Homeગામનાં ચોરેખેડૂતોના હિત માટે સરકાર ગંભીર છે : રાષ્ટ્રપતિ

ખેડૂતોના હિત માટે સરકાર ગંભીર છે : રાષ્ટ્રપતિ

Team Chabuk- National Desk: સંસદના બજેટ સત્રનો આજથી પ્રારંભ થયો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણથી બજેટ સત્રની શરૂઆત થઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના સંબોધનમાં કોરોના કાળમાં સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોને ગણાવ્યા. રામનાથ કોવિંદે પોતાના અભિભાષણમાં કોરોના મહામારી, અર્થવ્યવસ્થા, આત્મનિર્ભર ભારત, સ્વાસ્થ્ય, કૃષિ, ત્રણ કૃષિ કાયદા, દિલ્હી હિંસા સહિતના મુદ્દે પોતાના અભિભાષણમાં વાત કરી.

કૃષિ કાયદા પર શું બોલ્યા રાષ્ટ્રપતિ?

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદમાં પોતાના અભિભાષણમાં કેન્દ્ર સરકારના ત્રણેય કૃષિ કાયદાનું સમર્થન કર્યું. રાષ્ટ્રપતિએ કહ્યું કે, ખેડૂતોના હિત માટે સરકાર ગંભીર છે. મારી સરકારે સ્વામીનાથન આયોગની ભલામણને લાગુ કરીને દોઢ ગણી એમએસપી આપવાનો નિર્ણય પણ કર્યો છે. મારી સરકાર આજે ન માત્ર એમએસપી પર રેકોર્ડ માત્રામાં ખરીદી કરી રહી છે, સાથે જ ખરીદ કેન્દ્રોની સંખ્યા પણ વધારી રહી છે. સરકારે છેલ્લા 6 વર્ષમાં બીજથી લઈને બજાર સુધી દરેક વ્યવસ્થામાં સકારાત્મક પરિવર્તન માટે પ્રયાસ કર્યો છે. મારી સરકાર સ્પષ્ટ કરવા માગે છે કે ત્રણ નવા કૃષિ કાયદા બનવાથી પહેલાં જે જૂની વ્યવસ્થાના આધારે જે અધિકારો તથા સુવિધાઓ હતી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ નવા કૃષિ કાયદા મારફતે સરકાર ખેડૂતોને નવી સુવિધા ઉપલબ્ધ કરાવવાની સાથે સાથે નવા અધિકાર પણ આપી રહી છે.

લાલ કિલ્લાની હિંસાને દુર્ભાગ્ય ગણાવી

26મી જાન્યુઆરીએ લાલ કિલ્લા સહિત દિલ્હીમાં થયેલી હિંસાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દુર્ભાગ્યપૂર્ણ ગણાવી. રાષ્ટ્રપતિએ કહ્યું કે, ગત દિવસોમાં ત્રિરંગા અને ગણતંત્ર દિવસ જેવા પવિત્ર દિવસનું અપમાન ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. જે બંધારણ આપણને અભિવ્યક્તિની આઝાદીનો અધિકાર આપે છે, તે જ બંધારણ આપણને શીખવે છે કે કાયદા અને નિયમોનું પણ એટલી જ ગંભીરતાથી પાલન કરવું જોઈએ.

