Homeતાપણુંહે ચાબુક લીંબડીમાં અપક્ષ ઉમેદવારને જેકપોટ લાગી જાય તો નવાઈ નહીં બાપલિયા

હે ચાબુક લીંબડીમાં અપક્ષ ઉમેદવારને જેકપોટ લાગી જાય તો નવાઈ નહીં બાપલિયા

તે હે ગોવાબાપા પરેશભાઈએ પહેલાં તો 15-15 કરોડની વાત કરેલી હવે એક કરોડ વધી કેમ ગયા ?

તે હે ચાબુક ગુજરાતના રાજકારણમાં ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. કોંગ્રેસ અને ભાજપ પોત પોતાની રીતે પ્રચાર કરવામાં વ્યસ્ત છે. એમાંય સોશિયલ મીડિયાનું તો શું કહેવું ? સોશિયલ મીડિયાના ચોરે વાતો થાય છે કે ચૂંટણી તો કોંગ્રેસ વિરૂદ્ધ કોંગ્રેસની જ છે. ભાજપ તો ક્યાંય દેખાતી જ નથી. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ઉમેદવારો અને કોંગ્રેસે ઊભા કરેલા નવા ઉમેદવારો. કોંગ્રેસના જૂના જોગીઓ અને કોંગ્રેસના નૂતન જોગીઓ.

ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી હતી ત્યારે એક પછી એક ધારાસભ્યની વિકેટ ખેરવી ભાજપે રાજ્યસભાની સીટો મેળવી. હવે ખાલી પડેલી ધારાસભ્યોની સીટ પર પેટાચૂંટણી યોજાવાની છે. પ્રતાપભાઈ દૂધાતે પણ કહ્યું કે, જે.વી કાકડિયા તો 16 કરોડમાં વેચાણા. એમણે કંઈ હળવાશમાં ન કહ્યું ચાબુક, ‘‘એક હજાર વખત છાતી ઠોકીને કહ્યું કે કાકડિયા 16 કરોડમાં વેચાણા છે.’’ એટલે પરેશભાઈ પણ બોલ્યા કે 16-16 કરોડમાં. બાકી ચાબુક પરેશભાઈ પેલા બોલતા એ ટોન મને ખૂબ ગમતો, ‘પોતાનાને રાખ્યા અંદર અને પારકાને પંદર પંદર.’

પરેશભાઈએ તો એકસામટી અગણિત ટ્વીટમ-ટ્વીટો કરી જવાબ માગ્યા છે. અને ચાબુક એ તું વાંચીશ તો તને લાગશે કે પરેશભાઈ બોલીને જેટલો હુમલો નથી કરી શકતા તેનાથી વધારે તો લખીને કરી શકે છે.

‘તો ગોવા બાપા, આપણે પરેશભાઈને ચાબુકમાં લખવા લઈ લઈએ તો કેવું ?’

‘તું મૂંગો રે અને પરેશભાઈએ કરેલી ટ્વીટો વાંચ. આપણા તંત્રીને પરેશભાઈ સારું લખે એ ન કહેતો, બાકી મને માંડ માંડ રાજકારણની કોલમ મળી છે એ પણ હાથમાંથી જાહે.’

અપક્ષોનો ફાટ્યો રાફડો

તે હે ચાબુક. ગુજરાતમાં અપક્ષ ઉમેદવાર તરીકે કોઈ પોપ્યુલર હોય તો તે જીજ્ઞેશભાઈ મેવાણી. વડગામના ધારાસભ્ય અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા પછી અપક્ષોની રીતસરની લાઈનો લાગી હતી કે અમે જીતી જઈએ, અમે ડંકો વગાડી દઈએ. અને હવે થોડું ઘણું પેટા ચૂંટણીમાં પણ આવું વાતાવરણ સર્જાયું છે. 8 બેઠકો પર 71 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. મને લાગે છે ચાબુક, ટૂંક સમયમાં ધારાસભ્ય પદમાં પણ એક સીટ પર એક લાખ ફોર્મ ભરાઈ તો નવાઇ નહીં, કારણ કે બેરોજગારોની સંખ્યા દિનપ્રતિદિન વધતી જઈ રહી છે. એમાં ભણેલા ધારાસભ્ય મળી જાય તો એનથી રૂપાળું કંઈ નથી. લીંબડી બેઠક પર 32 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ગઢડામાં 16 અને મોરબીમાં કુલ 22 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. હજુય કેટલાક ઉમેદવારોના ફોર્મ તપાસવાના બાકી છે. જો આમ જ રહ્યું તો 120 અપક્ષો થશે.

ભાજપ પ્રચારમાં તેજ

બેટા ચાબુક… ભારતીય જનતા પાર્ટી આજથી પોતાનો પ્રચાર તેજ કરવાની છે. એમણે કુલ 30 સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. કોઈ પણ ચૂંટણી પ્રચાર પહેલા તેઓ જ્ઞાતિવાદી સમીકરણને ધ્યાનમાં રાખે છે. પુરષોત્તમ રૂપાલા, હિરાભાઈ સોલંકી, મનસુખ માંડવિયા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ સહિતનો કાફલો મેદાને છે. આ ઉપરાંત અમિત શાહ ચાર દિવસ ગુજરાતના પ્રવાસે છે. પણ નાદુરુસ્ત તબિયત હોવાના કારણે તેઓ કોઈ મોટા નેતાઓને નહીં મળે. માણસા ખાતે તેઓ કુળદેવીના દર્શન કરવા જશે. ચાબુક માતાજીને પ્રાર્થના કરીએ કે ગુજરાતમાંથી અમિત ભાઈ પાછા દિલ્હી જાય ત્યારે હતા એવા જ સ્વસ્થ થઈ જાય. જય માતાજી.

સોમાભાઈમાં કોંકડુ ગુચવાયું

આ દુનિયામાં પૃથ્વી ગોળ છે એવું ગેલેલિયો અને સોમાગાંડા બંનેએ સાબિત કર્યું છે. ગુજરાતના રાજકારણમાં આવી વાતો થાય, ત્યારે કોણે કહ્યું કે રાજકારણીઓ અભ્યાસુ નથી, આ વાત પરથી વિશ્વાસ ઉઠી જાય. આ જો ચાબુક, નેતાઓ અને રાજકીય વિવેચકો ગેલેલિયોને પણ ઓળખે છે.

પણ ગોવા બાપા સોમાભાઈ ગાંડાએ પૃથ્વી ગોળ છે આવું કઈ રીતે સાબિત કર્યું ?

જો ચાબુક 1983માં તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા. 1997માં રાજપા સાથે જોડાયા. 2004માં ફરી ભાજપમાંથી લોકસભાની ટિકિટ મેળવી પછી 2005માં કોંગ્રેસમાં ચાલ્યા ગયા. કોંગ્રેસમાંથી તેઓ વિધાનસભાની ત્રણ ચૂંટણી લડ્યા અને હવે 2020માં તેઓ પુન: કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપ સાથે જોડાયા છે. આજે પણ પૂર્વ MLA સોમાભાઈ ગાંડાએ ચૂંટણી ફોર્મ નથી ભર્યું. હું જગમાલની દુકાને બીડી પીવા ગયો ત્યારે એમણે અંદરખાને ગોઠવણ કરી હોવાની વાતો થતી હતી. હવે વાતો થઈ રહી છે કે તેમની રાજકીય કારકિર્દી પૂર્ણ થઈ ચૂકી છે? ચાબુક મને તો નથી લાગતું કે સોમાભાઈની રાજકીય કારકિર્દી પૂર્ણ થઈ હોય. આટલું ઘુમનારા સોમાભાઈ શક્ય છે વધુ એક રાઉન્ડ મારી આવે.

લીંબડીમાં કોળી સમુદાયમાં રોષ ‘નો.. એન્ટ્રી’

હે ચાબુક વર્ષોથી લીંબડી બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ રહ્યું. આ વખતે અતૂટ અને અખંડ એવી પરંપરા તૂટી છે, કારણ કે કોંગ્રેસ અને ભાજપ બંનેએ ક્ષત્રિય ઉમેદવારોને ટિકિટ આપી છે. હવે ત્યાં નો એન્ટ્રીના પોસ્ટર વાઈરલ થયા છે. ‘કુંવરજીભાઈ બાવળિયાને નો એન્ટ્રી, પુરષોતમ સોલંકીને નો એન્ટ્રી, ભારતીબેન શિયાળને નો એન્ટ્રી, હીરા સોલંકીને નો એન્ટ્રી, બીજી બાજુ કોંગ્રેસના MLA ઋત્વીક મકવાણા અને પૂંજા ભાઈ વંશને પણ નો એન્ટ્રી.’ સલમાન ખાનને પણ ખબર નહીં હોય કે તેની નો એન્ટ્રી ફિલ્મ અચાનકથી આટલી ચર્ચામાં છે. હવે કોળીભાઈઓ ભેગા થઈ અપક્ષ ઉમેદવારને જીતાડવાની કવાયત આદરતા હોવાનું સામે આવ્યું છે.  ભાજપે મોટી સંખ્યામાં કોળી સમાજમાંથી સ્ટાર પ્રચારકો ઉતાર્યા છે, પણ હવે કોળીભાઈઓ તેમનાથી ખફા છે.  

છેલ્લે તો મને સમાચાર મળ્યા કે લીંબડીમાં ગોપાલભાઈ મકવાણા નામના અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું છે. એ ઋત્વિજભાઈ મકવાણાના ભત્રીજા થાય. ઉપરથી એમણે અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું. જોઈએ ક્યાંક લીંબડીમાં અપક્ષ ઉમેદવારને જીતનો જેકપોટ લાગી જાય તો નવાઈ નહીં. અને જીતી જાય તો આનાથી સારું શું છે ? આમેય હાર્દિકભાઈ પટેલ નથી કહી રહ્યા, ગમે તે એક બેઠક હારીશું, હે મારી માવડી ક્યાંક આ જ ન નીકળે!!

‘બોલ ચાબુક. આમ ગુજરાતની ચૂંટણીના સમાચાર સાંભળી તને મજા આવી.’

‘હા ગોવાબાપા મજા તો આવી, પણ મારે કહેવાનું ખાલી એટલું જ છે કે હું અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરી દઉં? આમેય બેરોજગાર જ છું.’

[ગોવાબાપાની અનુભવી કલમે લખાયેલા રાજકારણના હળવાફૂલ સમાચારો વાંચવા માટે જોડાયેલા રહો ચાબુક સાથે.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments