યુટ્યુબ પર લક્ષ્મી બોમ્બ હિન્દીમાં ‘બમ’નું ટ્રેલર જોતા પહેલા નીચે નજર નાખી લેવી. સડક-2નું વિસ્ફોટક પરિણામ દેખાશે. મેકર્સે લાઈક અને ડિસલાઈક બંન્નેના સેટિંગ બદલાવી નાખ્યા છે. પણ અમારે શું ? ચાબુકની તો યુટ્યુબ ચેનલ જ નથી! તો ચાબુક છે શું ?
ફિલ્મનું ટ્રેલર જોતા હોઈએ ત્યારે વચ્ચે વચ્ચે એક અજીબ પ્રકારનો અહેસાસ થાય. અક્ષય કુમાર અને પ્રિટી ઝિન્ટાની જ 1999માં આવેલી ફિલ્મ સંઘર્ષનો અપ્રતિમ અહેસાસ. અક્ષય કુમારની મૂછ. તેની હેરસ્ટાઈલ. તેનું ટ્રાન્સઝેન્ડર બન્યા પછી મોઢાની વચ્ચે હાથ રાખી આઆઆઆ રાડો પાડવું. વધારે વિચારવું ન પડે એટલે આવું કરવું પડે. પણ ભાઈ જલજીરાની આંખોથી બચીને ક્યાં જશો ? જલજીરા આખો દિવસ ફિલ્મો જ જુએ છે. આશુતોષ રાણાએ જે આઈકોનિક સીન ક્રિએટ કર્યો હતો તેનાથી સો ગજ દૂર છે અક્ષય કુમારનું જોર જોરથી બરાડા પાડવું.
ફિલ્મના ટ્રેલરમાં બધા ડરેલા છે. કોરોના વાઈરસ કરતાં પણ વધારે. તેમની પાછળ એક ભૂત પડ્યું છે. જેનાથી બચવા ઘરમાં અહીં તહીં ભાગે છે. પણ ભૂત તો પરિવારજનોની વચ્ચે જ છે. એક પુરૂષના શરીરમાં.
ટ્રેલરના એક સીનમાં અક્ષય કુમાર બોલે છે, ‘ભૂત મને મળી જશે, એ દિવસે હું બંગડી પહેરી લઈશ.’ અલબત્ત હિન્દીમાં છે. આ તો મારો ગુજરાતી ભાષાનો પ્રેમ. બીજું કંઈ નહીં. સંવાદ બોલી અક્ષય બંગડીઓ દેખાડે છે. એ બંગડીઓ અદ્દલ કરન-અર્જુન ફિલ્મમાં રાખી માટે સલમાન અને શાહરૂખ લાવે છે એવી જ છે. જલજીરાની નજરથી કંઈ નથી બચી શકતું!!
ફિલ્મનો બોમ્બ ક્યારે ફૂટે તેની રાહ ન જોવી હોય તો કૃપા કરીને ચાલ્યા જાવ Goldmines Telefilms નામની યુટ્યુબ ચેનલ પર. જ્યાં આ તમિલ ફિલ્મની હિન્દીમાં અનુવાદિત્ત થયેલ આવૃતિ મળી જશે. કરોડો લોકોએ જોઈ લીધી છે. જલજીરાએ પણ જોઈ છે.
ફિલ્મ જોતા અને અક્ષય કુમારની લક્ષ્મી બોમ્બનું ટ્રેલર જોતા, અક્ષય અક્ષય લાગે છે ટ્રાન્સજેન્ડર તો લાગતો જ નથી. પહેલા મૂછ રાખવી અને પછી મૂછ કાઢી, સાડી પહેરવાથી કોઈ ટ્રાન્સજેન્ડર થોડું બને. અભિનય કરવો એટલે કોઈ બીજાના શરીરમાં પ્રવેશ કરવો. એ તો અહીં દેખાતું જ નથી.
એક મહાન માણસે કહ્યું હતું કે, શાહરૂખ ખાનની ફિલ્મ જોવા જશો તો શાહરૂખ ખાન જ દેખાશે. એક્ટર એ કહેવાય જેની ફિલ્મ જોવા જાવ એ પહેલા અને બહાર નીકળો ત્યારે પણ પાત્રનું જ નામ મોંમાંથી નીકળ્યા રાખે. એક્ઝેટ્લી. શાહીદ કપૂરની કબીર સિંહ. અહીં અક્ષય કુમાર જ દેખાય છે.
ફિલ્મમાં બુર્ઝ ખલીફાનું ગીત પણ છે. આ ગીત એટલા માટે હોવું જોઈએ કે ભવિષ્યમાં બુર્ઝ ખલીફા બિલ્ડીંગ ફિલ્મનું પ્રમોશન કરી નાખે તો સોને પે સુહાગા.
જેમણે ઓરીજનલ કંચના નહોતી જોઈ તેમને અક્ષય કુમાર ટ્રાન્સજેન્ડરના રોલમાં મારધાડ કરશે તેવું લાગતું હતું. રાઉડી રાઠૌર જેવું. પણ તમામ વાતો પર પાણી ફરી ગયું. પાણીથી યાદ આવ્યું કે પાણીથી કંઈક ઓક્સિજન બનાવવાની વાતો મારા કલિગ ગોવા બાપા કરતાં હતા!!
પહેલાથી ચાલ્યું આવે છે એટલે જલજીરા પણ આ વિશે લખ્યા વિના રોકાય નથી શકતો. તમિલ ફિલ્મ કંચનામાં રાઘવ લોરેન્સને જોયો હશે તો અક્ષય કુમાર નહીં ગમે. હિન્દીમાં સેટમેક્સ પર સૂર્યવંશમ્ પહેલા નાગાર્જૂનની મેરી જંગનું રાજ ચાલતું હતું. જેમાં હિન્દીમાં ડબ થયેલ એક ગીત છે, ‘યે હૈ માસ…’ આ ગીતમાં શરીરના પૂર્જા પૂર્જા સ્ક્રૂ ડ્રાઈવર વિના, ડાન્સ દ્રારા ઢીલા કરી દર્શાવતો રાઘવ લોરેન્સ એ ભારતનો જીમ કેરી છે. ઉટપટાંગ હરકતો કરવામાં એ જીમ કેરી પાસેથી ઉછીની પ્રેરણા લે છે. હોલિવુડ પછી સીધું સાઉથ આવે છે. પણ બોલિવુડમાં સડક-2 આવે છે. એમની પાસે એમનો પોતાનો ક્રિશ્ચિયન બેલ વિક્રમ પણ છે.
હું વિચારતો હતો કે આ ફિલ્મમાં તુષાર કપૂર કેમ નથી ? પણ છે. મનુ રિષી, અશ્વિની કાલસેકર, તરૂણ અરોરા, પ્રેમ માટે પ્રીતી ઉર્ફ કિયારા અડવાણી જેવા કલાકારો છે. માનવું પડે હિરો કરતાં વિલનો ખતરનાક છે. રાઘવ લોરેન્સ તમિલનાડુનો હોવાથી તેને કયો વિલન લેવો તેની સૂઝબૂઝ તો હોય જ.
કંચનામાં ભાગમથીમાં સંગીત આપનારા થમને સંગીત આપ્યું હતું. હવે સંગીતની બાબતમાં તો કેટલું ઓછું ખરાબ છે એ જ જોવાનું છે. સંગીત આપ્યું છે તનિષ્ક બાગચી, સાહી-ખુશી અને અનુપ કુમારે.
આ ફિલ્મ અસંખ્ય વખત બની ચૂકી છે. ગુજરાતી ભાષામાં બનેલી જેસલ-તોરલ ફિલ્મ કરતાં પણ વધારે. કન્નડમાં કલ્પના નામથી, શ્રીલંકામાં માયા નામથી, શ્રીલંકા સાઉથની જ રિમેક બનાવ્યા રાખે છે. એમને દૂર જવાની જરૂર નથી પડતી. બસ વચ્ચે એક દરિયો આવે. મ્યામારમાં ટર ટેય ગયી નામથી 2017માં અન-ઓફિશ્યલ રિમેક બની હતી. જેનો કોઈએ ભાવ જ ન પૂછ્યો. બાંગ્લાદેશમાં માયાબીનીના નામે બની. જેમાં ત્યાંનો સુપરસ્ટાર અમિત હસન હતો. એ પછી 2020માં હવે લક્ષ્મી બોમ્બ નામે અક્ષય કુમાર લઈ આવે છે. જોઈએ દિવાળીમાં ધડાકો કરે છે કે પછી સૂરસૂરિયું થઈ જાય છે.
[ચાબુકની ટીમમાં ગોવા બાપા પછી જલજીરા જોડાયો છે. જલજીરાભાઈ આખો દિવસ ફિલ્મ જોવાના કારણે દસમાંની પરીક્ષામાં ચાર વખત ફેલ થયેલા. ફિલ્મોનો બાળપણથી જ શોખ. આખો દિવસ ફિલ્મો જ જોયા કરે છે એટલે આ ધંધો એમને સોંપ્યા જેવો. એવું ટીમ ચાબુકને લાગ્યું.]