રાષ્ટ્રપતિના અભિભાષણના અન્ય મુદ્દા

  • પડકાર ગમે તેટલો મોટો કેમ ન હોય, ન અમે રોકાઈશું અને ન ભારત રોકાશે. ભારત જ્યારે જ્યારે એકજૂટ થયું છે, ત્યારે ત્યારે અસંભવ લાગતા લક્ષ્યોને પ્રાપ્ત કર્યા છે.
  • મહામારી સામેની આ લડાઈમાં આપણે અનેક દેશવાસીઓને ગુમાવ્યા છે. આપણા સૌના પ્રિય અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન પણ કોરાના કાળમાં થયું. સંસદના 6 સભ્યો પણ કોરોનાને કારણે આપણને છોડીને ચાલ્યા ગયા. હું સૌ પ્રત્યે મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
  • મને સંતોષ છે કે મારી સરકારે સમય પર લીધેલા સટીક નિર્ણયોથી લાખો દેશવાસીઓનું જીવન બચ્યું છે. આજે દેશમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યા પણ ઝડપથી ઘટી રહી છે.
  • અર્થવ્યવસ્થાને સંભાળવા માટે રેકોર્ડ આર્થિક પેકેજની જાહેરાતની સાથે મારી સરકારે એ વાતનું પણ ધ્યાન રાખ્યું કે કોઈ ગરીબને ભૂખ્યું ન રહેવું પડે.
  • પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના માધ્યમથી 8 મહીના સુધી 80 કરોડ લોકોને 5 કિલો પ્રતિ મહિને વધારાનું અનાજ નિઃશુલ્ક આપવામાં આવ્યું. સરકારે  પ્રવાસી શ્રમિકો, કારીગરો અને પોતાના ઘરથી દૂર રહેનારા લોકોની પણ ચિંતા કરી.
  • મહામારીના કારણે શહેરોમાંથી પરત આવેલા પ્રવાસીઓને તેઓના ગામમાં જ કામ મળે તે માટે મારી સરકારે છ રાજ્યમાં ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન ચલાવ્યું. જેથી 50 કરોડ man-daysનો બરાબર રોજગાર પેદા થયો.
  • લગભગ 31 હજાર કરોડ રૂપિયા ગરીબ મહિલાઓના જનધન ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા. આ દરમિયાન દેશભરમાં ઉજ્જવલા યોજનાની લાભાર્થી ગરીબ મહિલાઓને 14 કરોડથી વધુ મફત ગેસ સિલિન્ડર પણ મળ્યા.
  • જો પોતાનું મહત્વ વધારવું હોય તો બીજા પરથી નિર્ભરતા ઓછી કરીને આત્મનિર્ભર બનવું પડશે. કોરોના કાળમાં ઉભી થયેલી વૈશ્વિક પરિસ્થિતિઓએ આપણને યાદ દેવડાવ્યું કે આત્મનિર્ભર ભારતનું નિર્માણ કેટલું મહત્વપૂર્ણ છે.
  • મારી સરકાર દ્વારા સ્વાસ્થ્યના ક્ષેત્રમાં છેલ્લા 6 વર્ષમાં જે કાર્ય કર્યું છે તેનો લાભ આપણને આ કોરોના સંકટ દરમિયાન જોવા મળ્યો.
  • આયુષ્માન ભારત યોજના હેઠળ દેશમાં 1.5 કરોડ ગરીબોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળી.
  • છેલ્લા 6 વર્ષમાં અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ આરોગ્ય શિક્ષણમાં 50 હજારથી વધુ બેઠકની વૃદ્ધિ કરવામાં આવી.
  • દેશમાં 56 લાખ હેક્ટરથી વધુ જમીનને માઈક્રો-ઈરિગેશન સાથે જોડી છે. જે વર્ષ 2013-14માં 42 લાખ હેક્ટર જ હતી.
  • મારી સરકારની પ્રાથમિકતા નાના અને સીમાંત ખેડૂતો છે. આવા ખેડૂતોને ખર્ચમાં સહયોગ આપવા પીએમ કિસાન સમ્માન નિધિના માધ્યમથી તેઓના ખાતામાં લગભગ 1,13,000 કરોડથી વધુ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
  • સંસદની નવી બિલ્ડિંગ બનવાથી આપણા સંસદીય દાયિત્વને નિભાવવા માટે સભ્યોને વધારે સુવિધા મળશે.
  • રક્ષા ક્ષેત્રે પણ સરકારનું આત્મનિર્ભરતા પર ધ્યાન છે. એલએસી પર ભારતની સંપ્રભુતાની રક્ષા માટે વધારાનું સૈન્ય બળ તહેનાત કરાયું છે.

આ પક્ષોએ રાષ્ટ્રપતિના અભિભાષણનો કર્યો બહિષ્કાર

સંસદમાં બજેટ સત્રના પ્રારંભે થયેલા રાષ્ટ્રપતિના અભિભાષણનો ઘણી બધી પાર્ટીઓએ વિરોધ કર્યો હતો. જેમાં કોંગ્રેસ, શિવસેના, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, શિરોમણી અકાલી દળ, એનસીપી, જેકેએનસી, ડીએમકે, ટીએમસી, આરજેડી, સીપીઆઈ-એમ, સીપીઆઈ, આઈયુએમએલ, આરએસપી, પીડીપી, એમડીએમકે, કેરળ કોંગ્રેસ (એમ), અને એઆઈયુએફ જેવા પક્ષોનો સમાવેશ થાય છે. આ તમામ પાર્ટીના સદસ્યોએ રાષ્ટ્રપતિના સંબોધનનો બહિષ્કાર કર્યો હતો.

1લી ફેબ્રુઆરીએ સંસદમાં નાણામંત્રી નિર્મલા સિતારમણ દેશનું બજેટ રજૂ કરશે. આ બજેટ સત્રમાં વિરોધી પક્ષો કૃષિ કાયદા, ખેડૂત આંદોલન અને કોરોના મહામારી અંગે સરકારને ઘેરી શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments