Homeવિશેષઈલિયડની કથા : ક્રોનસ ભૂલમાં દીકરા ઝ્યુસની જગ્યાએ એક પથ્થરને ખાઈ ગયો

ઈલિયડની કથા : ક્રોનસ ભૂલમાં દીકરા ઝ્યુસની જગ્યાએ એક પથ્થરને ખાઈ ગયો

અહર્નિષ અંધકાર. આ જગતમાં કંઈ ન હતું. એક પણ વસ્તુ નહીં. એક દેવી આવી. દેવીનું નામ ગાયા હતું. જેને પૃથ્વી કહીએ છીએ. આકાશમાં ઘુમતા ઘુમતા એ દેવીની નજર યુરેનસ પર પડી. યુરેનસ દેખાવડો હતો. યુરેનસ એટલે તારાઓથી ખીચોખીચ ભરાયેલું આકાશ. ગાયા અને યુરેનસ એકબીજાના થઈ ગયા અને સંભોગ કરવા લાગ્યા. આ સંભોગ વર્ષો સુધી ચાલ્યો. જેમાંથી કેટલીક વિકૃત સંતાનો ઉત્પન્ન થઈ. એ વિકૃત સંતાનોમાં હેકેટનકાયરેસ હતો જેના સો હાથ હતા અને બીજો સાઈક્લોપ્સ હતો જેની ફક્ત એક આંખ હતી.

યુરેનસને ખબર પડી ગઈ કે ગાયાના ગર્ભમાં બીજી ઘણી વિકૃત સંતાનો છે. એ બહાર આવશે તો વિનાશ નોતરી દેશે એટલે તે ગાયાની યોની પાસે ચોંટીને ઊંઘી ગયો. જેથી વિકૃત સંતાનો બહાર ન આવે.

ગાયાથી હવે વધારે સમય સંતાનોને ગર્ભમાં સંઘરીને રાખી શકાય એટલી તાકાત નહોતી. તેણે પથ્થરમાંથી એક ચાકુ બનાવ્યું. એ ચાકુ પોતાના સંતાનોને આપ્યું. સંતાનોમાંથી કોઈની હિંમત નહોતી કે તે પોતાના પિતાને મોતને ઘાટ ઉતારી દે. આ કામ ક્રોનસ કરી શકે તેમ હતો.

ક્રોનસે હાથમાં ચાકુ લીધું અને પિતાનું જનનાંગ કાપી નાખ્યું. એ કપાયેલું જનનાંગ સમુદ્રમાં પડી ગયું. યુનાની કથાનો આરંભ ક્રોનસથી થયો. ક્રોનસ સૌનો અંત પણ કરી શકે અને આરંભ પણ કરી શકે.

તેના પિતા યુરેનસના ઘામાંથી લોહી નીકળ્યું અને સમુદ્ર છલકાવા માંડ્યો. તેમાંથી રાક્ષસી શક્તિઓ પેદા થઈ. સમુદ્રના પાણીના ઉફાણમાંથી અફ્રોદિતી નીકળી. એ પ્રેમની દેવી હતી. જે વિખૂટા પ્રેમીઓનું મિલન કરાવતી હતી. તેની સાથે તેનો દીકરો આવ્યો. દીકરાને બે પાંખો હતી અને નામ ઈરોસ હતું. તે કામવાસનાઓના બાણ ચલાવ્યા રાખે છે.

ગાયાના ગર્ભમાંથી નીકળી પિતા યુરેનસનું જનનાંગ કાપનારો ક્રોનસ ખતરનાક હતો. તેણે સો હાથ ધરાવતા ભાઈ હેકેટનકાયરેસ અને એક આંખવાળા ભાઈ સાઈક્લોપ્સને ટાર્ટરસ નામના અંધારામાં નાખી દીધા. એ ખૂદ ટાર્ટરસનો નેતા બની ગયો. ટાઈટન ભાઈઓએ ટાઈટન બહેનો સાથે લગ્ન કર્યા. હાઈપેરિયન અને થિયાના મિલનથી હિલીયસ એટલે કે સૂર્ય, સેલન એટલે કે ચંદ્ર અને ઈયોસ પેદા થયો.

ઓશનસે ટેથીસની સાથે ધરતીનું ચક્કર લગાવ્યું અને સાથે મળીને ઝરણાઓ અને નદીઓને જન્મ આપ્યો.

પણ જ્યારે નેતા ક્રોનસે રિયાની સાથે લગ્ન કર્યા તો તેની માતા ગાયાએ તેને ચેતવ્યો કે તેના સંતાનો પણ તેને એ રીતે જ મારી નાખશે જે રીતે તેણે તેના પિતાને મારી નાખ્યો હતો.

રિયાથી સંતાનો પેદા થતી ગઈ. રિયાએ ત્રણ દીકરી અને બે દીકરાઓને જન્મ આપ્યો. જેને ક્રોનસ ખાઈ ગયો. રિયાએ છેલ્લે એક બાળકને જન્મ આપ્યો. જેનું નામ ઝ્યુસ. રિયાએ તેને જંગલમાં અપ્સરાઓ પાસે  છોડી દીધો અને તેનું પાલન પોષણ કરવાનું કહ્યું. અંધારામાં રિયાએ પોતાના પતિ ક્રોનસને એક પથ્થર આપી દીધો. ક્રોનસ એ પથ્થર ખાઈ ગયો અને ઓડકાર લઈ ઉંઘી ગયો.

ઝ્યુસને એક વૃક્ષની ડાળખી પર પારણું બાંધી રાખવામાં આવ્યો હતો. ક્રોનસને આ વાતની બિલકુલ ખબર નહોતી.

રિયાની એક દાસીનું નામ કોરીટ્સ હતું. કોરીટ્સ તલવાર અને ઢાલને એકબીજાની સામે અથડાવતી. અથડાવ્યા પછી તે પોતાના પગને જમીન પર પછાડતી. આ અવાજ એટલો બધો હતો કે ક્રોનસના સરવા કાનને કોઈ દિવસ જંગલમાંથી આવતા ઝ્યુસનો રડવાનો અવાજ સંભળાયો જ નહીં.

ઝ્યુસનું પાલન પોષણ અમાલ્થિયા નામની એક બકરી કરી રહી હતી. તેનું શરીર મનુષ્યનું હતું. બકરીનું દૂધ પી પીને ઝ્યુસમાં તાકાત આવી ગઈ. ઝ્યુસની શક્તિમાં એટલો વધારો થઈ ગયો કે તેણે અમાલ્થિયાનું એક શીંગડુ તોડી નાખ્યું.

એ શીંગડુ કાર્નૂકોપિયા તરીકે ઓળખાયું. સમય જતા તેને ઉછેરનારી અમાલ્થિયાનું મોત થયું. ઝ્યુસે તેના શરીરની ચામડી ઉતારી નાખી અને ઢાલ બનાવી. જે એજીસ તરીકે ઓળખાય.

ઝ્યુસ મોટો થયો ત્યારે તેને ખબર પડી કે તેના ભાઈઓ બહેનોને ખાનારો તેનો પિતા ક્રોનસ છે. એણે ક્રોનસને મારવાનું ષડયંત્ર ઘડ્યું. એ દારૂ પીવડાવનારો નોકર બન્યો અને ક્રોનસને એવી જલદ દારૂ પીવડાવી કે તેને ઉલટી થઈ ગઈ. ઉલટીમાં રિયા દ્વારા ઝ્યુસની જગ્યાએ ખવડાવાયેલો પથ્થર નીકળ્યો. એ પથ્થર પછી એક બાદ એક ઝ્યુસના પોઝાઈડન અને હેડસ નામના બે ભાઈઓ, હેસ્તિયા, દીમિતર અને હેરા નામની બહેનો પણ પેટમાંથી નીકળી. ઝ્યુસે એ તમામ ભાઈ બહેનોને ક્રોનસ વિરૂદ્ધ યુદ્ધ કરવા માટે તૈયાર કર્યા.

ક્રોનસને પરાજીત કર્યો અને ટાર્ટરસ નામના પાતળ લોકોમાં કેદ કરી દીધો. ઝ્યુસે ખૂદને રાજા ઘોષિત કર્યો. ઓલિમ્પસ પર્વતને પોતાનું ઘર બનાવ્યું.

પણ કેટલાક ટાઈટન્સને ઝ્યુસનું રાજા બનવું પસંદ ન હતું. તેમણે ઝ્યુસને પડકાર ફેંક્યો. પ્રોમેથિયસ અને એપિમેથિયસ સહિતનાઓએ ઝ્યુસનું સમર્થન કર્યું. પ્રોમેથિયસ ભવિષ્ય જોઈ શકતો હતો. તેને ખબર હતી કે યુદ્ધના અંતમાં ઝ્યુસનો વિજય થશે. ઓલિમ્પસ પર હુમલો થયો. આ યુદ્ધને ટાઈટનમાચીના નામે ઓળખવામાં આવે છે.

ટાઈટન્સે સાઈક્લોપ્સને કેદ કર્યો હતો. જેથી તે બદલો લેવા માગતો હતો. તેણે ઝ્યુસ માટે એક વજ્ર બનાવ્યું જેથી તે યુદ્ધમાં ગમે તે ભોગે જીતી શકે. એક આંખવાળા સાઈક્લોપ્સ દ્રારા બનાવવામાં આવેલા એ વજ્રએ ઝયુસની તાકાતમાં અગણિત વધારો કરી દીધો. યુદ્ધમાં ઝ્યુસ વિજેતા બન્યો. પરાજીત ટાઈટન્સને ટાર્ટરસમાં નાખી દેવામાં આવ્યા. તેના નેતા એટલસને સમગ્ર પૃથ્વીનો ભાર ઉઠાવવાની સજા સોંપવામાં આવી.

ટાઈટન્સ દ્રારા કરવામાં આવેલો આ દુર્વ્યવહાર ગાયાને પસંદ ન આવ્યો. તેણે ટાઈફન નામના જાનવરને ઝ્યુસનો વધ કરવા માટે મોકલ્યો. દાનવનું ભયાવહ સ્વરૂપ જોઈને દેવતાઓ જાનવરોનું રૂપ ધારણ કરી ભાગવા લાગ્યા. હેરાએ ગાયનું રૂપ લીધું. અફ્રોદિતી અને ઈરોસ માછલી બની ગયા.

ઝ્યુસ જંગલી સૂઅર બની ગયો અને ટાઈફન ઉપર હુમલો કર્યો. એક માત્ર ઝ્યુસ ટાઈફન સામે લડતો રહ્યો.

ટાઈફનના પરાજય બાદ ગાયાએ યુરેનસના લોહીથી બનેલા કેટલાક દૈત્યોને ઓલિમ્પસમાં મોકલ્યા. રાક્ષસોએ પહાડ પર પહાડ ઊભા કરી ઝ્યુસના બાળકોને ઘેરી લીધા. ઝ્યુસે એ બધાને મારી ભગાડ્યા. પકડાયેલા રાક્ષસોને ટાર્ટરસમાં કેદ કરી દીધા. હવે તે વિશ્વભરનો માલિક હતો.

ગાયાએ ઝ્યુસના ભાઈ પોઝાઈડન અને બહેન હેરાને ભડકાવવાનું શરૂ કરી દીધું. હવે ઓલિમ્પસમાં ખટપટો થવા લાગી હતી. ઝ્યુસ ભાઈ બહેનના આવા વ્યવહારથી ગાયા પર અત્યંત ક્રોધિત થયો અને બોલ્યો, ‘જો તું મને આકાશમાં ખેંચવાની કોશિશ કરે છો તો જાણી લે, હું ધરતી અને સમુદ્રને ઉપર ખેંચી તને હવા સાથે અધ્ધર લટકાવી દઈશ.’ એ પછી કોઈ દિવસ કોઈએ ઝ્યુસ સામે આંગળી ન ઉઠાવી. ગાયા શાંત થઈ ગઈ. તેના ભાઈઓ પણ નીચા નમી ગયા. ઝ્યુસ સૌનો માલિક બની બેઠો.

(ઈલિયડ અને ઓડિસીની કથાઓમાંથી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments