Team Chabuk-Special Desk: યોગાસનોમાં કેટલાક મુશ્કેલ આસનો પણ છે. જેની ભારે તપશ્ચર્યા પછી સિદ્ધિ પ્રાપ્ત કરી શકો. એ માટે શરીરમાં ખાસ્સું લચીલાપણું જોઈએ. જોકે યોગવિદ્યાનો અભ્યાસ કરતાં કરતાં શરીરમાં એ પ્રકારની ગતિશીલતા આવી જાય છે. આવું જ એક આસન એટલે ભારદ્વાજાસન.
રામાયણમાં જે ભારદ્વાજ મુનીની કથાઓ આવે છે તેમના નામ પરથી જ આ આસનનું નામ પડ્યું છે. પ્રાચીન વૈદિકકાળના સાત ઋષિઓમાંથી એક ભારદ્વાજ ઋષિ. પ્રભુ શ્રીરામે વનમાં પ્રવેશ કર્યો ત્યારે તેમની ભેટ ભારદ્વાજ મુની સાથે થયેલી. રામ તેમના આશ્રમમાં પ્રવેશ કરે છે. એક શિષ્યને આ વાતની જાણકારી આપે છે. શિષ્ય જઈ ભારદ્વાજ મુનીને આ વાતથી અવગત કરે છે. રામ જ્યારે તેમની પાસે આવે છે ત્યારે તેઓ પાછળ વળીને એમને જે રીતે વંદન કરે છે એ સ્થિતિને જ પછીથી ભારદ્વાજાસન કહેવામાં આવી.
આ આસનને ત્રીસથી સાઈઠ સેકન્ડ સુધી કરવાની અનુમતિ આપવામાં આવી છે. ભારદ્વાજાસનના અભ્યાસથી પીઠ, ખભા અને નિતંબની માંસપેશીઓ સ્ટ્રેચ થાય છે. આ આસન કમરને ખાસ્સી મજબૂતી પ્રદાન કરે છે. આ આસન કરવાથી શરીરની સ્થિતિમાં સુધાર આવે છે. નિરીક્ષણ કર્યું હોય તો, કેટલાકના શરીર કોઈ બાજુથી નીચા, તો કોઈ બાજુથી ઊંચા હોઈ છે. આવા વક્ર શરીરને સીધા કરવાનું કામ આ આસન કરે છે. પાચનતંત્ર જેમનું નબળું હોય એને સબળું બનાવવામાં મદદરૂપ થાય છે. આસન કરવાથી પેટના નીચેનાં ભાગમાં મુવમેન્ટ થાય છે, પરિણામે કબજિયાતની સમસ્યાનો નાશ કરે છે. પેટમાં સોજો હોય કે ગેસની સમસ્યા હોય તો તેનાથી મુક્તિ પ્રદાન કરે છે. પેટના સ્નાયુઓ અને પીઠના સ્નાયુઓને મજબૂતી બક્ષે છે. પેટના આંતરિક અંગોને મસાજ આપે છે. ગરદનની પીડા, કમરની પીડા અને સાઈટિકાથી રાહત આપે છે. કાર્પલ ટર્નલ સિન્ડ્રોમ – હાથ અને કાંડામાં જે ભારે પીડા ઊભી થાય તેને કાર્પલ ટર્નલ સિન્ડ્રોમ કહે છે. એમાં આ આસન રાહત આપશે.
ભારદ્વાજાસન થાય તો જ કરવું. શરુઆતમાં ધીમે ધીમે આગળ વધવું. ઉતાવળે કરવા જતાં હતું ન હતું થવાની સંભાવનાઓ છે. કરતી વખતે ક્યારેય ખભા અને ઘૂંટણ પર વધારે પડતું દબાણ ન લાદવું. ત્યારે કરવું જ્યારે તમે વોર્મઅપ કરી લીધું હોય અને તમારા પેટના સ્નાયુઓ જાગૃત હોય. કરતા સમયે જો અસુવિધા ઉત્પન્ન થતી હોય તો છોડી દેવું. વધારે બળ ન કરવું.
સંધ્યા ટાણે આ આસન કરવાની ઇચ્છા હોય તો તમારે તમારું ભોજન ચારથી છ કલાક પહેલા લઈ લેવું જોઈએ. જોકે આ આસનની વિધિ સવારે કરશો તો વધારે ફળદાયી નીવડશે. પેટ એકદમ ખાલી હોવું જોઈએ. કોઈ ગંભીર બીમારી હોય, ડાયેરીયા, અસ્થમા, ગરદનમાં પીડા, ખભા, ઘૂંટણમાં પીડા હોય એમણે આ આસન ન કરવું. હ્રદયરોગના દર્દીઓ અને હાઈબ્લડ પ્રેશરના દર્દીઓએ આ આસન ન કરવું.
આ આસન કરતાં પૂર્વે બુદ્ધકોણાસન, સુપ્ત પાદાંગુષ્ઠાસન, ઉત્થિત ત્રિકોણાસન, વીરભદ્રાસન-2, વીરાસન અને વૃક્ષાસન જેવા આસનો કરી શકો છો. ભારદ્વાજાસન કર્યાં બાદ ઉત્તાનાસન, પશ્ચિમોતાનાસન, જાનુ શીર્ષાસન કરી શકો છો. આ આસનની સંપૂર્ણ વિધિ કોઈ યોગ્ય યોગ માર્ગદર્શક પાસે જઈને જ કરવી. નહીં તો યુટ્યુબ પર તેની વિધિ બતાવવામાં આવી છે. એ એક વખત જોવું અને શક્ય હોય તો જ કરવું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત