Homeદે ઘુમા કેઅમદાવાદ: રોહિત શર્મા એક શાંત અને ચાલાક સુકાની તરીકે દેખાયો

અમદાવાદ: રોહિત શર્મા એક શાંત અને ચાલાક સુકાની તરીકે દેખાયો

Team Chabuk-Sports Desk: ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીનો રવિવારથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આરંભ થયો હતો. પ્રથમ વનડે એક તરફી રહી હતી અને ભારતે સરળતાથી જીત પ્રાપ્ત કરી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ વનડેને છ વિકેટથી પોતાના નામે કરી હતી. વોશિંગ્ટન સુંદરે ચાર વર્ષ બાદ વનડેમાં પુનરાગમન કરતા શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જોકે વિરાટ કોહલીની સેન્ચુરીની પ્રતીક્ષા હજુ પણ ત્યાંની ત્યાં જ છે. સામે ઈશાન કિશને અનુભવી ઓપનર ધવનની અનુપસ્થિતિમાં સારી શરૂઆત અપાવી હતી, પરંતુ તે ઈનિંગને લાંબી નહોતો ખેંચી શક્યો.

વોશિંગ્ટનની વાપસી

તમિલનાડુના ઓલરાઉન્ડર સુંદરનું ચાર વર્ષ બાદ વનડેમાં પુનરાગમન થયું છે. 13 નવેમ્બર 2017માં તેણે અંતિમ વનડે મેચ શ્રીલંકાની વિરૂદ્ધ મોહાલી સ્ટેડિયમમાં રમી હતી. સુંદરને ગત વર્ષે ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન ઈજા પહોંચી હતી. ઈજાના કારણે તેને આઈપીએલના બીજા ચરણ અને ટી ટ્વેન્ટી વિશ્વકપમાંથી બહાર થવું પડ્યું હતું. સુંદર ગત વર્ષના અંતમાં કોરોના સંક્રમિત પણ થયો હતો. જે કારણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં પણ તેને સીરીઝમાંથી બહાર થવું પડ્યું હતું. તેણે પુનરાગમન કરતા ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી.

વિરાટ લયમાં દેખાયો

વિરાટ કોહલી વનડેમાં કોઈ અન્ય સુકાનીના નેતૃત્વમાં પાંચ વર્ષ બાદ રમી રહ્યો છે. રોહિત પૂર્વે તે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં હતો. 2016ના અંત બાદ વિરાટ કોહલીના હાથમાં વનડેનું સુકાનીપદ આવ્યું હતું. દક્ષિણ આફ્રિકાના પ્રવાસના ઠીક પહેલા તેને સુકાનીપદેથી હટાવવામાં આવ્યો હતો. કોહલી વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં શાનદાર લયમાં દેખાઈ રહ્યો હતો. તેણે ચાર બોલનો સામનો કર્યો હતો અને આઠ રન બનાવ્યા હતા. પ્રથમ ત્રણ બોલમાં જ કોહલીએ બે ચોગ્ગાની મદદથી આઠ રન બનાવી નાખ્યા હતા. કોહલી ઈચ્છેત તોપણ આ મેચમાં કોઈ મોટી ઈનિંગ ન રમી શકેત, કારણ કે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર જ ઓછો હતો. વિરાટ પ્રશંસકોને આશા હતી કે કોહલી 40-50ની એક શાનદાર ઈનિંગ રમશે. 22 નવેમ્બર 2019માં બાંગ્લાદેશની વિરૂદ્ધ કોહલીએ અંતિમ સેન્ચુરી ફટકારી હતી.

કિશન બીજી વનડેમાં હશે કે નહીં?

ઈશાન કિશનને શિખર ધવનની જગ્યાએ રોહિત શર્માની સાથે આરંભિક બેટ્સમેન તરીકે ટીમમાં સ્થાન મળ્યું હતું. ધવન હાલ કોરોના સંક્રમિત છે. કિશનની કારકિર્દીની આ ત્રીજી વનડે હતી. તેણે શ્રીલંકાની વિરૂદ્ધ પોતાના ડેબ્યૂ મેચમાં 59 રન બનાવ્યા હતા. બીજી વનડે મેચમાં તે એક રન બનાવી આઉટ થયો હતો અને ત્રીજી વનડેમાં 36 બોલમાં 28 રન બનાવ્યા હતા. પ્રથમ વખત તેને વનડેમાં ઓપનિંગ કરવાની તક મળી હતી. જોકે સારી શરૂઆતને તે મોટી ઈનિંગમાં તબ્દિલ નહોતો કરી શક્યો. જો આગામી મેચમાં શિખર ધવન અથવા કે.એલ.રાહુલનું પુનરાગમન થાય છે તો ઈશાન કિશનને બહાર બેસવું પડશે.

રોહિતની શાનદાર કેપ્ટનશીપ

રોહિત શર્માને હંમેશા એક શ્રેષ્ઠ કેપ્ટનનો દરજ્જો મળ્યો છે. આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમને તેણે પાંચ વખત ખિતાબ અપાવ્યો છે. રોહિતે ભારત માટે પણ સુકાની તરીકે શ્રેષ્ઠ કામ કર્યું છે. મેચમાં તેણે ફરી એક વખત પોતાના સુકાનીપદ અને ઉન્નત બેટર તરીકેનો પરચો આપ્યો હતો. રોહિતે બોલર્સનો શાનદાર રીતે ઉપયોગ કર્યો. રિવ્યૂ માટે અન્ય ખેલાડીઓ પાસેથી લીધેલો મત અને ખેલાડીઓનો ઉત્સાહ પણ મેચમાં જોવા મળી રહ્યો હતો. એ સિવાય બેટર તરીકે પણ તેણે ધમાકો કર્યો હતો. રોહિતના બેટમાંથી 10 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 51 બોલમાં 60 રન આવ્યા હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments