Team Chabuk-Sports Desk: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં પ્રથમ ટેસ્ટ મેચ ચાલી રહી છે. આજે અંતિમ દિવસ છે. ટેસ્ટ મેચમાં રવિચંદ્રન અશ્વિન બંને ઈનિંગમાં મળીને કુલ ચાર વિકેટ લઈ ચૂક્યો છે. પ્રથમ ઈનિંગમાં અશ્વીને ત્રણ વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં ચોથા દિવસની રમત પૂર્ણ થવા પર અશ્વિને એક વિકેટ લીધી. આ સાથે જ તેના ટેસ્ટ કરિયરમાં વિકેટનો આંકડો 417 સુધી પહોંચી ગયો છે. અશ્વીને હરભજન સિંહની બરાબરી કરી લીધી છે. કાનપુર ટેસ્ટના પાંચમા દિવસે એક વિકેટ લેતાની સાથે જ તે હરભજનસિંહનો કિર્તીમાન ધ્વંસ કરી નાખશે.
આર.અશ્વીન
અશ્વિન 80મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. 24ની એવરેજથી 52ની સ્ટ્રાઈક રેટ સાથે તેણે 417 વિકેટ લીધી છે. તેણે ત્રીસ વખત ઈનિંગમાં પાંચ અને સાત વખત બંને ઈનિંગમાં મળીને દસ વિકેટ લીધી છે. તેની સર્વશ્રેષ્ઠ બોલિંગ 59 રનમાં લીધેલી સાત વિકેટ છે. જ્યારે બંને ઈનિંગમાં તેની સર્વશ્રેષ્ઠ બોલિંગ 140 રનમાં 13 વિકેટ છે. આ સિવાય તેણે ટેસ્ટમાં 2755 રન પણ બનાવ્યા છે.
હરભજન સિંહ
હરભજન સિંહે 103 ટેસ્ટમાં 32.46ની એવરેજ અને 68.5ની સ્ટ્રાઈક રેટથી 417 વિકેટ લીધી છે. એક ઈનિંગમાં તેની સર્વશ્રેષ્ઠ બોલિંગ 84 રન આપી આઠ વિકેટ લેવાની છે. મેચમાં તેની સર્વશ્રેષ્ઠ બોલિંગ 217 રન આપી 15 વિકેટ લેવાની છે. 25 વખત તેણે ટેસ્ટમાં પાંચ વિકેટ લીધી છે જ્યારે પાંચ વખત બંને ઈનિંગમાં 10 વિકેટ લીધી છે. હરભજને 2444 રન પણ બનાવ્યા છે.
તમામ ફોર્મેટમાં
અશ્વિનની પાસે હવે કપિલ દેવનો કિર્તીમાન તોડવાની તક છે. કપિલ દેવે 434 વિકેટ લીધી હતી. ટેસ્ટમાં એ ભારતના બીજા સૌથી વધારે વિકેટ લેનારા બોલર છે. અનિલ કુંબલેએ 132 ટેસ્ટમાં 619 વિકેટ લીધી છે. ઓવરઓલ અશ્વિને ત્રણ ફોર્મેટમાં મળીને 242 મેચમાં 628 વિકેટ લીધી છે. વનડેમાં 150 અને ટી ટ્વેન્ટીમાં 61. તો કપિલ દેવ તમામ ફોર્મેટમાં ત્રીજા નંબરના ભારતના સર્વાધિક વિકેટ લેનારા ખેલાડી છે. તેમણે ટેસ્ટ અને વન ડેમાં 687 વિકેટ લીધી છે. હરભજનના નામે તમામ ફોર્મેટમાં 711 વિકેટ અને અનિલ કુંબલેના નામે 956 વિકેટ છે. અશ્વિનની પાસે આ વર્ષે કપિલ દેવના કિર્તીમાનને પાછળ છોડવાની તક છે. હરભજન અને કુંબલેના રેકોર્ડમાં અશ્વિનને હજુ સમય લાગી શકે છે.
મુરલી હજુ નંબર વન
ટેસ્ટમાં સર્વાધિક વિકેટ લેવાનો રેકોર્ડ શ્રીલંકાના પૂર્વ સ્પીનર મુથૈયા મુરલીધરનના નામે છે. તેમણે 800 વિકેટ લીધી હતી. એ પછી ઓસ્ટ્રેલિયાના શેન વોર્ને 708 સાથે બીજા નંબર પર છે. ત્રીજા નંબર પર ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર અને હજુ પણ મેચ રમી રહેલા જેમ્સ એન્ડરસનનું નામ આવે છે. જેમણે 632 વિકેટ લીધી છે. ચોથા નંબર પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેક્ગ્રાનું નામ છે જેમણે 563 વિકેટ લીધી છે.
વસીમનો કિર્તીમાન તૂટ્યો
અશ્વિન દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર શૉન પોલકનો ટેસ્ટ વિકેટનો રેકોર્ડ તોડવાથી ચાર વિકેટ જ દૂર છે. પોલકના નામે 421 વિકેટ બોલે છે. ઓસ્ટ્રેલિયાના રિચર્ડ હેડલીના નામે 431 વિકેટ બોલી રહી છે. અશ્વિને હાલમાં જ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અક્રમનો કિર્તીમાન તોડ્યો છે. વસીમે 414 વિકેટ લીધી હતી. આ સિવાય નજીકના સમયમાં અશ્વિન કુંબલેનો પાંચ વિકેટ 31 વખત લેવાનો કિર્તીમાન પણ તોડી શકે છે. અશ્વિને હાલ 30 વખત પાંચ વિકેટ લીધી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત

