Team Chabuk-Sports Desk: સુકાની બાબર આઝમ અને ઈમામ ઉલ હકની શાનદાર સેન્ચુરીની મદદથી પાકિસ્તાને ગુરૂવારે લાહોરમાં રમાયેલી બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાને છ વિકેટથી પરાજય આપ્યો હતો. પાકિસ્તાને ત્રણ મેચની વનડે શ્રેણીમાં 1-1ની સરસાઈ કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ આપેલા 348 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાનની ટીમે અંતિમ ઓવરમાં 4 વિકેટના નુકસાન પર જીત પ્રાપ્ત કરી લીધી હતી. મર્યાદિત ઓવરની શ્રેણીમાં લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાનની ઘર આંગણે આ અત્યાર સુધીની સૌથી મોટી જીત છે.

ઓસ્ટ્રેલિયાએ આપેલા વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમની શરુઆત શાનદાર રહી હતી. ફખર જમાન અને ઈમામ ઉલ હકે મળી પ્રથમ વિકેટ માટે 118 રનની ભાગીદારી નોંધાવી હતી. ફખરે 64 બોલમાં 67 રનની ઈનિંગ રમી. તેને માર્કસ સ્ટોઈનિસે પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. બાબર આઝમે ઈમામની સાથે મળી બીજી વિકેટ માટે 111 રન જોડ્યા હતા. ઈમામે 97 બોલમાં 6 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 106 રન બનાવ્યા હતા. બાબરે 83 બોલમાં 11 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી સાતત્યપૂર્ણ પ્રદર્શન કરતા 114 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય મોહમ્મદ રિઝવાને 23 રન અને ખુશદિલ શાહે અણનમ 27 રનનું યોગદાન આપ્યું હતું.

ટોસ હારીને પ્રથમ બેટીંગ કરવા માટે ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમની શરુઆત ખરાબ રહી હતી. પ્રથમ ઓવરમાં જ સુકાની એરોન ફિન્ચ આઉટ થઈ ગયો હતો. અહીંથી મેકડરમોટ અને ટ્રેવિસ હેડે બીજી વિકેટ માટે 162 રનની ભાગીદારી કરી હતી. મેકડરમોટે 108 બોલમાં દસ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી કારકિર્દીની પ્રથમ સેન્ચુરી ફટકારી. હેડે 70 બોલમાં છ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 89 રન બનાવ્યા. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન બેટીંગ પીચ બનાવતું હોવાના કારણે બોલરોની હંમેશા પીટાઈ થતી આવી છે. શોએબ અખ્તરે પણ પોતાની યુટ્યુબ ચેનલ પર આ વાતનો ઉલ્લેખ કરી ક્રિકેટ પ્રશાસનની કડક શબ્દોમાં આલોચના કરી હતી.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત