Homeસિનેમાવાદપાસ હોવા છતાં ઉપેન્દ્રને પરીક્ષામાં ફેલ કરાતા!

પાસ હોવા છતાં ઉપેન્દ્રને પરીક્ષામાં ફેલ કરાતા!

ઝાલાવાડથી જલજીરા : ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીએ નાનપણમાં એક હથિયાર શાળા બનાવી હતી. એ હથિયાર શાળામાં ભાત ભાતના હથિયારો રહેતા હતા. લાકડાની તલવાર, ધનુષથી લઈને ભલે ગદાનો ઉપરનો ભાગ નાનો હોય પણ એય રાખતા હતા. આટલા બધા હથિયારો રાખવાથી એમને એક ફાયદો થયો. ભવિષ્યમાં તેઓ ફિલ્મોમાં પણ શસ્ત્ર ચલાવતા જોવા મળ્યા. આ બધો શોખ એમને રામાયણ અને મહાભારતના કારણે વળગી ગયો હતો. નાનપણમાં જ રામાયણ અને મહાભારત કડકડાટ મોઢે થઈ ગઈ હતી.

હથિયારશાળા અને નાનપણમાં યૌદ્ધા બનવાના ખ્વાબો લઈને ઘુમતા અરવિંદ અને ઉપેન્દ્ર ત્રિવેદી પર માતા કમળાબેન ખીજાતા અને અમેરિકા કરતાં પણ મોટો શસ્ત્રમેળો ઊભો કરવાની તેમની ઘેલછા પર પાણી ફેરવી દેતા. પત્નીની વાતથી પિતા જેઠાલાલને માઠુ લાગતું અને તુરંત તેઓ કમળાબેનની વાતની આડે લક્ષ્મણ રેખા બનીને આવી જતા અને બોલતા, ‘તું એક વખત જોજે. આ બેઉં આખા ગામનું નામ ઉજાળશે.’

એ વાત તો તેમણે એમનેમ જ કહી દીધી હોવી જોઈએ, પણ હરખથી નીકળેલી વાત, હ્રદયમાંથી નીકળેલી વાત સાચી પૂરવાર થાય છે. બાકી ઘણાએ આપેલા શ્રાપો પણ સાચા સાબિત નથી થતા. અમારા એક પાડોશીને તેમના પત્ની શ્રાપ આપતા કહેતા કે, તને કાળોતરો નાગ કરડશે. આજે સ્થિતિ એવી છે કે પેલા ભાઈ હજુ જીવે છે પણ બેનને કાળોતરો નાગ કરડી ગયો છે. એ ભાઈની ઉંમરમાં પણ આ કારણે જ વધારો થયો હોવાનું મને લાગે છે.

ઉપેન્દ્રભાઈ નાનપણથી અન્યાય સાખી ન લે તેવા હતા. એમની સૌથી મોટી કઠણાઈ તો એ હતી કે તેમના આચાર્ય તેમના પાડોશી હતા. શિક્ષક પાડોશી હોય તેના જેવુ દુ:ખ ખૂબ ઓછા લોકોને સાંપડે છે.

એક વખત અન્યાય થતાં એમણે અવાજ ઉઠાવ્યો. આચાર્યએ આ અવાજને દબાવવા માટે નેતરની સોટીનો ફટકો ઉપેન્દ્રને માર્યો. તેમના મનમાં એમ હતું કે પાડોશીનો અને ઘરનો છોકરો છે એટલે કંઈ નહીં કરે તેને બદલે આ તો ઉકળતો ચરુ થયો. વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતરવા લાગ્યા. સરઘસો નીકળવા લાગ્યા. આંદોલનો થવા લાગ્યા.

આચાર્યને પણ થઈ ગયું કે, ‘મેં જેને સોટી મારી એ ઉપેન્દ્ર જ હતો કે બીજો કોઈ. મારો પાડોશી આટલો લોકપ્રિય છે.’ આખરે પિતા-માતા આડા પડ્યા અને આ આખી ગરમ ઘટના પર ઠંડુ પાણી રેડી દીધું.

નાટક ઉપેન્દ્રને ભણવામાં નડ્યા એ કહેવામાં જરા પણ અતિશ્યોક્તિ નથી. સાહિત્ય અને કલામાં તે પારંગત હતો. એ બોલતો તો ભલભલા સાહિત્ય શ્રેષ્ઠીઓ આ નવઉન્મેષની બોલવાની છટા જોઈ પાણી પાણી થઈ જતા હતા. કોમર્સમાં એડમિશન લીધું. એને ખબર પડી ગઈ કે આપણે  તો કલાકાર જ બનવું છે. કલાકાર કેવી રીતે બનાય ? તો કે નાટકમાં કામ કરવું પડે. સિદ્ધાર્થ કોલેજ ઓફ કોમર્સના સાંસ્કૃતિક વિભાગમાંથી એમને નાટકનો રંગ ચડ્યો. એ નાટકના કારણે ઉપેન્દ્રને વારંવાર નાપાસ થવું પડતું હતું. કોલેજમાં પણ એક ચર્ચા થવા લાગેલી કે ઉપેન્દ્ર નાટકોના કારણે નાપાસ થાય છે.

જયંતિ પટેલ રંગલાએ ઉપેન્દ્ર ત્રિવેદી વિશે એક સરસ વાત કહી છે. કોલેજમાં હતો ત્યારે ઉપેન્દ્રએ ઝેર તો પીધાં છે જાણી જાણી નાટક કર્યું. જે મનુભાઈ પંચોળીની નવલકથા પર આધારિત હતું. આ નાટક જોયા પછી એના માસ્તરો આડા ફાટ્યા અને તેને ઈન્ટરમાં પાસ કરતાં નહીં. જો તે ચાલ્યો જાય તો આવો સારો અભિનય અને નાટક કોણ કરે ? પરિણામે ઉપેન્દ્ર ત્રિવેદી ત્રણ ત્રણ વર્ષ નાપાસ થતા રહ્યા.

હવે પછી નાટક કેટલા કરવા એમ નહીં હવે પછી ભણવું કેટલું ? આ વિચારે તેણે ભણવાનું છોડી નાટકમાં અને અભિનયમાં જીવ પરોવવાનું શરૂ કર્યું. કળામાં આર્થિક સંકડામણ મોટો ભાગ ભજવતી હોય છે. ઉપેન્દ્રને તેના ચાહકોએ જે તેના અભિનયથી અભિભુત થતા હતા, એમણે સમજાવ્યો પણ ખરો કે, નાટક કે અભિનય સતત કરતાં રહેવાથી પૈસા ન મળે. મળે તો પણ કેટલા મળી રહે?

ઉપેન્દ્રએ કોઈની પણ સાડીબારી રાખ્યા વગર ભણવા પર પૂર્ણવિરામ મુકી દીધું અને નોકરીઓ શોધવા લાગ્યો. નોકરી કરે અને સમય મળે તેમાં નાટક કરે. કાલે રબર વર્કર્સ, ચેમ્પિયન એન્જિનિયરીંગ કંપની, નેશનલ એન્જીનિયરીંગ વર્કર્સમાં તેણે કામ કરવાની શરૂઆત કરી દીધી. રાતે નોકરી કરે અને દિવસે નાટક કરે. એક વખત તો ગુણવંત રાય આચાર્યને ત્યાં અખંડ આનંદમાં પણ કામ કરેલું.

1956ના સમયમાં ભારતીય વિદ્યાભવનમાં નાટકો થતા હતા. સડસડાટ નિષ્ફળ નાટકોના કારણે હવે દર્શકો પણ ટિકિટની સાથે સિંગચણાનો પણ ખર્ચ કરતા. ટામેટા અને ઈંડા વિશે તેમને ખ્યાલ નહીં હોય!

કોઈ નાટક નબળું લાગે એટલે સીંગચણાના ઘા કરે. છેલ્લા નાટકના પણ આવા જ હાલ થયેલા અને સિંગચાણા ઉડેલા. હવે દિગ્દર્શકો પણ નાટક કરવાથી ડરતા હતા. એમાં અજિત પટેલ ભીતરના વહેણ નામનું નાટક લાવ્યા.

દર્શકોએ ટિકિટની સાથે સાથે દોથો ભરીને સિંગચણા ખરીદેલા હતા કે મુકવા તો છે જ નહીં. ભીતરના વહેણમાં સિંગચણા તરવા જ જોઈએ. નાટક શરૂ થયું અને દર્શકોના હાથમાં સિંગચણા રહી ગયા. સ્ટેજ પર જે અભિનય કરી રહ્યો હતો તેનું નામ ઉપેન્દ્ર ત્રિવેદી હતું. એનો અભિનય ભલભલાની આંખોને મટકુ પણ મારવા ન દેતો. વખાણ થયા અને નાટક તો દોડ્યું.

આમ જ આંતરકોલેજ નાટ્યસ્પર્ધા માટે કલાકારોની પસંદગી કરવાની હતી. ચંદ્રકાંત મહેતા અને ધીરૂબહેન પટેલ નિર્ણાયકના પદ પર હતા. ઉપેન્દ્રની બોલવાની શૈલી જોઈ ચંદ્રકાંત ભાઈએ એમને ઓછા માર્ક્સ આપી દીધા કે આ છોકરો ચાલે એમ નથી.

સામેની બાજુ ધીરૂબહેન પટેલે વિરોધ નોઁધવતા કહ્યું કે, ઉચ્ચારો તો ભવિષ્યમાં સારા થઈ જશે પણ આવી અભિનય ક્ષમતા પાછી નહીં મળે. વાદ વિવાદ થયો અને આજે પણ ધીરૂબહેન પટેલ વિચારતા હશે કે ઉપેન્દ્રનો મારે આભાર માનવો રહ્યો. તેણે મારી વાત સો ટકા સાચી ઠેરવી દીધી.

ઉપેન્દ્રભાઈ વિશે આવું જ જાણવું હોય તો 366 પેજનો એક મહાગ્રંથ છે. જે બીરેન કોઠારી અને રજનીકુમાર પંડ્યા દ્રારા સંપાદિત કરવામાં આવ્યો છે. કોઈ ગુજરાતી કલાકાર પર કરવામાં આવેલ આ દળદાર અને દમદાર સંશોધન છે. ઘણા લેખકોના લેખ છે.

ગુજરાતીમાં સૌના વ્હાલા અને લોકપ્રિય હોય એવા બે કલાકારો પર આવા સંશોધન થયા છે. એક ઉપેન્દ્રભાઈ પર અને એક નરેશ-મહેશ પર. ફિલ્મો અને એમાંય ગુજરાતી ફિલ્મો વિશે જાણવાનો ખૂબ જ શોખ હોય તો ભૂલથી પણ ચૂકતા નહીં. 500 રૂપિયા તેની કિંમત છે. પૈસા વસૂલ ન થાય તો ચાબુક કહો એ હારી જાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments