Team Chabuk-Sports Desk: અંડર-19 વિશ્વકપની ફાઈનલમાં ભારતીય ટીમનો સામનો ઈંગ્લેન્ડની ટીમ સામે થશે. ફાઈનલ મુકાબલો શનિવારે પાંચ ફેબ્રુઆરીના રોજ એન્ટીગુઆના સર વિવિયન રિચર્ડસ સ્ટેડિયમમાં થવાનો છે. ઈંગ્લેન્ડની ટીમ 24 વર્ષ બાદ ફાઈનલમાં છે. તો ભારતીય ટીમ ચોથી વખત ટૂર્નામેન્ટનો ખિતાબ જીતવા મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયાને ફાઈનલ પૂર્વે 2008ની ચેમ્પિયન ટીમના કેપ્ટન અને વર્તમાન સમયે ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી સાથે ચર્ચા કરવાનો અવકાશ મળ્યો હતો.
કોહલી હાલ ભારતીય ટીમની સાથે અમદાવાદમાં છે. અહીં ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝની સામે ત્રણ વનડે મેચની સીરીઝ રમશે. કોહલીએ અંડર-19ના ખેલાડીઓની સાથે ઝૂમ મીટીંગમાં વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન તેણે કહ્યું કે, યશ ઢૂલ, રાજવર્ધન હંગારગેકર અને કૌશલ તામ્બેને ફાઈનલમાં પહોંચવા માટે ખૂબ ખૂબ અભિનંદન. આ દરમિયાન કોહલીએ જૂનિયર ખેલાડીઓને ફાઈનલમાં રમવાનો અર્થ સમજાવ્યો હતો.
હજુ સુધી એ વાતની ખબર નથી પડી કે કોહલીને અંડર-19 ટીમ સાથે વાતચીત કરવાનો અનુરોધ કોણે કર્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે તેની પાછળ બીસીસીઆઈના સચિવ જય શાહ અને વર્તમાન રાષ્ટ્રીય ક્રિકેટ અકાદમીના પ્રમુખ વીવીએસ લક્ષ્મણનો હાથ છે. કોહલીની સાથે વાતચીત કર્યાં બાદ જૂનિયર ખેલાડીઓનું મનોબળ વધ્યું હતું.
રાજવર્ધન હંગારગેકરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર વાતચીતના અનુભવને શેર કર્યા હતા. તેણે લખ્યું કે, ‘વિરાટ કોહલી ભાઈ, તમારી સાથે વાત કરી સારું અનુભવ્યું. તમારી પાસેથી જે જીવન અને ક્રિકેટ વિશે જાણ્યું છે તે આગળ ખૂબ કામ આવશે. આ અમને શ્રેષ્ઠ થવામાં મદદરૂપ નીવડશે.’ બીજી તરફ કૌશલ તામ્બેએ કહ્યું કે, ‘ફાઈનલ પહેલા ગોટે જરૂરી સૂચના આપી.’ ગોટનો અર્થ અહીં છે ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ. સર્વકાલિન મહાન વ્યક્તિ અથવા તો ખેલાડી. આ દરમિયાન અંડર-19 ટીમના મુખ્ય કોચ ઋષિકેશ કાનિટકર પણ ઉપસ્થિત રહ્યા હતા.
વર્ષ 2008માં કોહલીની આગેવાની હેઠળ ભારતીય ટીમ અંડર-19 ચેમ્પિયન બની હતી. મલેશિયામાં થયેલી ફાઈનલમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાની ટીમને ડકવર્થ લુઈસના નિયમના આધારે 12 રનથી હરાવ્યા હતા. ભારતીય ટીમ પ્રથમ વખત મોહમ્મદ કૈફની આગેવાનીમાં વર્ષ 2000માં અંડર-19 વિશ્વકપ જીતી હતી. એ પછી 2008માં કોહલીના નેતૃત્વમાં, 2012માં ઉન્મુક્ત ચંદના નેતૃત્વમાં અને 2018માં પૃથ્વી શૉની આગેવાનીમાં વિજય મેળવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
