Homeદે ઘુમા કેજ્યારે કપિલ દેવ તેની કારકિર્દીમાં એક ટેસ્ટ ન રમ્યો અને ભારતને એક...

જ્યારે કપિલ દેવ તેની કારકિર્દીમાં એક ટેસ્ટ ન રમ્યો અને ભારતને એક ક્લાસિક બેટ્સમેન મળી ગયો

Team Chabuk-Sports Desk : 5 ફેબ્રુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 4 મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. બંને ટીમ એકબીજાને ટક્કર આપવા તૈયાર છે. હાલમાં ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ બમણો થયો છે. તો ઈંગ્લેન્ડ પણ જીતના લક્ષ્ય સાથે મેદાને ઉતરશે. જો કે, આ સિરીઝ શરૂ થાય તે પહેલાં આપણે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી કેટલીક શાનદાર ટેસ્ટ મેચ પર એક નજર કરી લઈએ.

આરંભમાં ઈંગ્લેન્ડ ભારી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઘણી મેચ રમાઈ. 1932માં સી.કે.નાયડુની આગેવાનીમાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી અને એક ટેસ્ટ મેચ રમી હતી. ઇંગ્લેન્ડે આ મેચમાં 158 રને આસાન જીત મેળવી લીધી હતી. ત્યારબાદ ઇંગ્લેન્ડની ટીમ 1933–34માં ભારત આવી હતી અને 3 ટેસ્ટ મેચની સિરીઝ 2-0થી જીતી લીધી હતી.

1933-મુંબઈ, ઇંગ્લેન્ડે સિરીઝની પ્રથમ ટેસ્ટ 9 વિકેટે જીતી

આ ભારતની પ્રથમ ટેસ્ટ મેચ હતી. ચાર દિવસ ચાલેલી આ મેચ ઇંગ્લેન્ડે નવ વિકેટે આસાન જીત મેળવી લીધી હતી. જો કે, આ મેચને લાલા અમરનાથની સદી માટે પણ યાદ કરવામાં આવે છે. ભારત તરફથી ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર લાલા અમરનાથ પ્રથમ બેટ્સમેન હતા. તેમણે ભારતની બીજી ઇનિંગ્સમાં 118 રન ફટકાર્યા હતા. લાલાએ કેપ્ટન સી.કે. નાયડુની સાથે 186 રનની પાર્ટનરશીપ નોંધાવી હતી. જેમાં સી.કે.નાયડુના 67 રન સામેલ છે.

1952- ચેન્નાઇમાં પાંચમી ટેસ્ટ, ભારતે ઇનિંગ્સ અને 8 રનથી જીત મેળવી

1952માં ભારત ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટમેચ જીતી હતી. પાંચ ટેસ્ટ મેચની સિરીઝની છેલ્લી મેચમાં ભારતે ઈંગ્લેન્ડને મ્હાત આપી હતી. વીનુ માંકડે 55 રન આપીને 8 વિકેટ ઝડપી અને ઇંગ્લેન્ડનું ગાડુ 266 પર જ રોક્યું હતું. તો બીજી તરફ પંકજ રોયે 111 અને પાઉલી ઉમરીગરે અણનમ 130 રનનું યોગદાન આપી ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું. ભારતે પ્રથમ ઇનિંગ્સ 9 વિકેટે 457 રને ડિક્લેર કરી હતી. જવાબમાં ઇંગ્લેન્ડ 183 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. ગુલામ અહેમદ અને માંકડે બીજી ઇનિંગમાં 4-4 વિકેટ લીધી હતી. આ જીત સાથે પાંચ મેચની શ્રેણી 1-1થી ડ્રો રહી હતી.

1984-85- કોલકાતામાં ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો

આ મેચ દરમિયાન મોટો વિવાદ સર્જાયો તો. વિવાદનું કારણ હતું અગાઉની મેચ. સુનીલ ગાવસ્કરની કેપ્ટનશિપ હેઠળ ભારતે મુંબઈમાં સિરીઝની પહેલી મેચ 8 વિકેટે જીતી હતી. સિરીઝની બીજી ટેસ્ટ મેચ દિલ્હીમાં રમાઈ રહી હતી. ભારતે તેની છેલ્લી છ વિકેટ માત્ર 28 રનમાં ગુમાવી દીધી હતી. સંદીપ પાટિલ(41) અને કપિલ દેવ (7) રને ખરાબ શોર્ટ રમ્યા બાદ આઉટ થયા હતા. જેને ભારતની હારનું મુખ્ય કારણ માનવામાં આવ્યું હતું. વિવાદ એ હતો કે, કોલકાતામાં કપિલ દેવને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો. તો પાટીલને પણ સ્થાન મળ્યું ન હતુ. આ મેચ દરમિયાન નો કપિલ-નો ટેસ્ટના પોસ્ટર અને નારા લાગ્યા હતા. અંતિમ 11માં ઓલરાઉન્ડરને રાખવા બદલ લોકોએ સુનિલ ગાવસ્કરનો વિરોધ કર્યો હતો. કપિલની કારકિર્દીમાં કોલકાતાની મેચ એક માત્ર ટેસ્ટ હતી જેમાં તેને સ્થાન મળ્યું ન હતું. જોકે, આ મુદ્દે ગાવસ્કર ઘણી વાર સ્પષ્ટતા કરી ચુક્યા છે કે, કપિલને ટીમમાં સામેલ ન કરવાનો નિર્ણય તેનો નહીં પરંતુ સિલેક્ટર્સનો હતો. બીજી તરફ આ મેચ દરમિયાન જ ભારતને એક ક્લાસિક બેટ્સમેન મળ્યો. જેનું નામ હતું મોહમ્મદ અઝહરુદ્દીન. અઝરૂદ્દીને આ મેચમાં કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. એટલું જ નહીં ત્યારબાદની બે મેચમા પણ તેણે સતત સદી ફટકારી હતી. સતત ત્રણ મેચમાં સદી ફટકારવાનો અઝરૂદ્દીનનો  રેકોર્ડ હજુ અણનમ છે.

2008-ચેન્નાઇમાં પ્રથમ ટેસ્ટ, ભારતે છ વિકેટે જીત મેળવી

26 નવેમ્બર, 2008 મુંબઇમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ઇંગ્લેન્ડની ટીમે સિરીઝ અડધેથી જ છોડી દીધી હતી. જો કે, ટીમ ડિસેમ્બરમાં ટેસ્ટ સિરીઝ રમવા પરત ફરી હતી. આ દરમિયાન સચિન તેંડુલકરે કહ્યું હતું કે ઇંગ્લેન્ડે પરત ફરીને મોટું મન રાખ્યું છે. ભારતને આ ટેસ્ટ મેચમાં 387 રનનું લક્ષ્ય મળ્યું હતુ. આ મેચમાં ઇંગ્લેન્ડે લાંબા સમય સુધી ભારત પર દબાણ બનાવ્યું હતું. એન્ડ્રુ સ્ટ્રોસ અને પોલ કોલિંગવુડે સદી ફટકારી હતી. ઇંગ્લેન્ડે તેની બીજી ઇનિંગ 9 વિકેટે 311 રને ડિક્લેર કરી હતી. તેમણે વિચાર્યું ન હતું કે ભારત આ લક્ષ્ય સુધી પહોંચી જશે. જો કે, ગૌતમ ગંભીર અને વીરેન્દ્ર સહેવાગની જોડીએ ટીમને ઝડપી શરૂઆત આપાવી અને સ્કોરબોર્ડ પર માત્ર 108 બોલમાં 100 રનની પાર્ટનરશીપ નોંધાવી દીધી. સહેવાગે માત્ર 32 બોલમાં અડધી સદી ફટકારી હતી. તેણે 68 બોલમાં 83 રન બનાવ્યા  હતા. ગંભીરે પણ 66 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે રાહુલ દ્રવિડ 4 રને રન આઉટ થયો હતો. આ સમયે ભારતનો સ્કોર બે વિકેટે 141 હતો. બાદમાં સચિન તેંડુલકરે ગંભીરનો સાથ આપ્યો હતો. તેંડુલકરે અડધી સદી પૂર્ણ કરી અને વીવીએસ લક્ષ્મણની સાથે ટીમનો સ્કોર 200 રન સુધી પહોંચાડ્યો હતો.  ત્યારબાદ તેંડુલકરે યુવરાજ સિંહની સાથે ભારતને યાદગાર જીત અપાવી હતી. સચિને વિનિંગ શોટથી સદી પૂરી કરી હતી. વિજય બાદ યુવરાજે સચિનને ઉઠાવી લીધો હતો. સચિને 103 રનની ઈનિંગ મુંબઈ હુમલાના શહીદોને સમર્પિત કરી હતી.

2012-મુંબઇ, ઇંગ્લેન્ડે બીજી ટેસ્ટ 10 વિકેટે જીતી

ઇંગ્લેન્ડે 2012-13માં ભારતમાં ટેસ્ટ સિરીઝ જીતી હતી. ભારતે અમદાવાદમાં પહેલી ટેસ્ટ 9 વિકેટે જીતી હતી, પરંતુ કેવિન પીટરસનના શાનદાર 186 રનની મદદથી ઇંગ્લેન્ડે મુંબઈની બીજી ટેસ્ટ 10 વિકેટે જીતી લીધી હતી. પીટરસન, કેપ્ટન એલિસ્ટર કૂક બંને ભારતીય બોલર પર ભારે પડ્યા હતા. ભારતે ફાસ્ટ બોલર તરીકે ફક્ત ઝહીર ખાન તેમજ ત્રણ સ્પિનરો રવિચંદ્રન અશ્વિન, હરભજન સિંહ અને પ્રજ્ઞાન ઓઝાને ટીમમાં સ્થાન આપ્યું હતું. પીટરસને સામે આ તમામ બોલરો નિષ્ફળ પૂરવાર થયા હતા.

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments