Team Chabuk-Political Desk : બિહારના ઈલેક્શનમાં જે જે થયું એ પુન: પુન: થઈ રહ્યું છે. ફર્ક બસ એટલો છે કે એ વખતે સાધન નહોતું આ વખતે સાધન ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે બિહારમાં ભાજપ જીતી જાય છે તો સૌથી પહેલી વેક્સિન અહીં આપવામાં આવશે. 16 જાન્યુઆરીથી તો આમેય રાઉન્ડ શરૂ થવાના છે. એવું તો નથી કે બિહારને 12 તારીખથી મળવા લાગશે? એક્ઝિટ પોલમાં તેજસ્વી યાદવ જીતતા હતા. બધાએ અનુમાન સેવી લીધું હતું કે વેક્સિનનો ચૂંટણી ઢંઢેરો અસર ન કરી શક્યો. એક્ઝિટ પોલ ખોટા ઠર્યા. હવે આ જ વેક્સિનનો મુદ્દો પશ્ચિમ બંગાળમાં કડાકા ભડાકા સાથે ફરી આવ્યો છે.
વેક્સિન, કોરોના અને બંગાળ. મમતા બેનર્જીને દોડવું હતું તો ઢાળ મળ્યો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ બંગાળમાં મોટી જાહેરાત કરી દીધી છે જેનાથી ભાજપને ચૂંટણી જીતતા ફાફા પડી જાય તો નવાઈ નહીં. મમતા બેનર્જીએ એક એક બંગાળવાસીઓને મફતમાં વેક્સિન આપવાની જાહેરાત કરી દીધી છે. આ અંગે મમતા બેનર્જીએ કહ્યું કે, રાજ્ય સરકાર તેની વ્યવસ્થામાં લાગેલી છે. હવે ચૂંટણી પહેલા મમતાનો આ મોટો માસ્ટર સ્ટ્રોક છે. બંગાળની જનતા વેક્સિનનો ટીકો લીધા પછી કોનું બટન દબાવવું એ ભૂલી તો નહીં જાયને ? કારણ કે મમતા ચૂંટણી પહેલા જ રસી આપી દેવાની છે.
16 જાન્યુઆરી 2021ના રોજ કોરોના વેક્સિન લગાવવાના અભિયાનની શરૂઆત થવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ વાતની ટ્વીટર પર જાહેરાત કરી દીધી છે. જોકે 16 જાન્યુઆરીથી વેક્સિનેશનની પ્રક્રિયા હાથ ધરવાની છે તે સ્વાસ્થ્યકર્મી અને કોરોના વોરિયર્સ માટે હશે. આ સિવાય જે લોકો બીમાર છે. જે લોકો 50થી વધારેની ઉંમર ધરાવે છે. તેમને સૌથી પહેલા વેક્સિન આપવામાં આવશે. હાલ સુધી કેન્દ્ર સરકારે એ વાતની સ્પષ્ટતા નથી કરી કે આ લોકો પાસેથી પૈસા લેવામાં આવશે કે નહીં. જેથી ઘણા લોકોમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.
પશ્ચિમ બંગાળમાં તો વેક્સિન ફ્રીમાં મળશે પણ દિલ્હી સહિત ઘણા એવા રાજ્યો છે જે કોરોનાની વેક્સિન ફ્રીમાં ઈચ્છી રહ્યા છે. બિહાર વિધાનસભામાં પણ વાયદો કરવામાં આવ્યો હતો કે સરકાર આવી તો પહેલા ટીકો આપને. ઉલ્લેખનીય છે કે મફત વેક્સિનની માગણી એ રાજ્યોમાંથી આવી રહી છે જ્યાં ભાજપ સત્તામાં નથી.
ફરી બંગાળ તરફ જઈએ તો વિધાનસભાની ચૂંટણી પહેલા તમામને વેક્સિન લગાવવાની મમતા સરકાર યોજના બનાવી રહી છે. જેથી તેમની છબિ પણ સુધરે અને રેલીમાં આ મુદ્દો પણ સામે લાવી શકે. 294 સીટ ધરાવતા પશ્ચિમ બંગાળ રાજ્યમાં એપ્રિલ અને મેના મધ્યમાં ચૂંટણી યોજાવાની શક્યતા છે. એ પહેલા મમતા વેક્સિન દ્વારા મત એકત્રીકરણ કરવામાં લાગી ગયા હોય તેવું દૃશ્ય સર્જાયું છે. મમતા બેનર્જીએ એક નિવેદનમાં કહ્યું કે, મને એ ઘોષણા કરીને ખુશી થઈ રહી છે કે, અમારી સરકાર રાજ્યના તમામ લોકોને કોઈ પણ ખર્ચ વિના કોરોના વેક્સિન લગાવવાની વ્યવસ્થા કરી રહી છે.
પશ્ચિમ બંગાળમાં વસતિ પ્રમાણે કોરોનાના ફેલાવાની વાત કરીએ તો 5 લાખ 58 હજાર લોકો કોરોના વાઈરસની ઝપેટમાં આવી ચૂક્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 9881 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 5 લાખ 40 હજાર લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. અર્થાત્ બિહારમાં જે કોરોના વેક્સિનનું શસ્ત્ર ભારતીય જનતા પાર્ટી માટે કારગત નિવડ્યું તે બંગાળમાં ન નિવડી શક્યું. બંગાળમાં મમતાની પાસે શરતરંજના સફેદ કુકરા હતા. પહેલી ચાલ તેઓ ચાલી ગયા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત