Homeસાહિત્યશેરને માથે સવા શેર : ભાનુમતિ.સી.પટેલની 24 બાળવાર્તાઓનો સંગ્રહ

શેરને માથે સવા શેર : ભાનુમતિ.સી.પટેલની 24 બાળવાર્તાઓનો સંગ્રહ

બાળવાર્તા સાહિત્યનાં પુસ્તકોની વાત આવે ત્યારે આપણી સામે ચોપડીઓનો એક મસમોટો પહાડ છે. મોટાભાગની વાર્તાઓ અને વાર્તાકારો જૂની પેઢીનાં છે. નવા લેખકો દ્રારા વાર્તાસંગ્રહો ઉમેરાયા છે, પણ તેઓ એટલા લોકભોગ્ય નથી બન્યા જેટલા અડુકિયો-દડુકિયો કે મીંયા-ફુસ્કીનાં લેખકો અને પાત્રો બન્યાં. ગુજરાતી ભાષાનાં અન્ય સાહિત્યની તુલનાએ બાળવાર્તા સાહિત્યમાં જૂજ પુસ્તકો આવતા હોય છે. હવે તો લખાઈ અને છપાઈ પણ ઓછા છે. નવી વાર્તાઓ અને તેમાંય સારી વાર્તાઓનો ઘાણવો મળતો અટકી ગયો છે.

ગુજરાતમાં કેટલાક એવા વિસ્તારો પણ છે જ્યાં બાળ સાહિત્યનાં તો ઠીક, પણ મોટેરાંઓને જોઈએ તે પુસ્તકો પણ ઉપલબ્ધ નથી હોતા. બાળ સાહિત્ય ઓનલાઈન પણ જોઈએ એટલું હાજરાહજૂર નથી. બાળસાહિત્યમાં ઉચ્ચકોટીનાં વાર્તાસંગ્રહો ખૂબ ઓછા છે. એ બધી વાર્તાઓ આમ તો કહેવા જેવી, વાંચવા જેવી અને સાંભળવા-સંભળાવવા જેવી કક્ષામાં આવે છે. છતાં એવી વાર્તાઓ કે એવા વાર્તાસંગ્રહો પણ છે જે લુપ્ત થઈ ચૂક્યા છે. વાંચવા જોઈએ પણ મળતા નથી. મળતા નથી એટલે વાતો થતી નથી.

ભાનુમતિબેન.સી.પટેલ દ્રારા 1992ની સાલમાં એક વાર્તાસંગ્રહ લખાયો હતો. આ વાર્તાસંગ્રહનું નામ છે શેરને માથે સવા શેર. આ ચોપડી હવે લુપ્ત વાર્તાસંગ્રહશ્રેણીમાં આવે છે. તેની બીજી આવૃતિ વર્ષ 1997ની સાલમાં થઈ હતી. મતલબ વાર્તાસંગ્રહને ખપતા પાંચ વર્ષ લાગ્યા. એ સમયે બાળકોની જીજ્ઞાસાવૃતિ અને મોટેરાઓનાં બાળકો માટેનાં રસને જોતા સ્પષ્ટ છે કે તેને વેચાતા પાંચ વર્ષ લાગ્યા. અત્યારે તેને દસ વર્ષ લાગે !! આવી ચોપડીઓની પ્રાથમિક શાળામાં પણ માગ રહેતી, જેથી અડધાથી વધારે પ્રતો આ કારણે જ ખપી ગઈ હોય તે સ્વાભાવિક છે.

આ વાર્તાસંગ્રહમાં કુલ 24 વાર્તાઓ છે. બાળ વાર્તા અંગેના શાશ્ત્ર વિશે લખતા ગિજુભાઈ બધેકાએ કહ્યું હતું, ‘‘લોકસાહિત્યના ભંડારમાં વાર્તાઓનો તોટો નથી અને તે બધી વાર્તાઓ સુંદર અને સ્વાભાવિક છે. છતાંયે તે બધી વાર્તાઓ વાર્તાકથનના કાર્ય માટે જેવા સ્વરૂપમાં ઈચ્છીએ તેવા સ્વરૂપમાં નથી. એકવાર જે સ્વરૂપમાં બાળકોને વાર્તા ગમતી હતી એ આજે ન પણ ગમે. ત્યારે વાર્તાના પ્રાણને આંચ ન આવે તેવી રીતે વાર્તાની ભાષામાં, રચનામાં ફેરફાર કરવા ઘટે. તો જ વાર્તા ભવિષ્યકાળમાં પેસશે.’’

ભાનુમતિબેન પર આ વાર્તાસંગ્રહમાં ગિજુભાઈ અને રમણલાલ સોનીનો પ્રભાવ રહ્યો છે. એ સમયે અને આજે પણ બાળવાર્તાની જે બે-પાંચ સર્જકો દ્રારા કથનશૈલી નિરૂપવામાં આવી હતી, તેમાંથી લાંબા અંતરાલ સુધી અસંખ્ય બાળ સાહિત્યકારો બહાર ન નીકળી શક્યા. મોટાઓનું સાહિત્ય રચનારાઓ જ્યારે બાળ સાહિત્ય તરફ વળ્યાં ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. જેથી તેમની પાસેથી પણ બાળવાર્તાની નવી શૈલી ન મળી.

ભાનુમતિબેને આ સંગ્રહ બહાર પાડ્યો ત્યારે તેને રંગીન કલરના ચિત્રોથી મઢી ન શક્યા, જેથી બાળકોમાં ઉચાટ-તરવરાટ- જે ચિત્રો જોઈ વધે અને ખરીદવાનું મન બનાવી લે, તેવું આ પુસ્તક બાબતે નથી થયું. તેનું મુખપૃષ્ઠ અને તેની અંદરનાં પાનાં પણ ખૂબ જ કાળા પડી ગયેલા છે. રાજકોટનાં અકિલા અખબારથી થોડા ઉજળા પાનાં. તેમને એક એવો વાર્તાસંગ્રહ બહાર પાડવો હતો, જે સૌ કોઈના ખિસ્સાને પરવડે. જેથી ચાલીસ રૂપિયાની નજીવી કિંમતનો આ વાર્તાસંગ્રહ પ્રકાશિત કર્યો.

આ વાર્તાસંગ્રહમાંથી શા માટે આપણને નવ્ય વાર્તાઓ મળે છે ? તો ભાનુમતિબેને નાનપણમાં પોતાના મા-બાપ અને નાના પાસેથી જે અલક-મલકની વાતો સાંભળી હતી તેમાંથી નિર્માણ પામેલો વાર્તાસંગ્રહ છે. જે ઘટનાઓ તેમની સ્મૃતિમાં સંગ્રહાયેલી હતી. કેટલીક વાર્તાઓ એવી પણ છે જે વિદેશી વાર્તાઓમાંથી પ્રેરણા લઈ ગૂંથણી કરવામાં આવી છે.

લેખિકા ખૂદ એવું સ્વિકારે છે કે મારી સ્મૃતિમાંથી આ વાર્તાઓ નીકળી હોવાથી તેના તાળાની ચાવી કોઇ જગ્યાએ તમને મળી પણ જાય. ઘણી વાર્તાઓ તેના શિર્ષકની દૃષ્ટીએ લેખિકાની વાતમાં ભારોભાર સત્ય હોવાનું સાબિત કરે છે. પણ જે રીતે કોઈ પુસ્તકનું આંકલન તેના મુખપૃષ્ઠથી ન કરવું જોઈએ, તેમ અહીંની વાર્તાઓને તેના શિર્ષકથી માપવાની ભૂલ ન કરવી જોઈએ. આપણે આપણી ફૂટપટ્ટીને બાજુમાં મુકીએ તો પાતાળલોક નામની વાર્તા સાંભળતો છોકરો કાલુ બોલે છે. એ વાર્તામાં વાર્તા છે. પોતાની બાળપણની સ્મૃતિને લેખિકાએ અહીં ઉજાગર કરી છે. અહીં બાળકનાં કલ્પના વિશ્વને ઉઘાડતી શેષનાગ અને પાતાળલોકની ફેન્ટસી કરવામાં આવી છે.

ગપ્પીદાસ નામની વાર્તાથી બાળ સાહિત્યનાં અભ્યાસુઓને તુરંત ખબર પડી જાય કે જીવરામ જોષીનું આ નામેરી એક પુસ્તક પણ છે. જેમાં ગપ્પા મારનારો કેવી કેવી વિનોદી સમસ્યા સર્જતો હોય છે તેની કથા છે. જાણીને આશ્ચર્ય થશે કે 1997માં જીવરામ જોષીનો ગપીદાસ આવ્યો અને ભાનુમતિબેન 1992માં ગપ્પીદાસ લાવ્યા. માત્ર શિર્ષકની સરખામણી.

પાત્રોના નામ ભાનુમતિ બેન ખૂબ સરસ રાખે છે. કમઅકલ્લ, હોશિયારખાન, બોઘાલાલ અને આવી જ રીતે એક વાર્તામાં તેમણે પ્રશ્નનો સરસ ઉપયોગ કર્યો છે. એક મહારાજ બીજા મહારાજની બુદ્ધી માપવા માટે આવો અઘરો સવાલ પૂછે છે, ‘ટણણણ ટણણણ ટણણણ, ધડબડ ધડબડ ધડબડ, સણણણ સણણણ સણણણ, સડબડ સડબડ સડબડ.’ આ વાર્તાનું નામ શેરને માથે સવા શેર છે. જેના પરથી પુસ્તકનું શિર્ષક રાખવામાં આવ્યું છે.

આવા અવનવા પ્રયોગો દ્રારા આ પુસ્તકની વાર્તાઓ અન્ય વાર્તાકારો કરતા અલગ ભાત પાડે છે. રહી વાત સંગ્રહની કેટલીક વિદેશી વાર્તાઓની, તો અલાઉદ્દીનના ચિરાગની વાર્તા જાદુઈ ચિરાગ છે. જે અરેબિયન નાઈટ્સમાં છે. એ જ સંગ્રહમાંથી લેવામાં આવેલ આરબની વાર્તા ‘ખરો ગુનેગાર’ પણ અહીં જોવા મળે છે. મશ્કરી નામની અકબર અને બિરબલની બુદ્ધીમત્તા દર્શાવતી વાર્તા છે.

કોઇ પણ વાર્તાનાં અંતે ‘આ બોધ છે’ એવું કહેવામાં નથી આવ્યું. એ વાંચનારને પહેલાંથી જ ખબર પડી જાય છે. જેમ કે કેટલીક વાર્તામાં લોભીયો હતો, મંદબુદ્ધી હતો, ગરીબ હતો, લાલચુ હતો આમ પ્રારંભથી જ કહી દેવામાં આવ્યું છે. જેથી વાર્તાના નાયકના સ્વભાવની ખબર તુરંત પડી જાય.

આ વાર્તાસંગ્રહ હવે કોઇ ગ્રંથવિક્રેતાને ત્યાં ઉપલબ્ધ છે કે નહીં તેનો મને ખ્યાલ નથી. રાજકોટથી પ્રવીણ પ્રકાશને વર્ષ 1992ની સાલમાં તેને પ્રકાશિત કરેલો હતો. જે પછી કોઈ જગ્યાએ તેણે હાજરી નોંધાવી નથી. આજે તો મને પણ ખ્યાલ નથી કે મારા હાથમાં આ ક્યારે આવી ગયો હતો ? જ્યારે હોય ત્યારે પણ બાળવાર્તાનો આ સંગ્રહ વાંચવા લાયક છે અને એટલે જ લુપ્ત બાળપુસ્તકોની શ્રેણીમાં એ આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments