Homeગામનાં ચોરેએક લેટરથી વાલીઓ મૂંઝાણા, હવે બાળકોને શાળાએ મોકલવા કે નહીં ?

એક લેટરથી વાલીઓ મૂંઝાણા, હવે બાળકોને શાળાએ મોકલવા કે નહીં ?

કેન્દ્ર સરકારે એક SOP જાહેર કરીને શાળા ખોલવાની મંજૂરી આપી દીધી છે. કેટલાક રાજ્યોમાં સ્કૂલ ખુલી ગઇ છે. ગુજરાતમાં પણ આગામી સમયમાં સ્કૂલ ખુલવાના સંકેત મળી ગયા છે. 

પણ આ પહેલા આગરાની એક સ્કૂલનો વિવાદીત લેટર વાયરલ થયો છે. જેમાં  શાળા સંચાલકોએ વાલીઓ પર નિર્ણય છોડી દીધો છે. એટલે હવે બાળકોને સ્કૂલે મોકલવા કે નહીં તે વાલીઓને નક્કી કરવાનું રહેશે. વાયરલ લેટરથી સ્કૂલનો મુદ્દો ફરી ગરમાયો છે. 

હાલ, કેન્દ્ર સરકારે ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે જ સ્કૂલ ખોલવાની મંજૂરી આપી છે. નાના વર્ગો હજુ શરુ કરાયા નથી. કોરોનાના કારણે છેલ્લા છ મહિનાથી શાળાઓ બંધ હતી. હવે બે-બે કલાકની પાળીમાં બાળકો સ્કૂલમાં આવી રહ્યા છે. પરંતુ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી જોવા મળી રહી છે. બીજી તરફ બાળકોના ઓનલાઈન ક્લાસ પણ ચાલું જ છે.

લેટરમાં શું છે ?

શાળાઓ તરફથી વાલીઓને એક લેટર અપાયો છે. વાલીઓ માટે આ લેટર સહમતિ પત્ર છે. શાળા સંચાલકોએ વાલીઓ પાસેથી પાંચ મુદ્દે સહમતિ માંગી છે. જો માતા-પિતા વાલીઓની મંજૂરી મળે તો જ વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ અપાઇ રહ્યો છે.

સહમતિ પત્રમાં કયા મુદ્દાઓનો ઉલ્લેખ ? 

1. હું સુનિશ્ચિત કરું છું કે મારું બાળક હેન્ડ સેનેટાઈઝર, પાણીની બોટલ, ભોજન‌ વગેરે ઘરથી લઈને આવશે.

2. હું સુનિશ્ચિત કરું છું કે મારુ બાળક માસ્ક વિના સ્કૂલે નહીં આવે

3. હું થર્મલ ચેકઅપની અનુમતિ આપું છું

4. હું મારા બાળકના સ્વાસ્થ્ય અંગેની જાણકારી ગોપનીય નહીં રાખું

5. હું મારા બાળકના શિક્ષણ માટે તેને સ્કૂલે આવવાની મંજૂરી આપુ છું. તેના સ્વાસ્થ્યની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે.

પાંચમો મુદ્દો સમજાયો ન હોય‌ તો‌ ફરી વાંચી લો. 

‌આ મુદ્દે જ વાલીઓ મુંઝવણમાં મુકાયા છે. વાલીઓનુ કહેવું છે કે, આ લેટર પર સહી કરી દઈએ તો સંચાલકો પોતાની જવાબદારી ચુકી જશે. કોરોનાથી ખતરો તો છે જ પરંતુ જેટલી જવાબદારી વાલીઓની છે એટલી જ જવાબદારી શાળા સંચાલકો પણ લે અને વાલીઓને વિશ્વાસ અપાવે કે સ્કૂલમાં નિયમોનું ચુસ્ત પાલન કરાવવામાં આવશે.

ચાબુકની ટીમે આ મુદ્દે કેટલાક વાલીઓ સાથે વાતચીત પણ કરી. જેમાં મિશ્ર પ્રતિભાવ મળ્યા.

અમદાવાદમાં રહેતા કોમલ પટેલે કહ્યું, ‘મારે એકનો એક પુત્ર છે. હાલ ચોથા ધોરણમાં છે. હું  માનસિક રીતે તેને સ્કૂલે મોકલવા તૈયાર નથી. એવામાં જો ગુજરાતના શાળા સંચાલકો આવા સહમતિ પત્રો મોકલે તો હું તેમાં ક્યારેય સહી ના કરું.’

પ્રીતિ બહેને કહ્યું, ‘હું મારા બાળકને સ્કૂલે મોકલું પણ શાળા સંચાલકોએ જવાબદારી લેવી જોઈએ. આવા લેટર મોકલીને વાલીઓની માથે જવાબદારી થોપી ન દેવી જોઈએ. મે મારા પુત્રને સામાજિક અંતર અને કોરોના વિશે બધી સમજ આપી છે. તે નાનો છે પણ ધીમે ધીમે આ નિયમોનું પાલન કરતા શીખી રહ્યો છે. ચાબુકના માધ્યમથી વાલીઓને હું સલાહ આપું છું કે બાળકોને તમે પણ આમ તૈયાર કરો. કેમ કે જ્યાં  સુધી વેક્સીન નહીં આવે ત્યા સુધી આપણે કોરોના સાથે જ જીવવાનું છે.’

રોહિતભાઈએ કહ્યું, ‘પહેલાં કેન્દ્રએ રાજ્યો પર છોડ્યું, રાજ્ય સરકારે શાળા સંચાલકો પર અને હવે શાળા સંચાલકો વાલીઓ માથે જવાબદારી નાખવા માંગે છે. એટલે હું મારી દીકરીને આ વર્ષે શાળાએ નહીં મોકલું. એક વર્ષ નહીં જાય અથવા ઓનલાઇન ભણશે તો કોઈ ફેર નથી પડવાનો.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments