Homeતાપણુંતે હે ગોવા બાપા પ્રધાનમંત્રી કહે છે એમ હવામાંથી ઓક્સિજન ખેંચી શકાય...

તે હે ગોવા બાપા પ્રધાનમંત્રી કહે છે એમ હવામાંથી ઓક્સિજન ખેંચી શકાય ?

હે ચાબુક જો આવું હોય તો કોરોનાથી એક પણ દર્દી ન મરે. આવું હું નહીં સોશિયલ મીડિયા પર આ વીડિયો રાહુલ ગાંધી દ્વારા મુકવામાં આવ્યા પછી દેશભરની જનતા કહી રહી છે. એ પણ મીમ બનાવીને. હું તને માંડીને વાત કરું એટલે તને ટાઢક વળે કે આ આખું શરુ કેમ થયું ?

શુક્રવારની સવારે

શુક્રવારની સવાર હતી અને રાહુલ ગાંધી ઉઠ્યા. ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કર્યો. વીડિયોની ઉપર કેપ્શન લખવામાં આવ્યું કે, ‘‘દેશ માટે અસલી ખતરો એ નથી કે પ્રધાનમંત્રી સમજતા નથી. અસલી ખતરો એ છે કે તેમની આસપાસના લોકો તેમને આ વિશે કહેતા પણ નથી.’’ રાહુલ ગાંધીએ આ ટ્વીટ કરી પ્રધાનમંત્રીના સપોર્ટમાં રહેલા લોકોને લાલચોળ કરી દીધા. ચાબુક તેમના છેલ્લા વાક્ય પર નજર નાખ જોઈએ, ‘‘તેમની ‘આસપાસના’ લોકો તેમને આ વિશે કહેતા પણ નથી.’’

વીડિયોમાં શું છે ગોવા બાપા ?

ચાબુક આ વીડિયોમાં પીએમ મોદી વિંડ ટરબાઈન એટલે કે પવન ચક્કીની ટેક્નોલોજી ઉપર ચર્ચા કરી રહ્યાં છે. ભેજવાળી હવામાંથી પાણી કાઢવાની વાત કરે છે. એટલું જ નહીં સાથે એમ પણ કહે છે કે, હવામાંથી ઓક્સિજન પણ કાઢી લેવામાં આવે. આ વિચાર પર તેઓ ડેનમાર્કની એનર્જી કંપનીના સીઈઓનો મત માગે છે. રાહુલ ગાંધીએ પોસ્ટ કરેલ વીડિયોના અંતમાં એનર્જી કંપનીનો સીઈઓ પણ હસતા હસતા તેમને પોતાના દેશ આવવાનું આમંત્રણ મોકલે છે.

ભાજપના નેતાઓએ વીડિયો વિશે શું કહ્યું ?

રાહુલ ગાંધીનો આ વીડિયો સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર ધાણીફૂટ મજાક થઈ. તરેહ તરેહની વાતો લખવામાં આવી. એક તસવીરમાં આઈનસ્ટાઈનને ગુસ્સામાં ને બીજા ફોટોમાં દુખી બતાવવામાં આવ્યા. વાત હવે ડેલા બહાર જઈ ચૂકી છે અને આખું ગામ વાતો કરે છે. લોકો મજાક ઉડાવી રહ્યા છે. આ વાત બીજેપીના નેતાઓને ખબર પડતા જ તેઓ ટ્વીટર પર થીગડું મારવા આવી ગયા. જેમાં રાહુલ ગાંધી પર સાંબેલાધાર પ્રહાર થયા.

સાંબેલાધાર પ્રહાર કરવામાં સૌ પ્રથમ છે સંબિત પાત્રા. તેઓ કહે છે, ‘રાહુલ જી, રાતે ઉઠીને આ બે સાયન્ટિફિક પેપરને વાંચજો. જે હું અહીં મૂકી રહ્યો છું. જોકે મને ખબર છે કે આ એટલા આકરા છે કે તમારી નોન ફંક્શનલ મેટલ ટરબાઈનના કારણે તમને સમજમાં નહીં આવે.’

2019માં રાહુલ ગાંધીને પરાજય આપનારા કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ‘લોકો કહે છે કે અજ્ઞાનતામાં પરમ આનંદ છે. પણ ભારતની રાજનીતિમાં એક માત્ર વ્યક્તિ છે, જેણે પોતાના અજ્ઞાનને બચાવી રાખવા માટેના એટલા પ્રયાસ કર્યા છે. એવું લાગે છે કે કોંગ્રેસનું અસલી સંકટ નિશ્ચિત રૂપથી ક્યાંથી પ્રગટ થઈ રહ્યું છે. એવું યુવરાજને બતાવવાની કોઈની હિંમત નથી.’

અમિત માલવીયા કહે છે, ‘અજ્ઞાનતા અને હકદારીનો કોઈ ઈલાજ નથી. રાહુલ ગાંધીને લાગે છે કે દુનિયામાં બાકી લોકો પણ તેમની જેમ જ અજ્ઞાની છે. એ પ્રધાનમંત્રીની ત્યારે મજાક ઉડાવી રહ્યાં છે. જ્યારે દુનિયાની લોકપ્રિય કંપનીના સીઈઓ આ વિચારને પ્રેરણાદાયી બતાવી રહ્યાં છે.’

રેલવે મંત્રી પિયુષ ગોયલ રાહુલ ગાંધીની આકરી આલોચના કરતાં કહે છે, ‘રાહુલ ગાંધીની આસપાસ કોઈ નથી. જેમાં એટલી હિંમત હોય કે એમને જણાવી શકે, કે તમે સમજી નથી રહ્યાં. એક મોટી કંપનીનો સીઈઓ પીએમ નરેન્દ્ર મોદીની વાતનું સમર્થન કરે છે. અને આ તેમનો મજાક ઉડાવે છે.’

ખેલમંત્રી કિરણ રિજ્જીજુ રાહુલની સાથે પપ્પુનું તખલ્લુસ લગાવતા ટ્વીટ કરે છે, ‘રાહુલ ગાંધીને લાગે છે કે સમગ્ર દુનિયા એમની જેમ જ પપ્પુ છે. દુનિયાની પવન શક્તિવાળી કંપનીઓ જેને પ્રેરણાદાયક બતાવી રહી છે. તેનો તમે મજાક ઉડાવી રહ્યાં છો. પીએમ મોદી ખૂબ ઉંડા સંશોધન બાદ જ બોલે છે. ફાર્મ હાઉસની પાર્ટીઓમાં પોતાનો સમય વેડફતા નથી.’

હવે જોઈએ કે આવું થાય છે કે નહીં ?

ફ્રી પ્રેસ જર્નલ નામની વેબસાઈટે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્રારા આ સમગ્ર વાત સમજાવી છે. તેને ગુજરાતીમાં આપણે મુકીએ. એ વાતમાં કોઈ પણ પ્રકારનો સંદેહ વ્યક્ત નથી કરી શકાતો. ટરબાઈન દ્રારા શુદ્ધ પાણીનું ઉત્પાદન કરી શકાય છે. 2012માં ઈઓલ વોટરે એક પ્રોટોટાઈપ ડિઝાઈન કર્યું હતું. જે એક કલાકમાં 62 લીટર પાણીનું ઉત્પાદન કરી શકે છે. તે એ રીતે જ કામ કરે છે જે રીતે પવન ટરબાઈનથી વીજળી પેદા કરે છે.

આ સમગ્ર પ્રક્રિયા કંઈક આવી રીતે થાય. આગામી ચરણમાં હવાને ચૂસવામાં આવે. જેમાં પ્રોપેલરના માધ્યમથી ઠંડક આપનારા કમ્પ્રેસર તરફ દોરવામાં આવે છે. જે હવામાંથી ભેજ શોષે છે. ભેજનું શોષણ થયા પછી તે કન્ડેસરમાં એકત્રિત થાય છે. ત્યાંથી તેને સ્ટેનલેસ પાઈપ દ્રારા સ્થાનાંતરિત કરવામાં આવે છે અને તેના પરિણામે દિવસના 1000 લીટર પાણી બનાવી શકાય છે. આ સમગ્ર પ્રક્રિયામાં વાંધો એ આવ્યો કે પૈસા ખૂબ ખર્ચવા પડતા હતા. 2012માં જ 500,000 યુરો જેટલા.

આ ઘટનામાં તારણ એ નીકળે છે કે ભેજને એકઠું કરી શુદ્ધ પાણી બનાવી શકાય છે. મોટી સમસ્યા માત્ર અને માત્ર પૈસાની છે. અન્યથા પાણી અને ઉર્જા બંન્નેની જરૂરિયાત સંતોષી શકાય. હવે વાત બીજી કે, ઓક્સિજન અલગ પાડી શકાય? આના પર મોટા સ્તરે કામ નથી થયું પણ વૈજ્ઞાનિકો કહે છે કે, અપૂર્ણાંક નિસ્યંદનની પદ્ધતિ દ્વારા વિન્ડ ટર્બાઈન સાથે ઓક્સિજન ઉત્પન્ન કરી શકાય છે. ખૂબ ખૂબ અઘરી વાત છે. એટલી અઘરી કે શરુઆતમાં ઉપહાસનું જ કારણ બનો.

જોકે આ પ્રથમવાર નથી કે પ્રધાનમંત્રી સાયન્સની વાતને લઈ આવ્યા હોય અને સોશિયલ મીડિયા પર મીમ્સ બન્યા હોય. ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસમાં પ્રવચન આપતી વખતે તેમણે કહેલું, ગણેશજી પ્લાસ્ટીક સર્જરીનું પ્રથમ ઉદાહરણ છે અને કર્ણ પ્રથમ ટેસ્ટટ્યુબ બેબી હતું. બાલાકોટ એરસ્ટ્રાઈક વખતે પણ એમણે રડાર અને વાદળો વાળી વાત કરી હતી. કેટલાક અખબારોએ વાદળો અને રડાર વાળી વાતમાં હામી ભરી અને બાકીના લોકોએ નકારી કાઢેલી.

તો કેવું લાગ્યું ચાબુક ?

ઠીક હવે ગોવા બાપા, મને તો એ વાતમાં રસ છે કે કોરોના ક્યારે જાહે…

[ગોવા બાપાની અનુભવી અને ધારદાર કલમે લખાયેલા રાજકારણના સંશોધનભર્યા આવા જ લેખો વાંચવા માટે જોડાયેલા રહો ચાબુક સાથે]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments