Homeવિશેષબિલાડી તો આડી પડે જ છે પણ તમે શું કામ ઊભા રહી...

બિલાડી તો આડી પડે જ છે પણ તમે શું કામ ઊભા રહી જાવ છો?

ચિરાગ પટેલઃ આપણો ભારત દેશ ધાર્મિક રીતે વિવિધતાપુર્ણ દેશ છે. દુનિયાનાં લગભગ બધા ધર્મનાં લોકો અહીં વસવાટ કરતાં જોવા મળશે. આ બાબત જ દેશને વૈશ્વિક કક્ષાએ મહાન બનાવે છે. પણ આ ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતા સાથે અહીં ઘણી અંધશ્રદ્ધાઓ પણ ઘર કરી ગઈ છે. તેમાંની એકની આપણે અહીં વાત કરીએ.

મને ખાતરી છે કે તમે સાંભળ્યું હશે અથવા સંભવત: ક્યારેક એમ કહ્યું પણ હશે કે, આજે મારા માટે સારો દિવસ નથી. એક બિલાડી મારો રસ્તો ઓળંગી ગઈ.

જી હા. હજી ઘણાં લોકો માને છે કે, બિલાડી તેમનો રસ્તો કાપે એટલે કે તેઓ જ્યાં જતાં હોય તે જવાના માર્ગને ઓળંગે, તો નક્કી હવે કંઈક અપશુકન થશે. જે કામે જતા હોય તેમાં વિઘ્ન આવશે.

માન્યતા મુજબ કહેવાય છે કે શ્વાનની જેમ બિલાડીની છઠ્ઠી ઇન્દ્રિય વધુ વિકસિત હોય છે. તેથી તે ભવિષ્યમાં થનાર ઘટનાઓ પહેલાથી જ જાણી જાય છે…! પણ તમે જ વિચારો કે, તેને શું ખબર કે તે જે રસ્તો ઓળંગે છે. ત્યાંથી નીકળતા માણસની સાથે હવે અશુભ થવાનું છે. તો તેને હું અહીં જ રોકી દઉં. શું બિલાડી પાસે પણ મુન્નાભાઈ ફિલ્મના જ્યોતિષ ‘બટુક મહારાજ’ જેવી શક્તિ છે..?

હજી ઘણા લોકો આવી અંધશ્રદ્ધાઓને માને પણ છે. અને લોકોએ તો આનો ઇલાજ પણ મેળવી લીધો છે, કે જ્યારે બિલાડી રસ્તો કાપે ત્યારે થોડો સમય થોભી જઈએ. એક વાર બેસી ફરી ઊભા થઈ ચાલ્યા જઈએ. કંઇ જ અશુભ નહીં થાય..! વાહ.

હવે વાત કરીયે આ પ્રથા હકીકતમાં આવી ક્યાંથી ? ને કઈ રીતે ?

આ પ્રથાનાં મૂળ સમજવા જઈએ થોડાં જૂના દિવસોમાં.  જ્યારે આજ જેવા પાક્કા રસ્તા અને સારી ટ્રાન્સપોર્ટની સુવિધા ન હતી. ત્યારે મોટાભાગનો વિદેશ વ્યાપાર સમુદ્ર માર્ગે અને આંતરિક વ્યાપાર કાચા રસ્તાઓ મારફત થતો.

આ રસ્તાઓ મુખ્યત્વે જંગલોમાંથી પસાર થતા અને તે વખતે અત્યાર જેવા પેટ્રોલ-ડીઝલથી ચાલતા સાધનો તો હતા નહીં. તો લોકો પોતાના પાલતું ભારવાહક પ્રાણીઓ જેવા કે બળદ, ગધેડા સાથે ગાડું બાંધી સામાન પરિવહન કરતા.  

તેમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા ઘણાં દિવસો લાગી જતાં. રાતે પણ મુસાફરી કરવાની આવતી, પણ જ્યારે તેઓ રાત્રિના જંગલમાંથી પસાર થતાં ત્યારે  બિલાડી, વાઘ જેવા કેટ ફેમિલીનાં પ્રાણીઓ કે જેમની આંખો અંધારામાં ચળકાટ મારે, તેને દુરથી જોઈ વ્યાપારીઓ સાથે રહેલા આ પાલતું પ્રાણીઓ ડરતા અને આગળ ડગલું ન ભરતા.

ક્યારેક તો આ જાનવરો વ્યાપારીઓનાં પ્રાણીઓ પર હુમલો કરી મારી પણ નાખતા. તેથી સમયાંતરે વ્યાપારીઓ તેવા સમયે ત્યાંથી આગળ ન વધતા. ત્યાં જ વિસામો લઈ બીજા દીવસે સવારથી પોતાની યાત્રા શરૂ કરતા.

તો આ ઘટનાનું સમયાંતરે લોકોએ અંધશ્રદ્ધામાં રૂપાંતર કરી નાખ્યું ને બિલાડી વચ્ચે પડે તો અશુભ થશે. તેથી આગળ ન વધવાનું શરૂ થયું. પણ સામાન્યતઃ વિચારો કે આ નાનકડા જીવના લીધે આપણી જિંદગીમાં શું શુભ-અશુભ થવાનું ?

ઘણી વાર તો એવાં કિસ્સા જોવા મળે છે કે શુભ કાર્યે જતા બિલાડી રસ્તો આંતરે તો અમુક મનુષ્ય પ્રજાતિ તેને મારી આગળ વધવામાં શુભ માને છે.

આજની સમાજીક પરિસ્થિતિ જોતા આવી માન્યતામાં માનનારા લોકો પાછળનું મુખ્ય કારણ એ જ છે કે, તેમને પોતાનામાં જ વિશ્વાસ નથી કે તેઓ જે કાર્ય કરવા જઈ રહ્યાં છે તેમાં તે સફળ થશે કે નિષ્ફળ. જ્યારે કાર્ય નિષ્ફળ નિવડે એટલે બિલાડી પર દોષનો ટોપલો ઢોળી નાખે.

તેવા લોકો એક વાત સમજી લે કે જેમ તમે તમારાં કામે જઈ રહ્યાં છો, તેમ તે નાનું પ્રાણી પણ તેનાં કામે જઇ રહ્યુ છે. આ કેવળ એક સંજોગ જ છે કે તે તમારાં રસ્તા વચ્ચેથી પસાર થયું. બીજું કંઈ જ નહીં. તો આવી માન્યતાઓ મા વિશ્વાસ નાં રાખો એટલું સારું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments