Homeદે ઘુમા કેજે ખાલિકને મિલ્ખાએ 200 મીટર દોડમાં હરાવ્યો તે ભારતની જેલમાં હોવાની ખબર...

જે ખાલિકને મિલ્ખાએ 200 મીટર દોડમાં હરાવ્યો તે ભારતની જેલમાં હોવાની ખબર મળતા મિલ્ખાએ શું કર્યું?

Team Chabuk-Sports Desk: ભારતના ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંહ હવે આપણી વચ્ચે નથી રહ્યા. હવે એ સ્મરણોમાં જીવંત રહેશે અને કિસ્સાઓમાં વાગોળ્યા કરીશું. મિલ્ખાના જીવનમાં જે બન્યું તે ભાગ્યે જ કોઈના જીવનમાં બન્યું હશે. એમણે સફળતાનો પણ એટલો જ સ્વાદ ચાખ્યો અને જીવનની સૌથી મોટી નિષ્ફળતા એટલે કે રોમ ઓલિમ્પિકની પછડાટનો સ્વાદ પણ ચાખ્યો. એમનું જીવન નમક સ્વાદઅનુસાર જેવું રહ્યું. પડતાં પણ રહ્યા અને ઉઠતાં પણ રહ્યા.

ભાગલાના દાવાનળમાંથી પરિવારથી વિખૂટા પડીને સળગીને ભારત આવેલા મિલ્ખા સિંહે બાળપણથી લઈ છેલ્લે સુધી દર્દ વેઠ્યું છે. છેલ્લુ દર્દ તો ભારતનો કોઈ ખેલાડી દેશને મેડલ અપાવે તેનું હતું પણ એ મેડલ જોતા પહેલા ચાલ્યા ગયા. કેટલીક વખત ફેન્સને પણ અંતરમનથી ઈચ્છા થતી હતી કે કોઈ એથ્લિટ શ્રેણીમાં મેડલ જીતી મિલ્ખા સિંહનું સપનું પૂરું કરી બતાવે, પણ પ્રભુને ગમ્યું તે ખરું.

આ વચ્ચે મિલ્ખા સિંહની યારીનો એક કિસ્સો યાદ આવે છે. 1971ની સાલમાં બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામના યૌદ્ધાઓ પાકિસ્તાનની વિરૂદ્ધ વિદ્રોહનું બ્યૂગલ ફૂંકી રહ્યા હતા અને ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં ભારતે હસ્તક્ષેપ કરી પાકિસ્તાનના 93,000 સૈનિકોનું આત્મસમર્પણ કરાવ્યું હતું. એ સમય ખાલિક પણ ત્યાં હાજર હતા. તેમણે પણ આત્મસમર્પણ કર્યું. જોકે ભારતીય સૈનિકોની સાથે તેઓ જેટલો વખત રહ્યા તેમને એવું લાગ્યું જ નહીં કે તેઓ પરાયા મુલ્કમાં છે. તેઓ જે જેલમાં કેદ હતા તે જેલ મેરઠની હતી. એ દિવસ રાત ભારતીય જવાનોને રમતા જોતા હતા. એમણે તેમની નજીક જઈ કહ્યું, ‘હું પણ દોડવીર છું. મારે મિલ્ખાને મળવું છે.’

મેજર અબ્દુલ ખાલિક 60ના દાયકામાં મિલ્ખા સિંહનો સૌથી મોટો પ્રતિસ્પર્ધી હતો. મિલ્ખા સિંહને જ્યારે ખબર મળી કે ખાલિક જેલમાં છે તો તેઓ બધું કામ બાજુમાં મૂકી ઉપડ્યા. બંને એકબીજાને ભેટી પડ્યા અને ચોંધાર આંસુએ રડવા લાગ્યા. ખાલિકને જેલમાંથી સમય પહેલા છોડવા પાછળનું કારણ પણ આ વાતને જ માનવામાં આવે છે.

પાકિસ્તાનના અખબાર ડોન સાથે વાતચીત કરતા ખાલિકના ભાઈ અબ્દુલ મલિકે જણાવ્યું હતું કે, ઈન્દિરા ગાંધી તેમને સમય કરતા પહેલા છોડવા માટે તૈયાર હતા પણ તેમણે ના પાડી હતી કે હું મારા અન્ય ભાઈઓની સાથે જ મુક્ત થઈશ. અબ્દુલ મલિકે આ ઈન્ટવ્યૂમાં જ કહ્યું હતું કે, મિલ્ખા સિંહ પર ફિલ્મ બનાવીને ભારતે તેમને અમર કરી દીધાં. ખાલિકની સાથે આવું પાકિસ્તાન સરકારે કંઈ નથી કર્યું.

મિલ્ખા સિંહ અને ખાલીક લાહોરના ભરચક સ્ટેડિયમમાં દોડ્યાં હતાં. મિલ્ખાએ 200 મીટરની દોડમાં ખાલિકને પરાજય આપ્યો હતો. જેને જોઈને ત્યાં બેઠેલા રાષ્ટ્રપતિ જનરલ અય્યૂબે તેમને ફ્લાઈંગ શીખની ઉપાધી આપી હતી. કહી શકાય કે ભારત દ્વારા સ્પોર્ટસમાં કરવામાં આવેલી આ પ્રથમ ખેલ સર્જિકલ સ્ટ્રાઈક હતી. દેશને રેડિયોનાં માધ્યમથી મિલ્ખા સિંહે ખુશ કરી દીધા હતા.

જેવી રીતે મિલ્ખા સિંહને ફ્લાઈંગ શીખની ઉપાધી મળી હતી તેવી રીતે 1954ની સાલમાં મનીલા એશિયન ગેમ્સમાં ખાલિકે 10.6 સેકન્ડમાં 100 મીટરની દોડ પૂર્ણ કરતા ભારતના તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તેમને ‘ધ ફ્લાઈંગ બર્ડમેન ઓફ એશિયા’ કહી સંબોધ્યા હતા. પાકિસ્તાની અખબાર ડોને એક સમયે લખ્યું હતું કે આ દોડ એક રીતે વ્યાજબી નહોતી કારણ કે ખાલિક 100 મીટરના દોડવીર હતા જ્યારે મિલ્ખા સિંહ 200 મીટરના હતા. એવામાં સ્પષ્ટ છે કે મિલ્ખા સિંહ જ જીતે.

ખાલિકની માફક જ મિલ્ખા સિંહ પણ આર્મીમાં હતા. એથ્લેટિક્સની કારકિર્દી પૂર્ણ થયા બાદ તેઓ આર્મીમાંથી નિવૃતિ લઈ લેવાનું ઈચ્છતા હતા, જોકે એ સમયે સેના અધ્યક્ષ કેએસ થિમૈય્યા અને રક્ષા મંત્રી કૃષ્ણા મેનન તેમને આર્મીમાં જોવા ઈચ્છતા હતા. વાત જ્યારે બની નહીં ત્યારે મિલ્ખા સિંહ પોતાના સૌથી મોટા ફેનની પાસે મદદ માગવા માટે ગયા.

મિલ્ખાએ પ્રધાનમંત્રી નેહરુને વાત કરી. નેહરુ મિલ્ખાનાં મોટા ફેન હતા. નેહુરએ મિલ્ખાની મદદ કરી દીધી. સૈન્ય છોડ્યા બાદ મિલ્ખા સિંહ ચંદીગઢમાં પંજાબના ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ સ્પોર્ટ્સ બનાવવામાં આવ્યા. ચંદીગઢ આજે જેટલું મશહૂર શહેર દેખાય છે એટલું એ વખતે નહોતું. એ ઉજ્જડ હતું. એ વેરાન હતું. એ ભારત દેશની ચાડી ખાતું હતું. મિલ્ખાને એ શહેર બિલકુલ નહોતું ગમતું. એમણે તત્કાલિન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી સાથે વાત કરી. શાસ્ત્રીજીએ તેમને એક ફિયાટ કાર અપાવી. કારમાં બેસી મિલ્ખા સિંહ રોજ અપડાઉન કરતા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments