1982નું વર્ષ હતું. નરેન્દ્ર મોદી અમદાવાદ જિલ્લા સંઘનો પ્રચાર કરતા હતા. અમિત શાહ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની યુથ વિંગમાં સંયુક્ત સચિવ હતા. એક જ વિચારશૈલી હોવાથી અવારનવાર મળવાનું થતું હતું. 1987માં અમિત શાહ જ્યારે ભાજપની યુથ વિંગમાં ગયા ત્યારે નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીમાં ચાલ્યા ગયા હતા. હવે શાહને મોદીનો સપોર્ટ પણ મળવા લાગ્યો હતો. એક ઘટના કહી આગળ વધીએ.
‘‘હું મારી ઓફિસમાં બેઠો હતો. દરવાજો ખૂલ્યો. નરેન્દ્ર મોદી તેમની સાથે એક યુવાનને લઈ આવ્યા. યુવાનનો પરિચય આપતા કહ્યું, આ અમિત શાહ છે કારોબારી યુવા મોર્ચા સાથે સંકળાયેલા છે. તમે તેમને પાર્ટીમાં કામ અપાવી દો.’’
ખુરશી ઉપર બેઠેલા નેતા શ્રી શંકરસિંહ વાઘેલા હતા. આ વાત વાઘેલાએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહી હતી.
નરેન્દ્ર મોદીનો વિશ્વાસ અને સીટ પણ જીતી લીધી
વર્ષ હતું 1991નું. લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગરની સીટ પરથી ચૂંટણી લડવાના હતા. અમિત શાહ નરેન્દ્ર મોદીની પાસે ગયા અને તેમને કહ્યું, ‘ચૂંટણીની જવાબદારી મને આપો. અડવાણીજી અહીં આવશે નહીં તો પણ જીતી જશે.’ નરેન્દ્ર મોદી અમિત શાહના આત્મવિશ્વાસથી ખૂબ જ પ્રભાવિત થયા. બન્યું એવું કે અમિત શાહે એવી રીતે રાજનીતિના સોગઠા ગોઠવ્યા કે અડવાણીજી ભારે બહુમતિથી જીતી ગયા. અમિત શાહ માટે આ પ્રથમ વખત હતું જ્યારે તેમણે કેન્દ્રના કોઈ નેતાને ચૂંટણી જીતાવી હોય. આજે અમિત શાહ અડવાણીની એ સીટ પરથી જ જીતી સાંસદ બન્યા છે. જે સીટ પર તેમણે એક સમયે અડવાણીને જીત અપાવી હતી. ગાંધીનગરની સીટ અમિત શાહ માટે યુવાકાળથી એક પાઈપલાઈનની જેમ રહી છે. તમે નળ ખોલો અને નળમાંથી પાણી આવે તે રીતે અમિત શાહ ગાંધીનગરની રગરગથી વાકેફ છે. હવે તો કેન્દ્રમાં કદ મોટું હોવાથી તેમને વધારે પરિશ્રમ કરવાની જરૂર નથી પડતી. નામ હોય અને જીતી જાય. માત્ર અડવાણી માટે નહીં 1996ની સાલ હતી. અટલજી ગાંધીનગરથી ચૂંટણી લડવાના હતાં ત્યારે પણ અમિત શાહે લોહી પાણી એક કરી દીધા હતા.
ગાંધીવાદી
અમિત શાહના માતા ગાંધીવાદી હતા. તેમની એક મોટી લાઈબ્રેરી હતી. જેમાં તમામ ધર્મને લગતા અસંખ્ય પુસ્તકો હતા. અમિત શાહ જે ખાદીના કપડાં પહેરે છે તેની પાછળનું કારણ પણ તેમની માતા કુસુમ બાનો જ હાથ છે.
મોદી તો હમારે દોસ્ત હૈ!
વર્ષ આવ્યું 2000નું. કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદીના રાજનૈતિક સંબંધોમાં ખટાશ ઉમેરાય. નરેન્દ્ર મોદીને દિલ્હી જવું પડ્યું. ધીમે ધીમે તમામ લોકોએ નરેન્દ્ર મોદી સાથે વાતો કરવાનું બંધ કરી દીધું, સિવાય કે અમિત શાહ. અમિત શાહ હજુ મોદીના સંપર્કમાં હોવાની વાત મળતા પાર્ટીમાં તેમનું કદ ઘટાડી દેવામાં આવ્યું. અમિત શાહે તો પણ નરેન્દ્ર મોદી સાથેના સંબંધોમાં ઓટ ન આવવા દીધી. વર્ષ 2002માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે અમિત શાહને ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું. 2007 આવતા આવતા અમિત શાહ પાસે ગુજરાતના મંત્રાલયના કુલ 10 ખાતાઓ હતા.
ગોવા બાપા કહે છે કે અમિત શાહને નાણામંત્રી બનાવી દો
અમદાવાદમાં જે ઘટના બનેલી તે પરથી લાગે કે અમિત શાહની નાણામંત્રી તરીકે જરૂર છે. 36 વર્ષની ઉંમર હતી. અમદાવાદ જિલ્લા સહકારી બેંકના તેઓ પ્રેસિડેન્ટ બન્યા. પ્રમુખ બન્યા ત્યારે 20 કરોડ રૂપિયાની ખોટ ચાલતી હતી. અમિત શાહ માથે મોટી વિડંબણા હતી. એમણે કર્મચારીઓને કહ્યું કે, ‘મારી પાસે એક પ્રપોઝલ છે.’ બધાએ તેમની વાતને મજાકમાં લીધી. અમિત શાહ પ્રેસિડેન્ટ હોવાથી આ વાતને અમલમાં મુકી. એક વર્ષની અંદર 20 કરોડની ખોટ કરી રહેલી બેંક ઊભરી ગઈ અને સામે સાત કરોડનો નફો થઈ ગયો. હવે આ અમિત શાહે કેવી રીતે કર્યું હતું એ એમને ખબર. ભવિષ્યમાં કોઈએ અમિત શાહને પૂછ્યું હશે તો કહેતા હશે, ‘આપ આમ ખાઈએ ગુટલીયા મત ગીનયે…’અમિત શાહના કાર્યકાળમાં આ બેંક ગુજરાતની નંબર વન બેંક બની હતી.
અમિતજીને તો બંગાળી પણ આવડે છે
વાત હવે મજાની. અમિત શાહ મમતા દીદી પર વારેઘડીએ હુમલો કર્યા રાખે છે. ગુજરાતના હોવાથી તેઓ અ-બંગાળી છે. પણ મમતા દીદીને એ વાતની ખબર છે કે અમિત શાહે પાંચ વર્ષ પહેલાં બંગાળી ભાષાનો ટયૂટર રાખેલો. જ્યાંથી એમણે બંગાળી ભાષા પર પકડ મેળવી. ભાજપ પશ્ચિમ બંગાળમાં કોઈ દિવસ ડંકો નથી વગાડી શકી. અમિત શાહના અધ્યક્ષપણા હેઠળ 2019ની લોકસભાની ચૂંટણીમાં 18 સીટ જીતી લીધી હતી. કાર્યકર્તાઓ અને દેશને સંબોધિત કરતાં અમિત શાહ કુલ ચાર વખત જોર જોરથી બોલ્યા હતાં…. ‘ઔર બંગાલ મેં… ઔર બંગાલ મેં… ઔર બંગાલ મેં… મેં કહેતા હું ઔર બંગાલ મેં…’ સાફ વાત છે, તમે જીતો તો હાકલ તો કરો જ. ક્રિકેટમાં વિરાટ કોહલી નથી કરતો.
13 વર્ષની ઉંમરનો ઉમેદવાર
નવમાં ધોરણ સુધી અમિત શાહ માણસામાં ભણ્યા. હાઈસ્કૂલનું નામ છે ‘RBLD..’ અમિત શાહને બાળપણથી જ ચૂંટણીમાં રસ પડી ગયો હતો. ઉંમર 13 વર્ષની હતી. ક્લાસના મોનિટર બનવા માટે તેમણે ચૂંટણીમાં ભાગ લીધો. સાતમું ધોરણ હતું. એ ક્લાસના મોનિટર બનવા માટે દાવેદારી કરતાં અને જેટલી વખત ઊભા રહેતા એટલી વખત જીતી જતા. ક્લાસમાં 50 છોકરાઓની સંખ્યા હતી. જેમાં થી 70 ટકા વોટ અમિત શાહને મળતા હતા.
કુંભનું આમંત્રણ
માણસાથી તેઓ અમદાવાદ આવ્યા ત્યારે આરએસએસના સ્વામી વામદેવ અમદાવાદ આવેલા. વામદેવ રામમંદિર આંદોલન સાથે સંકળાયેલા વ્યક્તિ, જેમની સેવા કરવાનું બીડુ અમિત શાહે ઝડપી લીધું. અમિત શાહ શું કામે તેમની સેવા કરતાં હતાં ? કારણ કે તેઓ એમના પ્રવચનથી પ્રભાવિત થઈ ગયા હતા. સ્વામી વામદેવ દ્રારા આપવામાં આવેલા એ ભાષણનું નામ હિંદુ દર્શન હતું. એ વામદેવ જ હતા જેમણે અમિત શાહને કુંભના મેળામાં આવી સાધુ સંતો સાથે મુલાકાત કરવાનું કહ્યું. વર્ષ હતું 1986નું. 21 વર્ષની વયના અમિત શાહ કુંભનાં મેળામાં પહોંચી ગયા. જ્યાં તેમણે વામદેવ સાથે ખૂબ કામ કર્યું. સંતોના પ્રવચનો સાંભળ્યા ને વામદેવ માટે દક્ષિણા પણ લાવતા હતા. કહેવાય છે કે અમિત શાહનું જીવન અહીંથી જ બદલી ગયું.
તો અભિનેતા હોત ?
બાળપણ અને યુવા અવસ્થામાં આવ્યા ત્યાં સુધી તેમણે નાટકમાં ખૂબ કામ કર્યું છે. પપ્પાનો પક્ષપલ્ટો નામનું નાટક એમણે કરેલું. જેમાં તેઓ પોતાના છ આડે પાટે ચડી ગયેલા સંતાનોને સીધા રસ્તે લાવે છે. અમિત શાહની ઉંમર નાની હતી અને તેમણે વૃદ્ધનું પાત્ર ભજવેલું. તેમનો અભિનય જોઈ લોકો કહેતા પણ હતાં કે આ એક્ટર બનશે. શાહ દરેક રોલમાં ફીટ બેસી જતા હતા.
રાજકારણમાં રમતનો ઉપયોગ
એમની સફળતાનો વધારે એક શ્રેય સ્પોર્ટ્સને આપવો રહ્યો. હવે તો નવરાશ નથી રહેતી પણ જ્યારે ફ્રી રહે ત્યારે ચેસ રમવાનું તેમને ખૂબ જ પસંદ છે. ક્રિકેટના એમના શોખ વિશે તો દરેક વ્યક્તિને ખબર છે. એમની આસપાસના લોકોનું કહેવું છે કે શાહની સ્પોર્ટ્સમાં રૂચિ જ તેમને વિરોધીઓને પછડાટ આપવામાં મોટો ભાગ ભજવે છે. એ રાજનીતિની રીતે નહીં એક ખેલાડીની રીતે રાજકારણ રમે છે. જીતવાની ચાહથી જ મેદાનમાં ઉતરે છે.
ધંધો પણ કર્યો
તેમના પિતા અનિલચંદ્ર શાહ અને દાદાનો પરંપરાગત ધંધો હતો. PVC પાઈપલાઈનનો ધંધો. મુંબઈમાં અમિતનો જન્મ થયો. અભ્યાસમાં સાયન્સ ભણેલા. બાયોકેમેસ્ટ્રીની ડિગ્રી એમની પાસે છે. અમિત શાહે પણ શેયર બ્રોકરનું કામ કર્યું છે. પણ એમનું મન ન હતું. પ્રતિભાઈ તેમને આરએસએસની શાખામાં લઈ જતા હતા. સાઈકલની પાછળ બેસાડીને લઈ જતા હતા!
ઠંડી જ ચા પીવે છે
શાહના બે કિસ્સાઓ મશહૂર છે. ગુજરાતીઓમાં એક ટેવ છે કે ગરમ ગરમ ચા પીવે. અમિત શાહ ચા ઠંડી થાય પછી જ પીવે. ગમે તેટલી ઊતાવળ ભલે ને હોય. બીજી એક વાત શાહને કાર ચલાવતા નથી આવડતી.
લખવાનો પણ શોખ
અમિત શાહને લખવાનો ખૂબ શોખ છે. જોકે તેમને કોઈ દિવસ જોયા નથી. જોયા નથી, કારણ કે આ વાત તેમની ડાયરીની થઈ રહી છે. તેઓ વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયા ત્યારથી આખા દિવસનો ક્રમ ડાયરીમાં લખ્યા કરે છે. આજે પણ ડોક્યુમેન્ટેશનની એ પરંપરા ‘અમિત’ રહી છે.
વાંચવાનો પણ શોખ
શાહનું સ્પષ્ટ માનવું છે કે કાર્યકર્તાઓએ તમામ ધર્મો વિશે વાંચવું જોઈએ. જે મળે તે વાંચવું જોઈએ. માર્ક્સથી લઈને ઈસ્લામ સુધીના તમામ ધર્મનું વાંચશે તો જ એ લોકો વિરોધીઓ સામેની ચર્ચામાં ટકી શકશે.
આ બધી વાતો આજે શા માટે ? આજે એટલા માટે કારણ કે અમિત શાહનો જન્મદિવસ છે.