Homeગામનાં ચોરેઆજે એક ગામે બિહારમાં જે નીતિશ સાથે કર્યું તે થોડા વર્ષોમાં ગુજરાત...

આજે એક ગામે બિહારમાં જે નીતિશ સાથે કર્યું તે થોડા વર્ષોમાં ગુજરાત સરકાર સાથે થાય તો નવાઈ નહીં

મતદાન કરવું એ દરેક નાગરિકની ફરજ છે, પરંતુ ઘણી વખત ચૂંટણી પહેલાં કોઈ ગામ કે વિસ્તારના લોકો ચૂંટણીનો બહિષ્કાર કરી દેતા હોય છે. ચૂંટણી બહિષ્કાર કરવાના કારણો ઘણા હોય, વિકાસ ન થયો હોય. અથવા આપેલું કોઈ વચન ન પળાયું હોય કે પછી લોકોની વિરુદ્ધમાં કોઈ નિર્ણય લેવાયો હોય. ઘણી વખત પ્રજા પોતાના કામ કરાવવા માટે પણ ચૂંટણીનો બહિષ્કાર કરતી હોય છે અને ચૂંટણી ટાણે મત મેળવવા સત્તા પક્ષ પ્રજા સામે નમતું જોખીને તેઓની માગ પૂરી કરતી હોય છે.

એક ગામનું કામ!

આજે બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. તેવામાં સમાચાર આવી રહ્યા છે કે બિહારના લખીસરાય જિલ્લાના બાલગુદર ગામના મતદારોએ ચૂંટણીનો બહિષ્કાર કરી દીધો છે અને મતદાન મથક ખાલીખમ જોવા મળી રહ્યું છે. ગામના લોકોની માગ કઈક અલગ છે. તેઓને જે સમસ્યા સતાવી રહી છે તે આજે લગભગ બધા વિસ્તારમાં જોવા મળી રહી છે.

ગામની ઈચ્છા વિરૂદ્ધ સરકારની મંછા

મળતી માહિતી મુજબ, બાલગુદર ગામના મતદાન કેન્દ્ર નંબર 115 ઉપર ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. પ્રિસાઈડિંગ ઓફિસર મોહમ્મદ ઇકબાલ હકનું કહેવું છે કે, મતદાન કેન્દ્ર પર લોકો મત આપવા નથી આવી રહ્યા. ગામ લોકોનું કહેવું છે કે, અહીં એક રમત-ગમતનું મેદાન હતું જેના પર સરકાર અત્યારે સંગ્રહાલયનું નિર્માણ કરી રહી છે. જેનો ગામ લોકો વિરોધ કરી રહ્યા છે. રાજકીય પક્ષો દ્વારા લોકોને સમજાવવામાં આવી રહ્યા છે પરંતુ ગ્રામજનો કોઈપણ ભોગે મતદાન નહીં કરે તેવી વાત કહી રહ્યા છે.

નીતિશે તો શ્રીફળ પણ ફોડી નાખ્યું

વાત જાણે એમ છે કે, લખીસરાયના બાલગુદર ગામે નીતિશ સરકાર એક સંગ્રહાલયનું નિર્માણ કરી રહી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગત 8 ઓગસ્ટના રોજ આ સંગ્રહાલયની શિલાન્યાસ વિધિ કરી હતી અને નિર્માણ કાર્ય શરૂ થયું હતું. પરંતુ આ સંગ્રહાલય ગામના એક મેદાન પર બની રહ્યું છે. ગામ લોકોનો વિરોધ છે કે ગામમાં એક જ તો મેદાન હતું અને તેને છીનવીને હવે ત્યાં સંગ્રહાલય બનાવવામાં આવી રહ્યું છે.

મેદાન થઈ રહ્યા છે ઓછા

આ સમસ્યા બિહારના બાલગુદર ગામ એકની નથી. આજે તમે તમારી આસપાસ નજર કરશો તો મેદાન ભાગ્યે જ ક્યાંક જોવા મળશે. મેદાનો પર હવે મોટી મોટી ઇમારતો ખડકાઈ રહી છે. યુવાનોને રમવા માટેનું મેદાન હવે ઉંચી ઉંચી ઇમારતોમાં પરિવર્તિત થઈ રહ્યા છે. ખેલાડીઓને રમવા માટે દૂર દૂર શહેરની બહાર જવું પડે છે. આ સમસ્યા ગુજરાતમાં પણ છે. એક તરફ આપણે ખેલ મહાકૂંભ જેવા આયોજનો કરીને યુવા પ્રતિભાને પ્રોત્સાહન આપવાના પ્રયત્નો કરીએ છીએ પરંતુ રમવા માટેના મેદાનોને ખેદાન-મેદાન કરી રહ્યા છીએ. મેદાન ઘટી રહ્યા હોવાના કારણે આઉટડોર ગેમનું ચલણ ઓછું થઈ રહ્યું છે. મેદાનો ન હોવાના કારણે યુવકો મોબાઈલમાં રચ્યાં પચ્યાં રહેતાં જોવા મળી રહ્યા છે.

અમદાવાદમાં તો બધા જીએમડીસીમાં જ…

અમદાવાદની જ વાત કરીએ તો, અમદાવાદમાં દરરોજ સવારે તમે જીએમડીસી ગ્રાઉન્ડ પાસેથી નીકળો તો એક મેદાનમાં મોટી સંખ્યામાં યુવકો ક્રિકેટ રમતાં જોવા મળશે. જીએમડીસી ગ્રાઉન્ડ પર તો શહેરના દૂર વિસ્તારમાંથી યુવકો રમવા આવે છે જેનું એકમાત્ર કારણ છે કે બીજે આવડું મેદાન નથી. જેથી ના છૂટકે રમવા માટે જીએમડીસી સુધી ધક્કો ખાવો જ પડે. વિકાસનો અતિરેક થઈ રહ્યો છે. મોટી મોટી બિલ્ડીંગો તો બની રહી છે. તેની અંદર રમવાની નાની એવી જગ્યા હોય છે. મહાકાય ગ્રાઉન્ડનો તો અભાવ પ્રવર્તી રહ્યો છે.

રમતનું જીવનમાં શું મહત્વ ?

બાલગુદર ગામના આ સમાચાર જાણીને એક એવો વિચાર આવ્યો કે જો મેદાન નહીં બચે તો રમતો પણ મોબાઈલમાં જ રમાતી થઈ જશે. પરંતુ રમતોનું જીવનમાં એક મહત્વ હોય છે. બાળકોને રમતના માધ્યમથી મળતા અનુભવો ન કરાવવા અથવા તેનાથી અળગા રાખવા એ એક સામાજિક અપરાધ ગણવો જોઈએ રાઈટ ટુ પ્લે. યુવા પેઢી રમતના માધ્યમથી પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે તેવું વાતાવરણ સમાજ, સરકાર અને સૌ કોઈએ પૂરું પાડવું જોઈએ. રમતોના મેદાનો ખતમ કરવાથી સૌથી મોટી અસર યુવા પેઢીના શારીરિક કૌશલ્ય પર થવાની છે.

મોટાભાગની શાળાઓ પાસે જ નથી મેદાન

ગુજરાત સરકારે 2018માં એક ઠરાવ કરીને નવી માધ્યમિક શાળાની દરખાસ્ત કરનાર સંચાલક મંડળને શાળાના બાંધકામ માટે જરૂરી જમીન બાદ કરતાં રમત ગમતના મેદાન માટે શહેરી વિસ્તારમાં 1200 ચોરસ મીટર અને ગ્રામ્ય વિસ્તારમાં 2000 હજાર ચોરસ મીટર ખુલ્લી જમીન હોવી જોઈએ પરંતુ શાળા સંચાલકોએ જે-તે વખતે વિરોધ કરીને કહ્યું હતું કે આટલી મોટી ખુલ્લી જમીન મળવી મુશ્કેલ છે તેથી સરકારે સંચાલકો સામે ઘૂંટણીયે પડીને શહેરમાં 800 ચોરસ મીટર અને ગ્રામ્ય વિસ્તારમાં 1500 ચોરસ મીટર જમીન રમતના મેદાન માટે રાખવા નિયમ ઘડ્યો હતો, પરંતુ આજે જોઈએ તો લગભગ શાળાઓ પાસે મેદાન ખાલી ચોપડે જ બોલે છે. શહેરોમાં તો કોમ્પલેક્ષમાં દુકાનોની જેમ શાળાઓ ચાલી રહી છે. વિદ્યાર્થીઓને માત્ર ચાર દિવાલની વચ્ચે પૂરીને શિક્ષણ અપાઈ રહ્યું છે. ઘણી વખત મેદાન માટે વિરોધના સૂર ઉઠ્યા છે. આજે બિહારના એક ગામ લોકોએ વિરોધ કર્યો છે ભવિષ્યમાં મેદાન માટે લોકો આંદોલન પર ઉતરે તો નવાઈ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments