Team Chabuk Sports Desk: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે સીડનીમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ ચર્ચામાં છે. ચર્ચાનું કારણ છે ઓસ્ટ્રેલિયન ફેન્સની ગંદી માનસિકતા. લોકોના મગજમાં કેવી કેવી ગંદકી ભરેલી હોય છે તે ઓસ્ટ્રેલિયન ફેન્સે સાબિત કરી આપ્યું છે. ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં પણ રંગભેદ અને જાતિગત ટિપ્પણીઓ થાય તે શરમની વાત છે. ત્રીજી ટેસ્ટમાં ચાલુ મેચ દરમિયાન આ ઘટના બની. જો કે બે દિવસથી આ ટીકા ટિપ્પણી ચાલુ જ હતી પરંતુ આજે પાણી માથા પરથી જતું હોય તેમ લાગ્યું અને ભારતીય ટીમે ફરિયાદ કરી દીધી.
શું છે મામલો?
ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ બાઉન્ટ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન સ્ટેન્ડમાં બેસીને મેચને માણી રહેલા કેટલાક લોકોએ મોહમ્મદ સિરાજને લઇને પાછળથી કોમેન્ટ કરવાનું શરૂ કર્યું. પેવેલિયન અને બાઉન્ટ્રી લઈન પાસે સુરક્ષાકર્મીઓ પણ હાજર હતા તેમ છતાં કેટલાક અવળચંડા લોકોએ સિરાજ પર જાતિગત અને રંગભેદને લઈને ટીકા ટિપ્પણીઓનો વરસાદ ચાલુ રાખ્યો. જેથી મહોમ્મદ સિરાજ અકળાયો અને આ અંગેની ફરિયાદ લઈને કેપ્ટન અજિંક્ય રહાણે પાસે પહોંચ્યો. રહાણેએ આ અંગેની ફરિયાદ અમ્પાયર પોલ રેફરલને કરી. પોલ રેફરલે આ વાતની જાણ મેચ રેફરીને કરી અને મેચ રેફરીએ સુરક્ષા અધિકારીને આ અંગે ધ્યાન દોર્યુ કે દર્શકોમાંથી કેટલાક લોકો સિરાજના વિરુદ્ધમાં ગંદી કોમેન્ટ કરી રહ્યા છે. ત્યારબાદ સુરક્ષાકર્મીઓએ ગ્રાઉન્ડમાં રહેલા આ દર્શકોના ગ્રુપને શોધ્યું અને ચાર પાંચ લોકોને લઈને મેદાનની બહાર સુરક્ષા કર્મીઓ નીકળી ગયા. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન લગભગ 15 મિનિટ સુધી રમત રોકાઈ ગઈ.

સિરાજને કહ્યો મંકી
સિડનીમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટનો આજે ચોથો દિવસ હતો. મોહમ્મદ સિરાજ જ્યારે બાઉન્ટ્રી પર ફિલ્ડીંગ કરી રહ્યો હતો ત્યારે પાછળ સ્ટેન્ડમાં બેઠેલા કેટલાક દર્શકોનું એક ગ્રુપ સતત સિરાજ વિરુદ્ધ જાતિગત ટિપ્પણી કરી રહ્યું હતું. મળેલી માહિતી પ્રમાણે આ દર્શકોનું ગ્રુપ સિરાજને મંકી કહી રહ્યું હતું. આ કોમેન્ટે 2007-08માં ભારત-ઓસ્ટ્રેલિયાના મેચ દરમિયાનની મંકીગેટ કિસ્સાની યાદ અપાવી. મહત્વનું છે કે મંકીગેટ પ્રકરણ પણ સિડની ટેસ્ટ દરમિયાન જ થયું હતું. જ્યારે એન્ડ્રુ સાયમન્ડે દાવો કર્યો હતો કે હરભજનસિંહે તેને ઘણી વખત મંકી કહ્યો હતો. જો કે આ અંગેની સુનાવણી દરમિયાન હરભજનસિંહને ક્લિનચીટ અપાઈ હતી. એટલે કે હરભજનસિંહે આવી કોઈ કોમેન્ટ કરી હોય તેવું સાબિત થયું ન હતું. પરંતુ જે તે વખતે આ મંકીગેટ પ્રકરણ ખુબ ચર્ચાયું હતું. ત્યારે આજની આ ઘટનાએ 12 વર્ષ પહેલાની આ ઘટનાની યાદ તાજી કરી દીધી છે.
હરભજનસિંહે ઠાલવ્યો ગુસ્સો

મોહમ્મદ સિરાજ સાથે ઘટેલી આ ઘટના અંગે હરભજનસિંહે ટ્વિટ કરીને ગુસ્સો ઠાલવ્યો છે. હરભજને ટ્વિટ કરીને લખ્યું કે, ‘મેં પણ વ્યક્તિગત રીતે ઓસ્ટ્રેલિયામાં રમતી વખતે મારા ધર્મ ને રંગને લઈને દર્શકો તરફથી ઘણું સાંભળ્યું છે. મારી સામે ઓસ્ટ્રેલિયામાં મેદાન પર ઘણી બધી વાતો કહેવામાં આવતી હતી. આવું પ્રથમ વખત નથી કે ઓસ્ટ્રેલિયામાં દર્શકોની ભીડ બકવાસ કરે છે. તમે તેને કેવી રીતે રોકશો.’
I personally have heard many things on the field while playing in Australia about Me My religion My colour and much more..This isn’t the first time the crowd is doing this nonsense..How do u stop them ?? #AUSvIND
— Harbhajan Turbanator (@harbhajan_singh) January 10, 2021
ભારતના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે પણ મહોમ્મદ સિરાજ પર થયેલી આ જાતિગત ટિપ્પણીઓની નિંદા કરી છે. સહેવાગે ટ્વિટ કરીને લખ્યું કે, ‘તમે કરો તો સરકૈજ્મ અને બીજા કરે તો રેસિઝમ. ખૂબ જ નિંદનીય છે કે કેટલાક ઓસ્ટ્રેલિયન ફેન્સ મેદાનમાં આવી હરકત કરીને સારી ટેસ્ટ સિરીઝને બગાડી રહ્યા છે.’
Tum karo toh Sarcasm , aur koi Kare toh Racism .
— Virender Sehwag (@virendersehwag) January 10, 2021
Very unfortunate with what some of the Australian crowd has been doing at the SCG and spoiling the vibes of a good test series. pic.twitter.com/mrDTbX4t7i
આ ઘટના અંગે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી ટોમ મૂડીએ પણ ટ્વિટ કરીને લખ્યું કે, ‘આ ઘટના સ્વીકાર કરવા લાયક નથી. જાતિવાદ માટે કોઈ જગ્યા નથી.’
Unacceptable behaviour there is no place for racism, I hope this is dealt in the most severe way. #AUSvIND
— Tom Moody (@TomMoodyCricket) January 10, 2021
આ પહેલા ગઈકાલે શનિવારે પણ ભારતીય ટીમે અધિકારીઓને ફરિયાદ કરી હતી કે સિરાજ અને જસપ્રીત બુમરાહ ઉપર દર્શકો જાતિગત ટિપ્પણી કરે છે. ત્રીજા દિવસની રમત પૂર્ણ થયા બાદ આઈસીસી, મેદાનના સુરક્ષા અધિકારીઓએ બુમરાહ અને સિરાજ સાથે લાંબી વાતચીત કરી હતી પરંતુ આ ટીકા ટિપ્પણીઓ ચોથા દિવસે પણ ચાલુ રહેતા અંતે કડક પગલાં ભરવામાં આવ્યા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત