દિલ્લી(Delhi)ના ‘બાબા કા ઢાબા’ હવે દેશભરમાં પ્રખ્યાત થઈ ગયું છે. ટ્વીટર સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ બાબાની કહાની ધૂમ મચાવી રહી છે. એટલું જ નહીં ઢાબાનો કિસ્સો એટલો સંવેદનશીલ છે કે વાંચનારા અને જોનારા બંનેની આંખોમાં આંસુ સરી પડશે.
સોશિયલ મીડિયામાં બહુ તાકાત છે. એક જ દિવસમાં આ માધ્યમ કોઈ પણ વ્યક્તિને રાતોરાત સ્ટાર બનાવી શકે છે. તો આ માધ્યમ જ કોઈ પણ વ્યક્તિને હીરોમાંથી ઝીરો પણ બનાવી શકે છે. થોડા દિવસ પહેલાં દિલ્લીમાં કંઈક એવું થયું કે તેણે એક વ્યક્તિનું જીવન જ બદલી નાખ્યું. દિલ્લીના માલવીયનગરનો આ કિસ્સો છે. જ્યાં એક વૃદ્ધ દંપતી એક નાનો એવો ઢાબો ચલાવે છે. એક ગ્રાહક આ દાદા પાસે મટર પનીર ખાવા જાય છે ત્યારે આ દાદા ધંધો ન થતો હોવાનું કહી પોતાની આપવીતિ સંભળાવે છે. પોતાનું દુઃખ ગ્રાહક સાથે શેર કરતા તેઓ ભાવુક પણ થઈ જાય છે. તેઓની આંખ ભરાઈ જાય છે. દાદા ગ્રાહક સામે ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગે છે. આ વીડિયો મટર પનીર ખાવા આવેલા ગ્રાહકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો હતો. થોડા કલાકમાં વીડિયો વાયરલ થઈ ગયો અને બીજા દિવસે સવારે ‘બાબા કા ઢાબા’ પર ગ્રાહકોની લાઈન લાગી ગઈ. એટલું જ નહીં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમનાથ ભારતીએ પણ લોકોને પ્રેમથી ભોજન પિરસનાર દંપતીને મદદ કરી..
24 કલાકમાં ચમત્કાર કેવી રીતે થયો ?
દિલ્હીના માલવીય નગરમાં હનુમાન મંદિર સામે આ દંપતી પોતાનો ઢાબો ચલાવે છે. દંપતી મટર પનીર એટલું જોરદાર બનાવે છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની આંગળીઓ ચાટતો રહી જાય. જો કે, કોરોના અને લોકડાઉનના કારણે આ દંપતી બેરોજગાર બન્યું હતું. પૈસા ન હોવાથી ખુબ મુશ્કેલીનો સામનો કરી રહ્યું હતું. લોકડાઉનમાં છૂટ મળ્યા બાદ ઢાબો ફરીથી શરૂ તો કર્યો પરંતું તેમના ગ્રાહકો તૂટી ગયા હતા. જૂના ગ્રાહકોનો કોઈ અતોપતો ન હતો તો નવા ગ્રાહકો પણ તેમના મટર પનીરનો સ્વાદ ચાખવા નહોતા આવતા.
આ દરમિયાન એક ટ્વીટર યુઝરે દંપતીના ઢાબાનો વીડિયો પોસ્ટ કરી દીધો. જેને 24 કલાકમાં જ 10 લાખથી વધુ લોકોએ જોઈ લીધો. વીડિયોમાં દાદા પોતાની આપવીતિ સંભળાવે છે અને ટ્વીટર યુઝર તેના વખાણ કરે છે. આ વીડિયો જોયા બાદ ઢાબાના એડ્રેસ પર લોકો પહોંચવા લાગ્યા અને ‘બાબા કા ઢાબા’ની રોનક પહેલાં કરતા પણ વધારે નીખરી ગઈ. કાકાનું ખાલી કાઉન્ટર ભરાઈ ગયું. અને આ વખતે કાકાની આંખોમાં દુઃખના નહીં પણ ખુશીના આંસુ સરી પડ્યા.