Homeવિશેષ‘એલા આ ચાબુક છે શું ?’ - હવે તમે જ ક્લિક કરી...

‘એલા આ ચાબુક છે શું ?’ – હવે તમે જ ક્લિક કરી જાણી લ્યો ને ભાઈ!

વેબસાઈટ તમે ખોલતા નથી. ફેસબુકના માધ્યમ દ્રારા તેની પોસ્ટ તમારી સામે આવે છે. પછી તમારે હસ્તઅંગુષ્ઠ દ્રારા તેમાં પ્રવેશ કરવાનો હોય છે. આમ તો ઘણી વેબસાઈટો લખે પણ હું તમને એક ઉદાહરણ આપું છું. ‘‘દેવરે ભાભીની રાતે કરી નાખી એવી હાલત, કે ભાભી રાડો પાડી પાડીને….’’

સેક્સનું પણ એક સ્તર હોય છે. ભારત તો કામસૂત્ર અને શૃંગારનો દેશ છે એવું અવાર નવાર વાંચીએ છીએ. કામુક સાહિત્ય (ઈરોટીક લિટરેચર)નો ભર્યોભર્યો ઈતિહાસ છે. અંગ્રેજીમાં તો તેનો ઉદ્યોગ ફાટી નીકળ્યો છે. ઓશો રજનીશ અને ખુશવંત સિંહે સેક્સ વિશે શું કહ્યું તે લખાવું જોઈએ, પણ તેવું તો દેખાતું જ નથી. તેની જગ્યાએ ચોંકી જશો… ઓ બાપ રે… જેવું વાંચવા મળે. અહીં ‘‘કામની વાતો’’ પણ એક સ્તરની થશે. સાવ કાઢી નાખ્યા જેવી નહીં થાય, કારણ કે તમે અમારા માટે કંઈ થોડા કાઢી નાખ્યા જેવા છો.

મેઘાણીથી લઈને સંઘાણી સુધીનાં પત્રકારત્વની જે વાતો સ્ટેજગમન પર કે સોશિયલ મીડિયા પર લાંબો લેખ ઢસડીને કરીએ છીએ તેનું ભવિષ્ય કેવું છે તે ચિંતાનો વિષય ઉપરનું વાક્ય દર્શાવે છે. અમારો ઉદ્દેશ્ય કોઈ મહાન પત્રકારત્વનું કાર્ય કરવાનું નથી. ગુજરાતનાં ઘણા પત્રકારો એ કરી રહ્યાં છે. અમને તો એવું આવડતું પણ નથી. પણ અમારી પાસે એક વિઝન છે. અને જો તમારી કૃપાથી એ વિઝન દોડી ગયું તો ઓનલાઈન ગુજરાતી પત્રકારત્વ પણ દોડવા લાગશે.

અહીં તમને સમાચાર એવી રસાળ શૈલીમાં પીરસીશું કે તમે વારંવાર અહીં આવશો. ન્યૂઝ નહીં આપીશું વ્યૂઝ આપીશું. અમે તેમાં હાસ્યનો મસાલો ભભરાવીશું. માહિતી આપીશું તો લાંબી આપીશું. ઉતાવળે નહીં આપીએ. રાષ્ટ્રીય સ્તરે લલ્લ્નટોપના વખાણ થાય છે. અમારી પાસે એવી તાકાત તો નથી. પણ મહેનત છોડશું નહીં.

આ વેબસાઈટ બનાવવા માટે પાંચ ટકા જેટલું લલ્લનટોપ અમારા માટે માર્ગદર્શનરૂપ બન્યું. એનડીટીવી બન્યું. નિલેશ મિશ્રા બન્યા. મુલાકાત વિના માર્ગદર્શન આપનારા આ માર્ગદર્શનકારોનો આભાર માનું તેટલો ઓછો છે.

પત્રકારત્વ તો કેટલાક એન્કરોના પ્રચંડ બરાડા વચ્ચે અને TRPનાં તપેલા હેઠે ઘસાઈ ઘસાઈને કાળું પડી ગયું છે. એ તમને બિલોરીકાચ વડે કે ઠિકરાથી ઘસી ઘસીને પણ દેખાવાનું નથી.

