Team Chabuk-Sports Desk: IPL 2021ના સમાપનની સાથે આઈસીસી T20 વિશ્વકપની હવે શરુઆત થવાની છે. વિશ્વકપની પૂર્ણાહુતિ સાથે જ ભારતીય ટીમની ઉપર એક બીજી સમસ્યા આવશે. અને એ સમસ્યાનું નામ છે T20ના ભારતના નવા કોચ કોણ? વિરાટ કોહલી પણ ટી ટ્વેન્ટી વિશ્વકપ બાદ બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ટી ટ્વેન્ટીના કેપ્ટન પદ પરથી રાજીનામું આપવાનો છે. કેપ્ટન તો ટીમમાંથી જ મળી જશે, પણ કોચ એક તકલીફભર્યું કામ છે. સમાચાર મળી રહ્યા છે કે ન્યૂઝીલેન્ડની વિરૂદ્ધ યોજાનારી સિરિઝ માટે રાહુલ દ્રવિડને અંતરિમ કોચની જવાબદારી સોંપવામાં આવી શકે છે.

T20 વિશ્વકપ પૂર્ણં થતાં જ ભારતીય ક્રિકેટ ટીમના કોચ અને સપોર્ટ સ્ટાફનો કાર્યકાળ પૂર્ણ થઈ જશે. એવામાં નવા કોચના આવતા સમય લાગી શકે છે. જોકે ભારતીય ટીમના કોચની જવાબદારી માટે ઓસ્ટ્રેલિયાના કેટલાય ખેલાડીઓએ રસ દાખવ્યો છે. આ તરફ બીસીસીઆઈ ઈચ્છે છે કે કોચ ભારતીય ટીમનો કોઈ પૂર્વ ખેલાડી જ બને.

એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, BCCI ઈચ્છે છે કે રાહુલ દ્રવિડ ભારતીય ક્રિકેટ ટીમના કોચ પદની ભૂમિકાને ફુલટાઈમ સંભાળે. જોકે એમણે આ વાતનો અસ્વીકાર કર્યો છે, કારણ કે તેઓ વધારે પ્રવાસ કરવા નથી ઈચ્છતા. વર્તમાન સમયે રાહુલ દ્રવિડ બેંગ્લોરમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીના પ્રમુખ છે. દ્રવિડ સિવાય ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે કેટલાક અન્ય કોચ સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો છે. હજુ સુધી કોઈ સકારાત્મક પ્રતિભાવ સાંપડ્યો નથી.

ભારતીય ક્રિકેટ ટીમના કોચ પદ માટે બીસીસીઆઈએ કોઈ ઓફિશ્યલી વિજ્ઞાપન પણ જાહેર નથી કર્યું. એ ટીમ માટે એક યોગ્ય કોચની શોધ કરી રહી છે. બોર્ડ ઈચ્છે છે કે તેઓ ખૂદ કેટલાક સાચા ઉમેદવારોની પસંદગી કરે. બીસીસીઆઈના અધિકારીએ જણાવ્યું હતું કે, ‘અમે ઈચ્છીએ છીએ કે કેટલાક એવા ઉમેદવારોને પસંદ કરીએ જે આ પદ માટે આવેદન આપવા યોગ્ય હોય. અમે એ સ્થિતિ નથી ઈચ્છતા કે અમને અરજી મળે અને પદ માટે કોઈ પણ આઈડિયલ ઉમેદવાર ન હોય. આવી સ્થિતિ બોર્ડ અને કેટલાક ખેલાડીઓ માટે પણ ઘણી શરમજનક હોય છે. જેથી એક સાચો ઉમેદવાર પસંદ કરવો અત્યંત જરૂરી છે. ત્યાં સુધી દ્રવિડને અંતરિમ કોચનો કાર્યભાર આપીશું.’

રાહુલ દ્રવિડે હાલમાં જ શ્રીલંકાના પ્રવાસે ગયેલી ભારતની બી ટીમમાં કોચની ભૂમિકા ભજવી હતી. જેમાં ટી ટ્વેન્ટીમાં ભારતનો વિજય થયો હતો, તો વન-ડેમાં ભારતીય ટીમમાં ફેલાયેલા કોરોના સંક્રમણના કારણે ખેલાડીઓને ક્વોરન્ટાઈન થવું પડ્યું હતું. ભારતીય ટીમને ટી ટ્વેન્ટી વિશ્વકપ બાદ ન્યૂઝીલેન્ડની સામે બે ટેસ્ટ અને ત્રણ ટી ટ્વેન્ટી મેચની સિરીઝ રમવાની છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત