30 ઓક્ટોબર 1960ની એ તારીખ હતી. ડિયેગો મારાડોનાનો આ દિવસે જન્મ થયો. તેના જન્મ થતા જ વિશ્વમાં વધુ એક ખેલાડીનો ઉદય થયો. મારાડોનાના પૃથ્વી પર પગ પડતા અને કિલકારીયો ગૂંજી ઉઠતાની સાથે જ બોક્સિંગમાં મહોમ્મદ અલીએ પોતાનું પ્રથમ ટાઈટલ જીત્યું.
આર્જેન્ટીના તેનો દેશ. જેણે હ્રદયરોગના હુમલાના કારણે મૃત્યુ પામેલા ડિયેગો મારાડોના માટે દેશમાં ત્રણ દિવસનો શોક જાહેર કર્યો છે. તેણે દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું તો પછી દેશે પણ તેને આપ્યું. ભારત જેવા દેશમાં જ્યાં ક્રિકેટ સિવાયની રમતો અછૂત ગણવામાં આવે છે અને ખેલાડીઓની દારૂણ સ્થિતિ વિશે મુક્કાબાજ જેવી ફિલ્મોમાં પડદે મઢવામાં આવે છે. આપણે એ ફિલ્મ જોઈએ છીએ. થોડીવાર માટે દેશમાં બીજા સ્પોર્ટ્સની દુર્દશા પર શોક વ્યક્ત કરીએ છીએ. રાતે ઉંઘીએ છીએ અને બીજા દિવસે બીજી ફિલ્મ જોઈ તેના વિશે વાતો કરવા લાગીએ છીએ. નવી ફિલ્મનું પોસ્ટર ફેસબુક પર મૂકી મેં આ જોઈ તેનો ઢંઢેરો પીટીએ છીએ.
મારાડોના માટે તેના દેશે જે કર્યું તે શું આપણા દેશમાં થઈ શકેત ? વેસ્ટ બંગાળ સિવાય આપણે ત્યાં ફૂટબોલની સ્થિતિ પણ બે જણા વચ્ચે કોલર ઊંચો કરી વાત કરી શકીએ એવી નથી. ફૂટબોલની ઓળખ તો ભારતમાં શોલીન શોકર ફિલ્મના કારણે છે. આપણે ત્યાં ક્રિકેટનું મોટેરા બની શકે છે ફૂટબોલનું મોટેરા ક્યારે ?
આ ખેલાડીને પેલે નહોતો ગમતો. પેલેને જ્યારે બેસ્ટ પ્લેયરનો ખિતાબ આપવામાં આવ્યો ત્યારે મારાડોના ગુસ્સામાં બોલી ઉઠ્યો હતો, ‘તેણે ફરી સંગ્રહાલયમાં ચાલ્યું જવું જોઈએ.’
મારાડોના નામની ઉત્પતિ કેવી રીતે થઈ. તેના નામમાં પ્રથમ આવે છે ડિયેગો. ડિયેગો એ આર્જેન્ટીનાનો નહીં પણ ગ્રીક અને હિબ્રુ ભાષાનો શબ્દ છે. નવા પેદા થયેલા છોકરાનું નામ ડિયેગો રાખવાની પરંપરા ઈટાલી અને સ્પેનમાં આજે પણ અકબંધ છે. આ નામનો અર્થ થાય છે શિક્ષક. ડિયેગો અને મારાડોનાની વચ્ચેનું નામ છે આર્માન્ડો. જેનો અર્થ થાય છે એક માણસ જે આર્મીમાં છે.
91 વખત તેણે આર્જેન્ટીનાની ટીમને રિપ્રેઝન્ટ કરી. 34 ગોલ ફટકાર્યા અને વિશ્વકપ પણ અપાવ્યો. ફૂટબોલમાં પ્રસિદ્ધી મેળવવા માટે છોકરાએ નાનપણથી તનતોડ મહેનત કરવી પડે છે. મારાડોના પણ 15 વર્ષની ઉંમરે જ જૂનિયર ફૂટબોલર તરીકે સિલેક્ટ થઈ ગયો હતો. 15 વર્ષની ઉંમરમાં પ્રદર્શન નીખરે તો સાફ છે સતર કે અઢારમે વર્ષે તે આંતરાષ્ટ્રીય ટીમમાં આવી જાય. ફૂટબોલમાં જેમ ઉંમર વધતી જાય તેમ તમારી અંદરનો ખેલાડી મરતો જાય છે. કેટલાક ખેલાડીઓને બાદ કરતા, જો ફિટનેસ નથી ટકતી તો ખેલાડી પણ નથી ટકી શકતો, કારણ કે ફૂટબોલ એ ટેસ્ટ મેચ નથી જ્યાં કોઈ ખેલાડી લોંગ ઓન પર ઊભો રહે અને દિવસ પૂરો થતા સુધીમાં એક પણ બોલ તેની પાસે ન આવે. ફૂટબોલમાં સતત દોડવું પડે છે. ઘાયલ થવું પડે છે. તમે સારા ખેલાડી છો તો માર ખાવો પડે છે.
16 વર્ષની ઉંમર થતાં જ તેણે આંતરાષ્ટ્રીય ફૂટબોલમાં ડેબ્યુ કરી લીધું. હંગેરી સામે મેચ હતો. બોમ્બોનેરા સ્ટેડિયમ હતું. એક ખેલાડીની અંદર જુનુન ભરેલું હોવું જોઈએ. મારાડોનાને આ જૂનુન ચે ગુવેરાના કારણે મળ્યું હતું. તેના હાથમાં ચે ગુવેરાનું ટેટૂ પણ હતું. ફિડેલ કાસ્ત્રોને તે મળી ચૂક્યો હતો.
1982ના વિશ્વકપમાં મારાડોનાને એક ઘા પડ્યો હતો. સેકન્ડ ગ્રુપ સ્ટેજમાં તેની ટીમ બંને મેચ હારી ગઈ હતી. હવે નેતૃત્વ મારાડોનાના હાથમાં હતું. 25 વર્ષની તેની ઉંમર હતી. પોતાની ટીમને વિશ્વકપ જીતાવવા માટે આ યથાયોગ્ય ઉંમર કહેવાય. મારાડોના હવે પહેલા જેવો નહોતો રહ્યો. ગત્ત વિશ્વકપ પૂર્ણ થયો પછી તેણે તેની છબી સુધારી હતી. ફૂટબોલમાં ગોલ ફટકારી ફટકારીને હવે તે પોતાના જ દેશનો નહીં પણ યુરોપનો પણ માનીતો ખેલાડી બની ચૂક્યો હતો. તેની સફળતામાં બાર્સેલોના કલ્બનો પણ હાથ હતો.
બદલો લેવાનું પ્રથમ બીજ
1982ના વિશ્વકપનો મેચ ચાલી રહ્યો હતો. મારાડોનાની ઉંમર 21 વર્ષની હતી. બ્રાઝીલ સામે આર્જેન્ટીના. પરંપરાગત હરીફ ટીમ. મેદાનની બહાર પણ ભીડ બેકાબુ થઈ રહી હતી. 85મી મિનિટે બ્રાઝીલના બતિસ્તાએ ગોલ ફટકારવા માટે પોતાનો પગ ઊંચો કર્યો. એ બોલને તો ન લાગ્યો પણ મારાડોનાના ગાલ પર લાગી ગયો. ખીલ્લાવાળા બુટ. મારાડોના આપો ખોઈ બેઠો. ઊભો થયો અને બતિસ્તાને લાત મારી દીધી. ફૂટબોલમાં અકસ્માતે લાગી જવું એ સામાન્ય વાત છે. પગ સાથે પગ અથડાય જાય, પણ મારાડોનાએ જે કર્યું હતું તે રેફરી માટે સહન કરવા બરાબર ન હતું. રેફરીની ચબરાક નજરથી મારાડોનાનો પગ ન બચી શક્યો. રેડ કાર્ડ રેફરીના ખિસ્સામાંથી હાથમાં આવ્યું અને ઊંચું થયું. મારાડોનાને મેદાનની બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો. આ મેચમાં આર્જેન્ટીનાનો 3-1થી પરાજય થયો.
બદલો લેવાનું બીજું બીજ
1982 પહેલા એટલે કે 1978ની સાલમાં લુઈસ મેનોત્તીની જીદની આગળ વિવશ થઈને મારાડોનાને વિશ્વકપ રમવાની તક નહોતી મળી. 1982માં તેના જ પગને કારણે તેને મેદાનની બહાર જવું પડ્યું.
1984 પછી મારાડોના ઈટાલીની ટીમ નેપોલી સાથે જોડાઈ ગયો. મારાડોનાની નબળાઈ ડિફેન્ડર્સ હતા. એ ડિફેન્ડર્સ સામે વધારે ટકી નહોતો શકતો. 1982ના વિશ્વકપમાં પણ તેને આ પગની પંચાત સહન કરવી પડી હતી. જોકે ઈટાલીમાં તે શીખવા લાગ્યો કે મારે ડિફેન્ડર્સનો મુકાબલો કેવી રીતે કરવાનો છે.
1983ની સાલમાં જ્યારે 22 વર્ષીય મારાડોનાને નેશનલ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો ત્યારે ટીમની અંદર જ દાવાનળ ફાટી નીકળ્યો. તેની ઉંમર જોતા કોઈને નહોતું લાગતું કે આ ખેલાડી કેપ્ટનશીપને લાયક છે. ડેનિયલ પાસારૈયા જે દિગ્ગજ ખેલાડી હતા તેમણે પણ વિરોધ વ્યક્ત કર્યો હતો. 1978ના વિશ્વકપમાં પાસારૈયા કેપ્ટન હતા. જેથી આંતરકલહની સંભાવના તો હતી જ. મારાડોનાએ કેપ્ટન તરીકે પોતાનું નામ પાછું ખેંચી લીધું.
કેપ્ટન તરીકે રાજીનામું આપ્યા બાદ વિશ્વના દિલમાં રાજ કરતા મારાડોનાની સ્ટાઈલને પછાડવા માટે દક્ષિણ કોરિયાની ટીમે તેની નાની આંખોને વધારે નાની કરી વિચાર્યું અને નક્કી કર્યું કે ટીમના ખેલાડીઓ મેદાનમાં બોલ કરતા મારાડોનાને વારંવાર જમીન પર પટકાવે. કોરિયાની ટીમને સફળતા મળી જતા તમામ ટીમોએ આ દાવ અજમાવ્યો. હવે મેદાનમાં બોલ કરતા વધારે વખત મારાડોના ધરાશાયી થઈ જતો હતો. આમ ને આમ ઘૂટણ તૂટી ગયો. ત્રણ મહિના માટે મારાડોનાને મેદાનની બહાર રહેવું પડ્યું. મેદાન પર મારાડોના જ્યારે પરત ફર્યો ત્યારે વિરોધી ટીમો ફરી તેને પટકવા માટે તૈયાર હતી પણ ખાટલા પર પડ્યા પડ્યા મારાડોના એ વિચારી લીધું હતું કે આ જમીનદોસ્ત થવાનો જવાબ કઈ રીતે આપવો. તેના ગોલની સંખ્યા ક્રમશ: વધતી ગઈ અને વિરોધી ટીમોનો પેંતરો કારગત ન નીવડ્યો.
બદલાના બીજનું વાવેતર
અંગ્રેજોએ જેમ ભારતને ક્રિકેટ શીખવાડ્યું તેમ આર્જેન્ટીનાને ફૂટબોલ શીખવાડ્યું હતું. 66ના વિશ્વકપમાં ઈંગ્લેન્ડની સામે આર્જેન્ટીના હતી. મેચમાં આર્જેન્ટીનાના કેપ્ટન એન્ટોનિયો રેટિનને રેડ કાર્ડ આપ્યું. કારણ હતું કે તેણે ઈંગ્લેન્ડના ખેલાડી બોબી ચાર્લટનને ગાળો ભાંડી હતી. રેટિન મેદાનમાંથી બહાર જવાની ના પાડતો હતો. તેની પાછળનું કારણ એ હતું કે, તે સાચો હતો. રેફરી જર્મન ટીમનો હતો. એ જર્મન યુરોપિયન ટીમની મદદ કરતો હોવાનો આરોપ લાગ્યો હતો. ઈંગ્લેન્ડ-આર્જેન્ટીનાની મેચ જોવા માટે મહારાણી પણ મેદાનમાં ઉપસ્થિત હતી. જેમના માટે લાલ જાજમ પાથરવામાં આવી હતી. આ મેચમાં રેફરીએ ગાર્ડને બોલાવ્યા. રેટિનને ધક્કા મારી મારીને મેદાનની બહાર ખદેડવામાં આવ્યો. એ તો પણ જવા તૈયાર નહોતો. તે મહારાણી માટે પાથરેલી લાલ જાજમ પર ધરણા પર બેસી ગયો. આર્જેન્ટીનાની ટીમ માટે આ સૌથી દુ:ખદ ઘટના હતી. યાતના હતી. દર્શકો હસી રહ્યા હતા. એ ખડખડાટ હાસ્ય અને જગત આખા સામે વેરાયેલા વટાણાનો તે બદલો લેવા માગતી હતી. ઈંગ્લેન્ડના કોચ અલ્ફ રામજીએ તો આર્જેન્ટીનાના ખેલાડીઓને જાનવર કહી શર્મશાર કરી દીધા હતા. 1982ના વિશ્વકપ બાદ તો ખરા અર્થમાં યુદ્ધનું રણશીંગુ ફૂંકાયું. ફોકલેન્ડ અને આઈલેન્ડ માટે આ બંને દેશ વચ્ચે ઝઘડો થયો. આ યુદ્ધ ઓફિશ્યલી ડિક્લેર ન થયું. પણ યુદ્ધના કારણે 258 બ્રિટનના અને 655 આર્જેન્ટીનાના સૈનિકો મરી ગયા.
બદલો પૂરો
1986નો મેચ. ઈંગ્લેન્ડ સામે આર્જેન્ટીના. પહેલા હાફમાં એક પણ ગોલ નહીં. બીજા હાફની 51મી મિનિટ ચાલી રહી હતી. મારાડોના અને ઈંગ્લેન્ડના ખેલાડી શિલ્ટ પાસે બોલ હતી. શિલ્ટને ગોલ રોકવાની ભરપૂર કોશિશ કરી, પણ મારાડોનાએ ગોલ ફટાકરી દીધો. એ ગોલ હાથથી થયો કે પગથી ? પ્રેસ કોન્ફરન્સમાં મારાડોનાએ કહ્યું, ‘હેન્ડ ઓફ ગોડ.’
સેમિફાઈનલમાં મારાડોનાએ બે ગોલ ફટકારી દીધા અને બ્રાઝીલની ટીમને 2-0થી હરાવી દીધી. ફાઈનલમાં જર્મની સામે મુકાબલો હતો. જર્મનીએ આ મેચથી ભવિષ્યમાં એક શીખ લીધી. કોઈ દિવસ એક પ્લેયર પર ભરોસો ન કરવો. આજે જર્મનીમાં કમસેકમ સાત એવા ખેલાડીઓ હોય છે જે રોનાલ્ડો જેવા છે. રોનાલ્ડો પોર્ટુગીઝને નથી જીતાવી શકતો, કારણ કે ટીમના બીજા ખેલાડીઓ તેના જેવી રમત મેદાન પર દાખવી નથી શકતા. એ વખતે લોથાર માયથસના કારણે જર્મન ટીમ ફાઈનલમાં પહોંચી હતી પણ લોથાર માયથસના સાથી ખેલાડીઓ નબળા હતા. આર્જેન્ટીના પાસે 9 ગોલ કરી શકે તેવા ખેલાડી હતા. મેચનું પાસુ પલટી ગયું અને આર્જેન્ટીના જીતી ગઈ. મારાડોના વિશ્વ હીરો બન્યો.
ધડાકા
ફેબ્રુઆરી 1994. મારાડોનાએ ટીમમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું. મીડિયા તેમના ઘરની બહાર પાથરણા પાથરીને બેસી ગઈ. કોકેનનું સેવન કરવા મુદ્દે એમનું નામ સામે આવ્યું હતું. મારાડોના અગાઉ જ જવાબ આપી ચૂક્યા હતા કે, મારું મગજ કામ નથી કરી રહ્યું મને માનસિક શાંતિ જોઈએ છે. મીડિયા વાત માનવા તૈયાર નહોતી. એ મારાડોનાને તેના ઘરની બહાર બોલાવી નિવેદન લેવા માગતી હતી. મારાડોના બહાર આવ્યા. હાથમાં રાઈફલ હતી. ધડાધડ ગોળીઓ છોડી. ચાર પત્રકારને ઘાયલ કરી નાખ્યા. સ્પોર્ટસમાં ફૂટબોલ પર જ પત્રકારત્વ કરવું એ ઉપર પહોંચવાનો સુવર્ણ માર્ગ છે !!!
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત