Homeગામનાં ચોરેઈંટોનો કાટમાળ તૂટી પડ્યો અને જે હાડપિંજર હાથમાં લાગ્યું તે બહાદુર શાહ...

ઈંટોનો કાટમાળ તૂટી પડ્યો અને જે હાડપિંજર હાથમાં લાગ્યું તે બહાદુર શાહ ઝફરનું હતું ? છેલ્લો મુઘલ!

સવારનાં પાંચ વાગ્યા હતા. પથારીમાં પડેલો ડોસો ઉધરસ ખાતો હતો. તેણે આકાશમાં ટમટમતા તારાઓને જોયા અને પછી લકવાના ત્રીજા હુમલાએ તેના પર પ્રાણઘાતક હુમલો કર્યો. અંગ્રેજીમાં કહેવાય પેરેલિસિસ. સાત નવેમ્બરની સવારે પાંચ વાગ્યે એમનું મોત થઈ ગયું. જેનું મોત થયું તે ઈતિહાસમાં છેલ્લા મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફરના નામે ઓળખાય છે. શેર-શાયરી કરનારા મોજીલા મુઘલ બાદશાહ. જેમના દરબારમાં ગાલિબ હતો.

મરવાનો તો તે પહેલા જ હતો. 26 ઓક્ટોબરથી તેમનું શરીર કામ નહોતું કરી રહ્યું. ભોજન માટે આગ્રહ કરવામાં આવતો, તો તે મોઢું કળવું કળિયાટું ખાધુ હોય તેવું કરી લેતો હતો. દિવસે ને દિવસે તેની સ્થિતિ બગડતી ગઈ અને છેલ્લે 2 નવેમ્બરની સાંજે સ્થિતિ અત્યંત નબળી થઈ જતા તે મૃત્યુ પામ્યો. 3 નવેમ્બરના રોજ તેને ડોક્ટર જોવા માટે આવેલા ત્યારે તેણે કહ્યું કે, ‘આમની સ્થિતિ ખૂબ જ દારૂણ છે જમવાની વાત તો દૂર રહી પણ તેમના ગળા નીચેથી થૂંક પણ નથી ઉતરતું. આવી સ્થિતિમાં આ માણસ કેવી રીતે જીવી શકે.’

તેમની સારવાર કરી રહેલા ડોક્ટર સૈયદ મહેંદી હસને ટાંક્યું છે કે, ‘6 નવેમ્બરના રોજ તેમને ગળાના ભાગે લકવો મારી ગયો હતો. તેમનું શરીર જીર્ણ થઈ ગયું હતું. એ નબળા પડી રહ્યાં હતા. અંતે 7 નવેમ્બર 1862ના રોજ તેમનું મૃત્યુ થઈ ગયું. એમનું નિધન થયું ત્યારે તેઓ અંગ્રેજોની કેદમાં હતા. રંગૂનમાં. આજે એ જગ્યા યાંગૂન તરીકે ઓળખાય છે. ખૂદ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ તેમની કબર પર ગયેલા છે.

Narendra Modi

સવારે મૃત્યુ પામનારા ડોસાને સાંજના ચાર વાગ્યાની આસપાસ રંગૂનમાં દફન કરવામાં આવ્યો. ઉંમર હતી 87 વર્ષની. રંગૂનમાં જે ઘર પર તેમને કેદ કરવામાં આવ્યા હતા તેની પાછળના ભાગમાં જ તેમની કબર બનાવવામાં આવી. કબર બન્યા પછી જમીનને સમતલ કરી દેવામાં આવી. અધિકારીઓ દ્રારા એવું પણ કહેવામાં આવ્યું કે ધ્યાન રહે તેમની કબર વિશેની ઓળખ છતી ન થાય. તેમને દાંટવામાં આવ્યા ત્યારે તેમની કબર પર તેમના બે છોકરાઓ ઉપસ્થિત હતા અને એક તેમનો નજીકનો કર્મચારી હાજર હતો. જે કોણ હતો તેની ઈતિહાસમાં કોઈને જાણકારી નથી.

સૈયદ મહેંદી હસને લખ્યું છે કે, તેમની કબરની આસપાસ વાસના લાકડાથી બનાવવામાં આવેલો એક વાડો હતો. પણ સમય જતા ધીમે ધીમે એ વાડો પણ નષ્ટ થઈ ગયો. તેની જગ્યાએ ઘાસ ઉગવા લાગ્યું. વધારે ઘાસ ઉગતા કબર અહીં છે કે નહીં તે પણ ઘણાને ખ્યાલ નહોતો રહ્યો. ચોમાસામાં વરસાદ પછી ઠેર ઠેર ઉગી નીકળતા ઘાસ જેવી એ જમીન હતી. જેવી મારા કે તમારા ઘરની સામે ઉગી નીકળે.

ભારતના ઈતિહાસકાર હરબંસ મુખિયા દ્રારા લખવામાં આવ્યું છે કે, અંગ્રેજોએ તેમને વધારે લોકોને જાણ ન થાય આ રીતે દફનાવી દીધા અને જમીન સમતલ કરી નાખવામાં આવી. જેથી તેમની કબર ક્યાં છે તેની વાસ્તવિક માહિતી કોઈ પાસે નહોતી. બહાદુર શાહ ઝફરની તો ઈચ્છા હતી કે તેમને દિલ્હીના મહરૌલીમાં દફન કરવામાં આવે. પણ તેમની છેલ્લી ઈચ્છા પૂર્ણ ન થઈ.

વિલિયમ ડેરેમ્પલે લાસ્ટ મુઘલ નામના દળદાર પુસ્તકમાં લખ્યું છે, ‘1882માં બહાદુર શાહ ઝફરની પત્ની ઝિનત મહલની મોત થઈ ત્યાં સુધી કોઈને યાદ ન હતું કે બહાદુર શાહ ઝફરની કબર ક્યાં આવેલી છે. જેથી તેમના મૃતદેહને એ જગ્યાએ જ વૃક્ષની નજીક દફનાવી દેવામાં આવ્યો.’

1903ની સાલમાં ભારતનાં કેટલાક પર્યટકો બહાદુર શાહ ઝફરની કબર પર જઈ માથુ ટેકવવા માગતા હતા. આ એ સમય હતો જ્યારે લોકો ઝિનત મહલની કબરની જગ્યા પણ ભૂલી ચૂક્યા હતા. સ્થાનિક ગાઈડે એક વૃક્ષ તરફ ઈશારો કર્યો અને લોકો ત્યાં ગયા. આ વિશે ડેરેમ્પલે લખ્યું છે, ‘1905માં મુઘલ બાદશાહની કબરની ઓળખ અને તેને સન્માન દેવાના પક્ષમાં રંગૂનમાં મુસલમાન સમુદાયે અવાજ ઉઠાવ્યો. પ્રદર્શનો મહિનાઓ સુધી ચાલતું રહ્યું. પાણી માથા માથેથી જતા 1907માં બ્રિટીશ પ્રશાસન એ વાત પર રાજી થયું કે હા તેમની કબર પર પથ્થર મુકવામાં આવશે.

પથ્થર પર લખવામાં આવશે કે, બહાદુર શાહ દિલ્હીના પૂર્વ બાદશાહ રંગૂનમાં 7 નવેમ્બર 1862માં મૃત્યુ પામ્યા. આ જગ્યાની નજીક જ દફન કરવામાં આવ્યા હતા. એ જ વર્ષે મોડું ન કરતાં બહાદુર શાહ ઝફરની પત્ની ઝિનત મહેલની કબર પર પણ પથ્થર મુકવામાં આવ્યો.

1991ની સાલમાં અહીં એક ગટરનું ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. ખોદકામ દરમિયાન ઈંટોથી બનેલી કબર મળી અને એક હાડપિંજર હાથ લાગ્યું. રંગૂનમાં બહાદુર શાહ ઝફરની કબરના ટ્રસ્ટી અને પ્રબંધક કમિટીના સદસ્ય સહિત મ્યામારના ઈસ્લામિક સેન્ટરના મુખ્ય કન્વેનર અલહાઝ યુઆઈ લુઇને કહ્યું કે, ‘લોકોએ પોતે જ એવું માની લીધું કે જ્યાંથી કંકાલ નીકળ્યું છે એ બીજા કોઈની નહીં પણ બહાદુર શાહ ઝફરની જ કબર છે.’

આ પાછળના કેટલાક કારણો રોચક છે. જેમાનું એક છે : બહાદુર શાહ ઝફરને મુસ્લિમોના રિવાજ અનુસાર દફનાવવામાં આવ્યા, પણ અંગ્રેજોએ જાણી જોઈને તેમની કબર ઉપર પથ્થર ન મૂક્યો કે કોઈ નિશાની પણ ન રાખી. જ્યારે આવું કરવામાં આવ્યું હતું તો લોકો ઈંટ તૂટતા મળેલા હાડપિંજરને બહાદુર શાહ ઝફરનું હાડપિંજર માનવા લાગેલા.

ગાલિબ પર લખાયેલા એક પુસ્તકમાં પવન કુમાર વર્માએ લખ્યું છે કે, ‘શુક્રવાર 7 નવેમ્બર 1862ના રોજ અબુઝફર સિરાઝુદ્દીન બહાદુર શાહને બ્રિટન અને તેના શરીરની કેદમાંથી મુક્તિ મળી ગઈ. આપણે ઈશ્વર પાસેથી જ આવ્યા છે અને આપણે ઈશ્વર પાસે જ જવાનું છે.’

60 વર્ષની એક સ્ત્રી. નામ છે તેનું સુલ્તાના બેગમ. આ સુલ્તાના બેગમ એ બહાદુર શાહ ઝફરના સીધા વારસદાર થાય. પૌત્રવધુ તરીકેનો તેમનો સંબંધ છે અને ઝૂંપડીમાં રહે છે. શાહી વિરાસત હોવા છતાં તેઓ ઝૂંપડીમાં જ રહી સામાન્ય પેન્શન પર જીવન વ્યતિત કરે છે. તેમના પતિ રાજકુમાર મિર્ઝા બેદર બખ્તની વર્ષ 1980માં મૃત્યુ થઈ ગઈ. કલકત્તાની હાવડાની ઝુગ્ગી ઝૂંપડીની મુલાકાતે જાઓ અને સામે અથડાય જાય તો ખબર પણ નહીં પડે કે ઈતિહાસ અથડાયો !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments