી પર ફિલ્મ બનાવવી છે. કંઈ મેળ નથી પડતો. વિનોદ મહેતાએ જે બુક લખી તેના પરથી એક સરસ વિષય મળી શકે છે.
મારા ઘરની સામે તુલિકા રહેતી હતી. તુલિકા ને મારી સાથે પહેલી નજરથી જ પ્રેમ થઈ ગયો હતો. અમે એ બધું કર્યું જે પ્રેમમાં થવું જોઈએ, પણ મળી નહોતા શકતા. વીસ વર્ષની ઉંમરમાં મારું નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન થઈ ગયું. પહેલા જ પ્રયત્ને, સૌથી નાનો હું હતો.
તુલિકાના પરિવારના લોકો તેના લગ્ન કરાવવા માટે લાગી પડ્યા હતા. એ ભાગીને દિલ્હી આવી ગઈ. એનએસડીમાં આ હલ્લો જોઈ મારા સિનીયર એકઠા થઈ ગયા અને હોહો કરી કહેવા લાગ્યા કે, ‘અરે પરણાવી દો.’
મંદિરમાં તો લગ્ન થઈ જાય પણ કોર્ટમાં. હું ભાગાભાગીમાં હતો. મારા વાળ વિખરાય ગયા હતા. જજને લાગતું હતું કે આ ભગાડીને લાવ્યો છે. મારે એમને મારી ઉંમર બતાવવાની હતી.
હું કેવી રીતે સાબિત કરું કે હું હવે બાવીસ વર્ષનો થઈ ગયો છું. તો કોઈએ મને કહ્યું કે, હિપનો એક્સરે લઈ આવો. હિપના એક્સરેથી ઉંમરની ખબર પડી જાય.
હું હોસ્પિટલ ગયો. જોયું તો ભાંગેલા તૂટેલા લોકો આવેલા હતા. કણસતા હતા. અને હું ? મને એટલા માટે હિપ્સનો એક્સ-રે જોતો હતો જેથી હું લગ્ન કરી શકું. એક્સ-રે નીકળી ગયો અને લગ્ન થઈ ગયા.
મને લાગે છે કે હું ખૂબ આળસુ લેખક છું. મને ખૂબ સમય લાગે છે લખવામાં તેની જગ્યાએ હું અનુરાગ કશ્યપને જોઉં છું તો એ ફટાફટ સ્ક્રિપ્ટો લખી નાખે છે. જાણે ઈતિહાસની પરીક્ષા આપતો હોય. એ કોઈ પણ કથામાં તુરંત ઘુસી જાય છે. હું એવી રીતે નથી લખી શકતો.
મેં ઘણા દિગ્દર્શક સાથે કામ કર્યું છે. મણિરત્નમ ખૂબ સારું કામ કરે છે. ડાયરેક્ટર એ છે. સુપરસ્ટાર સેટ પર લેટ આવે તો બધાની સામે ખખડાવી નાખે છે. ખૂબ કામ કરે છે. તેની સામે શેખર કપૂર ઈમોશન સાથે કામ કરે છે. જે તેની ફિલ્મમાં દેખાય પણ છે.