Team Chabuk-IPL Desk: ચાર વખત ચેમ્પિયન ચૈન્નઈ સુપર કિંગ્સની ટીમને આઈપીએલના 15માં સંસ્કરણમાં સતત બીજી વખત પરાજયનો સામનો કરવો પડ્યો છે. લખનઉ સુપર જાયન્ટ્સે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં ટીમને છ વિકેટથી સજ્જડ પરાજય આપ્યો હતો. ચૈન્નઈ સુપર કિંગ્સ આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ વખત શરુઆતના બેમાંથી એક પણ મેચ જીતી નથી શકી.

મેચમાં લખનઉના સુકાની કે.એલ.રાહુલે ટોસ જીતી પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો હતો. ચૈન્નઈએ 20 ઓવરમાં 210 રનનો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં લખનઉની ટીમ 19.3 ઓવરમાં 211 રન બનાવી મેચ જીતી ગઈ હતી. ઈવિન લુઈસના અણનમ 23 બોલ પર 55 રનની મદદથી લખનઉએ ચૈન્નઈના હાથમાંથી મેચ ખેંચી લીધો હતો. લુઈસને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.
211 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી લખનઉની ટીમની શરુઆત સારી રહી હતી. કે.એલ.રાહુલ અને ક્વિન્ટન ડિકોકે પ્રથમ વિકેટ માટે 10.2 ઓવરમાં 99 રનની ભાગીદારી કરી હતી. રાહુલ બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 26 બોલમાં 40 રન બનાવી આઉટ થયો હતો. રાહુલના આઉટ થયા બાદ મનીષ પાંડે પણ જલ્દીથી આઉટ થયો હતો. મેચમાં ઈવિન લુઈસ અને ડીકોકે ત્રીજી વિકેટ માટે 33 રન જોડ્યા હતા. ડીકોકને પ્રિટોરિયસે વિકેટકિપર મહેન્દ્રસિંહ ધોનીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તેણે નવ ચોગ્ગાની મદદથી 45 બોલમાં 61 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.
ચૈન્નઈની ઈનિંગની જો વાત કરીએ તો ટીમને ત્રીજી ઓવરમાં જ ઓપનર ઋતુરાજ ગાયકવાડના રૂપે 1 રન પર ઝટકો લાગ્યો હતો. તેણે રોબિન ઉથપ્પાની સાથે પ્રથમ વિકેટ માટે 28 રનની ભાગીદારી કરી હતી. ઋતુરાજ બાદ મોઈન અલી અને ઉથપ્પાએ ઈનિંગ સંભાળી. બંનેએ 7.3 ઓવરમાં 84 રન સુધી ટીમને પહોંચાડી. અહીં ઉથપ્પાના રૂપે ટીમની બીજી વિકેટ પડી હતી. ઉથપ્પા આઠ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 27 બોલમાં 50 રન બનાવી પવેલિયન ફર્યો હતો.
બે વિકેટનું પતન થયા બાદ મોઈન અલી અને શિવમ દુબેએ ટીમને 100 રનના સ્કોરની પાર પહોંચાડ્યા હતા. 11મી ઓવરની પ્રથમ બોલમાં મોઈન અલી આવેશ ખાનના હાથે ક્લિન બોલ્ડ આઉટ થયો હતો. મોઈને 22 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 35 રન બનાવ્યા હતા. શિવમ દુબે અને અંબાતી રાયડુએ મળી 60 રનની ભાગીદારી નોંધાવી હતી. રાયડુએ વીસ બોલમાં 27 રન ફટકાર્યા હતા. શિવમ દુબેએ 30 બોલમાં 49 રન ફટકાર્યા અને હાફ સેન્ચુરીથી એક રન દૂર હોય ત્યારે આઉટ થઈ ગયો હતો. દુબેએ 166.33ની સ્ટ્રાઈક રેટ સાથે ઈનિંગમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યાં હતા.

19મી ઓવરમાં ક્રિઝ પર ઉતરેલા પૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ પ્રથમ બોલમાં જ સિક્સ ફટકારી વિધ્વંસક શરુઆતની આગાહી કરી દીધી હતી. ધોનીએ અંતિમ 10 બોલમાંથી છ બોલનો સામનો કરી બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 266.67ની સ્ટ્રાઈક રેટ સાથે અણનમ 16 રન બનાવ્યા હતા. અંતિમ ઓવરમાં ચૈન્નઈને ઉપરા છાપરી બે ઝટકા લાગ્યા હતા. રવીન્દ્ર જાડેજા 17 રન બનાવી આઉટ થયો હતો. તો ડ્વેન પ્રિટોરિયસ ડેબ્યુ આઈપીએલ મેચમાં શૂન્ય પર પવેલિયન પરત ફર્યો હતો. ચૈન્નઈ સુપર કિંગ્સનો મજબૂત સ્કોર હોવા છતાં રવીન્દ્ર જાડેજાના સુકાનીપદે સતત બીજી વખત પરાજય વહોરવાનો વારો આવ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત