ઝાલાવાડી જલજીરા: ભાગ મિલ્ખા ભાગની સફળતાએ દિગ્દર્શકોના મનમાં એક વસ્તુ ઠુંસીને ભરી દીધી હતી કે ફિલ્મની સફળતા માટે કોઈ મોટા કલાકારની આવશ્યકતા નથી. કોઈનું જીવન જ એટલું મોટું હોય તો ફિલ્મને સફળ થતા કોઈ નહીં રોકી શકે. બાકી ભાગ મિલ્ખા ભાગ માટે અક્ષય કુમારને એપ્રોચ કરવામાં આવ્યો હતો. ડાયરેક્ટર રાકેશ ઓમપ્રકાશ મહેરાની કરિયર પગથિયાંની માફક છે. એક પગથિયા પર ધ્યાનથી પગ મુકે અને બીજા પગથિયાને જોયા વિના, ત્રીજા પગથિયા પર પગ મુકી દે, જેથી ફસડાઈને નીચે પડી જાય.
રંગ દે બસંતી સુપરહિટ, દિલ્હી-૬ સુપર ફ્લોપ, ભાગ મિલ્ખા ભાગ સુપરહિટ અને મિર્ઝ્યા સુપરફ્લોપ. રાકેશ ઓમ પ્રકાશ મહેરા ક્યારે દર્શકોના ગમતા ડાયરેક્ટર બની જાય અને ક્યારે દર્શકો તેમની ફિલ્મ થીએટરમાં જોઈ બોલી ઉઠે કે, ‘આ એ ડાયરેક્ટર છે જેણે ભાગ મિલ્ખા ભાગ બનાવી ?’ મિત્રો કહી ન શકાય….
હિન્દી સિનેમામાં બાયોપિક ફિલ્મો પહેલાથી બનતી આવી છે. આમ તો રાજા હરિશચંદ્ર જે ભારતીય સિનેમાની પહેલી સાઈલેન્ટ ફિલ્મ હતી તે અનઓફિશ્યલી એક બાયોપિક જ હતી. પણ હિન્દી સિનેમામાં બાયોપિકને ગંભીરતાથી લઈ બનાવવાની શરૂઆત ભાગ મિલ્ખા ભાગથી થઈ. ત્યાર સુધી ફિલ્મના લીડ સ્ટાર ફરહાનના ખાતામાં ટોટલ બે હિટ ફિલ્મો બોલતી હતી.
એક 2008ની સાલમાં ફરહાનની ડેબ્યુ ફિલ્મ રોક ઓન અને બીજી ઋત્વિક રોશન અને બહેન ઝોયા અખ્તરના આશિર્વાદથી ઝિંદગી ના મિલેગી દોબારા. જેથી આટલા મોટા વ્યક્તિત્વને પડદા પર ઉભું કરવું અને ફિલ્મ આખી ખભા પર ઉપાડવી તે આકરૂ કામ હતું. પણ ફરહાને આ બંને વસ્તુ કરી બતાવી. અને ફિલ્મ 100 કરોડની કમાણી પણ કરી ગઈ.
ફિલ્મ બન્યા પછી રાકેશ ઓમપ્રકાશ મહેરાએ આ ફિલ્મનું પ્રિમિયર રાખ્યું હતું. ફરહાન અખ્તરને મિલ્ખાના રોલમાં જોઈ ફિલ્મ પૂરી થયા બાદ મિલ્ખા સિંહ રડી પડ્યા હતા. તેમણે રાકેશની કામગીરી તો વખાણી જ હતી પણ ફરહાનના અભિનયના વખાણ કરતા તેઓ થાકતા નહોતા. એવું જ લાગતું હતું કે સ્ક્રિન પર ફરહાન નહીં મિલ્ખા સિંહ છે. કેટલીક વખત વિચાર આવી જાય કે આ ફિલ્મ ન બની હોત તો શું આપણે મિલ્ખા સિંહને એટલો જ પ્રેમ કરતા હોત? કે તે આપણા માટે અન્ય ખેલાડીઓ જેવા બનીને રહી ગયા હોત?
મિલ્ખા સિંહ પાકિસ્તાનમાં જઈ દોડવા શા માટે નથી માગતા ? આ મુદ્દા સાથે ફિલ્મની શરૂઆત થાય છે. જો કે આ પહેલા જ મિલ્ખા એક સેકન્ડ માટે રોમ ઓલમ્પિકમાં પરાજીત થઈ ચૂક્યા છે. જવાહર લાલ નહેરૂ પણ ચિંતામાં છે કે મિલ્ખા પાકિસ્તાનમાં જઈ નહીં દોડે તો શું થશે ? આ મનોમંથન સાથે મિલ્ખાને મનાવવા માટે કેટલાક લોકો જાય છે. ટ્રેનમાં બેસે છે અને મિલ્ખાની કહાની શરૂ થાય છે. ભાગલા બાદ હિન્દુસ્તાન આવી ગયેલ મિલ્ખા સિંહ રેફ્યુઝી કેમ્પમાં હોય છે.
જ્યાં તેની બહેનને તે શોધતો હોય છે. બહેન પર બનેવી દ્વારા થતો અત્યાચાર જુએ છે અને તેનાથી રહેવાતું નથી. મિલ્ખા ચોર બને છે. મોટો થઈ આર્મીમાં જોડાય છે, પણ ત્યાં સુધીમાં મિલ્ખાને પોતાની પ્રેમિકા મળી ગઈ છે. તેને જીવન સંગિની બનાવવાના તે સ્વપ્ન સેવતો હોય છે પણ જ્યારે પરત આવે છે ત્યારે મેળાપ વિરહમાં તબ્દીલ થઈ જાય છે. મિલ્ખાના હૃદયને ચીરી નાખતી આ બીજી ઘટના છે. મિલ્ખા સિંહ હવે દોડમાં ભારતનું નામ રોશન કરવા તરફ છે. ત્યાં પહેલી ઓલિમ્પિકમાં મિલ્ખા સિંહનો પરાજય થાય છે. આ માટેનું કારણ પણ એક સ્ત્રી જ છે. એ હાર મિલ્ખાના દિલને ચીરતી ત્રીજી ઘટના છે. કોચ તેને નવેસરથી તૈયારીઓ કરાવે છે. મિલ્ખા દેશ દુનિયામાં પોતાના નામનો ડંકો વગાળતો હોય છે.
રોમ ઓલિમ્પિકમાં પરાજય થાય છે અને એવામાં આખરે તેને પાકિસ્તાન જવાનું આમંત્રણ મળે છે. જ્યાં તેના પિતાએ તેને ‘ભાગ મિલ્ખા….’ કહ્યું હતું. એ પાકિસ્તાન જવાની વાત તેના દિલને કોરી ખાતી હોય છે. પણ સમગ્ર સમસ્યાઓને માત આપી મિલ્ખા સિંહ પાકિસ્તાન જાય છે. પાકિસ્તાનના ખેલાડીને અબ્દુલ ખાલિકને હરાવે છે.
ઓડિયન્સને સ્ક્રિન પર ચોંટાડી રાખવાનો બહેતરીન નુસખો છે કે કોઈ વાર્તાને બેકગ્રાઊન્ડમાં લઈ જવી. ફિલ્મ કે નોવેલને હિટ કરવા માટેની આ સુપરહિટ ટેકનિક છે. એ સુપરહિટ ટેકનિક પર રાકેશ ઓમ પ્રકાશ મહેરાની હથોટી છે. રાકેશજીએ રંગ દે બસંતીને પણ થોડી એ વ્યૂથી જ ડાયરેક્ટ કરી હતી.
તેમાં ચાલી તો ફિલ્મનું શૂટિંગ રહ્યું છે, પણ તે છે ભવ્ય ભૂતકાળ. જોકે આ ફિલ્મ તો એક લેજન્ડની કહાની છે જેથી તેને પડદે હિટ કરવા માટે કોઈ ત્રીજા પુરૂષ દ્વારા ડાયરેક્ટરે કહાની સૌને સંભળાવી. ડાયરેક્ટરની જેટલી પીઠ થપથપાવીએ તેનાથી વધારે સ્ક્રિપ્ટ રાઈટર પ્રસૂન જોશીની થપથપાવવી રહી. અને તેનાથી પણ વધારે મિલ્ખા સિંહની ઓટોબાયોગ્રાફી ધ રેસ ઓફ માય લાઈફની.
વિભાજન, ચોરી, પ્રેમ, દોડ, આર્મીમાં ભરતી થવું. એક માણસના જીવનમાં એટલી બધી ઘટનાઓ બની ગઈ હોય છે કે ડાયરેક્ટર માટે મીઠી મૂંઝવણ પેદા કરી જાય છે. આમાંથી શું લેવું અને શું ન લેવું ? જો કે ડાયરેક્ટરે કટકે કટકે તમામ વસ્તુઓ બતાવી ફિલ્મને મિલ્ખાની ફિલ્મ જ બનાવી. મિલ્ખાને ઓસ્ટ્રેલિયાની છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે. અને મિલ્ખાથી એ ભૂલ ફરી ન થાય તે પણ ફિલ્મમાં દર્શાવે છે. પણ મિલ્ખાના પ્રેમ પ્રસંગ પર ડાયરેક્ટર જ્યારે સમરકંદ બુખારા ઓવારી ગયા હોય તેમ ખેંચ્યા જ જાય છે. જે ટુ મચ બોર કરે છે.
ફરી એક વખત પ્રસૂન જોશીને વાહ કહેવું પડે. ફિલ્મ માત્ર ડોક્યુડ્રામા બનીને ન રહી જાય આ માટે તેણે રોમ ઓલિમ્પિક જ્યાં મિલ્ખા સિંહ સેકન્ડ માટે હારી ગયેલા તેને પહેલા રાખ્યું અને તેમાં ડ્રામેટાઈઝેશનનો મસાલો ભભરાવ્યો. બેકગ્રાઉન્ડમાં પાકિસ્તાનવાળા સીનને પ્લે કર્યો. એટલે કે હીરોને એસ્ટાબ્લિશ થતાં બતાવી દીધો. પણ હવે તેની સાથે યે ક્યાં હુઆ ? ક્યૂં હુઆ? કૈસે હુઆ ? અને હુઆ તો હુઆ જેવી વારેઘડીએ ફિલીંગ અપાવી દર્શકોને ચીંટીયા ભર્યા, જાગતા રાખ્યા અને અંતમાં પાકિસ્તાન સામેની રેસ બતાવી ફિલ્મનો ખાધુ પીધું રાજ કર્યું જેવો અંત કરી દીધો.
ઉપર લખેલું છે તેમાંથી થોડું ઘણું પણ ઉલ્ટુ કરી નાખવામાં આવે તો બેશક ફિલ્મને ધ્વંસ થતા વાર ન લાગે. પણ ફિલ્મને રાકેશ ઓમપ્રકાશ મહેરા સિવાય કોઈએ ત્રણ કલાક અને નવ મિનિટ સુધી જીવંત રાખી હોય તો પ્રસૂન જોશીના તેજીલા તોખાર જેવા સંવાદો, પ્રેમભર્યા ગીતો અને ધારદાર પટકથાએ.
બાયોપિક ફિલ્મમાં જ્યારે કોઈ કેરેક્ટરને એક્ટિંગ કરતા જુઓ અને તે અભિનેતા કરતા પાત્ર વધારે લાગવા માંડે તો કલાકારનો અભિનય હિટ થયો ગણાય. ફિલ્મ જોતી વખતે વિચાર સુદ્ધા નથી આવતો કે ફરહાન અખ્તર મિલ્ખા સિંહ બન્યો છે. એવું લાગે કે મિલ્ખા જ અભિનય કરી રહ્યો છે. ફરહાનની ૧૮ મહિનાની સ્ટ્રીક્ટ ડાયટીંગ સ્ક્રિન પર સેકેન્ડ હાફમાં ખીલી ઉઠી હતી. બહેનના રોલમાં દિવ્યા દત્તા સુપર્બ, કોચ તરીકે પવન મલ્હોત્રા અને યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ બ્રિલિયન્ટ. અને પ્રકાશ રાજ વિલન કરતાં કોમેડિયનના રોલમાં વધારે ખીલે છે. દરેક વિલન કોમેડીમાં અફલાતુન હોય છે.
શંકર અહેસાન લોય જ્યારે પણ સંગીત આપે કંઈક નવું આપે છે. જો કે આટલી લાંબી ફિલ્મમાં ગીતો પણ બંધબેસતા સમાવી દીધા એ પણ ટેલેન્ટ ગણાય. ઝિંદા ટ્રેક ચરબી ઓછી કરનારાઓ માટે આજે પણ બેસ્ટ છે. હવન કરેગે એટલે કે યજ્ઞ કરીશું અને ફિલ્મનું રોમેન્ટીક ટ્રેક અલ્ફુ અલ્લાએ સોસાયટીના પ્રેમને જીવંત કરી દીધો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત