Homeવિશેષ26/11 વખતે તાજ હોટલના મેનેજર કરમબીર સિંહ કાંગનું આ સાહસ તમારા શ્વાસ...

26/11 વખતે તાજ હોટલના મેનેજર કરમબીર સિંહ કાંગનું આ સાહસ તમારા શ્વાસ અદ્ધર કરી નાખશે

યશ ખખ્ખર: કરમબીર સિંહ કાંગ એ દિવસે બાન્દ્રામાં એક કોન્ફેરેન્સ અટેન્ડ કરી રહ્યાં હતાં, અને એમના ફોનની રિંગ વાગી. ફોન તાજ હોટેલમાંથી હતો, એમને જણાવાયું કે તાજ હોટેલમાં અમુક હથિયારબંધ લોકો ઘુસી આવ્યા છે અને અંધાધૂંધ ગોળીબારી કરી રહ્યા છે, કરમબીર સિંહ તરત જ કોન્ફેરેન્સ છોડીને તાજ હોટેલ જવા માટે નીકળ્યા. 

કરમબીર સિંહ મુંબઈની પ્રખ્યાત તાજ હોટેલના જનરલ મેનેજર હતા, અને તે દિવસ હતો ૨૬ નવેમ્બર ૨૦૦૮. એ જ ગોઝારો દિવસ જયારે ૧૦ આતંકવાદીઓ મુંબઈ શહેરમાં ઘુસી આવ્યાં હતાં અને આખા શહેરને બાનમાં લીધું હતું.

ફોન આવ્યા બાદ કરમબીર સિંહ તુરંત જ હોટેલ પહોંચ્યા. તેમના માટે બેવડી ચિંતાનો વિષય હતો. એક તો તેમની હોટેલના સ્ટાફ અને ગેસ્ટના જીવને ખતરો હતો અને બીજું એ કે તેમની પત્ની નીતિ અને બે બાળકો સમર અને ઉદય એ જ હોટેલના છઠ્ઠા માળે આવેલા એક રૂમમાં  હતા. કરમબીર સિંહ હોટેલમાં પહોંચ્યા ત્યાં સુધીમાં પોલીસ અને અમુક સિક્યુરિટી પર્સનલ્સ ઓલરેડી આવી પહોંચ્યા હતા. હોટેલ પહોંચ્યા બાદ સૌ પ્રથમ તે સિક્યુરિટી કમાન્ડોઝને મળ્યા ને તેમને હોટેલના દરેક માર્ગ વિષે જાણકારી આપી અને હોટેલનો નકશો સમજાવ્યો કે જેથી આતંકવાદીઓને પકડવામાં તેમને મદદ મળે.

એ કાર્ય બાદ તેમને પોતાના પરિવાર સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો. પણ સિક્યુરિટી કમાન્ડોઝે તેમને ઉપર જતાં અટકાવ્યાં. આતંકવાદીઓ હોટલની અંદર પહોંચી ગયા હતા એટલે હવે ઉપર જવું સલામતી ભર્યું ન હતું.  કરમબીર સિંહ નિરાશ થયા પણ તેમને થયું કે સેક્યુરિટી કમાન્ડોઝ આવી ગયા છે તો આ બધું થોડીક જ કલાકોમાં ઠીક થઈ જશે. તેમણે તેમની પત્નીને ફોન કર્યો અને કહ્યું: “નીતિ ડોન’ટ પેનિક ઍવેરીથીંગ વિલ બી ફાઈન”. તેમણે તેમની પત્નીને આશ્વાસન આપ્યું અને એ રીતે બતાવ્યું તો ખરા કે પરિસ્થિતિ એટલી બધી ખરાબ નથી અને બધુંય થોડીક જ વારમાં ઠીક થઈ જશે. પણ અંદરથી તે ખુબ જ ચિંતિત હતા, જો આતંકવાદીઓ છઠ્ઠા ફ્લોર સુધી પહોંચી ગયા તો શું થશે એની કલ્પના પણ ડરાવી મૂકે તેવી હતી.

પણ આજે કરમબીર સિંહની જવાબદારી માત્ર તેમના પરિવાર પૂરતી ન હતી. તે એ હોટેલના જનરલ મેનેજર હતા અને હોટેલના વધુમાં વધુ લોકોને બચાવી શકાય તે માટે તેઓ પ્રયત્નરત થઈ ગયા. હોટેલના રૂમ્સમાંથી ગેસ્ટના ચિંતા ભર્યા ફોન સતત ચાલુ હતા. બીજી તરફ અમુક ફ્લોર્સ પાર તેમનો સ્ટાફ પણ ફસાયેલો હતો. આ બધાની મદદ કરવામાં તે લાગી ગયા. બીજી તરફ આતંકવાદીઓને પકડવું જેટલું ધાર્યું હતું એટલું સહેલું ન હતું. કમાન્ડોઝની અલગ અલગ ટીમ એક પછી એક હોટેલ આવી રહી હતી, તેમને દોરવામાં, તેમને હોટેલના દરેક માર્ગ વિષે જાણકારી આપવામાં અને ગેસ્ટને હેન્ડલ કરવામાં કરમબીર સિંહ ગૂંથાઈ ગયા. બીજી તરફ આતંકવાદીઓ આગળ વધ્યે જતાં હતાં. તે ગોળીબારી કાર્ય બાદ ગ્રેનેડ ફેંકીને રૂમને આગ લગાવી દેતાં હતાં.

૨૭ તારીખની સવારે કમાન્ડોઝ જ્યારે એક એક રૂમ ચેક કરી રહ્યા હતા ત્યારે તેમને કરમબીર સિંહની પત્ની અને બાળકોની લાશ તેમના રૂમના બાથરૂમમાંથી મળી. આગની જ્વાળાઓ અને ધુમાડાને કારણે ઝેરી ગેસનું પ્રમાણ વધવા લાગ્યું હતું અને અને એ ઝેરી ધુમાડાથી ગુંગળાઈને કરમબીર સિંહનો પરિવાર મૃત્યુ પામ્યો હતો. બહાર ગોળીબારી ચાલુ હોવાથી તેમણે પોતાની જાતને બાથરૂમમાં બંધ કરી લીધી હતી. અંતે ત્યાં જ તેમનું પણ મૃત્યુ થયું.

એક જ ક્ષણમાં કરમબીર સિંહની જાણે આખી દુનિયા ખતમ થઈ ગઈ. આ પરિસ્થિતિ કોઈ પણ માણસને તોડી નાખવા માટે પૂરતી હતી, પણ આમ છતાં કરમબીર સિંહ હોટેલ છોડીને કયાયં ન ગયા. તેમને પોતાની જાતને સાંભળી અને ફરીથી લોકોને બચાવવાના કામમાં લાગી ગયા. એ સતત કમાન્ડોઝની મદદ કરતા રહ્યા. ગુરુવારે સવારે એ ખબર મળ્યા છતાં કે તેમનો પરિવાર હવે નથી રહ્યો, એ શનિવારની સાંજ સુધી હોટેલમાં જ રહ્યા અને પોતાની ફરઝ બજાવતા રહ્યા. તેમની બાહોશતાને લીધે ઘણા લોકોનો જીવ બચાવી શકાયો. તેમનો ખુદનો માળો વિખાય ગયો, પણ તેમને સતત હાજર રહીને બીજા અનેક પરિવારોના માળા વિખાતા બચાવ્યા.

એક ઇન્ટરવ્યૂમાં જયારે કરમબીર સિંહને પૂછ્યું કે, એવું શું હતું જેને તેમને સતત કામ કરતા રહેવાની હિંમત આપતું રહ્યું ત્યારે તેમણે કહ્યું કે, મેં જે કર્યું એ ખુબ જ ઇન્સ્ટીન્ક્ટીવલી કર્યું હતું, મારી આસપાસ લોકો હતા તેમનો જીવ બચાવવા મારે જે કરવું જોઈતું હતું તે મેં કર્યું, હોટેલના GM તરીકે મેં જે કર્યું એ મારી જવાબદારી હતી. એક લીડર તરીકે તમારે મુશ્કેલીના સમયે તમારા લોકોની સાથે રહેવાનું હોય છે, તમે તમારા લોકોને છોડી ના શકો, અને મેં બસ એ જ કર્યું.

આટલી ભયંકર ટ્રેજેડીમાંથી પસાર થયા હોવા છતાં પણ એક મહિના પછી કરમબીર સિંહ ફરીથી હોટલ સાથે જોડાઈ ગયા. તે બાબતે તેમણે કહ્યું કે, મારો પરિવાર હવે આ હોટેલનો જ એક ભાગ છે, મારો પરિવાર હંમેશાંથી મારી તાકાત રહ્યો હતો. જો આજે હું જીવનથી હારી જઈશ તો હું મારા પરિવારને નિરાશ કરીશ, અને એનો અર્થ એ પણ હશે કે તે આતંકવાદીઓ જીતી જશે જે આપણા જીવનને ખેદાનમેદાન કરવા આવ્યા હતા. અને હું એવું નહિ થવા દઉં, અમે આ હોટેલને પહેલા હતી તેના કરતા પણ સારી બનાવીશું.

કરમબીર સિંહની કથા આપણને શીખવાડે છે કે જરૂરી નથી કે હીરોઝ એ નથી હોતા કે જે કોઈ યુનિફોર્મ પહેરતા હોય કે જે કોઈ ફિલ્મોના સુપરસ્ટાર હોય, હીરો એ હોય છે જે પોતાના અંગત દુઃખોને ભૂલીને નિઃસ્વાર્થ થઈને બીજા વિશે વિચારી શકે. હીરોઝ તમારા ને મારા જેવા સામાન્ય લોકોમાંથી પણ આવી શકે છે. ૨૬/૧૧ વખતે અમુક સામાન્ય માણસોએ તેમના ગજા બહારનું સાહસ દેખાડ્યું હતું અને લોકોના જીવ બચાવ્યા હતા. એ ઘણી કથાઓ વચ્ચેની એક કથા આ પણ હતી. ૨૬/૧૧ના ૨ વર્ષ બાદ તાજ હોટેલને ફરીથી પેહલા જેવી બનાવી દીધા બાદ તેમણે ભારત છોડી દીધું. તે આજે અમેરિકામાં તાજ ગ્રુપ ઓફ હોટેલ્સમાં એરિયા મેનેજર તરીકે કામ કરે છે અને એક સામાન્ય જીવન જીવી રહ્યા છે.

add

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments