Homeદે ઘુમા કેએક બેટ્સમેન તરીકે કોહલીની રાહ જેટલી સફળ દેખાતી હતી તેટલી કેપ્ટન તરીકે...

એક બેટ્સમેન તરીકે કોહલીની રાહ જેટલી સફળ દેખાતી હતી તેટલી કેપ્ટન તરીકે નથી દેખાઈ રહી

Team Chabuk-Sports Desk: વિરાટ કોહલી ફરી આલોચકોના નિશાના પર છે. 2011ની વિશ્વકપ સ્ક્વોડમાં રહેલા ગૌતમ ગંભીરે ભારતના વર્તમાન કેપ્ટનની એક સમયે ટીકા કરતા કહેલું કે, ‘એક એવો વ્યક્તિ કેવી રીતે કેપ્ટન હોય શકે જેણે હજુ સુધી એક પણ ટ્રોફી નથી અપાવી.’ એ વખતે આ નિવેદનમાં થોડું ઉતાવળીયુંપણું લાગતું હતું, કારણ કે ભારતીય ટીમ ટેસ્ટમાં ઉમદા પ્રદર્શન કરી એક બાદ એક મેચ જીતી રહી હતી.

ફાઈનલમાં પણ આ પ્રદર્શન બરકરાર રહેત તેવું લાગતું હતું, પણ વરસાદના વિઘ્ન અને ખેલાડીઓનાં નિરાશાજનક પ્રદર્શનનાં કારણે ભારતીય ટીમ મોમેન્ટમ ન મેળવી શકી. હવે વિરાટ કોહલી ફરી એક વખત આલોચકોના નિશાના પર છે. વધુ એક આઈસીસી ટ્રોફી તેના હાથમાંથી સરકી ગઈ છે. 2003નાં વિશ્વકપમાં મળેલા પરાજય જેવું જ આ લાગી રહ્યું છે. બંનેમાં ભારત ફાઈનલમાં પહોંચ્યું હતું અને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

ત્રણે ફોર્મેટના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પાસેથી કેપ્ટનનું પદ મેળવી તેના અનુગામી બનવું આકરું પણ છે. ધોનીએ ત્રણે ફોર્મેટમાં કેપ્ટન તરીકે સફળતા હાંસલ કરી હતી. વર્તમાન સમય કરતા સારા ખેલાડીઓ ધોની પાસે હતા અને તેનો ધોનીએ બખૂબીથી ઉપયોગ કર્યો હતો. હવે વિરાટ પાસે પ્રથમ ટ્રોફી જીતવાની તક હતી પણ તે તક હાથમાંથી રેતીની માફક સરકી ગઈ છે.

ન્યૂઝીલેન્ડ સામેનો પરાજય કંઈ પહેલી વખત નથી. 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી હતી. જ્યાં તેને પરંપરાગત હરિફ પાકિસ્તાનની સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. એ પહેલા 2019માં વનડે વિશ્વકપના સેમિફાઈનલમાં ટીમ પહોંચી હતી. ત્યાં પણ કોહલીને ન્યૂઝીલેન્ડની ટીમ સામે જ પરાજયનો કડવો ઘુંટ ગળા નીચે ઉતારવો પડ્યો હતો. ખેલાડી તરીકે ઉત્તમ એવા વિરાટ કોહલીનાં હાથમાંથી જીતનો સ્વાદ નજીક પહોંચતા આચકાય જાય છે.

સતત કોહલીની આલોચના કરવામાં આવે છે કે તે ભારતીય ટીમને કેપ્ટન તરીકે આઈસીસી ટ્રોફી નથી અપાવી શક્યો. આઈસીસી લેવલની ટ્રોફી ક્યારે? કોહલી માટે મહેન્દ્રસિંહ ધોની સાથે તુલના કરવી એ સરળ નથી. કોહલી પાસે આલોચકોનું મોઢું બંધ કરવા અને જડબાતોડ જવાબ આપવા માટે એક મોટી તક આંગણે આવી ઊભી હતી. કોહલી ફેલ થયો છે એવું નહીં કહીએ.

મેચની કન્ડિશન પ્રથમ દિવસથી જ ભારતના હાથમાં નહોતી. કોહલી ટોસ પણ નહોતો જીત્યો. વરસાદ બાદ બીજા દિવસે પણ ખરાબ પ્રકાશનો સામનો કરવો પડ્યો જેથી ટીમની લય ત્રીજા દિવસે વિખાઈ ગઈ. ટેસ્ટમાં જે એક સૂત્રતા જોઈએ તેનો અભાવ જોવા મળ્યો. આ અભાવનો ફાયદો કેન વિલિયમસનની ટીમને મળી ગયો. કોહલી માટે આ ટેસ્ટ મેચ તેની જ વિરૂદ્ધમાં હોય તેવું બની ગયું.

હવે આલોચકોને ઓસ્ટ્રેલિયાની ટૂરમાંથી કોહલીનું ભારત પરત આવી જવું અને અજિંક્ય રહાણેની કપ્તાની હેઠળ ભારતીય ટીમે મેળવેલી ઐતિહાસિક જીતનું સ્મરણ થશે. રોહિત શર્માને વનડે અને ટ્વેન્ટીની કમાન સંભાળવાની વાતો પણ ચર્ચાશે. આવી નીતનવીન કેટલીય આલોચનાની સામે કોહલીએ ટક્કર લેવાની છે. એક બેટ્સમેન તરીકે કોહલીની રાહ જેટલી સફળ દેખાતી હતી તેટલી કેપ્ટન તરીકે નથી દેખાઈ રહી, છતાં કોઈ દિવસ તો એ સૂરજ ઉગશે.

ભારતની ફાઈનલ સુધીની સફર

વિરોધી ટીમમેદાનહાર/જીત
વેસ્ટઈન્ડિઝવિદેશ2-0 જીત
દક્ષિણ આફ્રિકાઘર આંગણે3-0 જીત
બાંગ્લાદેશઘર આંગણે2-0 જીત
ન્યૂઝીલેન્ડવિદેશ0-2 હાર
ઓસ્ટ્રેલિયાવિદેશ2-1 જીત
ઈંગ્લેન્ડઘર આંગણે3-1 જીત
ફાઈનલ-ન્યૂઝીલેન્ડવિદેશહાર

ભારતે જીતેલા આઈસીસી ખિતાબોની જો વાત કરવામાં આવે તો 1983માં કપિલ દેવના નેતૃત્વ હેઠળ વેસ્ટ ઈન્ડિઝની સામે વિશ્વકપ જીત્યો હતો. આ સિવાય 2007 T20I વિશ્વકપ, 2011 વન ડે વિશ્વકપ, 2013 ચેમ્પિયન્સ ટ્રોફી મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં જીતી હતી. સૌરવ ગાંગુલીના નેતૃત્વમાં ભારતીય ટીમ 2003ની સાલમાં ઓસ્ટ્રેલિયા સામે વનડે વિશ્વકપનાં ફાઈનલમાં પહોંચી હતી. ગાંગુલીએ ભલે કોઈ મોટી ટ્રોફી ન જીતી હોય પણ તેના આક્રામક નેતૃત્વએ ટીમને મજબૂત બનાવી હતી. એ વખતે વિદેશમાં રમવું પણ આકરું પડી જતું હતું ઉપરથી ખેલાડીઓ પણ એટલા જ ઘાતક હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments