ચાર રસ્તે ટ્રાફિક સિગ્નલ પર, ફૂટપાથ પર આપણે ભિખારીઓને જોતા હોઈએ છીએ. આપવાની ઇચ્છા હોય તો રૂપિયા આપી આપણે આગળ નીકળી જતાં હોઈએ છીએ. નહીંતર આપણે તેને કહીએ છીએ ‘આગળ વધો.’
એટલે કે બીજા પાસે માગો હું નહીં આપું. ભિખારીઓ આખો દિવસ આમ રસ્તા પર ભીખ માગ્યા રાખે અને રાત પડે એટલે ત્યાં જ સૂઈ જાય. આ ભિખારીઓની જીવન કથા આપણે ભાગ્યે જ જાણવાની કોશિશ કરતાં હોઈએ છીએ.
ઘણા એવા ભિખારીની સ્ટોરી આપણે સાંભળી છે કે તેના મૃત્યુ બાદ તેની પાસેથી અઢળક સંપત્તિ મળી આવી. પરંતુ અહીં વાત કરવી છે એવા એક ભિખારીની જેની પાસે બધું હતું જે એક સુખી સંપન્ન પરિવાર પાસે હોય. દરેકને ઈચ્છા હોય કે મારી લાઈફ આ પ્રકારની લેવિશ હોય. ધન-દોલત, સરકારી નોકરી હોવા છતાં આ વ્યક્તિ ભિખારી કેમ બન્યો ?

ઘટના એવી છે કે, મધ્યપ્રદેશમાં હમણાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ હતી. મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરીને મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ડીએસપી રત્નેશ સિંહ તોમર અને વિજય સિંહ ભદૌરિયા ઝાંસી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. બને આગળ વધી રહ્યા હતા તેવામાં તેઓ બંધન વાટિકા પાસેના ફૂટપાથ પર એક ભિખારીને ઠંડીમાં ધ્રુજતો જોયો. ભિખારીની આ હાલત જોઈને બનેએ માનવતાના ધોરણે અને પોલીસ હોવાના નાતે ગાડી ઉભી રાખી અને બંને અધિકારી આ ભિખારી પાસે પહોંચી ગયા.
ઠંડીમાં ધ્રુજી રહેલાં ભિખારી પાસે જઈને ડીએસપી વિજય સિંહ ભદૌરીયાએ પોતે પહેરેલું જેકેટ કાઢીને ભિખારીને આપી દીધું અને ડીએસપી રત્નેશ સિંહ તોમરે પોતાના બુટ કાઢીને આપી દીધા.
ત્યારબાદ બંનેએ આ ભિખારી સાથે વાતચીત શરૂ કરી. ભિખારીની વાત સાંભળીને બેઉં સ્તબ્ધ થઈ ગયા. કેમ કે, જે ભિખારીની બન્ને ડીએસપીએ મદદ કરી હતી તે તેમની બેચનો જ અધિકારી નીકળ્યો.

એક અધિકારીમાંથી ભિખારી બની ગયેલા વ્યક્તિનું નામ છે મનીષ મિશ્રા. છેલ્લા દસ વર્ષથી મનીષ મિશ્રા આ પ્રકારનું જીવન જીવી રહ્યા છે. મનીષ મિશ્રા 1999ની બેચના પોલીસ અધિકારી છે. નિશાનેબાજમાં તેનું નામ મોખરે લેવાતું. મળેલી માહિતી પ્રમાણે મનીષ મિશ્રાએ મધ્યપ્રદેશના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સેવા બજાવી છે.
મનીષ મિશ્રાએ વર્ષ 2005 સુધી પોલીસ વિભાગમાં નોકરી કરી. તે અંતિમ સમયે દતિયામાં સેવા આપતા હતા. પોલીસ વિભાગમાં ઉચ્ચ અધિકારી તરીકે રહેલા મનીષ મિશ્રા ધીમે ધીમે પોતાનું માનસિક સંતુલન ગુમાવવા લાગ્યા. અચાનક મનીષ મિશ્રાની આ હાલત જોઈને પરિવારના સભ્યો પણ પરેશાન થઈ ગયા. સારવાર માટે આમ-તેમ ભટકવા લાગ્યા પરંતુ સ્થિતમાં કોઈ સુધારો ન થયો.
તેઓ શરૂઆતના પાંચ વર્ષ તો ઘરે રહ્યા પરંતુ ત્યારબાદ એક આશ્રમમાં સારવાર માટે ભરતી કરાવવામાં આવ્યા. ત્યાંથી પણ મનીષ મિશ્રા ભાગી ગયા અને રસ્તા પર ભીખ માગવા લાગ્યા. પરિવાર સાથેનો તેમનો સંપર્ક પણ તૂટી ગયો. મનીષ મિશ્રા ક્યાં છે તેની પરિવારને પણ ખબર ન રહી.
મનીષ મિશ્રાની આ હાલતના કારણે પત્ની પણ તેમને છોડીને ચલી ગઈ. બાદમાં પત્નીએ છૂટાછેડા પણ આપી દીધા. રસ્તા પર મનીષ ભીખ માગતા રહ્યા અને જોત-જોતામાં દસ વર્ષ વિતી ગયા.
દસ વર્ષ બાદ અચાનક તેમની જ બેચના બે સાથીઓની નજર મનીષ મિશ્રા પર પડી. બન્ને અધિકારીઓએ પણ નહીં વિચાર્યું હોય કે મનીષ સાથે તેમનો ભેટો આવી રીતે થશે. મનીષ મિશ્રા રત્નેશ સિંહ તોમર અને વિજય સિંહ ભદૌરિયાની સાથે જ 1999માં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ભરતી થયા હતા.
આજે બન્ને ડીએસપી છે અને મનીષ મિશ્રા માનસિક બિમારીના કારણે ભીખ માગીને જીવન પસાર કરી રહ્યા છે. બન્ને ડીએસપીએ મનીષ મિશ્રાને જૂના દિવસોની યાદ અપવવાની ઘણી કોશિશ કરી, સાથે લઈ જવાની વાત પણ કરી પરંતુ મનીષ મિશ્રા સાથે આવવા રાજી ન થયા.
ત્યારબાદ બન્ને અધિકારીઓએ મનીષ મિશ્રાને એક સમાજસેવી સંસ્થામાં મોકલી આપ્યા છે જ્યાં તેમની સારસંભાળ રાખવામાં આવી રહી છે.
જાણવા મળ્યું છે કે, મનીષ મિશ્રાનો આખો પરિવાર સરકારી વિભાગમાં નોકરી કરી રહ્યો છે. તેમના ભાઈ પણ પોલીસમાં ઉચ્ચ હોદ્દા પર છે. પિતા અને કાકા પણ એસએસપી પદેથી નિવૃત્ત થયા છે. તેમની બહેન પણ દુતાવાસમાં એક ઉચ્ચ હોદ્દા પર કામ કરે છે. મનીષ મિશ્રાની પત્ની પણ ન્યાયિક વિભાગમાં છે, જો કે તેમના છૂટાછેડા થઈ ગયા છે.
સુખી સંપન્ન અને સરકારી નોકરી ધરાવતા પરિવારમાંથી આવતા મનીષ મિશ્રાની આ કહાની સાંભળીને કાળજું કંપી ઉઠે. મનીષ મિશ્રાની એક અધિકારીથી ભિખારી સુધીની આ દર્દભરી કહાની અનેકને વિચારતાં કરી મૂકે તેવી છે. હાલ મનીષ મિશ્રાની સારવાર ફરીથી શરૂ કરી દેવામાં આવી છે. આશા રાખીએ કે બધું પહેલાં જેવું થઈ જાય.