HomeસિનેમાવાદAgent Sai Srinivasa Athreya : આ ફિલ્મ કલ્ટ ક્લાસિક બની ગઈ છે

Agent Sai Srinivasa Athreya : આ ફિલ્મ કલ્ટ ક્લાસિક બની ગઈ છે

ઝાલાવાડી જલજીરા : એજન્ટ સાઈ શ્રીનિવાસ અથ્રેયા (Agent Sai Srinivasa Athreya) તેલુગુ ફિલ્મ છે અને હમણાં હમણાં ગૂગલની ગલીઓમાં લટાર મારતાં મારતાં ખ્યાલ આવ્યો કે હવે આ માત્ર ફિલ્મ ન રહેતા તેલુગુની કલ્ટ ક્લાસિક ફિલ્મનો દરજ્જો મેળવી ચૂકી છે. યુટ્યુબ પર હિન્દીમાં પણ અવેલેબલ છે અને કેટલીક વેબસાઈટોમાં પણ તેની ઝાંખી થઈ જશે.

કેટલીક ફિલ્મો કથાની દૃષ્ટીથી ચાલે. તેમાં કોઈ મોટા સ્ટારકિડ ન હોય. તેમાં કોઈ એક્ટ્રેસ ન હોય. હીરોને બોડી બનાવવાની ન હોય. એક પણ એવો કલાકાર ન હોય જે તમારા કે મારા રુદિયામાં રાજ કરતો હોય. આમ છતાં ફિલ્મ કલ્ટ ક્લાસિક બની જાય છે. કદાચ આવી જ ફિલ્મો કલ્ટ ક્લાસિક બનતી હોય છે.

તેલુગુમાં આમ તો ઘણા અભિનેતાઓ છે. જે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દે છે. એમની ફિલ્મ રિલીઝ વખતે મોટું પોસ્ટર તૈયાર કરી તેના પર દૂધસ્ત્રાવ કરવામાં આવે છે. આવી ફિલ્મોની વચ્ચે કેટલીક સારી તેલુગુ અને તમિલ ફિલ્મો બાઝી મારી જાય છે.

આ કોમેડી-ડિટેક્વિટ ફિલ્મ છે. જેમાં સસ્પેન્સ થ્રીલરનો મસાલો ભરેલો છે. ફિલ્મને શેરલોક હોમ્સના લવરની રીતે ટ્રીટ કરી બનાવવામાં આવી છે. કેસની શોધમાં સાંઈ શ્રીનાવસન નામનો એક પ્રાઈવેટ ડિટેક્ટીવ છે. તેની સાથે તેની સહયોગી મહિલા પણ છે. જે તેના ફિતુરને સહન કર્યા કરે છે. હવે આ બેનાં હાથમાં કેસના નામે તો કંઈ આવતું નથી, એવામાં એક મોટો કેસ ‘લાગણી’ના કારણે હાથે લાગી જાય છે.

જો આપે શેરલોક હોમ્સ વાંચી હશે. હવે વાંચે તો ક્યાં કોઈ છે ? કોઈએ ફિલ્મો જોઈ હશે તો તારણ કાઢી શકશો કે સાંઈ એ તેનો જ ડુપ્લિકેટ છે. એવું નથી કે તેણે કોપી મારી છે. એ શેરલોક હોમ્સનો ફેન છે. તેના નામનું ખોટું ફેસબુક આઈડી પણ બનાવીને રાખ્યું છે. નવી જનરેશન કેવી રીતે પનપી રહી છે ? એ ફિલ્મો જોઈને કંઈક ને કંઈક શીખી રહી છે. જેમ કે કેટલાક લેખકો હવે વાંચીને લખવાની જગ્યાએ વીડિયો જોઈને લખતા થઈ ગયા છે.

એ તેની સહયોગીને વારંવાર દાક્તરની માફક સવાર-બપોર અને સાંજ ફિલ્મો જોવાનું કહે છે. એ પાછું દસ દસ વખત. દિગ્દર્શક સ્વરૂપના વખાણ કરો જોઈએ. વખાણ એટલા માટે કે તેણે ફિલ્મને લાઈવ લોકેશનમાં એ પણ ભરચક પબ્લિકની વચ્ચે ડાયરેક્ટ કરવાની હિંમત કરી. કેટલાક દૃશ્યોમાં ખાસમ ખાસ તો હીરો અને હીરોઈનના કારમાં બેસીને જવાના દૃશ્યમાં તો ચોખ્ખુ દેખાય આવે છે કે ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે. આવું કઈ રીતે ? તો કે લોકોની કાર અને બાઈક આગળ નીકળી રહી છે અને જાણે કોઈ છોકરી હોય એમ અભિનેતાઓની સામે જોઈ રહ્યા છે. ડિટેક્ટિવ ફિલ્મોમાં લાઈવ લોકેશન હોય તો જ મજા આવે બાકી તો સાવ દેખાડો થઈ જાય. આ માટે ફરી એક વખત આપણા સ્વરૂપજીને ખોબલે ખોબલે અભિનંદન.

ફિલ્મ લાંબી નથી. લાગે કે લાંબી હોત અને ઈન્વેસ્ટિગેશન લંબાવ્યું હોત તો મજા આવેત, પણ પછી સંતોષનો એક ઓડકાર આવી જાય છે. છેલ્લે સુધી તમારી આંખ સામેથી છૂપાવીને રાખ્યું છે કે આરોપી કોણ છે ? શંકા બે ચાર લોકો પર જાય છે, પણ જોતી વખતે સંશય સાચો ઠરે છે કે ખોટો એ જોવાની જવાબદારી હું ન જોનારાઓ એટલે કે તમારા પર થોપુ છું.

અહીં ડાઈલોગની વાતો નહીં કરીએ, કારણ કે હિન્દીનાં કેટલાક ડાઈલોગ બદલી નાખવામાં આવ્યાં હોય છે અને તેલુગુનાં સાચા સંવાદો માટે તો ભાષા જાણવી પડે. આ ફિલ્મ ચાલતી હોય અને ગુલાબની પાંખડીની જેમ એક એક સસ્પેન્સ ઉઘડતું જાય ત્યારે આપણે આરોપીની રાહ જોતા હોઈએ છીએ. આપણે રાહ જોઈએ છીએ એક એવા વ્યક્તિની જે આપણી સામે ઘટનાનો સમગ્ર ચિતાર ખોલીને રાખે.

આ ફિલ્મ આપણને બે વસ્તુ શીખવાડે છે અને બંને વસ્તુ એકબીજાની સાથે પરસ્પર જોડાયેલી છે. જે જોઈએ એવું હોતું નથી અને જે અનુમાન કરી લઈએ એવું પણ હોતું નથી. લાંબા વાળ વાળા વ્યક્તિ અને ધોતી પહેરેલા ગરીબડા બાપ પરથી આ વાત ફિલ્મ તદ્દન સાચી ઠેરવી બતાવે છે. સાથે અંધશ્રદ્ધા એ આખી ફિલ્મનો મુખ્ય મુદ્દો છે. જેનો સાક્ષરો કેવી રીતે ફાયદો ઉઠાવે છે એ જોવાનું રહ્યું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments