Homeદે ઘુમા કેટોસ અને T20I વિશ્વકપ જીતતું ઓસ્ટ્રેલિયા

ટોસ અને T20I વિશ્વકપ જીતતું ઓસ્ટ્રેલિયા

Team Chabuk-Sports Desk: ટી ટ્વેન્ટી વિશ્વકપની ફાઈનલમાં અંતે એ જ થયું જેની સૌએ ગણતરી માંડી હતી. ટોસ જીતનારી ટીમ ઓસ્ટ્રેલિયા વિશ્વ ચેમ્પિયન બની ગઈ અને કેન વિલિયમસનની ઈનિંગ એળે ગઈ. કેન વિલિયમસનની મદદથી જ ન્યૂઝીલેન્ડની ટીમે ઓસ્ટ્રેલિયાની સામે ટોસ હારી પ્રથમ બેટીંગ કરતા 173 જેવો મોટો સ્કોર રાખ્યો હતો. જોકે આવો જ સ્કોર સેમીફાઈનલમાં પાર કરી અગાઉથી પ્રેક્ટિસ કરી ચૂકેલી, ઓસ્ટ્રેલિયાની ટીમ માટે શીશુ સમાન સાબિત થયો હતો. વોર્નર અને માર્શના સાતત્યપૂર્ણ પ્રદર્શને ઓસ્ટ્રેલિયાની ટીમને જીત અપાવી અને ન્યૂઝીલેન્ડની ટીમ પાંચ મહિનાની અંદર બીજી આઈસીસી ટૂર્નામેન્ટ જીતવાથી વંચિત રહી ગઈ.

માર્શ અને વોર્નરની જોડી

ફાઈનલ મેચમાં મિશેલ માર્શ અને ડેવિડ વોર્નરની જોડીએ બીજી વિકેટ માટે 92 રનની ભાગીદારી કરી મેચ ઓસ્ટ્રેલિયાની જોલીમાં નાખી દીધો હતો. વોર્નરે 38 બોલમાં 53 રનની શાનદાર ઈનિંગ રમી ઓપનિંગ બેટર તરીકે પોતાની બેસ્ટ ભૂમિકા નીભાવી હતી. જ્યારે વોર્નર આઉટ થયો ત્યારે ઓસ્ટ્રેલિયાને 46 બોલમાં 66 રનની આવશ્યકતા હતી. દુબઈની પીચમાં બીજી બેટીંગ લેતા કોઈ અડચણનો સામનો ઓસ્ટ્રેલિયાની ટીમને નહોતો કરવો પડ્યો. ઓસ્ટ્રેલિયાની પાસે ખાતામાં આઠ વિકેટ સહી સલામત પડી રહી હતી. તો માર્શે ટી ટ્વેન્ટી વિશ્વકપની ફાઈનલની સૌથી ઝડપી અડધી સેન્ચુરી ફટકારી હતી. માર્શે માત્ર 31 બોલમાં ફિફ્ટી લગાવી. તેણે કુલ 50 બોલમાં 77 રન જોડ્યા હતા.

ટોસ જીતવાનો ફાયદો

મેચ પૂર્વે જે વાત થતી હતી એ જ થયું. ઓસ્ટ્રેલિયાને ટોસ જીતી પ્રથમ બોલિંગ લેવાનો ફાયદો થયો. બીજી ઈનિંગમાં પીચ સપાટ થઈ ગઈ અને બોલ આરામથી બેટમાં આવવા લાગ્યો. ઓસ્ટ્રેલિયાની બે વિકેટ પડી પણ ન્યૂઝીલેન્ડ દબાણ બનાવવાની જગ્યાએ પોતે પ્રેશરમાં આવી ગયું હતું. બીજી ઈનિંગમાં પીચ પર સેટ ન થયેલા પ્લેયર્સ પણ મોટા શોટ્સ રમી રહ્યા હતા. મિશેલ માર્શ અને મેક્સવેલે આવતા વેત મોટા શોટ રમી ન્યૂઝીલેન્ડની ટીમને પ્રેશરમાં નાખી દીધું.

ઈશ સોઢીનો ફ્લોપ શો

આ મેચમાં સ્પીન બોલર ઈશ સોઢીને ઓસ્ટ્રેલિયા માટે સૌથી મોટો ખતરો માનવામાં આવી રહ્યો હતો. જોકે કાંગારુઓ પેપરની તૈયારી કરી આવ્યા હતા. શરુઆતથી જ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ તેની વિરૂદ્ધ મોટા શોટ્સ રમ્યા હતા અને તેમના પર દબાણ બનાવ્યું હતું. સોઢીએ ખરાબ બોલિંગ કરી અને ઓસ્ટ્રેલિયાને અઢળક રન આપ્યા હતા. તેની ત્રણ ઓવરમાં જ ઓસ્ટ્રેલિયાએ 40 રન બનાવી લીધા. ઉપરથી સોઢીને એક પણ વિકેટ પ્રાપ્ત ન થઈ.

બોલ્ટ સિવાય તમામ બોલર્સ ફેલ

આ મેચમાં ટ્રેન્ટ બોલ્ટ અને સેન્ટર-સોઢીની જોડી પાસેથી ઘણી આશાઓ હતી. જોકે બોલ્ટને છોડી તમામ બોલર્સ સારું પ્રદર્શન નહોતા કરી શક્યા. બોલ્ટે ચાર ઓવરમાં 18 રન આપી બે વિકેટ પોતાના નામે કરી. તેના સિવાય ન્યૂઝીલેન્ડનો કોઈ પણ બોલર વિકેટ ન લઈ શક્યો. તો સેન્ટરન અને સોઢીની જોડીએ પોતાની છ ઓવરમાં 63 રન આપી દીધા. ન્યૂઝીલેન્ડની જે સ્પીન બોલિંગ ઓસ્ટ્રેલિયા સામે મારક સાબિત થવાની હતી તેનું જ સૂરસૂરિયું થઈ ગયું, તેની પાછળનું કારણ ટોસ હારવો અને ઝાકળને જ ગણી શકાય.

ગુપ્ટિલની ધીમી ઈનિંગ

ન્યૂઝીલેન્ડના ઓપરન માર્ટિન ગુપ્ટિલે ઈનિંગની શરુઆત ધીમી કરી. સામાન્ય રીતે વિસ્ફોટક ઈનિંગ રમવા માટે ખ્યાતનામ એવા ગુપ્ટિલે શરૂઆતથી જ ઈનિંગ ધીમી રમી હતી. તેણે 35 બોલમાં 28 રન બનાવ્યા હતા. કિવીના ખેલાડીઓ આ કારણે પાવપ્લેનો ફાયદો પણ ન ઉઠાવી શક્યા. પરિણામે ન્યૂઝીલેન્ડ 200ની નજીક સ્કોર ન બનાવી શક્યું. જો કિવી પાસે 200 રન હોત તો કદાચ ઓસ્ટ્રેલિયા પર દબાણ લાદવામાં સફળ થાત.

ન્યૂઝીલેન્ડ ટોસ હાર્યું પણ

દુબઈના મેદાનમાં ટોસનું ખાસ્સુ મહત્વ હોય છે. મોટાભાગના મેચ બીજી બેટીંગ કરનારી ટીમે જ જીત્યા છે. જેથી ઓસ્ટ્રેલિયાએ પણ ટોસ જીતી પ્રથમ બોલિંગ લેવાનો નિર્ણય લીધો હતો. જોકે ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ હતાશ થયા વગર ઉત્કૃષ્ટ બેટીંગ કરી હતી. શરુઆતની દસ ઓવરમાં 57 રન બનાવ્યા અને એક વિકેટ ગુમાવી. અંતિમ 10 ઓવરમાં 115 રન બનાવ્યા. આ સ્કોર ટી ટ્વેન્ટી વિશ્વકપની ફાઈનલનો સૌથી મોટો સ્કોર છે.

વિલિયમસનનો કમાલ

આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં કેન વિલિયમસન લયમાં રહ્યો હતો. તેનો સ્ટ્રાઈક રેટ 100 કરતા પણ ઓછો હતો. જોકે ફાઈનલમાં તેણે 85 રન બનાવી વાપસી કરી હતી. જે આઈસીસી ટી ટ્વેન્ટી વિશ્વકપમાં સંયુક્ત રીતે મોટો સ્કોર છે. વિલિયમસને શરૂઆતમાં 19 બોલમાં 18 રન બનાવ્યા હતા. પછીના 29 બોલમાં 67 રન બનાવ્યા. 19 બોલ રમ્યા બાદ તેણે 231.03ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા.

advertisement-1

ઓસ્ટ્રેલિયાની ખરાબ ફિલ્ડીંગ

આ મેચમાં વિજેતા ઓસ્ટ્રેલિયાની ટીમનું ખરાબ ક્ષેત્રરક્ષણ પણ ઉડીને આંખે વળગ્યું હતું. ટીમે ગુપ્ટિલ અને વિલિયમસન જેવા ખેલાડીઓના કેચ છોડી દીધા હતા. જેમાંથી વિલિયમસને 85 રનની વિસ્ફોટક ઈનિંગ રમી નાખી અને ન્યૂઝીલેન્ડનો સ્કોર સામાન્યમાં પતતો હતો ત્યાંથી 172 સુધી પહોંચી ગયો. જો જોશ હેઝલવુડ વિલિયમસનનો કેચ પકડી લેત, તો ઓસ્ટ્રેલિયાને ઓછો પરસેવો પાડવો પડેત.

સ્ટાર્ક અને મેક્સવેલની ખરાબ બોલિંગ

ઓસ્ટ્રેલિયાના પ્રમુખ બોલર મિશેલ સ્ટાર્કે આ મેચમાં દિલ ખોલીને રન આપ્યા હતા. એક પણ વિકેટ ન લેતા ચાર ઓવરમાં 60 રનનો ભોગવટો કરી નાખ્યો હતો. જેમાં એક નો બોલ અને બે વાઈડ બોલ પણ હતી. તેની ઈકોનોમી પણ 15ની રહી. બીજી બાજુ હેઝલવુડ અને કમિન્સે મળીને આઠ ઓવરમાં 43 રન આપી ત્રણ વિકેટ પણ લીધી હતી. જો સ્ટાર્ક તેનો સાથ આપી શકેત તો 150 રનની અંદર ન્યૂઝીલેન્ડને અટકાવી શકાય હોત. આ સિવાય ગ્લેન મેક્સવેલ અને મિશેલ માર્શે પણ ખરાબ બોલિંગ કરી હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments