ટ્વીટર પર જેમના અંગ્રેજીને સમજવામાં ગૂગલ બે ઘડી માથું ખંજવાળવા માંડે છે તેવા શશિ થરુરના પ્રિય પુસ્તક કયા? રિડર્સ ડાઈજેસ્ટ એમનું પ્રિય સામાયિક છે અને તેમના ‘સિંહછાપ’ અંગ્રેજી પાછળ આ સામાયિકનો જ હાથ માનવામાં આવે છે. આ મેગેઝિને શશિનો ઈન્ટરવ્યૂ લીધો હતો. જેમાં શશિએ પોતાના ગમતાં પુસ્તકો અને તેની નાની નાની વાતો કહી હતી. આજે ચાબુક શશિની એ વાતો સાથે પુસ્તકો વિશેનો થોડો પરિચય આપે છે.
one hundred years of solitude
આ શ્રેણીમાં પ્રથમ છે વન હન્ડ્રેડ યેર્સ ઓફ સોલિટ્યુડ. નવલકથા ગેબ્રિયેલ ગાર્શિયા માર્કવેઝે લખી છે. આ નવલકથાનો ગુજરાતીમાં રવીન્દ્ર ઠાકોરે અનુવાદ કર્યો છે. 25 ભાષામાં તેની 50 મિલિયન કરતાં વધારે કોપીઓ ખપી ગઈ છે. 1966ની સાલના અંતમાં તે લખાઈ હતી. 1970માં તેનો અનુવાદ થયો. અંગ્રેજીમાં સારામાં સારો અનુવાદ પીસરનારા હતા ગ્રેગરી રબાસા. રબાસાએ 1970માં એમની સામે અનુવાદ રજૂ કર્યો પછી ગાર્શિયા ખુશ થઈ ગયા હતા અને તેમને પોતાના લખાણ કરતાં પણ અંગ્રેજીમાં અનુવાદિત લખાણ ખૂબ ગમ્યું હતું. ગેબ્રિયલની કથાઓ અને જીવનીની વાત પછી ક્યારેક. પછીનું પુસ્તક છે.

The Argumentative Indian
અર્થશાસ્ત્રમાં નોબલ પ્રાઈઝ જીતી ચૂકેલા અમર્ત્ય સેનનું આ પુસ્તક ઈતિહાસ વિષય પર છે. ખૂદ થરૂર ઈતિહાસ પર અઢળક સંશોધન કરી લખી ચૂક્યા છે. જેથી તેમની લિસ્ટમાં આ પુસ્તકનું સ્થાન હોવાનું જ. તેમાં સંસ્કૃતિની વાત કરવામાં આવી છે. પોલિટિકલ આઈડિયાઝ શેર કરવામાં આવ્યા છે. ઈતિહાસની થોડી થોડી વાતો અને પછી અમર્ત્યના વિચારો.

Midnight’s Children
મિડનાઈટ્સ ચિલ્ડ્રન સલમાન રશ્દિની કૃતિ છે તેવો પરિચય આપવાની જરૂર નથી. સાહિત્ય પ્રેમીઓ એ વિશે જ્ઞાત જ હશે. તેના પરથી દીપા મહેતાએ ફિલ્મ પણ બનાવેલી જે ઠીકઠાક રહી. કલાકારો સારા હતાં પણ ફિલ્મમાં જોઈએ એટલો દમ નહોતો લાગતો. બે ભાઈઓની વાત છે. 1947ની આઝાદીના સમયે મીડનાઈટ એટલે કે રાતના બાર વાગ્યે જન્મેલા બાળકોની કથા છે. જેમની અંદર જાદુઈ શક્તિઓ ભરેલી છે. કોઈ નાકથી સુંઘી શકે છે. કોઈ તાકતવર છે. કોઈ જાદુગર છે. પુસ્તકમાં ઈન્દિરા ગાંધી પણ છે. જેના કારણે ભારતમાં બબાલ મચી ગઈ હતી. બુકર પ્રાઈઝ વિનર સલમાન રશ્દિની મિડનાઈટ્સ ચિલ્ડ્રન એક એવી કથા છે જે બુકરમાં વિજેતા બનેલ પુસ્તકોમાં પણ સર્વશ્રેષ્ઠ છે. બુકરની પણ બુકર.

The Legends of Khasak
શશિનું વતન મલયાલમ છે. વતનનાં પણ એક લેખક હોવા જોઈએ! 1969માં લખાયેલી The Legends of Khasak તેમનું પ્રિય પુસ્તક છે. જે મલયાલમ ભાષાના લેખક ઓ.વી. વિજયન દ્રારા લખવામાં આવ્યું છે. 31/7/1994માં તરુણ તેજપાલે ઈન્ડિયા ટુડેમાં આ પુસ્તકનો રિવ્યૂ કર્યો હતો. રિવ્યૂમાં લખ્યું હતું, ‘તેમનું લખાણ કલ્પના જગતમાં માર્કવેઝની વન હન્ડ્રેડ યેર્સ ઓફ સોલિટ્યૂડની જેમ વિકસ્યુ છે. બંનેએ પોત પોતાની કૃતિ એક સમયે જ લખી હતી. માર્કવેઝને સફળતા એટલા માટે મળી કે ખૂબ ઓછા સમયમાં તેમની કથાનો અંગ્રેજીમાં અનુવાદ થઈ ગયો અને વિશ્વભરના સાહિત્યમાં તેના પોખણા થયા. બે દાયકા સુધી મલયાલમ લેખક વિજયનને રાહ જોવી પડી અને પછી કલમ લઈ પોતે જ જહેમત ઉઠાવવી પડી હતી.’

The Mahabharata of Vyasa
શશિને ગમતાં પુસ્તકોમાં મહાભારતનો સમાવેશ થાય છે. મહાભારત પર જ એમણે કટાક્ષ કરતું ગ્રેટ ઈન્ડિયન નોવેલ જેવું પુસ્તક પણ લખ્યું છે. શશિ કહે છે કે, મહાભારતમાં તમને જે જોઈએ એ બધું મળી જાય છે. અહીં એક એક વસ્તુ છે.

The Discovery of India, Jawaharlal Nehru
ભારત એક ખોજ સિરીયલથી જે લોકો પરિચિત છે તેમને કહેવાની આવશ્યકતા જ નથી કે ડિસ્કવરી ઓફ ઈન્ડિયા પરથી એ સિરીયલ બની હતી. એ દળદાર અને દમદાર પુસ્તક સમગ્ર ઈતિહાસને સાથે લઈ ચાલે છે. ગુજરાતમાં મુનશીએ જેમ રાજકારણ અને સાહિત્ય બંનેની જવાબદારી સરખી રીતે નિભાવી એ રીતે જ નેહરૂએ પણ બેઉં જવાબદારી નિભાવી. શશિ તો ખૂદ કહે છે કે, હું બે જવાબદારીઓ એક સાથે નિભાવું નહીં તો હવે ગમતું નથી. એટલે તે સાંસદ પણ છે અને સાહિત્ય સાથે પણ સંકળાયેલા છે. ડિસ્કવરી ઓફ ઈન્ડિયાની ઓનલાઈન પીડીએફ પણ ઉપલબ્ધ છે. ગુજરાતીમાં અનુવાદ પણ છે. જગતના ઈતિહાસનું સંક્ષિપ્ત રેખાદર્શન. જેમ ગમે એમ વાંચી શકો છો.

The Hundred-Year-Old Man Who Climbed Out of the Window and Disappeared
શશિના ભાષણોમાં વ્યંગ ઓછો દેખાય છે પણ એ જ વ્યંગ-કટાક્ષ તેમના લખાણોમાં ખૂબ જોવા મળે છે. શશિ જોનસ જ્હોનસની પુસ્તકને પોતાની વાંચન લિસ્ટમાં એટલા માટે પણ મૂકે છે, કારણ કે તેણે લેખન દ્રારા પીજી વૂડહાઉસની ખાલી પડેલી જગ્યા પૂરી દીધી. શશિ કહે છે કે, ‘આ પુસ્તક વાંચતા સમયે જો તમે ખડખડાટ નથી હસતાં તો તમે કઠોર માણસ છો.’

The Man Who Knew Infinity
રોબર્ટ કનિંગલના આ પુસ્તક પરથી તો ફિલ્મ પણ બની ચૂકી છે અને સારી છે. શશિ કહે છે, ગણિત મને એટલું ગમતું નથી, પણ લેખકે આટલી સરસ રીતે રામાનુજનના જીવનને ઢાળ્યું છે કે હું શરૂઆત કર્યા પછી પુસ્તકને પૂર્ણ કરીને જ ઊઠ્યો.

The Book of Laughter and Forgetting
મિલન કુન્ડેરા યુરોપ ખંડના Czech નામના દેશનાં લેખક છે. નામ પરથી ભારતીય લાગે. પુસ્તક સાત પેટા ભાગમાં વિભાજીત થયેલ છે. Czech એટલે કે એમના જ વતનમાં પુસ્તક બેન કરી દેવામાં આવ્યું હતું. એટલે ફ્રાન્સમાં પ્રકાશિત થયું. ત્યાંથી અંગ્રેજીમાં આવ્યું અને હવે વિશ્વભરમાં ધુમ મચાવે છે. હવે તો પીડીએફ ફાઈલ પણ મળી જશે.

A Corner of a Foreign Field
રામચંદ્ર ગુહા ઈતિહાસ પર સુપર્બ લખે છે. મૂળ એમનો ધંધો ક્રિકેટ જોવાનો અને ક્રિકેટ વિશે લખવાનો પણ રહ્યો. અ કોર્નર ઓફ અ ફોરેન ફિલ્ડમાં એમણે ક્રિકેટના ઉદ્દભવ પર લખ્યું છે. એક બ્રિટીશ રમતનો ભારતીયો પર ધીમે ધીમે ન ફક્ત રમતજગતની દૃષ્ટી પણ સામાજીક રીતે પણ કેમ પ્રભાવ પડ્યો. શશી કહે છે કે, આ પુસ્તકમાં ભારતમાં ક્રિકેટના ઉદ્દભવને અદભુત રીતે આંકવામાં આવ્યું છે.