અમે લૂંટફાટ, ગુનો, રોડમાં ગાબડા પડી ગયા જેવી ખબરો એવી રીતે તમારી સામે રાખીશું કે બે ઘડી તમે હળવા થઈ જશો. દોડભાગ અને સોશિયલ મીડિયાના જમાનામાં પત્રકારત્વ હવે કઠોરની જગ્યાએ હળવાફુલ બનીને પીરસવાની પણ નોબત આવી ગઈ છે. એ તમે પણ જાણો છો.  

ત્રણ મહિના પહેલાં આ વિચાર આવેલો. ખૂબ વિચાર કર્યા પછી મેદાને પડ્યા છીએ. વેબસાઈટની કેટેગરી પણ જેવી તેવી નથી. અહીં સાહિત્ય, સિનેમા અને પ્રવાસ આ ત્રણેને સમાચારની સાથે ભારોભાર પીરસવામાં આવશે. વિગતવાર વાત કરીએ.

વિશ્વભરની ખબરો મેળવવા માટે ગામનો ચોરો છે. આપણા ભાભલાઓને ગામના ચોરે બેઠા બેઠા સકળ બ્રહ્માંડની માહિતી મળી જતી હતી. સીસીટીવીના જમાનામાં આ યોગ્યતા તેમણે કેવી રીતે મેળવી તે કોઈને ખબર નથી. આ ડોસાઓને ધ્યાનમાં રાખીને જ ગામનો ચોરો જેવી કેટેગરીનું સર્જન થયું છે. તાપણુંમાં રાજનીતિના સમાચાર આવશે. શિયાળામાં તાપણું સળગતું રહે તો કેવું ગમે ? બસ એમ આ તાપણું પણ સળગતું રહેશે. પણ હ્યુમર સાથે. કોઈની ટીકા કરવાનો અમારો ઉદ્દેશ્ય નથી. જે બધા દેખાડશે તે જ અમે દેખાડીશું. ફર્ક માત્ર એટલો કે નેતાજીને પણ મઝા આવી જાય તેવી રીતે બતાવીશું.

અમદાવાદ પરથી રચના કરી છે સિનેમાવાદની. સૌને ગમતો વિષય છે. ફિલ્મના રિવ્યૂ. એ તો હશે જ પણ ફિલ્મના કલાકારોની બાયોગ્રાફીથી લઈને સિનેમા ક્ષેત્રની કોઈ મોટી ખબર હશે તો અહીં તમને મળી જશે. ફલાણી હિરોઈન બિકીની પહેરીને બીચ પર દેખાય એવો બૌદ્ધિક સ્ટાફ અમારી પાસે નથી. સાહિત્ય છે. જેમાં કંઈ કહેવાનું રહેતું નથી.

સૌથી વધારે ગમે છે વિશેષ. તમે અમને સવાલ પૂછો અમે તેના જવાબ આપીએ. જ્ઞાન એ જ તો જીવનનો હેતુ છે. આ સિવાય લેખકો અને ફિલ્મ સાથે સંકળાયેલા લોકોના ઈન્ટરવ્યૂ પણ અહીં છપાશે. સાક્ષાત્કાર જેને કહેવાય ઈન્ટરવ્યૂ એ હવે જોવાય છે. વંચાતા નથી. વિનોદ ભટ્ટે કહ્યું છે, ‘ચંદ્રકાંત બક્ષી કોઈ લેખક પર ગુસ્સે થઈ જતા તો સામાયિકમાં ઈન્ટરવ્યૂ આપતા.’ છેલ્લા કેટલાય સમયથી લેખકોના ઈન્ટરવ્યૂ જ નથી જોયા. વચ્ચે કોકટેલ ઝિંદગીએ સારો પ્રયાસ કર્યો હતો.

કાઠિયાવાડી શબ્દ છે. આ તો જો ઘુમ્યા જ રાખે છે. ઘુમવું એટલે ફરવું કે રખડવું. તેના પરથી આવ્યો છે ઘુમેશ્વર. આ શબ્દ અહીં પ્રવાસના સંદર્ભે લેવાનો છે. ઘુમેશ્વરની ઓળખ વિશેષની પેટા કેટેગરી તરીકેની છે. અમે તો પ્રવાસોની માહિતી મુકીશું જ, પણ જો તમે કોઈ સારો પ્રવાસ કર્યો હોય તો તમારા ફોટોગ્રાફ સાથેનો લેખ [email protected] પર મોકલી આપો. તમારું લખાણ સારું લાગ્યું તો તમારો ફોટો અને એ લેખ અમે મૂકીશું. ઘુમેશ્વર એ ફક્ત ચાબુકની નહીં પણ ગુજરાત આખાની શ્રેણી છે.

તમે નહીં માનો. દિવસમાં એક કે બે જ મોટી ખબર હોય છે. બીજી નાની ઘટનાઓને મોટી બનાવીને પીરસવામાં આવે છે. પણ તમને એ ખબરો પણ માથામાં ઘુસાડવાની આદત બની ગઈ છે. હું ચિત્ર સ્પષ્ટ કરી દઉઁ. અમરેલીમાં બેસેલા વ્યક્તિને અમદાવાદની ઘટનાથી કંઈ લેવા દેવા નથી. છતાં એ મીડિયા એવી રીતે દર્શાવશે કે તમે પણ જુઓ…. જુઓ… જુઓ જ…

મહત્વનું છે અને ક્યાંક ને ક્યાંક સિવાય પણ મીડિયાએ કંઈક નવું બોલવું જોઈએ. લખાવું જોઈએ. કેનાલમાં ગાબડુ પડી ગયું એ વારંવાર દર્શાવવાની જરૂર નથી. મૃત્યુને મૃત્યુની દ્રષ્ટીએ લેવું જોઈએ એને ચોળીને ચીકણું ન કરવું જોઈએ. નહીંતર પ્રથમ નંબરે આવવાવાળા પણ બીજા નંબરે આવી ગયાના, નવા પ્રથમ નંબર વાળા પોતાની ચેનલ પરથી દાખલા દે છે.

અહીંયા અમે પુસ્તકો વાંચી વાંચીને, છાયણો મારી મારીને માહિતી આપીશું. બેસતા વર્ષમાં તમે કોઈના ઘરમાં પ્રવેશો તો કેટલી સરસ રંગોળી હોય. આ તંત્રી લેખ પણ એવો જ છે. જેના દ્રારા ગુજરાતની જનતાને અમે એટલું જ કહેવા માગીએ છીએ, કે અમારી કોઈ માહિતીમાં તમારો રસ ન જળવાય, અમારાથી કોઈ લેખમાં કચાશ રહી જાય, તો બધાની સામે અમે તમને ટોકવાની પૂરતી છૂટ આપીએ છીએ. પણ એવું ન થાય તેની જવાબદારી અમારે લેવાની છે.  

આમ તો ચાબુક કોઈને ફટકારવા જેવું નામ લાગે, પણ એવું છે નહીં. કેટલાક લોકો ચાના ખૂબ બંધાણી હોય છે અને ચાના બંધાણીઓને સાથે ચોપડી આપી દો તો કેવું લાગે ? બસ આમ જ વિચાર આવ્યો અને સ્ફૂર્યું ‘ચાબુક’ બીજું કે અંગ્રેજીમાં Chabook આવે. પણ અમે અંગ્રેજીમાં Chabuk રાખ્યું છે. બરાબર સમજ્યા આ વખતે ફટકારવાનું થયું.

વેબસાઈટમાં લટાર માર્યા પછી ઘણા કહેશે કે આ તો ક્લાસની માહિતી છે. તો શું તમે ક્લાસમાં નથી આવતા ? તમે બુદ્ધીજીવી નથી ? તમને સારું જાણવાનો શોખ નથી ? હવે જે વાંચો તે સારું વાંચો. કોઈ બીજી વેબસાઈટમાં ન હોય તેવી માહિતી આપવાની અમે પુરતી કોશિશ કરી છે. ખૂબ મહેનતથી વેબસાઈટ બનાવી છે. કેટલાક મિત્રોએ લખાણ દ્રારા મદદ કરી છે તેનો પણ આભાર. હવે જેમને ચાબુક પ્રવેશ કરીને જો મઝા આવે તો એમનો પણ આભાર. આગે સે ચલી આતી હૈ… પર કટકો મારું છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments