વાર્તા – ત્રણ સંત
મૂળ શીર્ષક – Три Старца
ભાષા – રશિયા
અનુવાદની ભાષા – અંગ્રેજી
અંગ્રેજી અનુવાદનું શીર્ષક – The Three Hermits
અનુવાદક – Team Chabuk
રશિયાના રૂઢીચુસ્ત ચર્ચના આચાર્ય બિશપના કાને વાત પહોંચી ગઈ કે, તેના પ્રવચનમાં નિયમિત ભાગ લેનારા ઘણા બધા લોકો એક ઝરણા પાસે જવા લાગ્યા છે. એ ઝરણાની વચ્ચે નાનકડો ટાપુ હતો. જ્યાં એક વૃક્ષની નીચે ત્રણ વૃદ્ધ રહેતા હતા. ગામના લોકોનું કહેવું હતું, કે તેઓ ત્રણે સંત છે. આચાર્ય બિશપના ગળા નીચે આ વાત ન ઉતરી, કારણ કે ઈસાઈ ધર્મમાં સંત તો તેને જ કહેવામાં આવે છે જે વેટિકન દ્વારા વિધિવત રીતે સંત ઘોષિત કરવામાં આવ્યા હોય.
આચાર્ય બિશપ ક્રોધિત થઈ ગયા, ‘એ ત્રણે સંત કેવી રીતે હોઈ શકે? મેં વર્ષોથી કોઈને પણ સંતત્વની પદવી માટે અનુશંસિત નથી કર્યા. એ કોણ છે અને ક્યાંથી આવ્યા છે.’ પણ સામાન્ય લોકો તો એ ત્રણેના દર્શન માટે જતા જ રહેતા અને ચર્ચમાં આવનારાઓની સંખ્યા ઉતરોતર ઘટતી ગઈ.
છેલ્લે આચાર્ય બિશપે નક્કી કર્યું કે તેઓ એ ત્રણેને જોવા માટે જશે. એ હોડીમાં બેસી ટાપુ તરફ ગયા. એ ત્રણે ત્યાં મળી ગયા. એ બિલકુલ સાધારણ, નિરક્ષર અને કપટ વિનાના પ્રતીત થતા હતા. બીજી બાજુ આચાર્ય બિશપ ખૂબ જ શક્તિશાળી વ્યક્તિ હતો. રશિયાના ઝાર પછી એ ક્ષેત્રનો સૌથી મહત્વનો માણસ હતો. એ ત્રણેને જોઈ તે ખીજાઈ ગયો, ‘તમને સંત કોણે બનાવ્યા ?’ તેણે પૂછ્યું.
એ ત્રણે એક બીજાના મુખને તાકવા લાગ્યા. એમાંથી એકે કહ્યું, ‘કોઈએ નહીં. અમે લોકો ખૂદને સંત નથી માનતા. અમે તો માત્ર સાધારણ મનુષ્ય છીએ.’
‘તો પછી તમને લોકોને જોવા માટે આટલી બધી ભીડ શા માટે ઉમટે છે ?’
એમાંથી એક બોલ્યો, ‘એ તો આપ એ લોકોને પૂછી જૂઓ.’
‘શું તમને લોકોને ચર્ચમાં અધિકારીક રીતે ગવાતી પ્રાર્થના આવડે છે ?’ આચાર્ય બિશપે પૂછ્યું.
‘નહીં. અમે તો અભણ છીએ અને એ પ્રાર્થના તો ખૂબ જ લાંબી છે. અમે તેને યાદ ન રાખી શકીએ.’
‘તો પછી તમે લોકો કઈ પ્રાર્થના કરો છો?’
‘એ ત્રણેએ એકબીજાની સામે જોયું, તું બતાવી દે.’ એકે કહ્યું.
‘તું જ કહી દેને.’ અંદરો અંદર વાતો કરવા લાગ્યા.
આચાર્ય બિશપ આ બધું જોઈ પીત્તો ગુમાવી બેઠા, ‘આ લોકોને તો પ્રાર્થના કરતા પણ નથી આવડતી! આ કેવા સંત?’ તેણે મનમાં જ વિચાર્યું અને પછી ફરી પૂછ્યું, ‘તમારામાંથી કોઈ પણ બતાવી શકે છે. જલ્દી બતાવો.’
એ બોલ્યા, ‘ખરેખર તો અમે તમારી સામે સાવ સાધારણ વ્યક્તિ છીએ. અમે લોકોએ ખૂદ જ એક પ્રાર્થનાની રચના કરી છે. પણ અમને એ ખબર નહોતી કે આ પ્રાર્થનાને ચર્ચમાં મંજૂરી મળવી જરૂરી છે. અમારી પ્રાર્થના ખૂબ જ સાધારણ છે. અમને માફ કરી દો કે અમે તમારી મંજૂરી ન લઈ શક્યા. અમે સ્વભાવથી એટલા સંકોચશીલ છીએ કે આવી જ ન શક્યા.’
‘અમારી પ્રાર્થના છે- ‘‘ઈશ્વર ત્રણ છે અને અમે પણ ત્રણ છીએ, એટલે અમે પ્રાર્થના કરીએ છીએ. તમે ત્રણ છો અને અમે પણ ત્રણ છીએ એટલે અમારા પર દયા કરો.’’ બસ આ જ તો અમારી પ્રાર્થના છે.’
આચાર્ય બિશપ અત્યાધિક ક્રોધિત થઈ ગયા, ‘આ પ્રાર્થના નથી. મેં આવી પ્રાર્થના મારા જીવનમાં કોઈ દિવસ નથી સાંભળી.’ એ જોર જોરથી હસવા લાગ્યા.
એમણે કહ્યું, ‘તમે અમને સાચી પ્રાર્થના કરવાનું શીખવાડી દો. અમે તો અત્યાર સુધી આ જ સમજતા હતા કે અમારી પ્રાર્થનામાં કોઈ પ્રકારની ઉણપ નથી. ઈશ્વર ત્રણ છે અને અમે પણ ત્રણ છીએ. બીજું તો શું જોઈએ ? બસ ઈશ્વરની કૃપા જ તો જોઈએ.’
તેમના અનુરોધ પર આચાર્ય બિશપે તેમને ચર્ચની અધિકારીક પ્રાર્થના કહી સંભળાવી. અને તેને બોલવાની પદ્ધતિ પણ કહી. પ્રાર્થના ખૂબ જ લાંબી હતી. તેના પૂર્ણ થતા થતા તેમનામાંથી એક સંતે કહ્યું, ‘અમે શરૂનો ભાગ ભૂલી ચૂક્યા છીએ.’
ફરી આચાર્ય બિશપને ઝટકો લાગ્યો અને બોલ્યા, ‘તમે લોકો કેવા પ્રકારના માણસો છો ? તમે એક નાની એવી પ્રાર્થના પણ યાદ નથી રાખી શકતા ?’
એમણે કહ્યું, ‘માફ કરજો પણ અમે લોકો તો અભણ છીએ. અને અમારા માટે આ રીતે યાદ કરવું એ થોડી મુશ્કેલી છે. એમાં ખૂબ લાંબા લાંબા શબ્દો છે. કૃપા કરીને થોડી ધીરજ ધરો. જો તમે તેનું બે ત્રણ વખત પુનરાવર્તન કરો તો કદાચ અમે લોકો યાદ કરી લઈએ.’ આચાર્ય બિશપે તેમને ત્રણ વખત પ્રાર્થના સંભળાવી.
એ લોકોએ ફરી કહ્યું, ‘ઠીક છે, હવેથી અમે આ જ પ્રાર્થના કરીશું. જોકે એવું બની શકે કે અમે પ્રાર્થનાનો કેટલોક ભાગ ભૂલી જઈએ પણ અમે પૂરતો પ્રયત્ન કરીશું.’
આચાર્ય બિશપને સંતોષ થયો કે, હવે એ લોકોને જઈને કહેશે કે, તેમનો ભેટો કેવા મૂર્ખો સાથે થયો હતો. તેણે મનમાં જ વિચાર્યું, ‘હવે લોકોને જઈ કહીશ કે તેઓ જેને સંત કહે છે તેમને તો ધર્મનો ક-ખ-ગ પણ નથી ખબર. તેઓ આવા બુદ્ધીવગરનાઓના દર્શન કરતા હતા.’
આ વિચાર સાથે તે હોડીમાં જઈ બેસી ગયો. હોડી ચાલવા લાગી. તે ઝરણાની અડધે જ પહોંચ્યો હતો કે પાછળથી ત્રણે સંતોનો અવાજ સાંભળવા મળ્યો. તેણે પાછળ ફરીને જોયું. એ ત્રણે પાણી પર ચાલતા-ચાલતા હોડીની નજીક આવી રહ્યા હતા! તેને તેની આંખો પર વિશ્વાસ ન થયો. એ લોકો પાણી પર ચાલતા ચાલતા આવ્યા અને હોડીની પાસે આવી ઊભા રહી ગયા, ‘માફ કરજો, અમે તમને રોક્યા. કૃપા કરીને ચર્ચની પ્રાર્થના હજુ એકવાર સંભળાવી દેશો અમે કેટલીક પંક્તિઓ ભૂલી ગયા છીએ.’
આચાર્ય બિશપે કહ્યું, ‘તમે લોકો તમારી જ પ્રાર્થના વાંચો. મેં તમને જે કંઈ પણ કહ્યું છે તેના પર ધ્યાન ન આપો. મને માફ કરી દો, હું ખૂબ જ દંભી છું. હું તમારી સરળતા અને પવિત્રતાને સ્પર્શ પણ ન કરી શકું. જાવ પાછા ચાલ્યા જાવ.’
પણ તેઓ અડગ હતા, ‘ના, એવું ના કરો. તમે આટલે દૂરથી અમારા માટે આવ્યા…. બસ એક વખત વધારે, અમે લોકો ભૂલવા લાગ્યા છીએ, પણ આ વખતે પૂરતો પ્રયત્ન કરીશું કે બરાબર યાદ રહી જાય.’
પણ આચાર્ય બિશપે કહ્યું, ‘ના ભાઈઓ, હું ખૂદ સમગ્ર જીવન મારી પ્રાર્થનાને વાંચતો રહ્યો ઈશ્વરે તેને કોઈ દિવસ ન સાંભળી. અમે તો બાઈબલમાં વાંચતા હતા. વાંચીએ છીએ કે, ઈસા મસીહ પાણી પર ચાલી શકતા હતા, પણ અમે તેમના પર પણ શંકા કરતા હતા. આજે તમને પાણી પર ચાલતા જોઈને ઈસા મસીહ પર વિશ્વાસ આવી ગયો છે. તમે પાછા ફરી જાઓ. તમારી પ્રાર્થના પૂર્ણ છે. તમારે કંઈ પણ શીખવાની જરૂર નથી.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત