Jayesh Solanki : ‘‘ડેડીએ હજી જ્યારે ZOO માંડ માંડ શરૂ જ કરેલું ત્યારે તેમના મિત્ર હિંમતસિંહ તેમની પાસે એક ઘવાયેલું સારસ લઈ આવેલા. એમણે ડેડી પાસે કબૂલ કરેલું કે પંખીઓનો શિકાર કરવો ગેરકાયદેસર હોવા છતાં તે અમદાવાદ પાસેના ચંડોળા તળાવમાં બતકનો શિકાર કરવા ગયેલા. સાંજના ધૂંધળા ઉજાસમાં તેમને ઝાડીઝાખરાં પાસે પડછાયો દેખાયો. કોઈ મોટી બતક હશે એમ માનીને એમણે એ તરફ બંદૂકથી ગોળી છોડી. ને…. ’’
આ ફકરો લીધો છે મારા ડેડીનું ઝૂ જેવા મસ્તમજાના પુસ્તકમાંથી. રૂબિન ડેવિડના દીકરી એસ્થર ડેવિડે લખ્યું છે. અનુવાદ કર્યો છે ચિરંતના ભટ્ટે. પુસ્તકો વાંચવાનો શોખ હોય અને એમાં પણ જંગલના જાવનરો વિશે જાણવું, તેમને માણવા, સંગ્રહાલયની મુલાકાત વારંવાર લેવી. તો પ્રાણીઓ અને સાહસની ક્ષણિક ચોપડીઓમાંથી આ પુસ્તકની ખરીદી કરી શકાય. કિંમત તો સાવ નજીવી છે. 95 રૂપિયા. જોકે આજે પુસ્તકની નહીં પણ ફોટોની વાત કરવી છે. વાત છે દિલ્હીના પ્રાણી સંગ્રહાલયની. જેને નેશનલ ઝૂઓલોજીકલ પાર્ક દિલ્હી તરીકે ઓળખવામાં આવે છે. નીચે મસ્તમજાની તસવીરો દેખાશે જે કોઈ સંગ્રહાલય જ હોય એવી રીતે અમે ગોઠવી છે. આ તસવીરો જય સોલંકી નામના ચાબુકના વાચક મિત્રએ પાડેલી છે. ખૂબ સરસ રીતે કેમેરામાં કંડારાઈ છે. એવી રીતે કંડારાઈ છે કે ઉપરથી નીચે સુધી જશો તો ફરી એકવાર ઉપર આવી નીચે જવાનું મન થશે. માણસો તો બધા એક સરખા જ લાગે. ખાલી શરીર અને ચહેરાથી અલગ બાકી જાનવરોની દુનિયા તો… કદાચ એટલે જ સંગ્રહાલયમાં જાનવરોને જોવા માટે ભીડ ઉમટતી હશે. માણસો જોઈ થાક્યા તો હવે જાનવરો જોઈ નાખીએ.

જૂનાગઢના સક્કરબાગ ઝૂ કે પછી કોઈ પણ ઝૂને લઈ લો તેની ખાસિયત સફેદ વાઘ હોય છે. કોઈ સંગ્રહાલયમાં સફેદ વાઘની એન્ટ્રી થાય એટલે માનવ મહેરામણ ઉમટી પડે. આ વાઘને જ જુઓ. ઝાડ સાથે બાથોડા લેતો. 2014ની સાલમાં આ વ્હાઈટ ટાઈગરના પીંજરામાં એક ભાઈ પડી ગયા હતા અને વાઘ તેની સાથે રમત રમી રહ્યો હતો. આજુબાજુથી લોકો રાડો પાડીને કે કાંકરિચાળો કરીને વાઘ ભાગી જાય તેવા પ્રયત્નમાં લાગેલા હતા. એ ભાઈ વાઘની ક્ષમા માગી રહ્યો હતો, પણ વાઘે તેને ન છોડ્યો અને ઉઠાવીને લઈ ગયો. બસ આ એ જ પ્રાણી સંગ્રહાલય છે. આ સફેદ વાઘ ત્યાંની જ સુંદરતા છે અને ભયાનકતા પણ છે. 23 સપ્ટેમ્બર 2014ના રોજ બપોરના બારથી એકની વચ્ચે આ બિહામણી ઘટના બની હતી. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયેલી. એ ભાઈનું નામ મકસૂદ હતું.

અમદાવાદ ખાતે યોજાય છે પતંગ મહોત્સવ. દેશ વિદેશના પતંગ વિરલાઓ આવી ચડે છે. એમાં કેટલીક આવી પતંગો પણ હોય છે. જે ચગે તો ચગે બાકી અડધી ચગે ત્યાં કપાઈને ચાલી જાય. આ કુદરતે બનાવેલી પતંગ છે. દિલ્હીના નેશનલ ઝૂને 1951માં બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. નવેમ્બર મહિનામાં 1959ના રોજ તે દેશવાસીઓ માટે બનીને તૈયાર થઈ ગયું. દિલ્હીનો જૂનો કિલ્લો છે તેની બાજુમાં જ છે.

ફક્ત શિકાર સમયે જ ગેંડાનું શિંગડું કપાઈ જાય એવું નથી હોતું. અંદરોઅંદર માદા માટે ઝઘડો થાય ત્યારે પણ શિંગડું કપાય જાય છે. આ ગેંડાને શિંગડું નથી. જંગલનો જીમ ટ્રેનર કોઈને બનાવવો હોય તો આને જ બનાવાય. આ ઉદ્યાનની ડિઝાઈન શ્રીલંકાના મેજર વાઈનમેન અને પશ્ચિમ જર્મનીના કાર્લ ગેહલબેકે તૈયાર કરી હતી. પ્રાણીઓ સિવાય અહીં 200 પ્રકારના વૃક્ષો પણ છે. ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, અમેરિકા અને એશિયાથી લઈ આવવામાં આવેલા પશુ-પક્ષીઓનો અહીં મેળો છે.

શેરીમાં રખડતા કૂતરાઓ ડરના માર્યા કે અજાણ્યા કૂતરાને ખદેડવા હોય ત્યારે આ રીતે કાન સરવા કરી નાખે. આ હરણના કાન નથી તેના શિંગડા છે. જાણે ડિસમીસથી સ્ક્રૂ ઊંઘા ફિટ કરી દીધા ન હોય. આ ઉદ્યાનમાં એક પુસ્તકાલય પણ છે. જ્યાં પ્રાણીઓ સહિત પક્ષીઓની પણ વિવિધ માહિતી મળી જશે. ઉનાળામાં જાવ તો 8થી સાંજના 6 વાગ્યાનો સમય છે અને શિયાળામાં જાવ તો સવારના 9થી સાંજના 5 વાગ્યા સુધીનો સમય છે.

નાનપણમાં ચિત્રકામના શિક્ષક કંઈક દોરવાનું કહેતા એટલે બધા એક સાથે આવું જ ચિત્ર બનાવવા લાગતા. હાથને ફાવટ આવી ગઈ હોય અને તૈયાર પણ તુરંત થઈ જાય. બે ત્રણ વખત જ પેન ઘુમાવવાની. આ સંગ્રહાલયમાં જાવ તો ખાસ ધ્યાન રાખવું. પાણીની બોટલ સિવાય ખાવા-પીવાનું લઈ જવાની મનાઈ છે. મનાઈ રાખવી જ પડે કારણ કે કેટલાક પક્ષીઓ ગાંઠીયા પચાવી નથી શકતા. જે આપણે ત્યાં ઘણા લોકો જીવકૃપા સમજી ખવડાવતા હોય છે. એક અગત્યની વાત. શુક્રવારે આ સંગ્રહાલય બંધ હોય છે. ધક્કો ન ખાતા.

એક જગ્યાની જાળવણી માટે ચોકીદાર ગોઠવવામાં આવ્યા હોય તેવું આ દૃશ્ય છે. વૃક્ષના તો એક એક પાન ખરી ચૂક્યા છે. હવે તેની ડાળખીઓ આ સમરાડા બની ગઈ છે. જાણે જંગલના રાજા સિંહના હુકમથી અગમચેતીના પગલાં રૂપે સીસીટીવી કેમેરો રાખવામાં ન આવ્યો હોય.

ગમે તે સંગ્રહાલયની મુલાકાત લો. કાળિયાર, હરણ અને સાબર બસ એક જ પ્રવૃતિ કરતા જોવા મળશે. ઘાસ ખાવાની પ્રવૃતિ. જમાનો તો ચાલ્યો ગયો, બાકી કેટલાક રેડિયોમાં આ રીતે જ એન્ટેના ઊભા દેખાતા હતા.

એશિયાટીક લાયન. ગિરના જંગલના સિંહ કરતા પણ આ સિંહ તગડો લાગે છે, કારણ કે ભરપૂર ભોજન મળતું હશે. સક્કરબાગ પર સ્ટોરી છપાયેલી ત્યારે માહિતી મળેલી કે વાઘને તેના શરીર મુજબ 10 કિલો અને સિંહને 8 કિલો માંસની એક ટકમાં જરૂર રહે છે.

આ પણ એ જ સિંહ છે. આ તો તમે પછી પ્રશ્ન ન ઉઠાવો કે જયેશજી અમારા માટે ખાલી બેઠેલો સિંહનો જ ફોટો લઈ આવ્યા. ઉપરના ફોટોમાં તો તેનું આખુ શરીર દેખાતું જ નહોતું.

સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનના જમાનામાં બધાને તસવીરો પાડવાનું ઘેલુ ચડી ગયું છે. સેલ્ફી પણ એ ઘેલત્વને જ આભારી છે. કેમેરા સામે મોઢું રાખવાની આવડત સાબિત કરે છે કે, આ પણ ફોટોપ્રિય પ્રાણી છે.

ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર. દુનિયાનો સૌથી ખરાબ ફોટોગ્રાફર પણ જ્યારે જ્યારે મોરનો ફોટો પાડે ત્યારે તે તેના બધા ફોટાઓમાં શ્રેષ્ઠ હોય છે. કેટલીક તસવીરો સુંદરતા પર નિર્ભર હોય છે. ફોટોગ્રાફરની કળા પર નહીં.

ફુલણજી કાગડો પાઠ ભણવામાં આવતો હતો. લાગે છે આ શ્રીમાનના કોઈએ ભરપૂર વખાણ કરી દીધા છે. જો માદા છે તો રિસાઈને બેઠી છે!!

માતાનો અખૂટ અને અતૂટ પ્રેમ.

આ બાજ છે. બાજની કેટલીક જાતિઓમાંથી આ નાનું જ ગણી શકાય. મોટા મોટા જોવા હોય તો જાવ અમેરિકા. તસવીરના બાજને દૂર સુધીનું કેટલું દેખાતું હશે ?

જેટલી લાંબી ચાંચ છે એટલું વધારે ભોજન પણ કરે. સંગ્રહાલયમાં તેની આસપાસ એ ગંધ ફરી વળે ત્યારે ઉભવું મુશ્કેલ થઈ જાય.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત